ખરેખર શું છે આ ભારતની સર્વપ્રથમ રો-રો ફેરી સર્વિસ?

    0
    767

    ગઈકાલે ભારતની સર્વપ્રથમ રો-રો ફેરી સર્વિસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શરુ થઇ. આ સેવા ભાવનગરના ઘોઘા અને ભરૂચના દહેજ વચ્ચે ચાલશે. આમ તો આ સેવા એક પ્રકારની ટ્રાન્સપોર્ટ સેવા જ છે પરંતુ તેનું અલગ પ્રકારનું નામ હોવાથી તે ખરેખર શું છે તેના વિષે ઘણા લોકોના મન સ્પષ્ટ નથી. તો ચાલો જાણીએ આ રો-રો સર્વિસની એ તમામ માહિતી જે તમે જાણવા માંગો છો.

    ગુજરાતની રો-રો સર્વિસ અંગે સંપૂર્ણ માહિતી

    રો-રો સર્વિસ એટલે શું?

    રો-રો એટલેકે Ro-Ro નું પૂરું નામ રોલ ઓન-રોલ ઓફ થાય છે. હવે આ રોલ ઓન-રોલ ઓફ એટલે શું તેના અર્થમાં ઉંડા ઉતરીએ તો તેનો સિમ્પલ મતલબ એ થાય છે કે તેમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ તેમજ વાહનો ખુદ તેમાં ચાલીને પ્રવેશ કરે છે. રો-રો થી વિરુદ્ધ શબ્દ છે લો-લો એટલેકે Lo-Lo સર્વિસ જેનો મતલબ છે લિફ્ટ ઓન-લિફ્ટ ઓફ, જેને સરળ શબ્દોમાં એમ કહી શકાય કે આ પ્રકારના વેસલમાં વાહનોને ક્રેન દ્વારા ઉપાડીને લોડ કરવામાં આવે છે. રો-રો શબ્દનો સરળ અર્થ સમજ્યા બાદ હવે સમજીએ કે ગુજરાતની આ નવી રો-રો ફેરી સર્વિસ શું છે.

    ઘોઘા અને દહેજ વચ્ચે ચાલશે ભારતની એકમાત્ર રો-રો ફેરી

    ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રો-રો સર્વિસનું ઉદ્ઘાટન કર્યું તે ભાવનગર જીલ્લામાં આવેલા ઘોઘા અને ભરૂચ જીલ્લામાં આવેલા દહેજ વચ્ચે ચાલશે. ખંભાતના અખાતની બંને દિશાઓને આ સર્વિસ જોડશે. ઘોઘા અને દહેજ એકબીજાથી 17 નોટીકલ માઈલ્સ દૂર છે એટલે અંદાજે 32 કિલોમીટર. હાલમાં ધોરીમાર્ગે ખંભાતના અખાતને ફરીને ભાવનગરથી ભરૂચ અથવાતો સુરત જવામાં લગભગ સાત થી આઠ કલાક લાગે છે પરંતુ હવે આ જ સફર માત્ર એક કલાક થી સહેજ વધુ લાંબી બની રહેશે.

    ફેરી સર્વિસમાં કોણ કોણ અવરજવર કરી શકશે?

    હાલમાં શરુ થયેલી ફેરી સર્વિસમાં માત્ર પ્રવાસીઓ જ પ્રવાસ કરી શકશે પરંતુ ડિસેમ્બર મહીનાથી 250 પેસેન્જર્સની સાથે સાથે 100 વાહનો પણ તેમાં જઈ શકશે. આ વાહનોમાં કાર, બસ અને ટ્રકનો સમાવેશ થાય છે. આમ ઉપર આપણે જે રો-રો ની વ્યાખ્યા જાણી તે મુજબ વાહનો જાતેજ ફેરીમાં સવાર થશે અને સફર પત્યા બાદ જાતેજ ડ્રાઈવ થઈને નીચે ઉતરી જશે.

