કોંગ્રેસ કાયમ ગ્રહણ ટાણે જ કેમ સાપ કાઢે છે?

    0
    289

    થોડા સમય પહેલા ફેસબુક પર અંગ્રેજીમાં એક સરસ ક્વોટ વાંચ્યું હતું, “You can never make the same mistake twice, because the second time you make it, it’s not a mistake, it’s a damn choice.” અર્થાત્ ‘તમે એકની એક ભૂલ બે વાર કરતા નથી અને જો કરો છો તો એ તમારી મરજીથી કરવામાં આવી છે.” આ ક્વોટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે કોંગ્રેસ. જ્યારે દેશ આખો એક રસ્તે જઈ રહ્યો હોય ત્યારે ખબર નહીં કેમ કોંગ્રેસ કોઈ બીજો જ રસ્તો પકડે છે.

    આ રસ્તો પાછો એવો હોય જે દેશના હિત કરતા સાવ વિરુદ્ધ હોય અને છેવટે તે દેશને જ તકલીફમાં મૂકી દે. ઉદાહરણ તરીકે થોડા દિવસો અગાઉ ‘ભૂતપૂર્વ કોંગ્રેસી’ મણિશંકર ઐયરના નિવાસસ્થાને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ અને સેનાના ભૂતપૂર્વ વડા દિપક કપૂરની હાજરીમાં કેટલાક પાકિસ્તાની અધિકારીઓની એક મીટીંગ થઇ હતી. પડોશી દેશના નેતાઓ કે અધિકારીઓ આપણા દેશના નેતાઓને મળે એમાં કોઈને વાંધો ન હોઈ શકે, પણ આ મીટીંગ ગોઠવવાની એક પદ્ધતિ અથવાતો પ્રોટોકોલ હોય છે.

    પહેલા તો આ પ્રકારની મીટીંગ કેન્દ્ર સરકારની મંજૂરી અથવાતો એને જાણ કર્યા સિવાય ન થવી જોઈએ. આ મિટિંગ અંગેની માહિતી એક પ્રાઈવેટ અંગ્રેજી ન્યૂઝ ચેનલે બહાર ન પાડી ત્યાંસુધી કદાચ કેન્દ્ર સરકારને તેના અંગે કોઈજ માહિતી ન હોવાનો ખ્યાલ આવી ગયો હતો. ટૂંકમાં કહીએ તો કેન્દ્ર સરકારની મંજૂરી વગર આ પ્રકારની મિટિંગ ગોઠવાઈ હતી એ સાબિત થઇ ગયું.

    તમને ગમશે: આવો જઈએ રોહિન્ગ્યા મુસ્લિમોની સમસ્યાના મૂળમાં

    પ્રથમ સવાલ હવે એ થાય છે કે કોંગ્રેસે એવા કયા અધિકારથી પાકિસ્તાની અધિકારીઓ સાથે આ મીટીંગ ગોઠવી? એવો તે એમનો શો રસ છે? કદાચ એવું બની શકે કે હજીપણ કોંગ્રેસ પોતે સત્તાની બહાર છે એમ નથી માની રહી અને આથી જ તે પોતાની રીતે દેશની વિદેશનીતિ નક્કી કરવા માંગે છે. એક સમય હતો જ્યારે આ જ કોંગ્રેસના વડાપ્રધાન પી વી નરસિંહરાવે સલમાન ખુરશીદની સાથે સાથે વિપક્ષી નેતા અટલ બિહારી વાજપેયીને પણ વિદેશી મંચ પર કાશ્મીર અંગે પાકિસ્તાનનો દાવ નિષ્ફળ બનાવવા મોકલ્યા હતા.

    તો કોંગ્રેસને પાકિસ્તાન સાથે વાત કરવાની શી ઈચ્છા છે? શું એ નથી જાણતી કે પાકિસ્તાન સાથે હાલમાં ભારતના કોઈજ ઓફિશિયલ સંબંધો નથી? જો એને બેકગ્રાઉન્ડ ચેનલ તરીકે કામ કરવું હતું તો આમ લપાઈને મળવાની શી જરૂર હતી? હવે જો મળી જ લીધું હતું તો કોંગ્રેસના પ્રવક્તા અને રાજ્યસભામાં કોંગ્રેસના સભ્ય આનંદ શર્માએ આવી કોઈ મીટીંગ થઇ જ ન હોવાનું રવિવારે કેમ કહ્યું? અને ગઈકાલે જ્યારે ચોરી સાવ ખુલ્લી ગઈ તો આ મિટિંગ થઇ હોવાનું કેમ માન્યું? કે પછી આ મિટિંગ મણીશંકર ઐયરના પેલા વાયરલ થયેલા વિડીયોના ફોલોઅપ તરીકે હતી જેમાં એમણે નરેન્દ્ર મોદીને દૂર કરવાની વિનંતી પાકિસ્તાનને કરી હતી?

