જો ખીચડી રાષ્ટ્રીય ખોરાક જાહેર થાય તો?

    2
    874

    સરકાર દ્રારા ખીચડી ને રાષ્ટ્રીય ખોરાક તરીકે જાહેર કરવામાં આવી. તો હવે તેને રાષ્ટ્રીય ખોરાક  કદાચ એટલે પણ કરાઈ હશે હશે કે મરણ પ્રસંગે જ્યારે તમે સ્મશાનેથી પાછા આવો ત્યારે બાજુવાળા નાં ઘરે તમારા સગા સબંધી ઓ માટે ખીચડીજ બનાવેલી હોય છે, આમ તે રાષ્ટ્રીય એકતા ની ભાવનાનું પ્રતિક છે. જ્યારે કેટલાય દેશના લોકો ભારતમાં આવ્યા ત્યારે દુધમાં સાકર ભળે એ રીતે નહિ પરંતુ ખીચડીમાં ઘી ભળે એ રીતે દેશમાં જોડાઈ ગયા હતા. બસ આજ રાષ્ટ્રીય ભાવના કેળવાય એટલે ખીચડીને રાષ્ટ્રીય ખોરાક તરીકે જાહેર કરવામાં આવી છે

    ખીચડીને રાષ્ટ્રીય ખોરાક જાહેર થતા હવે ઘણા બધા ફેરફારો પણ આવશે, જેમ મોર એટલે કે રાષ્ટ્રીય પક્ષી અને વાઘ એટલે રાષ્ટ્રીય પ્રાણી નાં રક્ષણ માટે સરકાર દ્રારા Wildlife Protection Act, 1972 છે એવીરીતે ખીચડીને રક્ષણ અધિકાર અધિનિયમ ૨૦૧૭ પણ કદાચ પસાર કરવામાં આવે જેથી તેને રાષ્ટ્રીય ખોરાક તરીકે રક્ષણ મળે.

    અન્ય કોઈ વાનગી નહીં પરંતુ ખીચડીજ રાષ્ટ્રીય ખોરાક જાહેર થતા હવે ચકા-ચકી ની વાર્તા પણ સુધારવામાં આવશે ચકો લાયો ચોખા નો દાણો અને ચકી લાવી દાળ નો દાણો બન્ને એ ભેગા મળીને રાષ્ટ્રીય ખોરાક ખીચડીને બનાવી, આવી રીતે વાર્તામાં પણ રાષ્ટ્રીય ખોરાક શબ્દ ઉમેરવો પડશે. તદઉપરાંત ઘણી કહેવતો પણ બદલાશે જેમકે “ઘી ઢોળાયુ તો ખીચડીમાં” આ કહેવત માં પણ ખીચડીની આગળ કૌસ માં રાષ્ટ્રીય ખોરાક શબ્દ ઉમેરવો પડશે. આટલું જ નહીં પરંતુ “વખાણેલી ખીચડી દાઢે વળગી” જેવી ખીચડીનું અપમાન કરતી કહેવતો ટેક્સ્ટ બુક માંથી દુર કરાશે .

    ખીચડીને રાષ્ટ્રીય ખોરાક જાહેર કરાતા ઘણા નુકશાન થવાનો પણ સંભવ છે જેમકે  KAAS = (K) ખીચડી (A) અનામત (A) આંદોલન (S) સમિતિ ઓ પણ બની શકે છે જેઓ ખીચડીની અંદર પણ જાતીવાદનું પોલીટીક્સ રમશે અને ખીચડીની અંદર પણ અનામત માંગવામાં આવશે. દા.ત સાબુદાણા ની ખીચડીને ફરાળી સમાજ ખીચડી સમાજની અંદર અનામત માંગણી કરી શકે છે, તો મોરૈયાની ખીચડીનો પણ એક અલગ પંથ પડશે. આટલું જ નહીં પરંતુ વઘારેલી અને રજવાડી ખીચડી બનાવનારાઓ કેટલાબાપા રજવાડી ખીચડી સ્ટોલ ખોલી ખોલી ને દરેક ચાર રસ્તે ધરણા પ્રદર્શન કરશે. મગની, સ્વામિનારાયણ, જૈન વગેરે અલગ અલગ ખીચડીઓ વચ્ચે વર્ગવિગ્રહ થવાની અને તેના પરિણામે બધું જ ખીચડી થઇ જવાની સંભાવના પણ રહેલી છે .

