‘માછલી મદદે’ અમે શોધ્યાં દ્વાપરયુગમાં વીજળીના પુરાવા…!

    4
    353

    માછલી અંગેનો આ સંશોધનાત્મક લેખ હું મારી શ્રીમતીજીનાં ચરણકમળમાં સાદર અર્પણ કરું છું. ટીવી જોવાં માટે રાત્રીના દસ થી બાર વાગ્યાંનો સ્લોટ નિર્વિવાદ શ્રીમતીજી માટે ખાસ ફાળવેલ છે. રોજ તે સમયે કેબલમાં મુકાતા ધાર્મિક પ્રોગ્રામોને લીધે ‘જેમ વાડ વાહે એય્ડો પીવે’ તેમ મારું ધાર્મિક જ્ઞાન આવાં પ્રોગ્રામો કમને જોતાં થોડાં અંશે વધ્યું છે!

    એક રાત્રીના આવા ટાણે જ ક્રિષ્ના સીરીયલ ટીવીમાં ચાલુ થઈ, હું તકિયા પર અડીંગો જમાવી સોફા પર સુતો હતો. બાજુમાં પુત્ર મોબાઈલમાં ગેમ રમતો હતો; મહારાણા પ્રતાપનાં ભાલાની અણી જેવાં સ્વભાવના પુત્રે વચ્ચેવચ્ચે તેની મમ્મી મોબાઈલ મૂકાવે નહી તે માટે જ દ્રોપદી સ્વયંવર સંબંધિત પ્રશ્નો પૂછતો હતો. આફેડા ચાય્ગલાં થવાથી તે ટીવીમાં જ ઇન્વોલ છે એ તેણીને જરાકેય સંશય વિના સિદ્ધ કરી શકે તેવો તેનો સ્વાર્થ હતો. હું આ પામી જઈ જરાક ઊભો થયો, એની સામે આંખ મિચકારી અને ટીવીમાં અછડતી નજર ફેંકી, ત્યાં…….

    કાંપિલ્યનરેશ મહાપ્રતાપી રાજા શ્રીમાનદ્રુપદનાં રાજભવનમાં અગ્નિક્ન્યા દ્રોપદીના સ્વયંવરનું આયોજન માટે હખળડખળ ચાલતું હતું. ઉપસ્થિત રહેલાં દુર્યોધન, કર્ણ, જરાસંધ, શલ્ય, અશ્વથામા જેવા અનેક મહાપરાક્રમીઓ, ડખ્ખાશ્રેશ્ઠો, શૂરવીરોથી દેવાધિદેવ ઇન્દ્રને પણ ઈર્ષા આવે એવાં આ મહાલયની દરેક દીવાલો વળ ખાઈને જગારા મારી રહી હતી. જાતજાતનાં પડદા, આસનો અને મહારાજાઓને ઓપતી બેઠક વ્યવસ્થા હું એક પગે લંગડાતાં સોફા પર લંબાવીને નિહાળતો હતો. જ્યાં જગ્યાં મળે ત્યાં નગરવાસીઓની હકડેઠઠ મેદનીથી સમગ્ર રાજભવનમાં ‘કોકની કોણી વલુંરાઈ જાઈ ‘ એટલું માનવમહેરામણ ઉમટ્યું હતું. થોડીવારમાં જ આર્યવ્રતની સોંદર્યસમ્રાજ્ઞી શ્રીકૃષ્ણ શખી દ્રોપદી, અપ્સરાઓ છળી મરે તેવા તેજોમય શ્વેત વસ્ત્રોધરી, ટૂંકો ઘૂંઘટ તાણી, વગર GST એ પણ રાજાદ્રુપદ દેવાળું ફૂંકે એટલાં ગજાબહારના વિવિધ રત્નજડીત મોંઘા સૂવર્ણ અલંકારો પરિધાન કરી, હાથમાં વરમાળા લઈ મલપતી ચાલે દાસીઓના વૃંદ સાથે સ્વયંવરનાં વિશાળ શમિયાણામાં પ્રવેશી. દ્વાપરયુગમાં કામે લેવાતો અત્તરનો આખો ખટારો ગમખ્વાર અકસ્માતથી ઢોળાઈને ચોતારફે જેવી તીવ્ર સુગંધ પ્રસરે એવી માદકતા સમગ્ર સ્વયંવર-સ્થળ પર રેલાઈ. મેચ ફીક્સીંગ જેવા આ સ્વયંવરમાં આવતાં જ દ્રોપદી એ પ્રિય શ્રીકૃષ્ણ તરફ એક અપલખણી દ્રષ્ટી ફેંકીને હસી, હજ્જારો લોલુપ, કામાંધ આંખોને ખાળતી પોતાનાં નિશ્ચિત આસન પર જઈ ગોઠવાણી.

