હેપ્પી બર્થડે નોટબંધી : કાળા નાણા વિરુદ્ધ સામી છાતીએ જંગ

    0
    347

    “મેરે પ્યારે દેશવાસિયોં!” ગઈ 8 નવેમ્બરે સાંજે બરોબર 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી aka Demonetisation ના નિર્ણયની જાહેરાત કરી હતી અને તેમનું એ ભાષણ સાંભળનાર લગભગ તમામની બકરી ડબામાં પુરાઈ ગઈ હતી. જેમણે કાળા કામો કર્યા હતા તેમને એ ડર હતો કે ઘરમાં કે દેશભરમાં અમુક ખાનગી જગ્યાઓએ તેમણે કાળી કમાણી જમા કરી રાખી હતી તેનું તેઓ આ નિર્ણય બાદ શું કરશે? તો જેમણે જીવનભર સાચી કમાણી પર પોતાનું રૂટીન નિભાવ્યું છે તેમને એવી ચિંતા થઇ કે પહેલા રોજિંદુ કામ કરવું કે પછી બેન્કોની લાંબીલચક કતારોમાં ઉભું રહેવું.

    નોટબંધીના લગભગ દસ મહિના બાદ રિઝર્વ બેન્કે જાહેરાત કરી કે લગભગ 99% નાણું દેશની અર્થવ્યવસ્થામાં પરત આવી ગયું છે. અર્થશાસ્ત્રનો ‘અ’ પણ ન જાણનાર મારા જેવા ઘણાને RBIની આ ઘોષણા બાદ એટલી તો ખબર પડી કે જે રીતે એક વર્ષ પહેલા કેટલાક લોકોએ નોટ બદલવાના રીતસર ઉધામા કર્યા હતા કે પછી નોટબંધીના નિર્ણય બાદ જે રીતે અસંખ્ય બેન્ક અધિકારીઓ કાળુ નાણું સગેવગે કરતા પકડાયા હતા, તેને જો ધ્યાનમાં લઈએ તો પરત આવેલી તમામ રકમ વ્હાઈટની તો નથી જ!

    મારા અર્થશાસ્ત્ર અંગેના જ્ઞાનની મર્યાદાને ધ્યાનમાં લઈને નોટબંધીની આર્થિક સફળતા કેટલી રહી તેનું અવમૂલ્યન કરવાનો તો મને કોઈજ અધિકાર નથી પરંતુ એક વર્ષ બાદ જે આંકડાઓ સામે આવ્યા છે તેનું એક સામાન્ય નાગરિક તરીકે સમજણપૂર્વક વિશ્લેષણ તો કરી જ શકું છું. એટલે સરકાર તરફથી જે આંકડાઓ મળ્યા છે તેના પર આપણે આજે નજર નાખીશું અને સમજીશું કે નોટબંધીથી દેશના કાળા નાણા વિરુદ્ધની સમી છાતીની લડાઈને કેટલી મદદ મળી છે.

    નોટબંધી દ્વારા દેશના અર્થતંત્રને થયેલા ફાયદા

    નોટબંધીથી દેશના અર્થતંત્રને સાફ કરવાની પહેલ કેન્દ્ર સરકારે કરવાનું વિચાર્યું હતું તેના પરિણામો હવે ધીરે ધીરે દેખાઈ રહ્યા છે. લોકો કહે છે કે જે સંખ્યામાં બેન્કોમાં નાણું પાછું આવ્યું તેનાથી નોટબંધી નિષ્ફળ ગઈ એમ કહેવાય તો પછી આપણે હવે અર્થતંત્રને જે ફાયદા થયા છે તે જોઈશું તો નોટબંધીથી દેશમાં એક નવું આર્થિક કલ્ચર તો જરૂર વિકસ્યું છે તેમ જરૂરથી કહી શકાય. તો ચાલો જોઈએ નોટબંધીથી દેશના અર્થતંત્રને સ્વચ્છ કરવાના પ્રયાસોને મળેલી કેટલીક જ્વલંત સફળતાઓ.

