પ્રસંગે ચાંલ્લો લખવાની અને લખાવવાની કળા

0
471

હવે લગ્નની મૌસમ નજીક આવે છે દરેકના ઘરે એક જ તારીખની બે થી ચાર કંકોત્રી આવીને પડી હશે. દરેક જગ્યાએ જવું પડે, જઈએ એટલે થોડો વ્યવહાર એટલે કે ચાંલ્લો પણ કરવો પડે. બસ આ આપણા સમાજમાં આ ચાંલ્લાનો વ્યવહાર જ એવો વ્યવહાર છે જે સ્ત્રી અને પુરૂષ વચ્ચેનાં ભેદભાવ વગર બન્ને ને એક સમાન ચોટે છે અને આ એવો ચાંલ્લો છે કે જે ચોટે પછી જલ્દી ઉખડતો પણ નથી. લોકો ચાંલ્લાને કે કવર કરવા જવાનું છે તેને બહુ સાહજીકતાથી લેતા હોય છે પણ આ ઘણો જટિલ મુદો છે જેના વિષે વર્ષો સુધી સમાજ સાયલન્ટ રહ્યો છે. નથી કોઈએ આ મુદાની ચર્ચા કરી કે નથી કોઈએ આના વિષે લખ્યું. તો એવું શું છે આ ચાંલ્લા/વ્યવહાર/કવરમાં કે એના વિષે લખવું પડે. ખરેખર ચાંલ્લો લખવો અને લખાવવો એ એક આર્ટ છે, એક કળા છે તો આપણે જાણીશું આજે ચાંલ્લો લખવા લખાવવાની કળા.

 

અમેરિકાવાળા આપણી જેમ ચાંલ્લા-કવરમાં માનતા નથી એટલે એ લોકો ફક્ત કોઈને ફૂલ આપી જાય અથવા વધારેમાં વધારે ઇનવાઈટ કરવા પર થેન્ક્સ કહી જાય એટલે જ એમના ત્યાં થેન્ક્સ ગીવીંગ ડે જેવા સાવ વ્યવહાર વગરના દિવસોની ઉજવણી થાય છે. પણ આપણે તો ભારતમાં રહેવાનું અને ભારતમાં રહેવુ હોય તો વ્યવહારમાં તો રહેવું જ પડેને? અહીંતો બધું વ્યવહારથી જ ચાલે ને? એ હિસાબે આપણે દરેક શુભપ્રસંગે ચાંલ્લો કરવાનો રીવાજ અસ્તિત્વમાં આવ્યો. ખરેખર ચાંલ્લો કરવાનો રીવાજ જે વ્યક્તિનાં ઘરે પ્રસંગ હોય એને પ્રસંગનાં ખર્ચામાં મદદરૂપ થવાનો હોય છે એટલે આ ચાંલ્લો લખવા અને લખાવવાની કળા આપણે શીખવી જ પડે.

ચાંલ્લો લખવા બેસવાની કળા

આ ચાંલ્લાના કવરોની વિગતો લખવા બેસવામાં કુટુંબનાં સૌથી વિશ્વાસુ અને મોટા ભાગે ચાર્ટડ એકાઉન્ટન્ટ અથવા તો બેન્કમાં કેશિયર તરીકે નોકરી કરતા વ્યક્તિની જ નિયુક્તિ કરવામાં આવે છે. ઉપરાંત જો કોઈ ના આવી શકે પણ કોઈ અન્ય હાજર રહેનાર સાથે કવર મોકલાવી શકે એવા ઘણા દુર-દુરનાં લોકોને આમંત્રણ કાર્ડ મોકલાવ્યા હોય અને તેનાથી ચાંલ્લાનું રજીસ્ટ્રેશન કરવાની લાઈન લાગવાની સંભાવના હોય તો SBIના કોઈ કર્મચારીને જ ચાંલ્લાના કવર લખવા બેસાડવો કેમકે ગમે તેટલી લાંબી લાઈન થાય એના પેટનું પાણી પણ હલતું નથી. ઘણી વાર કુટુંબનાં ચાર્ટડ એકાઉન્ટન્ટને થતું પણ હશે કે, “કાશ હું આટલુ ન ભણ્યો હોત તો મારે આ ચાંલ્લો લખવાનું ટેબલ લઈને તો ના બેસવું પડત??” ચાંલ્લો લખવા બેસવા તમારે શાંત મને બેસવું પડે છે, કેમકે લોકો ૧૦૦ રૂ આપીને ૧૦૧ લખાવે છે. એક રૂપિયો માંગતી વખતે કેટલોય સંકોચ અનુભવાય છે. ચાંલ્લો લખવામાં ભીડ જામે તો લોકો તમને ઓળખતા હોય એવી ઓળખાણો પણ લગાવે છે. “અરે તું તો ફલાણા નો બાબો ને મને નાં ઓળખ્યો? મારા ખોળામાં તો રમીને તું મોટો થયો છે” એમ કહી કહીને ચાંલ્લો વહેલો લખાવવાનો પ્રત્યન કરે છે. ઘણા તો નામ જ નથી લખાવતા અને પૂછ્યા કરે, “અરે મને નથી ઓળખતો? ઓળખ કોણ છું? અરે મને તો ઓળખવું જ પડે!” આવું કરવામાં તમે ચાંલ્લાના રૂપિયાનાં હિસાબમાં ધ્યાન આપો કે એ ભાઈને ઓળખવામાં? આના માટે અનુભવીઓ એવું કહે છે જે કુટુંબના બધા સભ્યોને ઓળખવામાં નિપુણતા ધરાવતા હોય એમને સહાયક ચાંલ્લો લખનાર એટલે કે ઉપમુખ્યમંત્રીનું પદ આપવું જે ફક્ત બધાને ઓળખાણ કરાવે અને કોઈ બે વાર મુખવાસ ઝાપટી નાં જાય એનું પણ ધ્યાન રાખે.

