અધીજનનશાસ્ત્ર: ગર્ભસંસ્કારની જરૂરીયાત

    2
    553

    આજનો યુગ સ્પર્ધાનો યુગ છે. સવારે ઉઠીને બ્રશ કરવાથી માંડીને રાત્રે સુઈ જવા સુધીની દરેક બાબતો માં કે તેની સાથે જોડાયેલા સાધનો માં ક્યાંક ને ક્યાંક સ્પર્ધા જોડાયેલી છે. આવા સંજોગોમાં અધીજનનશાસ્ત્ર એટલે શું તે વાંચવાનો કે પછી જાણવાનો કદાચ કોઈને સમય નથી. પરંતુ એ બાબત ચોક્કસ છે કે તમે કે હું કોઈ દિવસ હાર પચાવી શકતા નથી. હંમેશાં શ્રેષ્ઠ કે સર્વોપરી થવાના સ્વપ્ના દરેક જણ સેવતા હોય છે અને સૃષ્ટીનો વણલખ્યો નિયમ છે કે હંમેશા વિજેતાની જ નોંધ લેવાય છે હારેલા માટે દરવાજા ખુલ્લા હોય છે. જો આપણે આ હકીકતને સ્વીકારતા હોઈએ તો પછી આપણા માટે અધીજનનશાસ્ત્ર અંગે જાણવું અતિશય જરૂરી બની જાય છે.

    દરેક બાબતોમાં ફૂંકી ફૂંકીને પગલા લેનાર લોકોને બાળકો પણ શ્રેષ્ઠ જોઈએ છે પણ તે માટે તૈયારી કેટલા કરે છે?? જવાબ છે…લગભગ નહીવત. ઓર્ડર જે વસ્તુનો આપીએ તેવી જ વસ્તુ મળે છે. બાવળના બી વાવવાથી તમે કેરી ની આશા રાખો તો તમારી એ આશા હાસ્યાસ્પદ છે…

    હવે નીચેના સમાચાર પર જરા નજર ફેરવો…

    • નીચે ફોટામાં જણાવેલ અમારો પુત્ર અમારા કહ્યામાં નથી જેથી અમારા નામે તેની સાથે કોઇપણ જાતનો વહેવાર કરવો નહીં.
    • સગા બાપ ઉપર કુહાડી થી હુમલો કરી પુત્રએ નીપજાવેલું મોત.
    • સગા બાપે પોતાની ૩ વર્ષની પુત્રી પર કુકર્મ આચર્યું.
    • ફલાણા નેતાએ ૨૦૦ કરોડ નું કૌભાંડ કર્યું.
    • દહેજની લાલચમાં આવી સાસરીયાઓએ પરિણીતા ને જીવતી સળગાવી.

    શું તમારે આવા આત્માઓની આ સંસારને ભેટ આપવી છે. જે લોકોને કનડગત કરે?? ખુદ પિતા-પુત્ર, પિતા-પુત્રી જેવા  સંબંધોનું પણ જેને જ્ઞાન ના હોય તેવા શેતાની મનુષ્યો થી ભારત વર્ષ ને શું ફાયદો થવાનો? ઉપર ના દરેક કિસ્સા ના મૂળમાં જઈશું તો ક્યાંક ને ક્યાંક ગર્ભસ્થ બાળકના મન પર પડેલી પાશવી પ્રસંગોની અસરો કે ઘરના કંકાસ ભર્યા વાતાવરણનો ચિતાર ચોક્કસ મળશે. એકલા આયર્ન-ફોલિક વિટામીનોથી સારા બાળકો જન્મતા નથી જ.

    ખનીજ તેલનું જ્યારે શુધ્ધીકરણ કરવામાં આવે છે ત્યારે છેલ્લે પારદર્શક ગેસોલીન પેદા થાય છે જે ઉન્નત ઉચાઇએ પહોચવા વિમાનોમાં પોતાની જાત જલાવે છે અને આ પ્રક્રિયામાં બાય પ્રોડક્ટ (વધારાની યુ નો) તરીકે ડામર ઉત્પન્ન થાય છે. કહેવાની જરૂર નથી કે એ કાળા તત્વને નીચે જમીન પર સ્થાન મળે છે લોકોના પગ તળે.

    હવે નિર્ણય તમારે લેવાનો છે કે તમારું સહશયન નિશ્ચિત લક્ષ્ય માટે છે કે તેનાથી બાય પ્રોડક્ટ તરીકે સંતાનો ઉત્પન્ન થાય તેના માટે છે??

    એક પ્રચલિત વાર્તા છે કે જંગલ માં બધા પ્રાણીઓ ની માદાઓની (વાઇફો) કિટ્ટી પાર્ટી હતી, તેમાં ચર્ચા છેડાઈ કે કોણ કેટલા સંતાનો ને જન્મ આપે છે??? રીંછણ કહે હું બે સંતાનો ને જન્મ આપું છું, કુતરી કહે હું આઠ સંતાનો ને જન્મ આપું છું, ભૂંડણ કહે હું પંદર, છેલ્લે સિંહણ બોલી હું એક જ સંતાન ને જન્મ આપું છું અને તે દરેક સિંહ જ હોય છે. ટૂંકમાં કહીએ તો બચ્ચા તો કુતરા-બિલાડા ને ભૂંડ પણ ઉત્પન્ન કરે છે માણસ બુદ્ધિશાળી જીવ છે જો ફક્ત બાળકો પેદા કરવા માટે સહશયન હોય અને એ બાળકો માં ગુણવત્તા જ ન હોય તો એ માણસના ખોળિયામાં કુતરા કે બિલાડાનો જ આત્મા હોઈ શકે અને એમની એ પ્રક્રિયાની બાય પ્રોડક્ટોના જથ્થાથી આ દુનિયાનો માત્ર ભાર જ વધે છે, રોજ નિત-નવીન કૌભાંડો જ થાય છે, વિશેષ કાઈ નહીં.

