સોશિયલ મીડિયા અને ચૂંટણી કોણ શું કરે છે?

    0
    337

    આ લખાઈ રહ્યું છે ત્યારે હિમાચલપ્રદેશની વિધાનસભા ચૂંટણી પૂરી થઇ ગઈ છે અને તેમાં રેકોર્ડબ્રેકીંગ ૭૫ % જેટલું મતદાન થયું છે અને તે સાથે જ સમગ્ર દેશની નજર હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર મંડાઈ રહી છે. તમામ પક્ષના આઇટી સેલ અત્યારે ધમધમાટ પૂર્વક કામ કરી અને પોતપોતાના પક્ષનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે અમે આપને આ પોલિટિકલ આઇટી સેલની થોડી ઇનસાઇડ સ્ટોરી જણાવીશું.

    વર્ષ ૨૦૧૨માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ચૂંટાયા તે સમયે સોશિયલ મીડિયા એટલું સક્રિય નહોતું બન્યું પરંતુ તે સમયે પણ મોદી સાહેબે સોશિયલ મીડિયાનો થોડો ઘણો સહારો લઇ વિજય મેળવ્યો હતો જોકે તે સમયે જ તેમને ૨૦૧૪ની લોકસભા ચૂંટણી માટે સોશિયલ મીડિયાને બ્રહ્માસ્ત્ર તરીકે વાપરવાનું નક્કી કર્યું હશે તે ચોક્કસપણે કહી શકાય તેમ છે. આ પાછળનું એક સ્પષ્ટ કારણ એ જ છે કે ભારત વિશ્વમાં સૌથી વધુ યુવા વસ્તી એટલે ૧૮ થી ૩૫ વર્ષની વચ્ચેનું વયજૂથ ધરાવતો દેશ છે અને દેશના યુવાઓ ને જો કોઈ એક જગ્યા પર તમારે ભેગા કરવા હોય તો એના માટે સોશિયલ મીડિયા એ શ્રેષ્ઠ છે. દરેક ચૂંટણીમાં આપને સાંભળીયે જ છીએ કે આ ચૂંટણીમાં આટલા યુવા મતદારો પહેલી વખત મતાધિકારનો ઉપયોગ કરશે અને રાજ્ય તથા દેશનું ભવિષ્ય વધુ સારું બનાવશે.

    માત્ર સોશિયલ મીડિયા નેટવર્ક પર  પ્રચાર-પ્રસાર કરવા થી જ ચૂંટણી જીતી શકાય છે તેવું હરગીઝ નથી પરંતુ હા ફેસબુક, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પરથી થયેલો પ્રચાર ચૂંટણીના પરિણામો બદલાવી જરૂર થી શકે છે. છેલ્લા કેટલાક સમયથી ફેસબુક અને ટ્વીટર પર જો તમે ધ્યાન આપો તો તમારી ન્યુઝફીડ પર દર ૧૦ પોસ્ટ માંથી ૧ પોસ્ટ રાજનીતિ અથવા તો ચૂંટણીલક્ષી હશે. આ સિવાય દરેક પોલિટિકલ પાર્ટી પોતપોતાના સારા કામ અને વિપક્ષના ખરાબ કામ વિષે જનતાને માહિતી પહોંચાડતી હોય છે, જોકે ગુજરાત વિધાનસભાનો આ વખતનો ટ્રેન્ડ જોતા એવું લાગે છે કે બંને પાર્ટી No Negative Publicity ના સૂત્રને વળગીને ચાલી રહી છે.

