સોશિયલ મીડિયા અને ટ્રાવેલિંગ

    5
    313

    કોઈ પણ સ્થળે ફરવા જવું હોય તો અત્યાર સુધી એક બહુ જ જૂનો અને સાવ જ ઘસાઈ ગયેલો રસ્તો એ હતો કે જે-તે જગ્યા પર કોઈ મિત્ર કે પરિવારનું સભ્ય ગયું હોય તેને પૂછી અને તે મુજબ પ્લાનિંગ કરવામાં આવતું હતું પરંતુ નવી પેઢી સાહસિકતામાં માને છે અને તેઓ આ જ વસ્તુને થોડી અલગ રીતે પ્લાન કરે છે. જે તે સ્થળે જવું હોય તેના વિષે સીધું જ ગુગલ, ફેસબુક, ટ્વીટર, ક્વોરા અને ઇન્સ્ટાગ્રામ જેવી સાઇટ્સ પરથી માહિતી મેળવી લે છે. આજે આપણે અહીંયા એ જ વાત કરશું કે સોશિયલ મીડિયા તમને ટ્રાવેલિંગ માટે કઈ રીતે મદદ કરી શકે છે.

    હોટલ

    હોટલ્સ બુક કરાવવા માટે પહેલા બહુ જ મગજમારી કરવી પડતી હતી અને છેલ્લે મોટું રિસ્ક તો એ રહે કે જે-તે હોટલ બુક કરી છે એ નહિ ગમે તો પણ પૈસા તો એડવાન્સ જ અપાઈ ગયા હોય ત્યાં રહેવું તો પડશે જ એટલે એ ડર સાથે જ પ્રવાસની શરૂઆત થતી હતી. હવે સમય બદલાઈ ગયો છે તમારા ટ્રાવેલિંગ દરમ્યાનના હોટલ બુકીંગ ઓનલાઇન જ થઇ શકે છે અને એમાં પણ તમને Pay At Hotel નો વિકલ્પ મળતો હોય છે. આ માટે Bookings.com કે પછી Trivago ની મદદ દ્વારા તમે સરળતા થી હોટલ ના રૂમ જોઈ પણ શકો છો, જે-તે હોટલ વિષે ત્યાં મુલાકાત લઇ ચૂકેલા લોકો શું કહે છે તે પણ જાણી શકો છો. Bookings.com પરથી હોટલ બુક કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેઓ ઘણી હોટેલ્સમાં તમને Pay At Hotel નો વિકલ્પ પણ આપે છે એટલે તમે જે-તે સ્થળે જઈઅને હોટલ જોયા પછી તેમાં રહેવું કે કેમ તે નક્કી કરી શકો છો.

    ભોજન

    ટ્રાવેલિંગ ગમે ત્યાનું હોય પણ આપણે ગુજરાતીઓ જોકે મોટાભાગે આપણા અમૂલ્ય ઘરેણાં એવા થેપલા, ખાખરા અને સેવ-મમરાના પેકેટ્સ તો બધે જ લઇ જતા હોઈએ છીએ પરંતુ એ નાસ્તા તરીકે ચાલે. સંપૂર્ણ ભોજન માટે Zomato એક એવી સાઈટ છે કે જે લગભગ દરેક રેસ્ટોરન્ટને કવર કરે છે. Zomato પર તમને જે-તે રેસ્ટોરન્ટનું તદ્દન નવું જ મેન્યુ ઓનલાઇન જોવા મળી શકે છે તથા ત્યાં પણ રીવ્યુઅર્સ હોય જે-તે રેસ્ટોરન્ટની પ્રખ્યાત વાનગીઓ વિષે તમે જાણી શકો છો. આ સિવાય Nearbuy અને Dineout જેવી વેબસાઇટ્સ પણ તમારા ટેસ્ટબડ્સને ચટાકો અપાવી શકે છે.