    રાજા દ્રુપદે ઊભા થઈ  પ્રાસંગિક આદર સત્કારની બેચાર લાઈનો ઠબકારી. ત્યારબાદ આર્યવ્રતની ટીપીકલ સ્ટાઈલથી કરાતાં પ્રશસ્તિગાન અને જયજયકારનો હોં ગોકેરે સમ્યો એટલે યુવરાજ ધૃષ્ટધુમ્ન ઉભો થયો. આશરે છપ્પનની છાતી ફૂલાવી, મૂછનાં થોભિયા આમળી ટીવીમાં આવતી ચર્ચાઓ દરમ્યાન અસહિષ્ણુતા પર પોતાનું બયાન આપતાં કોઈ ધર્મગુરુની માફક જાડા શ્વરે સ્વયંવરની શરતોની ઝાંખી કરાવતાં એ બોલ્યો, “જલકુંડમાંના ગંગાના પવિત્ર પાણીમાં જોઈને તેની ઊપર જ છતમાં ગોળગોળ ઘૂમતી માછલીની આંખ વીંધવાની છે. જે કોઈ આર્યશ્રેષ્ઠ આ સ્પર્ધા જીતશે તેની ડોકમાં મારી બહેન દ્રૌપદી વરમાળા નાંખશે.“  (મેં ટૂંકમાં પતાવ્યું, નહીતો આ લેખના બે ભાગ કરવાં પડત)

    હે લેખકોના રાજાધિરાજ, આટલું વાંચીને તમને થતું હશે  કે આ ક્યાં ભાગવત ચાલું કરીને બેઠો!? રોજ રાત્રે બે કલાક સુધી કેબલ ચેનલ પર આવતાં અને અમારી ધર્મપરાયણ પત્નીનાં ટીવી રિમોટ આંચકી લેવાના કારણે અનિચ્છાએ ગોખાઈ ગયેલી મહાભારત જોઉં છું. તો તમે આ નાનકડાં બે ફકરા વાંચીને મારા પર ઉપકાર ન કરી શકો?

    ખેર હવે મૂળવાત પર આવીએ. જ્યારે ધૃષ્ટધુમ્ન ગોળગોળ ફરતી માછલીનું બોલ્યો અને મને ટીવી સ્ક્રીન પર માછલી ફરતી દેખાણી…. ત્યાં હું ‘હતરંગ’ બેઠો થઈ ગયો! ચક્કરવક્કર ડોળા ફેરવ્યાં, મારામાનું ખંધુ એન્જીનીયરીંગ દિમાગ મને કંઈક કેવા મથી રહ્યું હતું. “how the hell this fish move round and round and round?? what kinda system behind it ?without any electro mechanism provision its almost impossible !“ એક આડવાત, જ્યારે કોઈ અનાયાસ શોધ થતી હોય ત્યારે અંગ્રેજીમાં જ બોલવાનો પુરાણો રિવાજ છે. પેલાં આર્કેમીડીઝઅંકલ કંઈક શોધીને ‘યુરેકા… યુરેકા…’ કરતાં જન્મદિનના પોશાકમાં જ બાથરૂમમાંથી નોતા નાસ્યાં? મેં પણ એના બરની જ શોધ કરી એટલે ભાંગી તૂટી અંગ્રેજીમાં જ ગબડાવ્યું.