    આઇટી સેલનું મુખ્ય કામ પોતપોતાના પક્ષનો પ્રચાર કરવો એટલા પૂરતું જ સીમિત નથી. જયારે જયારે બીજા પક્ષ દ્વારા તેમના પક્ષ પર શાબ્દિક હુમલો થાય તો તેનો વળતો જવાબ આપવાનું કામ પણ આઇટી સેલ કરે છે. પોતાનો પક્ષ જે-તે સમયે જનતાની સાથે રહી અને તેમના માટે શું કામ કરે છે તે વિષે તેઓ લોકોને જાગૃતિ આપે છે. તમે ઘણી વખત વોટ્સએપ પર મેસેજ વાંચ્યો હશે કે આ મેસેજ વડાપ્રધાન શ્રી તરફ થી છે અને તમે ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરો અથવા સ્વદેશી વસ્તુઓ અપનાવો આ તમામ મેસેજ મૉટેભાગે આઇટી સેલ દ્વારા જ પ્રસારિત કરવામાં આવતા હોય છે.

    તમને ગમશે: SEBIના રૂપાણી વિષેના નિર્ણય પરની Business Standardની બદમાશી પકડાઈ

    ઇન્ટરનેટ પર ખાંખાખોળા કરતી વખતે મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષની પોસ્ટને ક્વોરા નામની સાઈટ પર મળતા વ્યૂઝ માટે પર વ્યૂઝ દીઠ ૨૦૦૦ રૂપિયા ચૂકવે છે, દરેક પોસ્ટ પરની કમેન્ટ માટે કમેન્ટ દીઠ ૩૦૦૦ રૂપિયા ચૂકવાય છે જયારે કોઈ પણ જવાબને અપવોટ અથવા ક્વોરાની ભાષામાં લાઈક કરવા પર ૫૦૦૦ રૂપિયા સુધીનું ચુકવણું કરે છે, જો તમે કે હું કોઈ પોસ્ટને જોઉં અથવા લાઈક કે કમેન્ટ કરું તો મને એ પૈસા નહિ મળે પણ જે-તે આઇટી સેલના મેમ્બર્સ દ્વારા પોસ્ટ થઇ છે તેમની વચ્ચે એ પૈસા વહેંચાઈ જશે. જો કે આ બધી કાનોકાન સાંભળેલી વાતો જ છે, તેમાં તથ્ય છે કે કેમ તે તો ભગવાન જ જાણે.

    પરંતુ તેમ છતાં મનમાં હવે પ્રશ્ન એ આવે છે કે આ આઇટી સેલમાં કામ કરતા લોકોને પગાર કોણ ચૂકવે અને તે પગાર કઈ રીતે મળે, તો એનો જવાબ છે વિવિધ મલ્ટીનેશનલ કંપનીઓ દરેક પોલિટિકલ પાર્ટીને વત્તેઓછે અંશે ચૂંટણીલક્ષી ફંડ આપતી હોય છે અને એ ફંડ માંથી જ જે-તે પક્ષ ચૂંટણી દરમ્યાન પ્રચારપ્રસાર કરતી હોય છે. વિવિધ પક્ષો દ્વારા તેમના આઇટી સેલના મુખ્ય અધિકારી સુધી પાર્ટીની વાતો તથા વિપક્ષની ખામીઓ વિષે સમાચાર પહોંચતા રહે છે અને આઇટી સેલના મુખ્ય અધિકારી તેમની ટીમ સાથે જે-તે મુદ્દાઓ પર કઈ રીતે કામ કરી અને પાર્ટીને મદદરૂપ થઇ શકાય તેની રૂપરેખા તૈયાર કરે છે અને ત્યારબાદ યોગ્ય સમય મુજબ લોકો સુધી તે માહિતી પહોંચે તેનો ખ્યાલ રાખવામાં આવે છે.

    જેમ જેમ તમારી પોસ્ટની અસર વધતી જાય તેમ તેમ તમારી કિંમતમાં પણ વધારો થતો જોવા મળી શકે છે. પરંતુ આ સફર જેટલી દેખાય છે તેટલી સરળ નથી અને એ માટે તમારે સતત જે-તે પક્ષ વિષે માહિતી મેળવી રાખવી પડે છે તથા જયારે જયારે શાબ્દિક હુમલા અથવા તો ઉગ્ર ચર્ચાઓ થાય ત્યારે પણ પક્ષની છબીને ખામી ન પહોંચે એ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here