    રખ્ખડપટ્ટી

    કોઈપણ સ્થળે આપણે રખ્ખડપટ્ટી માટે જ તો જતા હોઈએ છીએ અને એમાં પણ તમને એવી કોઈ સાઈટ મળી જાય તો કેવી મજ્જા છે ? Tripadvisor એક એવી જ વેબસાઈટ છે જ્યાં તમને કોઈ પણ શહેરમાં ક્યાં ફરવું, કેવી રીતે ફરવું તથા જે-તે શહેરની વિશષતાઓ શું છે તે અને તે શહેરમાં રહેવા તથા ખાવા-પીવા માટે શ્રેષ્ઠ જગ્યાઓ કઈ છે તે વિષે સંપૂર્ણ માહિતી પુરી પાડે છે. આ સિવાય Nearbuy નામની વેબસાઈટ પરથી ભારતના લગભગ તમામ મોટા શહેરોમાં ઘણી લક્ઝરી સર્વિસીસ માટે તમને સસ્તી કૂપન્સ મળી રહે છે. અહીંયા તમારે પેમેન્ટ ઓનલાઇન કરવાનું હોય છે અને જે કુપનનો લાભ આપણે જોઈતો હોય તેના માટે 24 કલાક પહેલા અપોઈન્ટમેન્ટ લેવી હિતાવહ છે. 2 વર્ષ પહેલા હું જયારે દુબઇ ફરવા ગયેલો ત્યારે ત્યાંના એક મિત્રએ મને Groupon નામની વેબસાઈટ સજેસ્ટ કરેલી અને ત્યાંથી મેં ડેઝર્ટ સફારી, ધો ક્રુઝ ડિનર તથા બુર્જ ખલિફા માટે બુકીંગ કરાવેલું અને મને અંદાજિત 50 ટકા જેવો ફાયદો થયેલો. સૌથી મજ્જાની વાત એ છે કે બંદાએ Groupon થી બુર્જ ખલિફાનું બુકીંગ કરાવ્યું અને બુર્જ ખલિફા પર કોફી અને પેસ્ટ્રીની મિજબાની તદ્દન મફત મેળવેલી એટલે આવા ઘણા નાના નાના ફાયદાઓ તમને ઓનલાઇન ખાખાખોળા કરવાથી થઇ શકતા હોય છે.

    Offline Maps

    ટ્રાવેલિંગ દરમ્યાન કોઈ વખત એવું પણ બને કે તમે કશે ફરવા જાઓ ત્યારે ત્યાં ઇન્ટરનેટ જ નહિ પણ મોબાઈલ  કનેક્ટિવિટી સુદ્ધા ન મળે એટલે મોબાઈલ લગભગ એક રમકડું બની જાય તે સમયે તમે કશે અટવાયો અને તમારા GPS ની જરૂર પડે તો એ માટે Google Offline Maps તમને મદદ કરી શકે છે. અલબત્ત એ તમને એક્ઝેટ ગાઈડ તો નહિ કરી શકે પણ તેમાંથી હિન્ટ મેળવી તમે યોગ્ય સ્થળ સુધીની સફર ખેડી શકો છો. મારી પોતાની વાત કરું તો ગયા વર્ષે અમદાવાદથી લેહ By Road ટ્રાવેલ કરેલું અને મનાલી-રોહતાંગ પછી લગભગ એકાદ-બે સ્થળ બાદ કરતા લેહ સુધી કશે કનેક્ટિવિટી મળી નહોતી રહી ત્યારે આ Google Offline Map ખુબ જ કામ લાગેલો, આ સિવાય આ જ યાત્રામાં પરત ફરતી વખતે સોનીપત થી નેશનલ હાઇવે નંબર 1 પર જયપુર સુધીના રાત્રી સફરમાં પણ Google Offline Map અમારો સહારો બન્યું હતું.

    કોઈપણ સ્થળે ટ્રાવેલિંગ કરતી વખતે સોશિયલ મીડિયા પર જે-તે સ્થળ વિષે કોઈ પણ વસ્તુ સર્ચ કરશો તમને અઢળક મદદ અને બહુ જ માહિતી આસાનીથી ઉપલબ્ધ થઇ શકે છે. આ આર્ટિકલ વાંચ્યા પછી જો હવે તમે કશે ફરવા જાઓ તો અહીં આપેલી માહિતી તમને કેટલી ઉપયોગી થઇ તે જાણવાની ઉત્સુકતા રહેશે.

    eછાપું 

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here