    અંગ્રેજી ન જાણનાર વાંચકોને સંક્ષિપ્તમાં કહું તો મને એવો વિચાર આવ્યો કે, “માછલી કઈ રીતે તેની ધરી પર ગોળગોળ ફરતી હશે? એની પાછળ કઈ પદ્ધતિ કારણભૂત હશે? વીજળી અને યંત્ર રચના વગર આ શક્ય નથી!” મારા મનમાં ગમખ્વાર ગોટાળો ચાલતો રહ્યો. લાઈટ કનેકશન અને મિકેનીકલ જોગવાઈ વગર આ અસંભવ! હું ચિત્કારી ઊઠ્યો, પત્ની બેઘડી દ્રોપદીનો સ્વયંવર મેલ પડતો અને મારી સામે જોવા માંડી.

    મારી અંદરનો ઇજનેર ચિલ્લાયો. મારા ભેજામાં અસંખ્ય અવાવરું વિચારોનું આગમન થયું. સ્વયંસ્ફૂરિત જ્ઞાનથી હું સોફામાં જ એક વેત અધ્ધર થયો અને ગુરુત્વાકર્ષણને લીધે પાછો પટકાયો. ગોફણમાંથી ગોળા વછૂટે એમ પ્રશ્નો વછૂટ્યાં. (મનમાં જ તે, મોટેથી બોલીયે તો તે સમયે દિવાનખંડ જ કુરુક્ષેત્ર બની જાય)  એવી કઈ વ્યવસ્થા રાજા દ્રુપદે કરી હશે જેથી સદરહુ માછલી સાતત્યસભર ગોળગોળ ફરે!? પુરાણી કૂવા પરની કોષ જેવી રચના કરી પાણી વાટે ફેરવતા હશે? પવન પર આધારિત કંઇક જુગાડ કર્યો હશે? અથવા તો કોઈ હેન્ડલ રાખી માણસ દ્વારા માછલી ફેરવતાં હશે? આ તમામ સંજોગોમાં માછલી છત પર એક જ સરખા આર.પી.એમ. (રિવોલ્યુશન પર મિનિટ )થી ફેરવવી મૂશ્કેલ છે. પાણીથી ફરતી હોય તો છત પર પાણી કઈ રીતે પહોંચાડયું? પવનથી ફેરવવા સપ્રમાણમાં પવન કઈ રીતે લાવ્યાં? મેન્યુલી અર્થાત્ માણસોથી ફેરવવું શક્ય જ નથી!

    કોઈ આળસુનો પીર બ્રેક લઇ ગાંજો ફૂંકવા બેસી જાય તો? હેન્ડલ મૂકી આવશ્યક ક્રિયા કરવા જતો રહે તો ? એક માણસના તો સાંજ પડે ગોઠલા જ ફુલાઈ જાય માટે એક કરતાં વધારે માણસો રાખ્યાં હોવાં જોઈએ એ બની શકે…પરંતુ બધાની હથરોટી, ફેરવવાની સ્પીડ એક સમાન થોડી હોવાની? હવા, પાણી જેવા કુદરતી દ્રવ્યો એક સરખાં ગતી કરે એ અશક્ય છે. અને માણસો પર તો દુર્યોધન ઈત્યાદી જેવાં કય્સયારા  (અંચી કરનારા) સભામાં કડેધડે હોય ત્યારે ટંટો કરે જ કે “ભૈ, મારો વારો આવ્યો ત્યારે માછલી ફૂલ સ્પીડમાં ફરતી હતી અને અર્જુનનો વારો આવ્યો ત્યારે ધીમે…માટે પાછો એક દા મને આપો.“ શઢમાં પવન ભરાઈને જેમ મછવો છૂટે તેમ મારા તાર્કિક પ્રશ્નો આ રીતે છૂટ્યાં.

    હું જ્ઞાની છું એવું અજ્ઞાન મારામાં પ્રવેશ્યું અને હું એ તારણ પર આવ્યો કે છત પર ફરતી માછલીને ફેરવવા માટે કોઈ ઇલેક્ટ્રોમિકેનીઝમનો ઉપયોગ કર્યો હોવો જોઈએ; તેના વગર સતત એક સરખાં આર.પી.એમ. થી માછલીને ગોળગોળ ફેરવવી અશક્ય છે-

