બિટકોઈન એટલે શું એ તમને ખબર છે?

1
987

બિટકોઈન હકીકતે એક વર્ચ્યુઅલ કરન્સી છે અને છેલ્લા કેટલાક સમયથી ઘણી જ પ્રસિદ્ધ થઇ રહી છે તથા ગુજરાતીઓને એનો ચસ્કો લાગી રહ્યો છે કેમ કે ખુબ જ ટૂંકાગાળામાં અધધ કહી શકાય તેવો નફો બિટકોઈને આપ્યો છે. જોકે હજુ દુનિયામાં ઘણા લોકો બિટકોઈન વિષે વધુ માહિતી નથી ધરાવતા અને અમે આજે આપને બિટકોઈન વિષે માહિતી આપીશું.

 

ભારતમાં ૮ નવેમ્બર ૨૦૧૬ એટલે નોટબંધીના દિવસથી ડિજિટલ કરન્સીમાં ઉછાળો જોવા મળ્યો હતો પરંતુ વિશ્વ તો ઘણા સમય પહેલા થી જ ડિજિટલ અર્થવ્યવસ્થાના રંગે રંગાઈ ચૂક્યું હતું. વર્ષ ૨૦૦૮માં જાપાનના સાતોશી નકમોટો દ્વારા બિટકોઈન ની શોધ થઇ અને ધીમે ધીમે તેને ડિજિટલ ચલણમાં અમલમાં મુકવામાં આવ્યું. જો તમે અત્યારે કોઈ ક્રેડિટ કાર્ડ યુઝ કરતા હશો તો તમે જાણતા જ હશો કે પ્રત્યેક ખરીદી પર તમને બેન્ક દ્વારા અમુક રીવોર્ડ પોઈન્ટ્સ અપાય છે એ જ રીતે વિમાન ની ટિકિટ્સ બુક કરવા પર પણ તમને અમુક પોઈન્ટ્સ મળે છે જે તમે તમારી ટિકિટનો ક્લાસ અપગ્રેડ કરવા અથવા તો બિઝનેસ ક્લાસ લાઉન્જનો ઉપયોગ કરવા માટે વાપરી શકો છો, બસ આ જ રીતે બિટકોઈન્સ પણ કામ કરે છે. ફરક એટલો છે કે તમારે બિટકોઈન્સની ખરીદી કરવી પડે અને તમે તેનું વેંચાણ પણ કરી શકો છો. બિટકોઈન્સ પણ હકીકતે સામાન્ય કરન્સીની જેમ જ કામ કરે છે તથા તેના ભાવમાં પણ વધારો કે ઘટાડો સતત જોવા મળતો હોય છે. બિટકોઈન્સ એટલા માટે અલગ છે કે તમે તેને કોઈ ફિઝિકલ રીતે એટલે સ્પર્શી શકાય તે રીતે નથી મેળવી શકતા. સામાન્યતઃ બિટકોઈન્સ ની કિંમત તેને વેચનાર તથા ખરીદનાર જ નક્કી કરે છે અને તેનું યોગ્ય વળતર આપવું એ તે બંને ઉપર નિર્ભર કરે છે, માર્કેટમાં બિટકોઈન્સની હાજરી તથા તેની માંગ ઉપર બિટકોઈન્સની કિંમતમાં નોંધપાત્ર વધારો કે ઘટાડો જોવા મળતો હોય છે.

બિટકોઈન્સ માટે તમારે કોઈ અલગ બેન્ક કે અલગ જગ્યાએ જવાની જરૂર નથી. ગુગલ પર થી તમને અઢળક વેબસાઇટ્સ મળી જશે જેમાં થી તમે બિટકોઈન્સ ખરીદી શકો છો. ઓછામાં ઓછા ૧૦૦૦ રૂપિયાથી ખરીદી કરવી એ જરૂરી છે. બિટકોઈન્સની ખરીદી કરતા પહેલા તમારે તમારું આઈડી વેરીફાય કરાવવું પડશે. આઈડી વેરિફિકેશન માટે PAN કાર્ડ, Aadhar કાર્ડ અને બાકીની બેન્ક ડિટેલ્સ હાથવગી રાખવી જરૂરી છે. નીચે લખેલી ૫ સાઇટ્સ દ્વારા પણ તમે બિટકોઈન્સની ખરીદી કરી શકો છો. જો કે અહીં એ ખાસ નોંધવું રહ્યું કે બિટકોઈનને હજીસુધી ભારતમાં કાયદેસરની માન્યતા મળી નથી. 

