સાહિત્યકાર બનવાના ધખારાનું અચ્યુતમ્ કેશવમ્

    3
    393

    શનિવારની કડકડતી ઠંડીની માજમ રાતે કોઈ દૈવીજીવે મારા સ્વપ્નમાં આવી કાનભંભેરણી કરી કે, “તારામાં સાહિત્યકાર બનવાનાં ગુણ છે, તું લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર બનવા માટે જ આ ધીંગી ધરા પર અવતર્યો છો. માટે હે વત્સ, કલમ કસી લે અને આ અબુદ્ધ, અભદ્ર જગત પર સાહિત્યનો પ્રકાશ રેડી દે. જ્ઞાન ફેલાવી અજ્ઞાની લોકોમાં દિવ્ય તેજપૂંજ ભરી સાચા રસ્તે વાળી દે.”  ટાઢા પહોરે આ દિવ્ય અગમવાણી સાંભળી હું પલંગમાંથી સફાળો બેઠો થયો! મનમાં સ્ફુરતા અસંખ્ય વિચારોને લઈ મને વિચારવાયુ થયો. મારી ઊંઘ ઊડી ગઈ.

    શુભસ્ય શીઘ્રમ એવી સ્વયંભૂ આહલેક કરી અને રવિવારની વહેલી સવારે મેં ઝડપથી ચા પીધી. બગલમાં પુત્રની અર્ધખાલી રફબૂક ભરાવી, ખિસ્સામાં મોઢ્યા વગરની બે  ‘યૂઝ એન્ડ થ્રો’ પેન નાંખી મારા એપાર્ટમેન્ટનાં નાનકડા રમણીય બગીચાના બાકળા તરફ કૂચ કદમ કરી. (બે પેન સાથે લેવાનું કારણ માત્ર એટલું જ કે જો મને ઊજમ ચડે અને કંઈક અદ્ભુત સર્જન કરવા લાગુ અને વચ્ચે પેન ખૂટી પડે તો મારા એકચિત્ત મનને ખલેલ ન થાય) શરીરમાં ગાડુ એક ભરેલી મારી આળસ ખંખેરી, ઊભા-ઊભા જ થતા સૂર્ય-નમસ્કારના સ્ટેપ કર્યા. વાંસ એક ઊંચે ચડેલો રવિ મારી રવિવારની રજાની ઈર્ષા કરી જલી રહ્યો હતો. મેં પહેરેલાં બાંડીયા ઝભ્ભા અને અર્ધ પતલૂનમાં સૂર્યનાં કોમળ કિરણો એ વિજયપ્રવેશ કરી મારામાં અસીમ ઊર્જાનો સંચાર કર્યો. કોઈ અકથ્ય, અવર્ણીય દૈવી શક્તિ મારા રોમે રોમમાં વ્યાપી મને કશું સર્જવા માટે ઇજન આપી રહી હતી. મેં બાકળા પર મારો દેહ ઠાલવી, રણે ચડેલો કોઈ શૂરવીર તલવારને સોનમઢી મૂઠ મ્યાનમાંથી ખેંચી, દુશ્મન પર તૂટી પડી નાના પથ્થરા તણાઈ જાય એવી લોહીની નીકો રેલાવી દેવા માટે તત્પર હોય એ રીતે જ મેં પેન ખિસ્સામાંથી ખેંચી; હા થોડો તાર્કિક ભેદ જરૂર હતો પણ પોરસ એટલું જ હતું! મેં ચોપડો ખોલ્યો, આંખ બંધ કરી અને ક્યાં વિષય પર લખવું તે વિષે ચિંતન-મનન કરવા લાગ્યો.