    PAN અને ITR રજીસ્ટ્રેશનની સંખ્યા વધી

    નોટબંધીના એલાન બાદ અત્યારસુધીમાં ઇન્કમ ટેક્સ વિભાગના આંકડાઓ કહે છે કે PAN કાર્ડ રજીસ્ટ્રેશનમાં ત્રણ ગણો વધારો થયો છે જ્યારે ITR એટલેકે Income Tax Returns ફાઈલિંગમાં 18% જેટલો ઉછાળો નોંધવામાં આવ્યો છે. આટલું જ નહીં પરંતુ વિભાગે જે રીતે બેન્કોમાં મોટી સંખ્યામાં કરન્સી નોટો જમા કરવામાં આવી હતી તેની તપાસ કર્યા બાદ અત્યારસુધીમાં 475 જેટલી મિલકતો પર ટાંચ મૂકી છે. જે લોકો મોટી સંખ્યામાં નોટો પરત આવી છે તેના ગુણગાન ગાય છે તેમણે એ જાણવું જોઈએ કે IT વિભાગના કહેવા અનુસાર નોટબંધી અગાઉ 86% જેટલી કરન્સી ફેક હતી અને જે હવે સિસ્ટમમાં પરત આવી છે અને દરેક નોટ વિષે સરકાર પાસે માહિતી હોવાથી હવે કર વિભાગ ખોટી નોટોની તપાસ કરીને છેક મૂળ સુધી ઉતરવાના પ્રયાસો ઓલરેડી કરી રહ્યું છે.

    ભૂતિયા કંપનીઓ પર વીજળી ત્રાટકી

    જે-જે વ્યક્તિઓએ ગત 8 નવેમ્બર પછી ઉતાવળમાં કે મોડેથી પણ પોતાના કાળા નાણા Shell Companies એટલેકે નામમાત્રની એટલેકે ભૂતિયા કંપનીઓ દ્વારા બેન્કમાં જમા કરાવવાની ભૂલ કરી છે તેવી 2.24 લાખ કંપનીઓને સરકારે પકડી પાડી છે અને આમાંથી મોટાભાગની કંપનીઓ એવી છે જેમણે નોટબંધી સાથે કે સિવાય છેલ્લા બે વર્ષમાં એક પણ નાણાકીય કે અન્ય કોઇપણ વ્યવહાર કર્યો નથી. આ બધી કંપનીઓને ડી-રજીસ્ટર કરવામાં આવી છે. આટલું જ નહીં પરંતુ આ કંપનીઓના 3.09 લાખ ડિરેક્ટર્સને પણ મીનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે. આથી આ ડિરેક્ટર્સ હવે અન્ય કોઈ સાચી કંપનીમાં પણ ડિરેક્ટર પદ ‘શોભાવી’ શકશે નહીં. હા, આ પ્રકારની કંપનીઓના બેંક એકાઉન્ટ્સ ઓલરેડી ફ્રિઝ કરી દેવામાં આવ્યા છે. મજાની વાત એ છે કે અત્યારસુધીમાં સરકારના આ પગલા વિરુદ્ધ ન તો આ કંપનીઓ દ્વારા કે ન તો તેમના કોઈ ડિરેક્ટર દ્વારા કે ન તો વિપક્ષ દ્વારા કોઈ અવાજ ઉઠ્યો છે. ભારતની કોઈ કોર્ટમાં પણ આ નિર્ણયને પડકારવામાં આવ્યો હોય તેવા સમાચાર ધ્યાનમાં આવ્યા નથી. ટૂંકમાં સરકારના આ નિર્ણયનો લાભ કોને થયો છે એ સમજતા કોઈ પણ સમજદાર વ્યક્તિને જરા પણ વાર ન જ લાગે.