    આ રો-રો સર્વિસ પર થયેલો ખર્ચ અને મેન્ટેનન્સ

    ગઈકાલે શરુ થયેલી રો-રો ફેરી સર્વિસનો કુલ ખર્ચ રૂપિયા 614 કરોડનો થયો છે. કેન્દ્ર સરકારે તેના માટે રૂ. 117 કરોડ ફાળવ્યા છે જેનો મોટો હિસ્સો ઘોઘા અને દહેજ પોર્ટ ખાતે ડ્રેજીંગ માટે કરવામાં આવ્યો છે. ડ્રેજીંગ એટલે પોર્ટની સુવિધા ઉભી કરવા માટે સમુદ્રમાંથી કાંપ અને અન્ય કચરો દૂર કરવાની પદ્ધતિ. આ પ્રોજેક્ટ અંગેના ટેન્ડર્સ 2011માં ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રોજેક્ટનું મેન્ટેનન્સ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા કરવામાં આવશે.

    ઘોઘા-દહેજ રો-રો સર્વિસનું પ્રવાસી તેમજ વાહનોનું ભાડું

    હાલમાં મળતી માહિતી મુજબ ઘોઘા અને દહેજ વચ્ચેની રો-રો સર્વિસનું એકસમયનું ભાડું પ્રતિ વ્યક્તિ રૂ. 600 હશે. ભવિષ્યમાં જો આ સુવિધા લોકપ્રિય થાય તો આ ભાડું ઓછું થવાની શક્યતા છે. હાલમાં વાહનો માટેની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી પ્રતિ વાહન કેટલું ભાડું લેવામાં આવશે તે સ્પષ્ટ નથી, પરંતુ એકવાર વાહનો પણ આ રો-રો ફેરી સર્વિસનો હિસ્સો બનશે તેવો નિર્ણય લેવાઈ જશે એટલે તરતજ તેના ભાવ અંગેનો નિર્ણય લેવામાં આવશે. જ્યારે વાહનો પણ આ સર્વિસનો હિસ્સો બનશે ત્યારે સામાન્ય મુસાફરો માટે ભાવનગર અને ભરૂચ/સુરત અત્યંત નજીક આવી જશે કારણકે તેમણે ભાવનગર અથવાતો ભરૂચ કે સુરતથી બસમાં બેસવાનું રહેશે અને એ જ બસ ફેરીમાં સવાર થઇ જશે અને માત્ર બે થી ત્રણ કલાકના કુલ સમયમાં તે સામે પાર પહોંચી જશે.

    નવી સુવિધાની સફળતાની શક્યતા

    ભૂતકાળમાં ગુજરાત સરકાર દ્વારા આ રીતે જળમાર્ગ દ્વારા વાહનવ્યવહાર શરુ કરવાના બે પ્રયાસો થયા હતા. ગુજરાતનો દરિયા કિનારો 1,600 કિલોમીટર લાંબો છે આથી તેનો બને તેટલો ઉપયોગ થવો જોઈએ તે સ્વાભાવિક છે. ભૂતકાળમાં આ જ માર્ગે 1990ના દાયકામાં હોવરક્રાફ્ટ સુવિધા શરુ હતી હતી. તો ગત વર્ષે જ ઓખા અને કચ્છના માંડવી વચ્ચે પણ કચ્છના અખાતમાં ‘કચ્છ-સાગર સેતુ’ ના નામે એક પ્રાઇવેટ પેસેન્જર ફેરી સર્વિસ શરુ થઇ હતી જેને ગુજરાત સરકારે સમર્થન આપ્યું હતું. પરંતુ ટેક્નીકલ, મેનેજમેન્ટ અને નાણાકીય તકલીફોને લીધે આ બંને સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી.

    પરંતુ અગાઉના પ્રયાસો નિષ્ફળ ગયા હોવાથી આવનારા દિવસોમાં થનારા આ પ્રકારના પ્રયાસો પણ નિષ્ફળ જશે અથવાતો નિષ્ફળતાના ડરથી પ્રયાસો કરવા જ નહીં એવું પણ ન હોવું જોઈએ. આથી ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ સફળતાનું નવું સોપાન સર કરે તેવી આપણા બધાની ઈચ્છા અને પ્રાર્થના હોવી જ જોઈએ.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here