    સાહિત્યકાર બનવા માટે મેં કમરકશી અને પહેરણ ‘હોતન’. આંખે બેતાળાં આવી ગયા એટલાં બધા વિવિધ પુસ્તકો મેં વાંચ્યાં છે; પરંતુ સાહિત્યકાર એટલે શું તે તો મને ખબર જ નહોતી! પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું. પેલી આકાશવાણી એ પણ પોતાનો કોઈ કોન્ટૅક નંબર નહોતો આપ્યો કે હું એનો સંપર્ક કરીને મારા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકું. આમ હિંમત થોડી હરાય એવી મેં સ્વયં સાત્વનાં આપી, સાહિત્યના પ્રકારો વિષે જાણવા મે ગૂગલનો સહારો લીધો. કોઈની ધ્યાને ન આવેલાં એક અજાણ્યા સાહિત્યિક બ્લોગ પરથી મને સાહિત્યના પ્રકારો મળ્યાં!

    સાહિત્યનાં બે પ્રકારો છે. ગદ્ય અને પદ્ય. પહેલા ગદ્યને માન આપી તેના વિષે મેં જાણ્યું તો એમાં ‘હેથેક’ના પેટા પ્રકારો હતાં! એમાંના પહેલા બે વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તે હતા નવલિકા અને નિબંધ. મારા બૃહદ વાંચન શોખ પરથી  મેં એક વખત અવલોકન કર્યું હતું કે ટૂંકી વાર્તાઓ લખી અથવા તો જુદાજુદા વિષય પર નાના નિબંધો લખી તેનો સંગ્રહ બહાર પાડી લેખક થઈ શકાય. પ્રખર સાહિત્યકારો અને બની બેઠેલાં લેખકોની ક્ષમાયાચના સાથે વધુમાં ઉમેરીશ કે મોટાભાગનાં લેખકો પહેલા આ રીતે પોતાના સંગ્રહો બહાર પાડીને વિખ્યાત થયા છે, પોતાની કલમની તેમજ વાંચકોના મગજની ધાર કાઢી છે. માટે આ વિષયો મને ગમ્યાં, આમાં હું આગળ વધી શકું તેમ છું. એટલે  મારા વિચારો બળવંત બનાવી હું આગળ વધ્યો.

    વિન્ધ્યાચળના શિખર જેવું ગંભીર મુખ ધારણ કરી વિચાર્યું તો મને લાગ્યું કે ટૂંકી વાર્તા અને નિબંધ લખવાનો મને કોઈ અનુભવ નથી. સઘળી યાદદાસ્તને હું કુમકે લાવ્યો તો જાણ્યું કે પ્રેમચંદજી થી લઈ ચુનીલાલ મડિયા સુધીના સુજ્ઞ લેખકોની વાર્તાઓ મેં થોડીક વાંચી છે. મારી સમજ પ્રમાણે થોડી અંગ્રેજી વાર્તાઓ પણ મેં વાંચી છે. હું તો આવી વાર્તા પચાવી શકું કિન્તુ વાર્તા મને પચાવી લે એ બાબતે મને સંશય છે. વાર્તાને કોપી કરી થોડા ફેરફાર કરી લખવાનું વિચાર્યું. એમાં મારી દશા સામાપૂરે નદી પાર કરવા જેવી લાગી. એ મને નહિ ફાવે, એટલે મારું ધ્યાન નિબંધ લખવા તરફ વાળ્યું. નિબંધ તો હું જાય બિલાડી મોભામોભની જેમ સ્કૂલ પરીક્ષામાં ય ઓપ્શનમાં છોડી દેતો! તો હવે લખવો અશક્ય છે. આમ મેં સ્વીકાર કર્યો કે આ ટૂંકી વાર્તા અને નિબંધ મારી ચિત્તવૃત્તિને અનુકૂળ નહિ થાય. મારામાંના ઉદિત થયેલો લેખક અકાળે અસ્ત ન પામે તેને માટે મેં સાહિત્યના બીજા પ્રકારોને ન્યાય આપવા તરફ ધ્યાન આપ્યું.