    બેનામી સંપત્તિઓની જાપ્તી

    નોટબંધી બાદ Central Bureau of Direct Taxes એટલેકે CBDT એ બેનામી સંપત્તિ વિરુદ્ધ એક સતત ચાલતું રહેતું અભિયાન ચલાવ્યું છે. આ અભિયાન હેઠળ વિભાગે 1,833 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ જપ્ત કરી છે. ઉપર જણાવ્યા અનુસાર કુલ 475 બેનામી સંપત્તિઓ પર તો ટાંચ બેસાડી જ છે પણ અન્ય 517 શંકાસ્પદ મામલાઓમાં જે-તે વ્યક્તિઓને નોટીસ મોકલી આપવામાં આવી છે. આમ નોટબંધીથી બેન્ક એકાઉન્ટ્સમાં ભલે મોટી સંખ્યામાં રકમ પરત આવી પરંતુ તેની તમામ માહિતી હવે સરકાર પાસે છે અને નોટબંધી બાદ બેનામી સંપત્તિ વિરુદ્ધના કાયદામાં સુધારો લાવીને સરકારે અગાઉથી જ નક્કી કરેલી પદ્ધતિ અનુસાર ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કામ કરવાનું શરુ કરી દીધું છે.

    હાઈ રિસ્ક ITRનું ખાસ વિશ્લેષણ

    નોટબંધી બાદ જેમણે પણ મોટી સંખ્યામાં પોતાની નોટો બેન્કમાં જમા કરાવી અને પછી અમુક સમય બાદ ઉપાડી લીધી એવા સમગ્ર દેશમાંથી 20,572 ITRને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા ‘ખાસ પસંદગી’ આપવામાં આવી છે. આ તમામ રીટર્ન્સને IT વિભાગે ‘હાઈ રિસ્ક’ ITR નામ આપ્યું છે. આ વર્ષની 31 જાન્યુઆરીથી વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલા ‘Operation Clean Money’ હેઠળ હવે આ રીટર્ન્સ પર તે ખાસ તપાસ કરશે અને તેમાં ખોદકામ કરીને તે ગુનેગારને ઝડપી લેશે. એક આધિકારિક ડેટા અનુસાર નોટબંધીના નિર્ણય બાદ 23.22 લાખ બેન્ક એકાઉન્ટ્સમાં 17.73 લાખ શંકાસ્પદ વ્યવહારો થયા છે અને જેમાંથી લગભગ રૂ. 3.68 લાખ કરોડની રકમનો મેળ ક્યાંય મળતો નથી તેવું ઇન્કમ ટેક્સ વિભાગને માલૂમ પડ્યું છે. શું હજી પણ નોટબંધીને સદંતર નિષ્ફળ કહી શકાય?

    બેન્કો અને નાણાકીય સંસ્થાઓ ખુશ છે

    જી હા! નોટબંધીની જાહેરાત બાદ લગભગ ત્રણ મહિના સુધી સતત દેશની વિવિધ બેન્કો અને તેમના કર્મચારીઓએ અથાગ મહેનત કરી હતી. પરંતુ બેન્કોના ઉચ્ચ અધિકારીઓ નોટબંધીથી ખૂબ ખુશ હોવાનું જાણીને કદાચ આશ્ચર્ય થાય. આ પાછળનું કારણ એ છે કે બેન્કો પાસે હવે ઋણ પર આપવા માટે વધુ નાણા છે. આ ઉપરાંત ગયા મહીને સરકારે બેન્કોનું પુનઃપુંજીકરણ કર્યું હોવાથી બેન્કોને વધુ ઋણ આપવાની તાકાત પણ મળી છે. ડિજીટાઈઝેશનમાં આવેલા ઉછાળાથી પણ બેન્કોને રોજીંદા કાર્યો કરવામાં થોડી હળવાશ મળી છે કારણકે હવે ગ્રાહક વારંવાર બેન્કના આંટા ખાતો નથી.

