અમેરિકાને હિઝબુલ મુજાહીદ્દીનને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કરવાની કેમ જરૂર પડી? આ રહ્યા કારણો

0
338

બુધવારે અમેરિકાએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહીદ્દીનને ફોરેન ટેરરીસ્ટ ઓર્ગેનાઈઝેશન એટલેકે FTO જાહેર કર્યું હતું. હજી બે મહિના પહેલાં જ આ સંગઠનના સર્વેસર્વા સઈદ સલાહુદ્દીનને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવામાં આવ્યો હતો. આ બંને ઘટનાને ભારતની નરેન્દ્ર મોદી સરકારની સૌથી મોટી રાજદ્વારી જીત તરીકે જોવામાં આવી રહી છે. ભારત માટે તો અમેરિકા આ પ્રકારનો પ્રતિબંધ હિઝબુલ પર મુકાય એ જરૂરી હતું પરંતુ અમેરિકા માટે આવું કડક પગલું લેવું કેમ જરૂરી બની ગયું તેના વિષે ઘણા લોકોના મનમાં પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે.

અમેરિકાએ હિઝબુલ મુજાહીદ્દીનને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કર્યું તેના કારણો

અમેરિકાએ હિઝબુલ પર પ્રતિબંધ કેમ મુક્યા તે પહેલા અમેરિકાનું સ્ટેટ ડીપાર્ટમેન્ટ હિઝબુલ અને સૈયદ સલાહુદ્દીન વિષે શું વિચારે છે એ જાણવું ખુબ જરૂરી છે. 1989માં સ્થાપિત કરવામાં આવેલા હિઝબુલ મુજાહીદ્દીન વિષે અમેરિકાનું સ્ટેટ ડીપાર્ટમેન્ટ કહે છે કે તે કાશ્મીરમાં કાર્યરત સૌથી મોટું અને સૌથી જૂનું આતંકવાદી સંગઠન છે.

સ્ટેટ ડીપાર્ટમેન્ટ હિઝબુલ મુજાહીદ્દીન – જે હિઝ્બ-ઉલ-મુજાહીદ્દીન અને HM તરીકે પણ ઓળખાય છે – તેને ઈમિગ્રેશન એન્ડ નેશનાલીટી એક્ટની કલમ 219 હેઠળ વિદેશી આતંકવાદી સંગઠન તેમજ એક્ઝીક્યુટીવ ઓર્ડર (E.O.) 13224ની કલમ 1(b) હેઠળ ખાસ જાહેર કરાયેલા વૈશ્વિક આતંકવાદી (SDGT) ઘોષિત કરે છે. આ ઘોષણા HMને આતંકવાદી હુમલાઓ કરવા માટે જરૂરી સ્તોત્રને અટકાવવાની માંગ કરે છે. આ ઉપરાંત અન્ય પરિણામોમાં અમેરિકી ન્યાયક્ષેત્રમાં આવતા HMની તમામ સંપત્તિઓ અને સંપત્તિઓમાં રહેલા તેના રોકાણોને પ્રતિબંધિત કરવામાં આવે છે, અને અમેરિકન નાગરિકોને આ સંગઠન સાથે કોઇપણ પ્રકારના વ્યવહારો કરવાથી દૂર રહેવાની સૂચના આપે છે.

હિઝબુલ મુજાહીદ્દીન એ ખાસ જાહેર કરવામાં આવેલા વૈશ્વિક આતંકવાદી મોહમ્મદ યુસુફ શાહ જે સૈયદ સલાહુદ્દીન તરીકે પણ ઓળખાય છે, ના નેતૃત્વ હેઠળ કાર્ય કરે છે. હિઝબુલ મુજાહીદ્દીને ઘણાબધા આતંકવાદી હુમલાઓની જવાબદારી લીધી છે જેમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં થયેલા એપ્રિલ 2014નો બોમ્બ ધડાકો પણ સામેલ છે, જેમાં 17 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

– અમેરિકન સ્ટેટ ડીપાર્ટમેન્ટની મીડિયા રીલીઝ

લાગતું વળગતું: ઈરાનનું ચાબહાર પોર્ટ ભારત માટે કેમ મહત્ત્વનું છે એ સમજવાના સાત કારણો

હિઝબુલ મુજાહીદ્દીન શું છે?