ચાંલ્લો લખાવવા ની કળા

ચાંલ્લો લખનાર લાલ પેનથી જ એને લખે છે ને એ ચેક કરી લેવું. કોઈ દિવસ અગાઉથી ઢંઢેરો ના પીટવો કે અમે તો ફલાણાનાં પ્રસંગમાં જવાના જ છીએ અને ફેસબુક ચેકઇન તો બિલકુલ કરવું નહીં, નહી તો ત્યાં સુધી લાંબા ના થનાર ચાર પાંચ જણા તમને ફોન કરીને કહેશે કે, “અમારું આટલાનું કવર લખાવી દેજે,  રૂપિયા આપણે મળીયે ત્યારે હું તને આપી દઈશ.” અને એ ચાંલ્લો કદાચ તમને જીવનભર ચોટી શકે છે. અત્યંત દૂરના સગાં હોય એવા લોકોનાં પ્રસંગમાં કવર કરવા ગયા હોઈએ ત્યારે કંકોત્રી સાથે રાખવી જેથી કવર પર ‘પ્રતિ’ લખીને નામ સાચું લખી શકાય. આવા લગ્નોમાં ચાંલ્લો લખનાર જ્યારે આપણું કવર લખતી વખતે આપણું નામ લખતો હોય ત્યારે માથે ઉભા રહીને ડોકાચિયા કરીને ખાસ ચેક કરવું કે આપણું સાચું નામ અને ઓળખાણ લખે નહીંતો કવર આપણું અને જશ કોઈ બીજો લઇ જશે.

સોસાયટીની કંકોત્રીમાં ઘર નંબર અવશ્ય લખવો. જો તમારે કોઈને કહેવાનું ના હોય કે તમે કેટલાનો કરવાના છો તો બધા આઘા પાછા હોય ત્યારે ચુપકેથી તેને લખાવી દેવો. ઘણા લોકો એવા હોય છે કે જે ટાંપીને બેઠા હોય કે આપણે કેટલો લખાવીએ છે એટલે એમને હંમેશા ખોટા આંકડા કહેવા. જેના ઘરે પ્રસંગ હોય એના ઘરે એને લખાવતા પહેલા પોતાના ઘરના ચાંલ્લાની નોટ ચેક કરી લેવી કે આપણા ઘરે પ્રસંગમાં એમણે કેટલો લખાવ્યો હતો.  જો તમારે પ્રસંગ પછી પણ ક્રોસ ચેક કરવું હોય કે તમારું કવર એને બરોબર મળી ગયું  છે કે કેમ તો પ્રસંગ પછી ફોન કરવો, “તમારા ત્યાં જમવાનું ખરેખર સરસ હતું, બહુ મજા આવી, મેં ૫૦૦ રૂ નું કવર લખાવ્યું હતું એ કવર મળી ગયું ને?” આવી રીતે ક્રોસ ચેક પણ કરી શકાય. ચાંલ્લોને લખાવતી વખતે એટલી વાતો ના કરવી કે મુખવાસ ખાવાનું ભૂલી જવાય. ચાંલ્લો લખાવતી વખતે તમે શક્ય એટલો મુખવાસ ટીસ્યુ પેપરમાં ભેગો કરી શકો છો.

તો આટલી વાત નું ખાસ ધ્યાન રાખીને જ ચાંલ્લો લખાવવા જજો તથા આ લેખ પસંદ આવે તો તમે પણ લાઈક અને શેર રૂપી ચાંલ્લો લખાવજો.

લી વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here