    બીજો પ્રકાર છે નવલકથાકાર! અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીના ખ્યાતનામ સાહિત્યકાર તેમજ લેખકોને મેં વાંચ્યાં છે. લવસ્ટોરી, રહસ્યમય, રોમાંચક બધા પ્રકારના પુસ્તકોનું ઠીકઠાક અધ્યયન કર્યું છે. એ બધાની કોપી કરવી સહેલી છે એવું મને લાગ્યું. વર્ણનો, રૂપક અને અલંકારો બધું ગોતી શકાય. એક મુશ્કેલી એમાં છે જો મારી સગ્ગી કલમે લખાયેલી નવલકથા કોઈ ચર્મચક્ષુથી જોનારો, અદકપાસળો લેખક વાંધો ઊઠાવે, ગામ ગધેડો કરે તો? એ મજકૂર લેખક એવી આળ મૂકે કે આ મારી નવલકથાની ઉઠાંતરી કરીને આ નવલકથા લખાઈ છે તો? ગામને મોઢે ગરણું થોડી બંધાય. ભલે એજ લેખકે બીજાની નવલકથાની કથાવસ્તુ બઠાવી હોય! એના કાળાંકકળાટ સામે આપણું કઈ ના ચાલે કારણ કે આપણી તો હજી પહેલી જ નવલકથા હોય. રહસ્યમય નવલકથા વિષે વિચાર્યું; પણ હું પહેલેથી જ ભોળો છું, રખે ને વાચકના સમય બગડવાની ચિંતાને લીધે મારાથી અધવચ્ચે જ રહસ્ય પરથી પડદો ઊંચકી જાય તો! પાછળની વાર્તા ભોજીઓ ભાઈ ય ન વાંચે. એટલે રહસ્યકથા પરનું મારું અરહસ્યમય જ્ઞાન છતું થતાં મેં એ વિકલ્પ પણ માંડી વાળ્યો. કોઈપણ અંગ્રેજી નવલકથાનો ભાવાનુવાદ કરવો ખાસ્સો સહેલો છે, ભૂતકાળમાં ઘણાં લેખકોએ આવી રીતે ગુજરાતીમાં ભાષાંતર કરીને જ પોતાની કારકિર્દી જમાવી છે. હું આ રીતે કેરિયર બનાવા જાઉં તો કોઈ મારો પંખો જ ઉતારી લે (સાઇકલનો). એનું કારણ એ છે કે મારું અંગ્રેજી અતિ કાચું છે માટે મારી ભાવાનુવાદ કરેલી બુકનું ભાવાનુવાદ કરવા મારે કોઈ જાણીતા નિષ્ફળ અનુવાદી લેખકને રોકવો પડે. પંચાંગના ડટ્ટા કરતા પણ વધુ દળદાર પુસ્તક પ્રકાશિત કરી મારાં પુસ્તકની સમજ આપવી પડે! માની લઉં કે કોઈ સારો પ્લૉટ મને મળી ગયો અને મારાં ફક્કડ ગિરધારી શબ્દો થકી મેં યેનકેન પ્રકારે બૂક લખવાની શરુ કરી….પણ મધુરજનીની રાતે ઘૂંઘટ ઉઠાવવાનાં સમયે જ નવોઢા ભૂતકાળમાં સરીને પંદર-વીસ વર્ષ પાછળ ધકેલાય જાય તેના પર અડધી નવલકથા હું કઈ રીતે ભરી શકું? અડદ અને મગ ભેગા ભરડાઈ જાય તો? મારું મગજ માંડમાંડ વર્તમાન યાદ રાખી શકે છે, તો મારા નવલકથાના પાત્રોના બેબાકળા મગજને ભૂતકાળના વીસવર્ષ પાછળ કઈ રીતે દોડાવવા? મારી મુસીબત દ્વિગુણી થઈ. ટચ…ટચ…ટચ…આ નહીં જામે, સાહિત્યકાર બનવા હાલપૂરતી નવલકથા લખવા પર ચોકડી મારો.