૧. Unocoin
૨. BuyUCoin
૩. Zebpay
૪. Coinsecure
૫. LocalBitCoins

ઉપરોક્ત સાઇટ્સ પર રજીસ્ટ્રેશન કરાવતા જ તમને એક યુનિક આઈડી મળે છે જે તમારા Bitcoin વોલેટ નું એડ્રેસ છે અને એ યુનિક આઈડી દ્વારા જ તમને કોઈ પણ Bitcoin ની ખરીદી કે વહેંચાણ કરી શકો છો. ઉપરોક્ત સાઇટ્સ સિવાય પણ અઢળક સાઇટ્સ છે જ્યાંથી તમે બિટકોઈન્સ ખરીદી તથા વહેંચી શકો છો. બિટકોઈન્સ વિષે ખાસ સાવચેતી એ રાખવી જરૂરી છે કે તમે જયારે તેને ખરીદો તે સાથે જ તેના માટે ના ઑફલાઇન વોલેટસ અવેલેબલ હોય છે તેમાં તેને ટ્રાન્સફર કરી દેવા જેથી કરીને ક્યારે પણ તમારું એકાઉન્ટ હેક થાય તો તમારે તમારા બિટકોઈન્સ થી હાથ ધોવા ન પડે. બિટકોઈન્સ ચલણમાં એટલે પણ ખુબ પ્રખ્યાત છે કેમ કે એક વખત તે ચલણની ખરીદી કે વહેંચાણ થયું તે પછી તેને ટ્રેસ કરવા એટલે ગોતવા ખુબ જ અઘરા છે.

ધીમે ધીમે લોકો બિટકોઈન્સને અપનાવી રહ્યા છે કેમ કે તેના દ્વારા થતા વહેવાર માટે તમારે કોઈ જ એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવાનો નથી. ના કોઈ સર્વિસ ચાર્જ, ના કોઈ GST કે અન્ય કોઈ પણ પ્રકારના ટેક્સ નું ચુકવણું કરવું ન પડે એટલા માટે હવે વહેપારીઓ પણ ધીમે ધીમે બિટકોઈન્સને સ્વીકારતા થયા છે.

સામાન્ય રીતે તમે જયારે કોઈ પણ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરો છો ત્યારે બેન્ક દ્વારા અધિકૃત પેમેન્ટ સાઇટ્સ થી જ તે શક્ય હોય છે અને તે તમામ માહિતી જે-તે વેબસાઇટ્સ તથા તમારી બેન્ક પાસે હોય છે જયારે બિટકોઈન્સ દ્વારા થતા ટ્રાન્ઝેકશન્સ એ Peer to Peer એટલે કે નેટવર્ક ટુ નેટવર્ક જ હોય છે અને બિટકોઈન્સ એ કોઈ ફિઝિકલ કરન્સી નથી એટલે એના પર કોઈ માલિક તરીકેનો દાવો કરી શકાતો નથી પરંતુ બિટકોઈન્સ દ્વારા થયેલા દરેક ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી Blockchain નામના લેજરમાં થાય છે અને જે-તે ટ્રાન્ઝેક્શન વિષે વધુ માહિતી તમે Blockchain નામના લેઝરમાંથી જ મળી શકતી હોય છે.

Bitcoins માઇનિંગ એટલે શું?

