કુપોષણ વિરુદ્ધ સરકારનો રૂ. 9, 046 કરોડનો માસ્ટર પ્લાન તૈયાર

    0
    347

    દેશ આઝાદ થયાના 70 વર્ષ પછી પણ આપણે તેને કુપોષણ મુક્ત કરી શક્યા નથી. માત્ર ગામડાઓમાં કે પછી આદિવાસી વિસ્તારોમાં જ નહીં પરંતુ દેશના મોટા શહેરોમાં પણ કુપોષિત બાળકો આપણને આસાનીથી જોવા મળતા હોય છે. આટલું જ નહીં દેશમાં કુપોષણનો શિકાર થયેલી મહિલાઓ પણ મોટી સંખ્યામાં છે જે દેશના ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે. પરંતુ હવે કુપોષણ વિરુદ્ધ કેન્દ્ર સરકાર એક ચોક્કસ લક્ષાંક સાથેનો માસ્ટર પ્લાન લઈને આવી છે.

    દેશમાં વ્યાપ્ત કુપોષણને તબક્કાવાર દૂર કરવા માટે કેન્દ્ર સરકારના ત્રણ મંત્રાલયો નાણા, મહિલા વિકાસ અને બાલ કલ્યાણ તેમજ આરોગ્ય એ હાથ મેળવ્યા છે. શુક્રવારે કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી, મહિલા વિકાસ અને બાલ કલ્યાણ મંત્રી મેનકા ગાંધી અને આરોગ્યમંત્રી જે પી નડ્ડાએ એક પત્રકાર પરિષદમાં નેશનલ ન્યુટ્રીશન મિશન (NNM) ના ગઠનની જાહેરાત કરી હતી. આ મિશન માટે નાણા મંત્રાલયે રૂ. 9,046 કરોડની ફાળવણી કરી છે. જ્યારે મેનકા ગાંધીનું મંત્રાલય બાળકોના અપૂરતા વિકાસ તેમજ કુપોષણ પર લગામ લગાવવા માટે તેમને કયા પ્રકારનો ખોરાક આપવો, જન્મ સમયના ઓછા વજન અને એનીમિયા તેમજ આ બધા કાર્યો કરવા માટેનું વ્યવસ્થાપન એવા ત્રણ અતિશય મહત્ત્વના કાર્યો પર નજર રાખશે. તો આરોગ્ય મંત્રાલય માઈક્રો-ન્યુટ્રીશન અને ઈન્ફેકશન્સ જેવા વિષયો પર ધ્યાન આપશે.

    NNM હેઠળ શરૂઆતમાં ત્રણ વર્ષમાં દર વર્ષે દસ કરોડ લોકોમાં કુપોષણ અને જન્મ સમયના ઓછા વજન પર 2% ના દરે કાબુ મેળવવામાં આવશે. આ કાર્યક્રમ 2017-18માં દેશના 315 જીલ્લાઓમાં, 2018-19માં 235 જીલ્લાઓમાં 2019-20માં બાકી રહેલા જીલ્લાઓ સુધી ફેલાવવામાં આવશે.

    તમને ગમશે: ખીચડી: ખરેખર ‘નેશનલ ફૂડ’ કહી શકાય?

    કુપોષણ જેવી ભયંકર સમસ્યા સામે લડત આપવા માટે માત્ર એક જ મંત્રાલય કાર્ય કરે તેના બદલે વિવિધ મંત્રાલયો એક થઈને કાર્ય કરે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માનવું હતું અને તે મુજબ ત્રણ મંત્રાલયોએ આ સમસ્યા વિરુદ્ધની લડાઈ લડવા માટે હાથ મેળવ્યા છે.

    સરકારનું કહેવું છે કે આ યોજનાનો યોગ્ય અમલ થાય તે માટે તેની પ્રગતી પર સતત નજર રાખવામાં આવશે. આ માટે ટેક્નોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીને NNM ની સફળતાનો પાયાનો પથ્થર ગણવામાં આવી છે અને આ માટે આંગણવાડીઓમાં કાર્યરત મહિલા કાર્યકર્તાઓને સ્માર્ટફોન્સ આપવામાં આવશે જેમાં તેઓ તેમને ત્યાં રહેલા બાળકોને અપાતો ખોરાક અને દવાઓ અંગેની તેમની રોજીંદી પ્રવૃત્તિઓ અને પ્રગતીની નોંધ રાખશે. જૂની રીત મુજબ રજીસ્ટર રાખવાને બદલે આ પ્રકારે ટેક્નોલોજીથી જોડાઈ જવાથી સરકાર દ્વારા આ યોજના માટે પૂરા પાડવામાં આવનાર સમાનની ચોરી થતા પણ અટકશે.

    NNM હેઠળ કુપોષણ અને અન્ય બાબતો ઉપરાંત સ્વચ્છતા અને અને શુદ્ધ જળ પૂરું પાડવાની વ્યવસ્થાઓ પણ જોડવામાં આવી છે. NNM એક એવી સર્વોચ્ચ સંસ્થા હશે જે ટાર્ગેટ નક્કી કરશે અને તેનો અમલ કરાવશે તેમજ સમગ્ર પદ્ધતિ પર નજર રાખતી વખતે સમયાંતરે સલાહ પણ આપતી રહેશે.

    આ રીતે આઝાદીબાદ પ્રથમ વખત કેન્દ્ર સરકાર કુપોષણ વિરુદ્ધ એક્શન મોડમાં આવી છે અને ત્રણ વર્ષમાં લગભગ 6% જેટલું કુપોષણ આપણા દેશમાં ઘટાડવાના સ્પષ્ટ લક્ષાંક સાથે આગળ વધવાની છે.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here