    ખીચડીને રાષ્ટ્રીય ખોરાક જાહેર થયા પછી એની અવમાનના ન થાય એની પણ કાયદામાં જોગવાઈ કરવામાં આવશે દા.ત ખીચડીને થાળીમાં છાશ, પાપડ, અથાણા, કરતા પહેલા પીરસવાની રહેશે. ખીચડીને થાળીમાં જમણી બાજુ એ જ પીરસવાની રહેશે. પીરસતી વખતે ખીચડી આપું? એવું કહેવાની જગ્યાએ “રાષ્ટ્રીય ખોરાક પીરસું?” એવું પૂછવાનું રહેશે. જયારે પત્ની તમને પૂછે સાંજે જમવામાં શું બનાવું ત્યારે ખીચડી શબ્દ ની જોડે રાષ્ટ્રીય ખોરાક ખોરાક ખીચડી બનાવ એવો આખા વાક્યમાં જવાબ આપવાનો રહેશે, જમવામાં ખીચડી છે એવું જોઇને મોઢું બગાડી શકાશે નહીં. ખીચડીનો મૂળ સ્વાદ ન બદલાઈ જાય એટલી માત્રામાં જ એમાં છાશ, શાક, કઢી કે અથાણું ઉમેરી શકાશે

    ખીચડીને રાષ્ટ્રીય ખોરાક તરીકે જાહેર કરાયા પછી એને બનાવામાં પણ ઘણું ધ્યાન રાખવું પડશે. દા.ત જેણે ખીચડીને કુકર માં મૂકી હોય એણે પોતેજ સીટીઓ ગણવા ઉભું રહેવું પડશે. પત્ની પતિને તમે ચાર સીટી વાગે એટલે ગેસ બંધ કરી દેજો એવું કહીને શોપીગ કરવા જઈ શકશે નહીં, કેમકે આ રાષ્ટ્રીય ખોરાકના સન્માનનો સવાલ છે. આ ઉપરાંત ખીચડી દાઝી નાં જાય એનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે, તેમજ  ચાર સીટી વાગ્યા પછી કુકર ખોલતા પહેલા ટટ્ટાર ઉભા રહીને સલામી આપીને જ કુકર ખોલવાનું રહેશે જેથી રાષ્ટ્રીય ખોરાકનું બિલકુલ અપમાન ન થાય. તેમજ પાણી પુરતા પ્રમાણમાં જ કુકર માં નાખવાનું રહેશે કારણકે જો ખીચડી મુકેલી હશે અને પાણી ઓછું હોવાના કારણે કુકર ફાટી જશે અને દીવાલે તેમજ આખા રસોડામાં ખીચડીજ ખીચડી થશે તો સરકાર દ્રારા તમારા વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહ નો કેસ ચાલશે કેમકે તમે રાષ્ટ્રીય ખોરાક નું અપમાન કર્યું છે. તમે થાળીમાં ખીચડીને એઠી નહીં મૂકી શકો, વધેલી ખીચડીને તમે એઠવાડ તરીકે નહીં નાખી શકો એને તમારે સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે રીતે ગાય ને ખવડાવાની રહેશે. ડોક્ટર પણ તમને હોસ્પિટલમાં થી રજા આપતી વખતે ઘરે મોળો રાષ્ટ્રીય ખોરાક ખવડાવજો એવી જ સુચના આપશે.

    ખીચડીને જે દિવસે રાષ્ટ્રીય ખોરાક તરીકે જાહેર કરવામાં આવશે એ દિવસે દર વર્ષે દૂરદર્શન પર ‘ખીચડી’ મુવી બતાવાનું રહેશે આ આખો લેખ લેખકે એટલો ખીચડો કરી નાખ્યો છે કે આમાંથી ખીચડીની ખીચડી અને છાસની છાસ કરવી અઘરી છે. તો આવો આપણે પણ નિયમો નું પાલન કરીને ખીચડીનું રાષ્ટ્રીય સન્માન જાળવવીએ અને દેશના અન્ય નાગરિકોને તે જાળવવામાં મદદ કરીએ.

    અસ્તુ!

    લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here