    ડિજીટલ વ્યવહારો સતત વધતા રહ્યા છે

    નોટબંધીના થોડા જ દિવસો બાદ સરકારે BHIM એપ લોન્ચ કરી હતી. આ સમયે એવું લાગતું હતું કે નોટબંધી યોગ્ય પગલું છે એ જણાવવા સરકારે અધવચ્ચે જ ડિજીટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવાની અચાનક જ જાહેરાત કરી દીધી છે અને લોકો કદાચ તેને નહીં સ્વીકારે અને પરિસ્થિતિ સામાન્ય થતા ફરીથી રોકડ વ્યવહારો શરુ થઇ જશે. પરંતુ ખરેખર એવું બન્યું નથી. જો આંકડાઓ પર ધ્યાન આપીએ તો છેલ્લા એક વર્ષમાં ભારતમાં ડિજીટલ વ્યવહારો ત્રણ ગણા વધ્યા છે. એક વર્ષ પહેલા દર મહીને લગભગ રૂ. 3,000 કરોડના વ્યવહારો થતા હતા જે આ વર્ષના ઓક્ટોબર મહિનામાં રૂ. 6,800 કરોડ નોંધાયા છે. આમ સરકારનો ડિજીટલ પૂશ માત્ર કેટલાક મહિનાઓ પૂરતો જ સફળ નથી રહ્યો પરતું હજી પણ તેમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે એ અહીં સાબિત થાય છે.

    સૌથી મોટો ફાયદો: કાયદાની મશ્કરી બંધ થઇ

    ભ્રષ્ટાચારીઓ અને કાળુ નાણું ભરપૂર માત્રામાં સાચવી રાખનારાઓ હજી એક વર્ષ પહેલા શાંતિથી બેઠા હતા કે સરકાર કરી કરીને શું કરશે? ફરીથી કોઈ સ્કીમ જાહેર કરશે અને અમે અમારું થોડુંક કાળુ નાણું તેમાં જાહેર કરીને શુદ્ધ થઇ જઈશું. પરંતુ એક જ ઝાટકે તમામ 500 અને 1000 ની નોટો રદ્દ કરીને સરકારે આ બધાને સહેવાય નહીં એવો બૂચ મારી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અન્ય કોઈ બાબતે ટીકા થઇ શકે પરંતુ તેમની નિષ્ઠા પર કોઈ હજી સુધીતો આંગળી ઉઠાવી શક્યું નથી. એટલે આ પ્રકારનું કડક પગલું લીધા પછી ઉપર આપણે જે-જે બાબતોને ધ્યાનમાં લીધી છે તે મોદી સરકાર જરૂરથી અમલમાં મૂકશે જ તેનો માત્ર આપણને જ નહીં પરંતુ ભ્રષ્ટાચારીઓને પણ વિશ્વાસ છે. આથી નોટબંધીથી કાયદાનો ડર તો તેમનામાં પેસી જ ગયો છે તેમાં શંકાને કોઈજ સ્થાન નથી.

    માત્ર મોટાભાગની રકમ બેન્કોમાં પરત આવવાના એકમાત્ર કારણથી નોટબંધી જો નિષ્ફળ ગણાય તો સરકાર નોટબંધીને આધારે મળેલા ડેટાનો લાભ લઈને અત્યારસુધી જે અસંખ્ય પગલાંઓ લઇ ચૂકી છે તેના પરિણામો જોઇને કે પછી લેવા જઈ રહી છે તેને ધ્યાનમાં લઈને તેને સફળ કેમ ન કહી શકાય?

    કદાચ આ લેખ વાંચીને ટીકાકારો એમ પણ કહી શકે છે કે “આ તો સરકારી આંકડા છે!” બિલકુલ આ સરકારી આંકડા જ છે, પણ જો તમને અવિશ્વાસ હોય તો આપણે ત્યાં RTIની સુવિધા પણ ઉપલબ્ધ છે. જેને મોદી સરકારની કાળા નાણા વિરુદ્ધની લડાઈમાં વિશ્વાસ છે તેને આ આંકડાઓ પર પણ વિશ્વાસ છે જ.

    નોટબંધીનો પ્રયાસ કદાચ સફળ કે નિષ્ફળ હોઈ શકે પરંતુ તે પ્રયાસ તો છે જ તેની કોઈ ના પાડી શકે તેમ નથી. સરકારે એટલીસ્ટ પોતાની કોશિશ કરી હતી અને તે ભૂતકાળની જેમ કાળા નાણા વિરુદ્ધની કાર્યવાહીને નામે માત્ર હાથ પર હાથ મૂકીને બેસી રહી નથી એ નોટબંધીના હિંમતભર્યા પગલાથી સાબિત થાય છે.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here