ઓક્સફર્ડ ડિક્શનરી સમજાવે છે 7 ભારતીય વાનગીઓનો મતલબ

    0
    420

    એક જમાનો હતો જ્યારે રસાવાળી તમામ ભારતીય વાનગીઓને ઓક્સફર્ડ ડિક્શનરી ‘Indian Curry’ તરીકે ઓળખતી. માત્ર ભારતીય વાનગીઓ જ નહીં પરંતુ એવા ઘણા બધા ભારતીય શબ્દો હતા જેના બેમતલબના મતલબ ઓક્સફર્ડ ડિક્શનરી અને બ્રિટીશરો સમજાવતા અને જાણતા હતા. સમય જતા ભારતના અર્થતંત્રનું કદ વધ્યું અને ઘણા બધા ભારતીયો વિદેશોમાં જઈને વસવા લાગ્યા અને વિદેશીઓ ભારતની યાત્રા પણ કરવા લાગ્યા જેમાં યુકેનો પણ સમાવેશ થતો હતો.

    યુકેમાં રહેલા સ્થાનિકો સાથે ભારતીય મૂળના લોકો આસાનીથી ભળવા લાગ્યા અને આથી ત્યાંના નાગરિકોને ભારતીય શબ્દો સાથે ઓળખ થવા લાગી અને તેઓ પણ પોતાના રોજીંદા ઉપયોગમાં તેને લેવા લાગ્યા. આમ ધીરેધીરે ભારતીય શબ્દો યુકેમાં પણ લોકપ્રિય થયા અને ઓક્સફર્ડ ડિક્શનરીએ તેની નોંધ લેવી પડી.

    આવી જ રીતે હાલમાં ઓક્સફર્ડ ડિક્શનરી દ્વારા છ ભારતીય વાનગીઓના મતલબ ઉમેરવામાં આવ્યા છે. ભારતીય વાનગીઓને આ રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચતી જોઇને આપણને બધાને આનંદ થાય જ એમાં શંકાને કોઈ સ્થાન ન હોય. તો ચાલો જોઈએ એ છ વાનગીઓ અને તેના મતલબજેને ઓક્સફર્ડ ડિક્શનરીમાં સ્થાન મળ્યું છે.

    એ 7 વાનગીઓ જેને ઓક્સફર્ડ ડિક્શનરીમાં સ્થાન મળ્યું છે

    Keema અથવાતો ખીમા કે પછી ખીમો

    ભારતનો અતિશય લોકપ્રિય નોનવેજ આહાર એટલેકે ખીમો. ઓક્સફર્ડ ડિક્શનરીમાં આ ખીમા ને Keema તરીકે ઓળખવામાં આવ્યો છે અને તેનો મતલબ એવો આપવામાં આવ્યો છે કે, Keema એટલે “છુંદેલું મીટ – તુર્કીશ ઓરીજીનનો શબ્દ જે છુંદેલા મીટ માટે વાપરવામાં આવે છે. ખીમો કબાબ, સમોસા અને નાન જેવા મોઢામાં પાણી લાવી દેતા આહારોમાં ફીલિંગ માટે વપરાય છે.

    પૂરી (Poori)

    પૂરીનો મતલબ શોધવા માટે ડિક્શનરીના સંશોધકોએ સારી એવી મહેનત કરી હોય એવું લાગે છે. ડિક્શનરીમાં જણાવવામાં આવ્યું છે કે, “પૂરી શબ્દ સંસ્કૃત શબ્દ ‘પૂરિકા’ પરથી લેવામાં આવ્યો છે. એક એવી ભારતીય બ્રેડ જે આકારમાં ગોળ હોય છે અને તે કોઇપણ પ્રકારની યીસ્ટની મદદ વગર બનાવવામાં આવે છે અને તે શાકભાજી કે મીટ સાથે ખાઈ શકાય છે.”

    ઘી (Ghee)

    ખાસ કરીને ઉત્તર ભારતમાં વ્યંજનો બનાવવા માટે તેમજ મીઠાઈઓ માટે ઘી નો છૂટથી વપરાશ થતો હોય છે. હાલના સમયમાં ઘી ને ચરબી વધારતા પદાર્થ તરીકે ઉતારી પાડવામાં આવે છે પરંતુ ખોરાકમાં જો ઘી નો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે અત્યંત ગુણકારી સાબિત થાય છે. ઓક્સફર્ડ ડિક્શનરીમાં ઘી નો મતલબ આ પ્રમાણે કહેવાયો છે: “ગાય અથવાતો ભેંસના દૂધમાંથી બનેલા માખણને શુદ્ધ કરીને બનાવવામાં આવેલો પદાર્થ.”

    મસાલા (Masala)

    કોઇપણ વ્યંજનને સ્વાદિષ્ટ બનાવવા માટે મસાલાનો ઉપયોગ આપણા દેશમાં અનિવાર્ય છે. વિદેશોમાં, ખાસ કરીને અમેરિકામાં મસાલાને ‘flavor boosters’ તરીકે ઓળખવામાં આવે છે જે તેની યોગ્ય વ્યાખ્યા છે. ઓક્સફર્ડ ડિક્શનરીમાં મસાલાને ઉર્દુ મૂળનો શબ્દ કહીને તેને સ્પાઈસીઝનું મિશ્રણ જે ભારતીય રસોઈમાં વાપરવામાં આવે છે તેમ કહેવામાં આવ્યું છે.

    ભેલપૂરી (Bhelpuri)

    ભારતીયોનું ફેવરીટ જંક અથવાતો સ્ટ્રીટ ફૂડ. ઓક્સફર્ડ ડીક્ષનરીમાં ભેલપૂરીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. અહીં તેનો મતલબ “એક એવી ભારતીય ડીશ જેમાં ફૂલેલા મમરા, ડુંગળી, મસાલાઓ અને ગરમ ચટણી નાખીને ખાવામાં આવે છે” એ પ્રકારનો કરવામાં આવ્યો છે.

    પાપડ (Papad or Poppadom)

    ઉત્તર ભારતમાં પાપડ અને દક્ષિણ ભારતમાં પોપ્પાડમ તરીકે ઓળખાતી આ વાનગીને ઓક્સફર્ડની ડિક્શનરીમાં આમ કહીને ઓળખવામાં આવી છે, “એક મોટો ગોળ આકારનો ટુકડો જે પાતળી બ્રેડ જેવો છે અને તે મગમાંથી બનાવવામાં આવે છે અને તેને તેલમાં તળવામાં આવે છે.”

    ચટણી (Chutney)

    ભારતીયોનો ભોજનથાળ ચટણી વગર અધૂરો છે અને આથી જ ઓક્સફર્ડવાળાએ ચટણીને પણ પોતાની ડિક્શનરીમાં સ્થાન આપ્યું છે. ડિક્શનરીમાં ચટણી વિષે કહેવાયું છે કે, “આ એક તીખા ભારતીય મસાલાનો એક પ્રકાર છે જે ફળો અને શાકભાજીઓથી બને છે અને તેમાં વિનેગર, મસાલાઓ અને ખાંડ ઉમેરવામાં આવે છે.”

    તો કેવી લાગી તમને અમારી આ સ્વાદની સફર? તમારા મંતવ્યો નીચે કમેન્ટ્સ સેક્શનમાં અથવાતો અમારા ફેસબુક અને ટ્વીટર પેજ પર જરૂરથી આપશો.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here