સોશિયલ મીડિયાનો વધારે પડતો વપરાશ કિશોરો માટે હાનીકારક નથી

    0
    432

    આપણા કિશોર ઉંમરના સંતાનો મોબાઈલ પર કે કમ્પ્યુટર, લેપટોપ પર સોશિયલ મીડિયા પર વધારે સમય ગાળતા હોય તો આપણને તેમની ખૂબ ચિંતા થતી હોય છે. આવામાં અખબારોમાં પણ આપણને રીતસર ડરાવતા સંશોધનો છપાય કે અમુક કલાકથી વધુ સમય જો તમારું બાળક સોશિયલ મીડિયા પર ચોંટીને બેઠું હોય તો સાવધાન! આ પ્રકારના સંશોધનોમાં એમ ખાસ જણાવ્યું હોય છે કે સોશિયલ મીડિયાનો વધુ પડતો વપરાશ તમારા બાળકોનો માનસિક વિકાસ અટકાવી શકે અથવાતો તેના માનસિક સ્વાસ્થ્યને ખરાબ અસર પણ પહોંચાડી શકે છે. બસ! આવું વાંચવાની સાથે જ આપણે આપણા બાળકોના હાથમાંથી મોબાઈલ છીનવી લઈએ છીએ અને પછી બે ત્રણ દિવસ પછી ફરીથી બધું એમનું એમ.

    પરંતુ તાજેતરમાં ધ્યાનમાં આવેલા એક સંશોધન અનુસાર ઉપર જણાવવામાં આવેલા સંશોધનમાં કોઈ માલ નથી. અમેરિકાની યુનિવર્સીટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડાના ક્લોઇ બેરીમેન જણાવે છે કે અત્યારસુધીમાં એવું એક પણ પ્રમાણ મળ્યું નથી કે કિશોરો જો વધુ સમય સોશિયલ મીડિયા પર ગાળતા હોય તો તેમની માનસિક તંદુરસ્તી પર કોઈ અસર પડે છે.

    સંશોધકોએ એમ પણ જણાવ્યું છે કે એકલતા, દયાભાવના ઘટવી અથવાતો સામાજીક ચિંતા વધવા પાછળ બાળક, કિશોરો કે પુખ્તવયની વ્યક્તિઓના સોશિયલ મીડિયાના વપરાશ સાથે બહુ ઓછો સંબંધ જોવા મળ્યો છે.

    બેરીમેન આગળ જણાવે છે કે તેઓ એ બાબતને નકારતા નથી કે સોશિયલ મીડિયાના અતિશય વપરાશથી માનસિકતામાં બદલાવ આવવાની શક્યતા સાવ નથી હોતી, પરંતુ અમે એ બાબતે ભાર મુકીએ છીએ કે સંશોધન એ બાબતે થાય કે દરેક વ્યક્તિના અંગત અને સામાજીક પ્રોબ્લેમ્સ માટે માત્ર અને માત્ર સોશિયલ મીડિયા જ જવાબદાર નથી તે સાબિત થાય. બેરીમેનના જણાવ્યા અનુસાર સંશોધનમાં મદદ કરનાર ઘણી વ્યક્તિઓએ તેમની સામાજીક તકલીફો માટે વિડીયો ગેમ્સ, કોમિક બુક્સ અને રોક મ્યુઝીકને સોશિયલ મીડિયા કરતા વધારે જવાબદાર ગણાવ્યું હતું.

    ક્લોઇ બેરીમેન અને તેમના સાથીદારોએ પોતાના સંશોધન માટે 467 કિશોરોનો સાથ લીધો હતો અને તેમને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછ્યા હતા અને આ પ્રશ્નોના મળેલા જવાબ ઉપર તેમણે પોતાનું સંશોધન હાથ ધર્યું હતું.

    આ સવાલોમાં દરેક વ્યક્તિ કેટલો સમય વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગઈ છે, તેમનું તેમના જીવનમાં રહેલું મહત્ત્વ અને તેઓ કેવી રીતે આ સુવિધાનો ઉપયોગ કરે છે તે પ્રકારના સવાલો સામેલ હતા. અહીં સામાન્ય માનસિક આરોગ્ય, આત્મહત્યા કરવાની ઈચ્છા, એકલતા, સામાજીક ચિંતા અને ઘટતી જતી દયાભાવના જેવા સવાલો પણ પૂછવામાં આવ્યા હતા.

    છેવટે જે પરિણામ સામે આવ્યું તેમાં Vaguebooking ને ચિંતાજનક કારણ બતાવવામાં આવ્યું છે. Vaguebooking નો મતલબ એવો થઇ શકાય છે કે આ પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયામાં કરનાર વ્યક્તિ સ્પષ્ટ માહિતી આપતી હોય છે પરંતુ તે એવા શબ્દોનો વપરાશ કરતી હોય છે જેનાથી વાંચનારને તેના પ્રત્યે ચિંતા ઉપજે. સંશોધકોનું માનવું છે કે આ પ્રકારની પોસ્ટ્સ એકલતા અનુભવતી વ્યક્તિઓ વધારે પ્રમાણમાં કરતી હોય છે અને આવી વ્યક્તિઓ આત્મહત્યા કરી શકે તેવી શક્યતાઓ વધારે હોય છે.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here