નાના વ્યાપારીઓ દ્વારા ધ્યાનમાં લેવા જેવી 15 સલાહ

    0
    345

    નાના વ્યાપારીઓ ઘણીવાર પોતાના વ્યાપારમાં નિષ્ફળ ગયા હોય તેવી ઘટનાઓ આપણે જોઈ છે. એવું નથી હોતું કે આ વ્યાપારીઓ પોતપોતાના ક્ષેત્રમાં નિષ્ણાત નથી હોતા, જો તેઓ પોતાના વ્યાપાર વિષે કશું જાણતા જ ન હોય અને તેમ છતાં તે વ્યાપારમાં તેમણે કોઈ રોકાણ કર્યું હોય તો બેશક એ તેમની ભૂલ કહેવાય. પરંતુ આપણે એવા નાના વ્યાપારીઓની વાત કરવાની છે જે પોતે શું કરી રહ્યા છે અથવાતો શું કરવા જઈ રહ્યા છે તેનું જ્ઞાન તો તેમને છે પરંતુ વ્યાપારની કેટલીક નાનીનાની બાબતો પર તેઓ ધ્યાન કોઈને કોઈ કારણસર આપી શકતા નથી અને પરિણામે તેઓ નિષ્ફળ જતા હોય છે.

    આજે આપણે એવી જ 15 સલાહ પર નજર નાખવાની છે જે નાના વ્યાપારીઓની આવી નાની નાની ભૂલોને સુધારે અને તેમની કંપનીને તકલીફોમાંથી બહાર કાઢે. ઘણી તકલીફોના સીધેસીધા ઉપાયો અહીં બતાવવામાં આવ્યા છે તો કેટલાક ઉપાયો આઉટ ઓફ ધ બોક્સ થીંકીંગમાંથી મળી આવ્યા છે. પરંતુ એક બાબત નક્કી છે કે આ તમામ ઉપાયો સાચા છે અને તમને ભવિષ્યમાં કોઇપણ પ્રકારની તકલીફ નહીં પડવા દે.