    એન્જીનીયરીંગની રીતે આપણે (આમાંથી મને બાદ કરજો) સાદી ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ. છત પર એક ઇલેક્ટ્રોમિકેનીઝમની રચના કરવામાં આવી હશે. તેમાં માછલી સાથે જોડેલ ગોળ પાટિયાના અગ્ર ભાગમાં એક પુલી જોડેલી હશે. તે પુલી સાથે એક લાંબો શાફ્ટ  ફીટ કરવામાં આવ્યો હશે. આ લાંબા શાફ્ટને છતમાં એક હોલ કરી અગાસી પર લઈ જવામાં આવ્યો હશે. ત્યાં શાફ્ટના બીજા છેડે પણ એક પુલી જોડેલી હશે. તેની સમાંતર એક મોટર ગોઠવેલી હશે, મોટર સાથે ગિયર બોક્સ અને પુલી જોડેલી હશે. માછલીની પુલી અને મોટરની પુલીને બેલ્ટથી જોડવામાં આવી હશે. ગિયર બોક્સમાં પહેલેથી જ નિર્ધારિત આર.પી.એમ. સેટ કરવામાં આવ્યાં  હશે. (મેચ પહેલા જ નક્કી કરવું પડે ને કે માછલીની સ્પીડ કેટલી રાખવી)  મોટરને ઘુમાવવા તેની સાથે ઇલેક્ટ્રિક જોડાણ કરેલું હોવું જોઈએ. જેના દ્વારા મોટર ફરે, મોટર ફરે એટલે બેલ્ટ દ્વારા માછલી ફરે! સિમ્પલ  …..અને હા, ચાલું સ્વયંવરે લાઈટ જાય અને કોઈ બબાલ થાય એ નિવારવા જનરેટ અને ઓટોઓવર સ્વીચ પણ રાખી હોય! આમ સાબિત થાય છે કે દ્વાપરયુગમાં વીજળી હશે જ; તો જ આ સ્વયંવર શક્ય બન્યો હોય. તમારા સમ.

    શું તે સમયે વીજળી હશે ? હું ગુંગળાઈને ગતિશૂન્ય થઈ ગયો. નિયમિત સ્વચ્છંદે વિહરતાં મારા મગજે આજ ગજબનાક ટૅમ્પો જમાવ્યો હતો. મારા પર કાનુડાની લીલા જ થઈ હોય એવું જ સમજો ને. મારા મગજમાં મગજવાળા જ્ઞાનકોશો નુકતેચીની કરી રહ્યાં હતાં. એક જ્ઞાનકોશે પડખેવાળા જ્ઞાનકોષને ઠોહો મારીને કહ્યું પણ ખરું કે, “આપણા શેઠનું મગજ કાગદડી સુધી વિચારતું નથી ને ઠેઠ દ્વાપરયુગ સુધી પુગી ગયું!? “મારા મગજમાં પણ એક જ પ્રશ્ન ઘુમ્મરે ચડ્યો હતો કે “દ્વાપરયુગમાં ખરેખર વીજળી હશે?“ વિચારોના ઘમ્મર વલોણાંમાં હું સાવ નખાઈ ગયો. ‘ડગલું ભર્યું કે ના હઠવું’ એવું કવિ શ્રીનર્મદ એક કવિતામાં કહી ગયા હતાં, શાયરી-કવિતામાં મને હાંધાની ય હુજ ના પડે તોય મેં તેમને આવા વિકટ સમયે યાદ કરી તેનું માન જાળવ્યું. જયુ જેવા અમારા ગામના ફિલોસોફરે સાચું જ કહ્યું છે કે તર્ક કરવું એ બુદ્ધીમાનોનું કામ છે, હું બુદ્ધિમાન છું જ. મારો તર્ક વ્યાજબી છે અને હું તેને વળગી જ રહીશ. કોઈ માને કે ન માને હું મારા તર્ક પર કાયમ છું કે દ્વાપરયુગમાં વીજળી હતી જ-

    હવે વીજળી હતી એ સ્વયંસિદ્ધ થયું; પછી એ એક યક્ષ પ્રશ્ન મને સતાવી રહ્યો છે. આ માછલી જીવતી હતી ? જો જીવતી હોય તો જીવદયાપ્રેમી, મેનકાજી જેવા કોઈ એક્ટીવિસ્ટો તે સમયે નહોતા? આ સંશોધનનો વિષય છે!