હિઝબુલ મુજાહીદ્દીનની સ્થાપના માસ્ટર એહસાન ડાર દ્વારા સપ્ટેમ્બર 1989માં થઇ હતી અને તે ડિસેમ્બર 1993માં સુરક્ષા દળોના હાથે ઝડપાઈ ગયો હતો. એક રીપોર્ટ અનુસાર હિઝબુલ મુજાહીદ્દીન પાકિસ્તાન સ્થિત જમાત-એ-ઇસ્લામીની આતંકવાદી શાખા છે. આ બંને સંસ્થાઓ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIના કહેવા અનુસાર કાર્ય કરે છે  અને તેનું મુખ્ય કાર્ય કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા ઉપરાંત જમ્મુ એન્ડ કાશ્મીર લિબરેશન ફ્રંટ (JKLF) વિરુદ્ધ કામ કરવાનું પણ છે. JKLF જમ્મુ અને કાશ્મીરની સંપૂર્ણ આઝાદી માંગે છે જ્યારે પાકિસ્તાનને જમ્મુ અને કાશ્મીરને પોતાનામાં સમાવી લેવાની અદમ્ય ઈચ્છા છે.

સાઉથ એશિયા ટેરરીઝમ પોર્ટલના (SATP) જણાવ્યા અનુસાર હિઝબુલ મુજાહીદ્દીન એ હાલમાં કાશ્મીરમાં કાર્યરત એવા સૌથી મોટા આતંકવાદી સંગઠનોમાંથી એક છે. તેના માટે કાર્ય કરતા લોકો સ્થાનિક હોવા ઉપરાંત વિદેશીઓ પણ છે. આ સંગઠન ભારતના પ્રિવેન્શન ઓફ ટેરરીઝમ એક્ટ, 2002 હેઠળ પ્રતિબંધિત કરવામાં આવેલા 32 સંગઠનોમાંથી એક છે.

SATP એમ પણ જણાવે છે કે શરૂઆતમાં હિઝબુલના સભ્યો JKLFમાંથી સીધાજ ભરતી થતા હતા. મોહમ્મદ યુસુફ શાહ એટલેકે સૈયદ સલાહુદ્દીને 1990માં હિઝબુલનું બંધારણ બનાવ્યું અને ત્યારબાદ તેના જમાત-એ-ઇસ્લામી અને જમાત બહારના કેટલાક લોકો વચ્ચે મતભેદ થયા અને હિઝબુલના બે ભાગ પડી ગયા અને બીજા ભાગનું નેતૃત્વ હિલાલ અહમદ મીરે કર્યું જે 1993માં માર્યો ગયો હતો. હિલાલ અહમદ મીરના મૃત્યુ બાદ સલાહુદ્દીન હિઝબુલ મુજાહીદ્દીનનો સર્વેસર્વા બની ગયો છે.

હિઝબુલ મુજાહીદ્દીનનું હેડકવાર્ટર પાકિસ્તાન દ્વારા કબ્જામાં લેવાયેલા કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં આવેલું છે અને તેનું મુખ્ય કાર્ય ભારતના જમ્મુ અને કાશ્મીરમાં અરાજકતા અને હિંસા ફેલાવીને તેને પાકિસ્તાનમાં ભેળવી દેવાનું છે. અમેરિકામાં જમાત-એ-ઇસ્લામીની જેમ જ ગુલામ નબી ફાઈના કાશ્મીર અમેરિકન કાઉન્સિલ અને અય્યુબ ઠાકુરના વર્લ્ડ કાશ્મીર ફ્રિડમ મુવમેન્ટનો ટેકો હાંસલ છે. સમય જતા હિઝબુલના સંબંધો ISIS, યુનાઇટેડ જેહાદ કાઉન્સિલ અને પાકિસ્તાનમાં કાર્યરત એવા નાનામોટા આતંકવાદી સંગઠનો સાથે વધારે મજબૂત બન્યા છે.

અમેરિકાએ ખાસ ભારત માટે હિઝબુલ મુજાહીદ્દીન પર પ્રતિબંધ મૂક્યો તેનો શો મતલબ?