    કોઈનું જીવનચરિત્ર લખું? મેં મારા વિચારોની લગામ ખેંચ-ઢીલ કરી. મારા લખાણ અને શૈલીને જોતા હું કોઈ નામી-અનામી વ્યક્તિનું જીવનચરિત્ર લખુ તો એ સદરહુ આત્મા ઠુંઠવો મૂકે, પોકેપોક રડે. જીવતા હોય એ દોડીને આવે, મને બોચી પકડીને લમધારે. મારો સંશય હિંડોળે ચડ્યો એટલે મેં મન મનાવીને મારી જાતને કહ્યું કે આમ તો કોઈનું જીવનચરિત્ર આલેખવું એ તો કોપી પેસ્ટ જેવું જ છે ને! વર્ષો પહેલાના ચાર્લી ચેપ્લીનના જીવન વિષે હું કઈ રીતે જાણી શકું? બીજા સંદર્ભગ્રંથ દ્વારા જ ને? એને સાહિત્ય થોડું કહેવાય! એના કરતાં તો જે તે વ્યક્તિના જીવનચરિત્રનું આલેખન કર્યું હોય તેવું પુસ્તક વાંચવાની ભલામણ કરવી શું ખોટી? મને તો હજુ એ જ સમજાતું નથી કે ફલાણા લેખકોની શ્રેષ્ઠ વાર્તાઓ જેવાં શિર્ષકતળે પોતાનું નામ ચડાવી  સંગ્રહો શા માટે બહાર પાડતા હશે! સીધેસીધા જ એ લેખકની બૂક વાંચવાની ભલામણ કેમ કરતાં નહીં હોય? આવો દેખાડો કરતા આપણને ન ફાવે. હું આગળ ઊપડ્યો, અધ્યાત્મિક નિબંધ-કથા લખી શકાય. એ સાવજની બોડમાં ટચલી આંગળી નાખવા બરાબર છે. મારી ખુદની જ આર્થિક પરિસ્થિતિ એટલી કથળેલી છે કે લખવા કરતાં મને આધ્યાત્મિક બોધપાઠની વધારે જરુંર છે. યોગ, ધ્યાન, સમાધિ, આત્મા-પરમાત્માના પુસ્તકો, ભાષણો મારે ખૂદને જ વાંચવા-સાંભળવા ઘટે. પોતાનાં જ સંસારમાં બેસૂરું વાજું વગાડનારો હું મારી અપરમાર્થબુદ્ધિ થકી  આધ્યાત્મિક વિચારો પ્રદર્શિત કરી બીજાના સંસારમાં સંસ્કાર કઈ રીતે સીંચી શકું? મારા અંત:કરણમાં ભેળસેળિયું તેલ રેલાયું. આ આપણું કામ નહી નવો વિકલ્પ પર ધ્યાન આપીએ

    મેં ધાર્મિક નવલકથાનો વિકલ્પ તપાસ્યો. આમ તો હું પરિવારના ડરથી થોડા અંશે ધાર્મિક થયો છું. ગૌમુખી લઈ માળા કરતો નથી; કિન્તુ ભગવાનના પ્રસાદનો આસ્વાદ અચૂક માણું છું. ઠાકોરજીનો ચોખ્ખા ઘીનો મોહનથાળ ઠાકોરજી તગતગાવીને ડોળા ન કાઢે ત્યાં સુધી હું આરોગું છું. મારી નધણીયાત કલમ  હખણી રહેતી નથી, અવળચંડી વાગ્ધારા સ્થળકાળનું ભાન ભૂલી જાય છે. એ હું સ્વીકારું છું. આવા વિષયમાં પંક્તિભેદને લીધે આંધરે બહેરું કુટાઈ જવાનો ભય મને હંમેશા રહે છે. કૃષ્ણલીલા જેવો પવિત્રગ્રંથ લખવાનું હું વિચારું તો કૃષ્ણના બાલ્યકાલના એક વર્ણન માટે મારાથી એવું લખાય જાય કે, “કાન્હા…તારી મા બરકે…હડી કાઢ…ઈ ધૂવાપુવા છે…પટી મેલ્ય …પેલી ગોપીઓ એ ચુગલી કરી છે, આજ તારી મોમ તારો વાહો કાબરો કરી નાખવાની છે.“ ચરોતર થી માંડીને ઘેડ સુધીની સેળભેળ ભાષા કોઈ છોલણભગત કે કાના પ્રેમી વાંચે તો તેનું મરજાદ અભડાઈ જાય! પોતાનો ધર્મ વસૂકી ગયો ધારી ઠગભગતોનો ગ્રાન્ડગુસ્સો ઊભરાઈ આવે. કાળના કટક જેવાં ભક્તો કાસીજોડા વગાડતા-વગાડતા જ ઊપડે. દેવ તો કોપતાં કોપે પેલાં બની બેઠેલા અનુયાયીઓ લાલચોળ થઈ જાય. ધાર્મિક લાગણી દુભાવવાની દુહાઈ આપીને વાયા કોર્ટ આપણા પર ચડી બેસે! મધ્યમ કે લાંબાગાળાની નોટિસુ ઠબકારે, આપણે આવું લખવું કે નોટિસોના જવાબ લખવા! એક જ તિખારો સો મણ જાર્ય સળગાવે એના જેવું થાય. સમગ્ર દેશ પર ખતરો આવી જાય. ના ચાલે, આપણાથી ધાર્મિક કઈ ના લખાય હો.