    બીજા વિશ્વયુદ્ધ સમયે સૈનિકોમાં જોમ પુરવા ચર્ચીલેસાહેબે એક પ્રેરણાદાઈ અવતરણ ટાંક્યું હતું કે ‘ડોન્ટ ગીવ અપ’ એટલે એના માન ખાતર જ  હજુ મેં વગર તુમડે વામો ભરી. વીજળી હોય તો ઉત્પાદન, પ્રસારણ અને વિતરણ કઈ રીતે કરતા હશે? ઘેર ઘેર  મીટર હશે? મીટરના યુનિટો અને રીડીંગ લેવાં માણસો રોક્યાં હશે? યુનિટ પરથી યાદ આવ્યું કે જયારે કોઈ શહેરીલાલાને પોતાનો મોબાઈલ મંતરતો દેખે એટલે એને ઉદ્દેશીને અમારો જયુ અચૂક બોલે કે, “તમારા ઘરમાં મયના દિમાં તમે જેટલાં યુનિટ મોબાઈલ ચાર્જિંગ કરવામાં બારો એટલા યુનિટ અમારે ઘરમાં પંખો, લાઈટુ હંધુય બારીયે તો ય મયના દિ માં નો બરે!“વીજળીને લીધે ઘણી આવક થતી હશે, શું તે બધી આવક રાજા જ લઈ જતા હશે ? માર્ક્સ, લેનિન જેવા સામ્યવાદીઓનું તે સમયે અસ્તિત્વ નહિ હોય? આ પાંચાલ પ્રદેશ એટલે આજનો ઉત્તરપ્રદેશ, ૫૦૦૦ વર્ષો પહેલા ત્યાં વીજળી હતી તો અત્યારે ત્યાં વીજળીનો અભાવ શા માટે? મહર્ષિ વેદવ્યાસે ઘણું બધું છુપાવ્યું છે; જેની સત્ત્વરે તપાસ કરવાની જરુર અમોને લાગી રહી છે.

    હું આંખો બંધ કરી મારી કલ્પનાઓને ગલીપચી કરી રહ્યો હતો, ત્યાં જ ભ્રમરો પર ફણા માંડતી શ્રીમતી એ મને ઝકઝોળ્યો, અમારી વચ્ચે તારામૈત્રક રચાયું. તે બોલી કે “હાલો હવે બાર થ્યા, અંદર આવીને હુય જાવ.“ મારો વિજય વાવટો વીંટાઈ ગયો. મારી વિચારધારાઓના મણકા વેરાઈ ગયા. હું દ્વાપરયુગમાંથી સીધો કળયુગમાં ખાબક્યો. યજ્ઞવેદી પર બેઠેલાં કોઈ મહર્ષિ જેવી ચિરશાંતિ અને તપસ્યાના ભાવો ધરી હું તેની સામે જોઈ રહ્યો. ફરી તેણે દાણીયા જેવી મોટી આંખો કરી હૂકમ છોડ્યો. મારી ઉઠવાની રાહ જોયા વગર દીવાનખંડની લાઈટ, ટીવી અને પંખા બંધ કર્યા. મારા જીવનમાં વીજળી બંધ થઈ ચૂકી! અંતે હું તેને અનુસરીને શયનખંડમાં પધાર્યો.

    શયનખંડમાં પણ આંખો બંધ કરી હજું હું વિચારતો રહ્યો, અકથ્ય ભાવો મારા ચહેરા પર તરવરતાં હતાં. મને એવું લાગ્યું કે આ ભવનો મારો ફેરો સફળ થયો. મેં ૫૦૦૦ વર્ષ પહેલાના યુગમાં વીજળી હતી એ શોધી કાઢી…..તે બદલ જ્યારે ભગવાન શ્રીવિષ્ણુ કલકી અવતાર ધરી પૃથ્વી પર પધારશે ત્યારે તેણે મારી પીઠ થાબડવી જ રહી.

    પરમકૃપાળુ પરમાત્મા સૌને સદબુદ્ધિ અર્પે એવી અભ્યર્થના. જયશ્રી કૃષ્ણ!

    eછાપું

     

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here