અમેરિકન સ્ટેટ ડીપાર્ટમેન્ટની ઉપરોક્ત મીડિયા રીલીઝમાં જણાવ્યા અનુસાર હવે વિશ્વમાંથી કોઇપણ વ્યક્તિ કે સંગઠન હિઝબુલ મુજાહીદ્દીનને આર્થિક અથવાતો અન્ય કોઈજ મદદ નહીં કરી શકે જે તેને જમ્મુ અને કાશ્મીરમાં આતંક ફેલાવવામાં મદદ કરે. આ ઉપરાંત અમેરિકામાં આ સંસ્થાની પોતાના નામે કોઈ પ્રોપર્ટી હશે અથવાતો કોઈ પ્રોપર્ટીમાં તેનો હિસ્સો હશે તો તે અમેરિકન સરકાર ટાંચમાં લઇ લેશે અને અમેરિકન નાગરિકોને હિઝબુલ સાથે કોઇપણ પ્રકારના સંબંધ રાખવાની મનાઈ રહેશે.

અમેરિકન સ્ટેટ ડીપાર્ટમેન્ટના નોટીફીકેશનમાં પણ જણાવવામાં આવ્યું છે કે અમેરિકન નાગરિકો તેમજ આંતરરાષ્ટ્રીય સમાજને પણ જાણ કરવામાં આવી છે કે હિઝબુલ મુજાહીદ્દીન એક આતંકી સંગઠન છે અને આ સંસ્થા અને તેના માટે કાર્ય કરતા લોકોને એકલા પાડી દેવાનું જરૂરી બને છે અને આથી જ અમેરિકન નાણાંકીય સિસ્ટમથી તેમને દૂર રાખવાના તમામ પગલાં લેવા જરૂરીછે. આ ઉપરાંત અમેરિકન સરકાર તેની એજન્સી તેમજ અન્ય સરકારોને હિઝબુલ સામે થતી કોઇપણ કાયદેસરની કાર્યવાહીમાં મદદ કરશે.

‘એક્ઝીક્યુટીવ ઓર્ડર 13224’ શું છે?

જે એક્ઝીક્યુટીવ ઓર્ડર હેઠળ હિઝબુલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો તે ઓર્ડર પર 13224 સપ્ટેમ્બર 23, 2001ના દિવસે તે સમયના અમેરિકન પ્રમુખ જ્યોર્જ બુશ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ઓર્ડર આતંકવાદી પ્રવૃત્તિઓ સામે આંતરરાષ્ટ્રીય લડાઈનું નેતૃત્ત્વ કરવાની અમેરિકાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરવા માટે લાગુ કરવામાં આવ્યો હતો.

આ એક્ઝીક્યુટીવ ઓર્ડર અનુસાર કોઇપણ વ્યક્તિ કે સંસ્થા આતંકવાદી પ્રવૃત્તિ દ્વારા નુકસાન પહોંચાડી શકવાની નોંધપાત્ર શક્યતા પણ ધરાવતા હોય તેના આર્થિક નેટવર્કને છિન્નભિન્ન કરી નાખવા માટે અમેરિકન સરકારને મંજૂરી આપે છે અને તેના દ્વારા આ પ્રકારના વ્યક્તિઓની ઓળખ કરવાની તેમજ આ પ્રકારના વિદેશી વ્યક્તિઓ તેમજ સંસ્થાઓની મિલકતો ટાંચમાં લેવાનો હક્ક પણ આપે છે.

આમ, હિઝબુલ મુજાહીદ્દીન ભલે સીધીરીતે અમેરિકા માટે ભય પ્રદર્શિત ન કરતું હોય પરંતુ પ્રમુખ જ્યોર્જ બુશે હસ્તાક્ષર કરેલા તે એક્ઝીક્યુટીવ ઓર્ડરમાં અમેરિકાએ વિશ્વની આતંકવાદ સામેની કોઇપણ લડતને સમર્થન કરવાનું વચન આપ્યું હોવાથી અને ભારત છેલ્લા ઘણા વર્ષોથી તેનું નજીકનું સાથીદાર બની ગયું હોવાથી અમેરિકાએ પહેલા સૈયદ સલાહુદ્દીન અને હવે તેની સંસ્થા હિઝબુલ મુજાહીદ્દીન પર પ્રતિબંધ મૂકી દીધો છે.

eછાપું

તમને ગમશે: ભક્ત અંધ જ હોય પણ દ્વેષીને ચાર આંખો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here