જીણાના પુત્રી દિના વાડિયા અંગેની રસપ્રદ હકીકતો તમે જાણો છો?

    0
    532

    ગઈકાલે મોડી સાંજે વાડિયા ગ્રુપના પ્રવક્તાએ જાહેરાત કરી કે પાકિસ્તાનના રચયિતા મોહમ્મદ અલી જીણાના પુત્રી દિના વાડિયાનું ન્યૂયોર્ક ખાતેના તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. દિના વાડિયા 98 વર્ષના હતા. વાડિયા ગ્રુપના ચેરમેન નસ્લી વાડિયાના દિના વાડિયા માતા હતા અને તેમને એક પુત્રી પણ છે જેનું નામ ડાયના વાડિયા છે. દિના મોહમ્મદ અલી જીણાનું એકમાત્ર સંતાન હતા. દિનાના લગ્ન નસ્લી વાડિયાના પિતા નેવિલ વાડિયા સાથે 1931માં થયા હતા.

    દિના વાડિયા પોતે મુસ્લિમ પિતાના સંતાન હતા અને એમણે એ જમાનામાં એક પારસી યુવાન સાથે લગ્ન કર્યા હતા જ્યારે આંતરધર્મીય તો છોડો આંતરજ્ઞાતિય લગ્નો પણ પ્રતિબંધિત હતા. દિનામાં કદાચ તેમના પિતા મોહમ્મદ અલી જીણાનો જ બળવાખોર સ્વભાવ હતો જેમણે તેમને તેમના પિતાની ઈચ્છા વિરુદ્ધ નેવિલ સાથે લગ્ન કરવા માટે મજબૂર કરી દીધા હતા.

    આવો જાણીએ દિના વાડિયા વિષે કેટલીક રસપ્રદ અને અજાણી હકીકતો.

    • ગઈ સદીની શરૂઆતમાં મોહમ્મદ અલી જીણાએ માત્ર 16 વર્ષની પારસી કન્યા રત્તી પેતીત સાથે મુંબઈમાં લગ્ન કર્યા હતા. રત્તી પણ પોતાના પિતા દિનશા પેતીતના એકમાત્ર સંતાન હતા. દિનશા એ મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ હતા જેમણે મુંબઈમાં સૌથી પહેલી ટેક્સટાઈલ મિલ શરુ કરી હતી. જીણા સાથે લગ્ન કરવા માટે રત્તી એ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને તે સમયે સમગ્ર પારસી સમાજ તેની વિરુદ્ધ થઇ ગયો હતો. બાદમાં રત્તીને પારસી ધર્મમાંથી બેદખલ પણ કરવામાં આવ્યા હતા.
    • જીણા અને રત્તીનો પ્રેમ એટલો બધો ફૂલ્યો ફાલ્યો હતો કે દિનાના જન્મ પછી પણ તે ચાલુ રહ્યો હતો અને જીણા દંપત્તિએ પોતાની એકમાત્ર પુત્રીને આયાઓને હવાલે કરી દીધી હતી. દિના પ્રત્યેની મોહમ્મદ અલી જીણા અને રત્તીની અવગણના એટલી બધી હતી કે દસ વર્ષની ઉંમર સુધી દિનાને યોગ્ય નામ પણ મળ્યું ન હતું. માત્ર 29 વર્ષની ઉંમરે રત્તીનું દુઃખદ સંજોગોમાં અવસાન થયું હતું.
    • રત્તી અને મોહમ્મદ અલી જીણાના લગ્ન થયા ત્યારે એ બંને વચ્ચે પિતા-પુત્રીની ઉંમર જેટલો ફરક હતો. રત્તીના મૃત્યુ બાદ જીણા વધુને વધુ એકલા રહેવા લાગ્યા અને અમુક અંશે તેઓ અભિમાની પણ થતા ગયા હતા. અલગ પાકિસ્તાન બનાવવાનું ભૂત સવાર થતા જીણા જુનવાણી વિચારો ધરાવતા ખોજા પરિવારના કેટલાક રીવાજો પણ માનવા લાગ્યા અને આ બધાની અસર દિનાના માનસિક સ્વભાવ પર પણ પડી હતી.
    • રત્તીના મૃત્યુ બાદ દિનાનો ઉછેર તેના નાની એટલેકે દિનબાઈ પેતિત પર આવી પડ્યો દિનાના સમગ્ર ઉછેરમાં દિનબાઈની ઉંડી છાપ હતી. શરૂઆતનું બાળપણ દુઃખી હોવા છતાં બાદમાં યુવાની સુધી દિનબાઈની નિશ્રામાં ખુદ દિના વાડિયાના કહેવા અનુસાર તેઓ આનંદથી રહ્યા હતા અને મોટેભાગે પારસી સંસ્કારો તેમને મળ્યા હતા.
    • જ્યારે દિના 17 વર્ષના થયા ત્યારે તેમણે એક પારસી યુવાન નેવિલ વાડિયા સાથે લગ્ન કરવાની ઈચ્છા મોહમ્મદ અલી જીણા સામે વ્યક્ત કરી. ભારતના પૂર્વ ચીફ જસ્ટીસ મોહમ્મદ કરીમ ચાગલાના કહેવા અનુસાર આ સમયે જીણાએ પુત્રીને સવાલ કર્યો હતો કે દેશમાં આટલા બધા મુસ્લિમ યુવાનો છે અને તને તેમાંથી પરણવા લાયક એક પણ યુવાન ન મળ્યો? દિના પણ તેમના જ પુત્રી હતા, તેમણે મોહમ્મદ અલી જીણાને વળતો સવાલ કર્યો હતો કે દેશભરમાં આટલી બધી મુસ્લિમ યુવતીઓ હતી તો તમને લગ્ન કરવા માટે તે સમયે તેમાંથી એક પણ યુવતી ન મળી?

    ઈશ્વર દિના વાડિયાના આત્માને શાંતિ અર્પે!

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here