    15 સોનેરી સલાહો જે નાના વ્યાપારીઓએ કાયમ ધ્યાનમાં લેવી જરૂરી છે

    1. બેન્કમાં કાયમ નાણા હોવા જરૂરી છે કારણકે નાણાની તરલતા જો નહીં હોય તો ભલભલા વ્યાપારો બંધ પડી જાય છે. નાના વ્યાપારીઓ પોતાને “કેશની ક્યાં એટલી જરૂર છે?” એમ વિચારીને બેન્કમાં ખાસ રકમ રાખતા નથી, આવું બિલકુલ કરતા નહીં.
    2. નકામા કર્મચારીઓને ઉતાવળમાં કાઢી ન મૂકો કારણકે તેમની ઓછી કાર્યક્ષમતા પાછળ અન્ય કારણો પણ જવાબદાર હોઈ શકે છે જેનો તમને કદાચ ખ્યાલ નથી. તેની સાથે વાત કરો અને પછી કોઈ નિર્ણય લ્યો.
    3. ઘણીવાર આપણામાં પણ કોઈ પ્રોબ્લેમ હોઈ શકે છે જે આપણા કર્મચારીઓને કામ કરતા રોકે છે અથવાતો તેમનો રસ ઓછો કરી નાખે છે. બહેતર એ રહેશે કે કોઈ કર્મચારીને કાઢી મુકતા અગાઉ આપણે જાતતપાસ કરવી જરૂરી છે. આ ઉપરાંત દર ત્રણ મહીને તમામ કર્મચારીઓ સાથે એક દિવસનો ટ્રેનીંગ પ્રોગ્રામ કરવો પણ જરૂરી છે જેનાથી ઘણી તકલીફોના ઉપાય મળી જશે.
    4. તમારા સ્ટાર કર્મચારીનું ધ્યાન રાખો કારણકે તેની હોંશિયારીને લીધે જ તમારી કંપનીને ઘણું મળ્યું છે. હા કોઇપણ લીમીટની બહાર જઈને કોઈને ખુશ નથી કરવાના એ તો તમને ખબર છે જ!
    5. કર્મચારીઓ અને સાથીઓને તેમના પદ પ્રમાણે સન્માન આપો અને ક્યારેય ગુસ્સામાં આવીને તેમની સાથે વાત ન કરો અને તેમને એબ્યુસ તો ક્યારેય ન કરો.
    6. હા અને ના પાડતા શીખો કારણકે વ્યાપાર ચલાવતી વખતે નિર્ણય શક્તિ મજબૂત હોવી ખૂબ જરૂરી છે અને આથી જ તમારી એક હા અથવાતો એક ના તમારા વ્યાપાર પર ઘણી મોટી અસર પાડી શકે છે. શું કરવું છે અને શું નથી કરવું તે અંગે કાયમ સ્પષ્ટ માનસિકતા ઉભી કરો.
    7. તમારા ગ્રાહકોનું કાયમ સાંભળો કારણકે મોટાભાગના ગ્રાહકોને ફરિયાદ કરવી ગમતી નથી પરંતુ જો તે તમારી કોઈ પ્રોડક્ટ અંગે ફરિયાદ કરી રહ્યો છે તો તેની પાછળ કોઈ કારણ હશે જ, એ કારણને જાણો અને તેનો ઉકેલ લાવો. જે ગ્રાહક ફરિયાદ નથી કરતો તેની પાસેથી પણ રેગ્યુલર ફિડબેક લેવાનો આગ્રહ કરો આમ કરવાથી તમારા તેની સાથેના સંબંધ પણ હુંફાળા થશે અને તમારા વ્યાપારના વિકાસમાં પણ મદદ થશે.
    8. કર્મચારીઓને વારંવાર તેમના સારા કાર્ય માટે ઇનામ આપતા રહો કારણકે તેનાથી તેમનો ઉત્સાહ વધે છે અને તેઓ વધુ સારું કાર્ય કરવા પ્રેરાય છે. કોઇપણ કર્મચારીને ઇનામ આપતી વખતે તમને તે ગમે છે કે નથી ગમતો તેને ધ્યાનમાં ન લાવો. અને હા તમારા બિઝનેસમાં બને ત્યાંસુધી કોઈ સગા સંબંધીને કામ પર ન રાખો.
    9. પારદર્શિતા સારી છે પરંતુ કાયમ નહીં કારણકે ઘણીવાર વધુ પડતી પારદર્શિતા જાળવવાથી તમારા વિરોધીઓને તમારા બિઝનેસ પ્લાનની ખબર પડી જઈ શકે છે અને તેનાથી તમારા ધંધા પર વિપરીત અસર પડી શકે છે.
    10. તમારા અંતરાત્મા પર વિશ્વાસ કરવો પણ જરૂરી છે. ઘણીવાર આપણો અંતરાત્મા આપણને કોઈ ડીલ કરવા કે ન કરવા માટે સતત અને ઉંચા અવાજે બોલતો હોય છે પરંતુ આપણે કોઈ ત્વરિત લાભ લેવાની ઉતાવળમાં તેને ઇગ્નોર કરી દેતા હોય છે અને છેવટે નુકસાન ભોગવતા હોઈએ છે. આવું બિલકુલ ન કરો. અંતરાત્માનો અવાજ મોટેભાગે તમને મદદ જ કરતો હોય છે.
    11. જો તમારી પ્રોડક્ટ તમારી ખુદે બનાવેલી હોય તો કોપીરાઇટ, ટ્રેડમાર્ક, પેટન્ટ વગેરે રજીસ્ટર કરવામાં બિલકુલ સમય ન બગાડો. તમારે તમારી પ્રોડક્ટને એ રીતે જ રક્ષણ આપવાનું છે જેટલું તમારે તમારા પરિવારને રક્ષણ આપવાનું છે નહીં તો તમે સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ જશો.
    12. તમે જે કોઇપણ એગ્રીમેન્ટ કરો છો તેને ધ્યાનથી વાંચો અને બને ત્યાંસુધી તે તમારા સંબંધો વધારનાર હોય એવી શરતોવાળા એગ્રીમેન્ટ રાખો કારણકે તમે એકલા વ્યાપાર નથી કરી રહ્યા તમે જેની સાથે વ્યાપારનો કરાર કરી રહ્યા છે તે પણ વ્યાપારી જ છે અને જો તેને તમે કમાવા નહીં દો તો આ સંબંધ લાંબો નહીં ચાલે.
    13. વ્યાપારને વ્યાપારની રીતે જ ચલાવો કોઈ કુટુંબ મેળાની જેમ નહીં. વ્યાપાર ચલાવવાના કેટલાક બેઝીક નિયમો છે અને તેને કાયમ ફોલો કરો કારણકે તેના વગર તમારો અને તમારા વ્યાપારનો ઉધ્ધાર નથી.
    14. ભલે તમે એકાઉન્ટન્ટ રાખ્યો હોય પરંતુ તમારા એકાઉન્ટ્સ પર તમારી સતત નજર રહેવી જોઈએ એટલા માટે નહીં કે તમારે તમારા એકાઉન્ટન્ટ પર આંધળો ભરોસો ન રાખવો જોઈએ પરંતુ એટલા માટે કારણકે તમને ખ્યાલ રહે કે તમારા વ્યાપારના નાણા ક્યાંથી આવી રહ્યા છે અને ક્યાં જઈ રહ્યા છે જેથી તમને તમારો વ્યાપાર વધારવા કે કન્ટ્રોલ કરવાનો ખ્યાલ રહે.
    15. બધું જાણવાની કોશિશ ન કરો કારણકે તમે બધું જ જાણી શકવાના નથી તે પાક્કું જ છે. તમારા જ્ઞાનને જો વધારવાની ઈચ્છા હોય જ તો પછી તેને ધીમેધીમે વધારો અને તેને ધીમેધીમે વ્યાપારમાં અમલમાં મુકો.

    દરેક નિષ્ફળ વ્યાપાર પાછળ એક નિષ્ફળ વ્યાપારી વિચાર હોય છે. શું તમે પણ એવું ઈચ્છો છો?

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here