    ઉત્તમ સંતાનો ની ઉત્પત્તિ ની બાબત માં આજના જમાના માં અધીજનનશાસ્ત્રની તાતી જરૂર છે. પ્રાચીન ઋષિમુનીઓએ ગર્ભાધાન અને બાળ ઉછેરના તમામ પાસાઓ ઉપર જે શાસ્ત્ર રચેલ છે તેનું નામ જ અધીજનનશાસ્ત્ર. કોઈપણ વ્યક્તિ કોઇપણ ગ્રંથને ત્યારે જ ન્યાય આપી શકે જયારે તે એ વ્યવસ્થા માંથી પસાર થયો હોય એટલે જ આ તમામ ઋષિમુનીઓ મજબુત દાંપત્યજીવન જીવતા હતા એ વાત નક્કી છે. પરંતુ તેમનું લગ્નજીવન કે સહશયન માત્ર ને માત્ર ઉત્તમ સંતાનની ઉત્પત્તિ માટે જ હતું જેમાંથી માતૃત્વ કે પિતૃત્વ નો આનંદ વધુ અને કામવાસનાની તૃપ્તિનો આનંદ શૂન્ય હતો. આજે આ બાબત ઉલટાઈ ગઈ છે, કામતૃપ્તિ માટે સહશયન અને માતૃત્વ-પિતૃત્વ બોજ બનતું જાય છે.

    શું આ રીતે આપણે ભારતવર્ષને વીરપુરુષો-સન્નારીઓની ભેટ આપીશું? શું આ રીતે ભારત મહાસત્તા બનશે? લગ્નજીવનનો ઉચ્ચ આદર્શ વિસરાઈ જતા ઉત્તમ સંતાન માટેની આચારસંહિતા સાવ લુપ્ત થઇ ગઈ છે. પરિણામે હિનસત્વવાળી પ્રજા ઉત્પન્ન થવા લાગી અને તે આજના સમાચારપત્રો કે ન્યુઝ ચેનલોને રોકડી કરવા માટે રોજ મસાલો પૂરો પાડવાનું માધ્યમ બનતી ગઈ.

    આજના જમાનામાં પુરુષોનો મર્દાના અવાજ પેઢી દર પેઢી સ્ત્રૈણ (સ્ત્રી જેવો-જેની સારી ભાષા માં ચોકલેટી કહે છે) બનતો જાય છે. ડેની કે ઓમપુરી જેવા અવાજો હવે ભૂતકાળ થઇ ગયા છે. જે હીનસત્વનું ઉદાહરણ છે. સામે સ્ત્રી પુરુષ સમોવડી થવાની લ્હાયમાં સ્ત્રીત્વ ગુમાવતી જાય છે. જેને જમાનો બોલ્ડનેસ માં ખપાવે છે. આવા સત્વ વધારવા અધિજનનશાસ્ત્ર ની જરૂર છે.

    એક મત મુજબ જયારે દંપતિ સહશયનરત થાય છે અને બીજનું મિલન થાય છે ત્યારે આત્માઓ ની ગર્ભ માં પ્રવેશ માટે સ્પર્ધા યોજાય છે. જેમ સ્ક્રીન પર જોયા વગર નંબર ડાયલ કરવાથી રોંગ નંબર થવાની શક્યતા વધી જાય છે તેમ આ ધક્કામુક્કીમાં કોઈ શેતાની આત્મા કે તેના આંશિક ગુણો ધરાવતો આત્મા પ્રવેશે તેની શક્યતાઓ વધી જાય છે. તેના કરતા યોગ્ય નંબર ડાયલ કરવાથી ચોક્કસ વ્યક્તિને જ કોલ લાગે છે. શ્લોક વડે પ્રભુને પ્રાર્થના અને દિવ્યઆત્માનું આહ્વાન કરવાથી ગર્ભમાં ચોક્કસ આત્માનો જ પ્રવેશ થાય છે. આ આહવાન માટે અધિજનનશાસ્ત્રની જરૂર છે. આવા દૈવી આત્માઓ પોતાને ત્યાં અવતરે તેના માટે શું કરવું જોઈએ? શું જેમ ઓર્ડર મુજબ વસ્તુ મેળવી શકાય એમ ઈચ્છિત સંતાનો ઈચ્છિત ગુણ-સ્વરૂપવાળા મેળવી શકાય ખરાં? માતા-પિતાના આચરણની,બાહ્ય વાતાવરણની ગર્ભસ્થ શિશુ પર અસર પડે ખરી?

    આ તમામ સવાલોના જવાબ માટે જરૂરી છે એક માત્ર અધિજનનશાસ્ત્ર….

     

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here