    ઐતિહાસિક નવલકથા. હું દુશ્મનોની તોપોના નાળચા પર ઓપ્પો-વિવોના સ્ટીકરો ચોટાડી આવું એવો બહાદુર છું; પણ મારી ત્રીજી પેઢી એ કોણ પાક્યું હતું એ મને બરાબર યાદ નથી, તો ઐતિહાસિક ઘટના હું કઈ રીતે યાદ રાખીને લખી શકું? કઈ રીતે લોકોને ઇતિહાસથી અવગત કરાવી શકું? પ્રાચીનકથા લખતાં હું વટાણા વેરી નાખું. ઇતિહાસનું ફ્રૅકચર કરીને તેનું ભૂગોળ બદલી નાખું. આ મુદ્દે લખવું તે બિલાડીને ડોકે ટોકરી બાંધવા જેવું વિકટકામ છે. ફરી પાછું એ જ, જુના સંદર્ભ સાહિત્યમાંથી ઉઠાંતરી જ કરવાની ને! એ મારા સ્વભાવને સુસંગત નથી. ધાર્મિક લાગણી દુભાઈ એને તો હજુ પહોંચી વળાય પણ જો  કોઈ જ્ઞાતિની લાગણી દુભાઈ તો મારી માથે આભ તૂટી પડે. કથાકથિત પીડિતો ઘર સુધી મોરચો લઈ પહોંચી જાય. મારી અખંડિતતા અલોપ કરી મારી નાનકડી મઢૂલીનું લંકાદહન કરે. આપણી થૂલી ખેરી નાખે, જાનથી મારી નાખવાની ધમકી ય મળે. આ ફાની દુનિયામાં મારા ગયા પછી મારા બૈરી છોકરાનું કોણ? છો ને રહેતું, ઉલાળેલો પાણો આપણા જ પગ ઊપર શું કામ લેવો? મુઆ ભણ્યાં વગરના ભણસાલી જેવા હાલ મારે નથી કરવા, નથી લખવી આવી કથાયું.

