હા! ગુજરાતમાં પદ્માવતી પરનો પ્રતિબંધ ચૂંટણીલક્ષી જ છે

    0
    311

    બરાબર 20 દિવસ અગાઉ eછાપુંમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે પદ્માવતી પર ગુજરાતમાં પ્રતિબંધ જો મૂકવામાં આવશે તો તે માત્ર રાજકીય લાભ લેવા માટે જ હશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ રાઉન્ડના મતદાનના પંદર દિવસ અગાઉ મુખ્યમંત્રી વિજય રુપાણીએ ફિલ્મ પરનો વિવાદ જ્યાંસુધી પૂરો ન થાય ત્યાં સુધી ફિલ્મને ગુજરાતમાં રિલીઝ કરવા પર પ્રતિબંધ મુકતી જાહેરાત ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં કરી દીધી અને થોડા સમય બાદ આ અંગેનું નોટિફિકેશન પણ બહાર પડી ગયું.

    અગાઉના લેખમાં એક નૂકતેચીની કરવામાં આવી હતી કે ભાજપે પદ્માવતીના મુદ્દે ઓફિશિયલી વચ્ચે પડવાની જરૂર ન હતી કારણકે કેન્દ્રમાં તેમના જ મંત્રી સ્મૃતિ ઈરાની ફિલ્મને સુરક્ષિત રિલીઝ કરવાના વચને બંધાયેલા છે. પરંતુ છેવટે ભાજપે જે કરવાનું મન બનાવી લીધું હતું તે જ કર્યું અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. મજાની વાત એ છે કે સેન્સરને ફિલ્મ દેખાડ્યા અગાઉ સંજય લીલા ભણસાલીએ  રજત શર્મા અને અર્નબ ગોસ્વામી જેવા જમણેરી પત્રકારોને ફિલ્મ દેખાડી હતી તેમાંથી રજત શર્માએ ભાજપના કેટલાક કેન્દ્રીય નેતાઓને ફિલ્મ જોઇને આગળ વધવાની વિનંતી કરી હોવાની વાત પણ ગઈકાલે જ સાંભળવામાં આવી હતી.

    પદ્માવતી ફિલ્મના દ્રશ્યો પર અને વાર્તા પર જે વિવાદ ચાલે છે તે સાચો છે કે ખોટો અથવાતો તેને લઈને જે અતિવાદી રીએક્શન આવ્યા છે તે કેટલા સાચા કે ખોટા છે તેની ચર્ચા આપણે આ જ પ્લેટફોર્મ પર સમય આવ્યે કરશું, પરંતુ આજે આપણે ફક્ત ગુજરાત સરકારના ગઈકાલના નિર્ણયની રાજકીય અસરો પર વાત કરવી છે.

    ગુજરાત સરકારે ચૂંટણી દરમ્યાન પ્રતિબંધ ન મુકવો જોઈએ એ મંતવ્ય અહીંથી વીસ દિવસ અગાઉ જ આપી દેવાયું હતું. પરંતુ હવે જ્યારે આ નિર્ણય લેવાઈ જ ગયો છે ત્યારે એક સવાલ મુખ્યમંત્રીને કરવાનું મન થાય કે “જ્યાં સુધી આ વિવાદનો ઉકેલ ન આવી જાય ત્યાં સુધી” નો મતલબ શું? બીજું, એક મુખ્યમંત્રી તરીકે ફિલ્મને જોયા વગર વિવાદ સાચો કે ખોટો નક્કી ન કરતા કોઈ નિર્ણય પર પહોંચવું કેટલા અંશે આપના માટે યોગ્ય કહી શકાય?

    તમને ગમશે: ભારતના મહારાજાઓ પર ટિપ્પણી કરીને ભેરવાયા શશી થરૂર

    હવે વાત કરીએ વિપક્ષોની તો જ્યાંસુધી ગુજરાતનો સવાલ છે તો સરકારે પ્રતિબંધનો નિર્ણય જાહેર કરીને એક કાંકરે બે પક્ષીઓ માર્યા છે. એક તો પોતાના મત અંકે કરવાનો પ્રયાસ તો કર્યો જ છે પરંતુ આ નિર્ણયથી વિપક્ષો સરકારની ટીકા પણ નહીં કરી શકે એ પણ એણે પાક્કું કરી લીધું છે કારણકે આવનારી ચૂંટણીઓમાં એક મત પણ ગુમાવવો ગુજરાતની કોઇપણ રાજકીય પાર્ટીને પોસાય તેમ નથી.

    હવે વાત કરીએ એ તત્વોની જે માત્ર હિન્દુવાદી વિરોધનો જ વિરોધ કરતા હોય છે. આપણે એમને એ હકીકત તરફ ધ્યાન લઇ જવું જોઈએ જ્યારે ગત દાયકામાં ઈંગ્લીશ ફિલ્મ ‘Da Vinci Code’ પર આવી જ રીતે એકપછી એક સાઉથના ત્રણ રાજ્યો તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળ ઉપરાંત ગોવા અને નાગાલેન્ડમાં પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો કારણકે આ ફિલ્મ ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની લાગણી દુભાવતી હોવાનો આરોપ હતો. જો કે પ્રખર ખ્રિસ્તી રાષ્ટ્રોમાં આ ફિલ્મ રિલીઝ તો થઇ જ હતી પરંતુ તેને આવકાર પણ સારો એવો મળ્યો હતો.

    અત્યારની પોઝીશન તો એવી છે કે ફિલ્મ માત્ર પદ્માવતીની ટીમે જોઈ છે અને કેટલાક પત્રકારોને દેખાડવામાં આવી છે. પત્રકારોનું માનીએ તો પદ્માવતી  ફિલ્મમાં એવું કશું જ નથી જે અંગેનો વિરોધ છેલ્લા એક દોઢ મહિનાથી થઇ રહ્યો છે. વળી, આ પત્રકારોની છાપ પણ પ્રો-ભાજપની રહેલી છે. અત્યારે તો ગુજરાતની ચૂંટણી પર બધાની નજર છે અને આથી પદ્માવતીએ હાલપૂરતી બેકસીટ લઇ લીધી છે કારણકે સેન્સર બોર્ડે તેની અરજી પણ પરત કરી છે.

    કદાચ ગુજરાતની ચૂંટણીઓ બાદ રાજકીય ફિવર ઘટવા લાગશે અને છેવટે ઘી ના ઠામમાં ઘી પડ્યું રહેશે.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here