બિટકોઈન્સ માઇનિંગ એટલે બિટકોઈન્સની ખરીદી અને વહેંચાણ ના ટ્રાંઝેક્શનને વેરીફાય કરવા બદલ જે ઇનામ અથવા તો બિટકોઈન્સ મળે તેને બિટકોઈન્સ માઇનિંગ પણ કહે છે. આ માટે તમારા પાસે શ્રેષ્ઠ હાર્ડવેર તથા અત્યાધુનિક કમ્પ્યુટર હોવું જરૂરી છે જેના દ્વારા તને Blockchain તથા ઇન્ટરનેટ પર થઇ રહેલા Bitcoin Transactions ને વેરીફાય કરી શકો અને પ્રત્યેક વેરિફિકેશન માટે તમને અમુક Bitcoins આપવામાં આવે છે.

દરેક કરન્સીની એક લિમિટ નક્કી કરવામાં આવી હોય છે અને એ જ રીતે બિટકોઈન્સ ની પણ લિમિટ નક્કી થયેલી છે કે કોઈપણ સંજોગોમાં ૨૧ મિલિયન કરતા વધુ બિટકોઈન્સ ચલણમાં ન આવવા જોઈએ જોકે તાજેતરના રિપોર્ટ્સ અનુસાર અત્યારે ૧૩ મિલિયન જેટલા બિટકોઈન્સ માર્કેટમાં અવેલેબલ છે.

બિટકોઈન્સના ફાયદા અને ગેરફાયદા

બિટકોઈન્સ ના સૌથી મોટા ફાયદા વિષે વાત કરીયે તો એક તો તમારે તેના દ્વારા થતા ટ્રાન્ઝેક્શન પર કોઈ જ પ્રકારનો ટેક્સ નથી ચૂકવવો પડતો, બેન્ક દ્વારા ઘણી વખત તમારા ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ ને બ્લોક કરી દેવાય છે જયારે બિટકોઈન્સ માં એ વસ્તુ ક્યારેય પણ સંભવ નથી અને જો તમે લાંબા સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહ્યા હોય તો બિટકોઈન્સ એ સ્વર્ગની સીડી બની શકે છે. જોકે બિટકોઈન્સના ફાયદા સામે નુકશાન પણ એટલા જ છે તાજેતરમાં જ આવેલા રેન્સમવેર વાયરસ ની અસરથી કમ્પ્યુટરને બચાવવા માટે ખંડણી રૂપે બિટકોઈન્સની જ ડિમાન્ડ કરવામાં આવતી હતી. આ સિવાય એક વખત બીટકોઈન વોલેટ કે એકાઉન્ટ હેક થયું તો તમારે તમારા બિટકોઈન્સથી હાથ ધોવા પડે છે અને તેને કોઈ પણ રીતે ટ્રેસ નથી કરી શકતા એટલે એ બાબતે પણ ભાગ્યે જ કોઈ તમને મદદ કરી શકશે. Bitcoins ની કિંમત માટે કોઈ જ અધિકૃત વેબસાઈટ કે ઓથોરોટી હાજર નથી એટલે તેની કિંમતમાં થતા વધારા કે ઘટાડા માટે પણ તમે કોઈને જવાબદાર નથી ઠેરવી શકતા.

ગુજરાતીઓને લાલચ આવે તેવી એક આડવાત એ છે કે અત્યારે 1 બિટકોઈન નીકિંમત ભારતીય ચલણ અનુસાર ૮,૨૨,૮૧૪ રૂપિયા (અંકે આઠ લાખ બાવીસ હજાર આંઠસો ચૌદ રૂપિયા) છે. છેલ્લા કેટલાક સમયથી બિટકોઈન્સ નો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે એટલે જો તમારા પાસે થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરવાની આર્થિક છુટ હોય તથા લાંબો સમય સુધી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો અને ટેક્નોલોજી નો સદુપયોગ કરી શકો તો અત્યારે બીટકોઈન માં ઈન્વેસ્ટ કરવું ફાયદો કરાવી શકે છે. પણ એક વાત જરૂર યાદ રાખજો, ભારતમાં બિટકોઈનને હજીસુધી કાયદેસરની માન્યતા મળી નથી, એટલે તમારો બિટકોઈન દ્વારા થયેલો કોઇપણ વ્યવહાર તમને તકલીફમાં મૂકી શકે છે.

echhapu 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here