    સાહિત્યકાર બનવા માટે છેવટે થોડા અલ્પ પ્રચલિત પ્રકાર તરફ મેં ધ્યાન ધર્યું . એમાનો એક પ્રકાર છે પ્રવાસ વર્ણન. સુંદર પ્રવાસવર્ણન કરવું સહેલું છે. કાકાસાહેબ કાલેલકર, અને ધ્રુવ ભટ્ટ જેવા નામાંકિત પ્રવાસલેખકોને મેં વાંચ્યા છે. તેના જેવું આબેહૂબ વર્ણન, સ્થળને આવરી લઈ તેમાંથી આધ્યાત્મિકતાનું નિરૂપણ કરવું મારા માટે અશક્ય છે. અમૃતલાલ વેગડનું નર્મદાયાત્રાનું વર્ણન હું સાત જન્મે ય ન કરી શકું. બીજું આ બધું કરવા માટે તમારે મહિનાઓ સુધી જે તે સ્થળોની યાત્રા, રખડપટ્ટી કરવી પડે. તેવો સમય અને નાણાનો મારી પાસે અભાવ છે. માટે એ વિકલ્પ પડતો મુકું છું. હજુ એક સાહિત્યનો પ્રકાર બચ્યો છે એના પર મેં વિચાર કરવા માંડ્યો. એ હતો નાટક. નાટક લખવાનું તો આપણું ગજું નથી. કરુણાસભર પ્રવેશો અને સંવાદમાં હાસ્ય લખાઈ જાય અને હાસ્યમાં કરુણા જન્માવી દઉં. એટલે નાટકની કથા લખવાનું તો હું વિચારી જ ન શકું. હા જો નાટકનું કોઈ પાત્ર ભજવવાનું હોય તો, માત્ર થિયેટરની ખૂણાની બેઠકોવાળાને જ દેખાય એમ, રંગમંચ પર મહારાણા પ્રતાપ કે કોઈ બીજા શૂરવીરના પાયદળનો સિપાહી ભાલો લઈને દૂર સૂદુર ખૂણામાં ઊભો હોય એ કિરદાર હું કરી શકું. મુખ્યપાત્ર તરીકે હું ના ચાલુ એ નક્કી. અંતે આત્મકથા લખવી એ બાકી બચ્યું છે; પણ હજી હું આત્મકથા લખવા જેવો સક્ષમ તો બનું! માટે ગદ્યની બાબતમાં ભારે હૈયે ધબાય નમ: કર્યું.

    ગદ્યમાં મારો ગજ ન વાગ્યો એટલે મેં પદ્ય તરફ જોયું. હું કાકો મટી ભત્રીજો થવા બેઠો! કાવ્ય, શેર, શાયરી, ગઝલ ઈત્યાદી. રદીફ અન કાફિયા એટલે શું એ મેં ગૂગલ પરથી પાંચસોને પંચોતેર વાર વાંચ્યું હશે, સમજ્યું હશે. છતાં યાદ નથી રહેતું કે કોને રદીફ કહેવાય અને કોને શ્રીમાન કાફિયા. થોડા શબ્દોમાં ઘણું બધું કહેવાની પારંગતતા મારામાં બિલકુલ નથી. કાવ્યનો પ્રાસ મેળવવા માટે નવકૂકરીમાં ભરત ભરવામાં જેટલી તડજોડ કરવી પડે, એટલું બધું કપરું. કવિના યુનિફોર્મ સમો ઝભ્ભો, લેંઘો પહેરવો મને ગમતો નથી, ન લાંબી દાઢી રાખવી ગમે છે. કાવ્યપઠન વખતના આ અભિન્ન અંગો વગર પઠન કરવું જ ગેરબંધારણીય છે! એક ને એક લીટી દર્શકો માથે દસ વખત મારવી એમાં દર્શકોનું હું અપમાન ગણું છું. પાછાં આરોહઅવરોહ લેતા હાઈ-લો નોટ્સ ના અવાજો હું કરી શકતો નથી. મારા ગળાનું વોલ્યુમનું બટન જ ખોટકાઈ ગયું છે, એક સરખાં અવાજે જ બોલાય છે. કવિતાપઠનમાં હું ક્ષોભમાં મુકાઈ  જાવ, મ્હોકાણ થાય અને આબરૂ ય ઘટે. ખુદ કવિતા જ નાકનું ટીચકું ચડાવી મને કવિ બનાવવાનો ઇનકાર કરે. એટલે મેં કવિ બનવાનું માંડી વાળ્યું.

    નવી પેઢીએ સાહિત્યપ્રકારમાં થોડા ઘણા ઉમેરા કરીને પ્રકારો વધાર્યા છે જેવા કે બ્લોગર, ખેતી વિષયક, ફિલ્મ રીવ્યુ. હજુ મેં હિંમત ન હારી અને તે તરફ ધ્યાન માંડ્યું. બ્લોગર કમ નવી પેઢીના ડિજીટલ સાહિત્યકાર બનવું આમ સહેલું છે, કોઈની જરૂર નહી. તમે ખુદના જ બોસ. કૃષિને લાગતાં જ્ઞાનસભર લખાણો લખી બ્લોગમાં પર્દાર્પણ કરી શકો. હું મારી જ ખેતી કોઈ બીજાને ‘ભાગ્યે’ આપી દેતો હોવ એટલી મારામાં ખેતી પરત્વે નીરસતા છે તો કૃષિ વિષય પર ગામને શું સલાહ આપી શકું. ફૂડ બ્લોગર બીજો એક પ્રચલિત થતો પ્રકાર કહી શકાય. ચા સિવાય મને બીજું કશું ઉકાળતા નથી આવડતું એ પણ પત્ની તપેલીમાં જરૂરિયાત મુજબનું બધું નાંખી જાય પછી માત્ર સ્ટવ ચાલુ કરીને ઉકાળતાં અને પીતાં! તો ફૂડ બ્લોગરમાં હું શું ઉકાળી શકું? ફિલ્મ રીવ્યુર બનવા માટે પહેલા દરેક રીલીઝ થતી ફિલ્મો જોવી પડે. હું વર્ષે દહાડે એકાદી ફિલ્મ જોતો હોઉં છું. ફિલ્મને સંબંધિત રતીભાર જ્ઞાન મારામાં નથી. હું વિમાસણમાં પડી ગયો, આકાશમાં પરિભ્રમણ કરતા બધા ગ્રહો મારી ગ્રહદશા બગાડી રંગતાળી રમતા હતાં. કયા વિકલ્પમાં આગળ વધવું એ મને સૂઝતું નથી.

    બગીચાના બાકળે બેઠાંબેઠા મેં એક કલાક લમણાઝીક કરી અલકમલકના સાહિત્ય પ્રકારોમાં મારી જાતને સાહિત્યકાર તરીકે ગોઠવવાનો ભરપૂર પ્રયાસ કર્યો. એક પણ પ્રકાર મારામાં બેઠો નહી! થોડા ઘણા પ્રકારોમાં હું ચાલુ એવો હતો; પરંતુ મારું મન નહોતું માનતું. આજના લેખકોને જોઉં છું તો મને એવું લાગે છે કે જો થોડી ઘણી ઓળખાણ હોય, લાગવગ હોય, મોટા લેખકો સાથે ઉઠકબેઠક હોય, તેમની સાથે સેલ્ફી પાડી સોશિયલ મીડિયામાં શેર કર્યા હોય, થોડી ચાપલૂસી, થોડી ઉઠાંતરી શીખી હોય તો તેમજ ‘તગારું’ એક દેખાડો કરું તો હજુ પણ મારો ગજ વાગે એમ છે. કિન્તુ મારા અકળાવી નાખે એવા અંતર્મુખી સ્વભાવ, અંતરાત્માનો અવાજ, રેઢિયાળ ખાતાને લીધે હું આવું બધું કરી શકતો નથી. ડહાપણના તમામ મિનારા જળબંબાકાર થયા, હું વિષાદની ગર્તામાં ધકેલાયો. સાહિત્યકાર થવા માટે મારે મારો સ્વભાવ બદલાવો જ જોઈએ.

    કદાચ એક પ્રકાર બાકી રહે છે ….મેં લાંબું વિચાર્યું, પછી યાદ આવ્યું. …અરે હા હાસ્યલેખક! આ વિચારતા બપોરનો સમય થઈ ચૂક્યો છે. શ્રીમતીજી એ જીઓ કાર્ડ ધરાવતા મોબાઈલમાંથી મિસકોલ મારી મને જમવા આવવાનો હુકમ છોડી દીધો છે. મને સાહિત્યકાર બનાવવા મથતી આકાશવાણીને સાચી ઠેરવવા હું નિરંતર પ્રયત્ન કરતો રહીશ. અત્યારે તો ઘેર જવું જ પડશે.

    ગાલ હશે તો ઘણા ય ગપ્પા!

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here