    ભારતની વિદેશનીતિ વિરુદ્ધ જવાની કોંગ્રેસની આ બીજી ભૂલ છે અને એ પણ એક વર્ષની અંદર અંદર જ. યાદ કરો જ્યારે ડોકલામ સરહદ વિવાદ તેના ચરમ પર હતો ત્યારેજ આ જ આનંદ શર્મા હજી ગઈકાલે કોંગ્રેસના પ્રમુખ બનેલા રાહુલ ગાંધીની સાથે ચીનના રાજદૂતને દિલ્હીમાં મળ્યા હતા. આ મીટીંગમાં તો રાહુલ ગાંધીના પરિવારના અમુક સભ્યો પણ સામેલ હતા. આવી જ રીતે પહેલા ના પાડ્યા પછી જ્યારે તેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં ફરવા લાગ્યા ત્યારે કોંગ્રેસે સ્વિકાર્યું હતું કે હા, તેના નેતાઓ ચીનના રાજદૂતને મળ્યા હતા.

    ડોકલામનો સરહદી વિવાદ દેશની સુરક્ષા માટે મહત્ત્વની ઘટના હતી અને એવી જ રીતે આજકાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે એ પણ ભારતની લોકશાહી માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ઘટના છે. તો આવા સમયે જે દેશો સાથે આપણા દેશના સંબંધો સારા નથી તેમની સાથેજ તેના નેતાઓ, રાજદૂતો કે અધિકારીઓ સાથે મળવાની ચળ કોંગ્રેસને કેમ આવે છે? ભાજપ અને વડાપ્રધાનની એ દલીલ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પાકિસ્તાનને પણ રસ છે તેની સાથે તમે કદાચ સહમત ન પણ થાવ તો પણ વડાપ્રધાનના આરોપ બાદ પાકિસ્તાની વિદેશ વિભાગની ટિપ્પણીએ દેશ માટે નીચાજોણું તો કર્યું જ છે.

    પાકિસ્તાની વિદેશ મંત્રાલયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આરોપ અંગે લગભગ એવા શબ્દોમાં જ રોકડું પરખાવ્યું કે તમે તમારી ચૂંટણી તમારી તાકાતે જીતો એમાં અમને ન ઢસડો. વિચારો કે જો કોંગ્રેસી નેતાઓ કોઈ અન્ય સમયે પાકિસ્તાની નેતાઓ/અધિકારીઓને મળ્યા હોત તો એ દેશના વિદેશ મંત્રાલયને આપણા દેશ માટે આવી અપમાનજનક વાત કરવાની તક મળી હોત?


    શા માટે કોંગ્રેસ પાકિસ્તાન સાથે સંબંધ સુધારવા માટે ઉપરતળે થઇ રહી છે અને કયા અધિકારથી? એ હકીકત સર્વવિદિત છે કે ભારતના અવિભાજ્ય અંગ એવા જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ અહીંના લોકોનું જીવન દાયકાઓથી હરામ કરી રહ્યો છે અને આપણી સેના આ આતંકવાદીઓને હાલમાં વીણીવીણીને સાફ કરી રહી છે ત્યારે તમારે કયો લાડવો લેવા પાકિસ્તાનીઓને વ્હાલા થવા ઉસેન બોલ્ટ કરતાંય ફાસ્ટ એવી દોટ મૂકવી પડી?

    પાછો સમય તો જુઓ? શું મનમોહન સિંહે એમની અને એમના સાથીઓની ચોરી પકડાઈ ગઈ પછી પણ સીનાજોરી કરીને વડાપ્રધાનને માફી માંગવાની માંગણી કરી રહ્યા છે, શું એમનામાં એટલી સામાન્ય બુદ્ધિ નથી, એક પૂર્વ વડાપ્રધાન તરીકે, કે અમુક સમયે અમુક દેશોના પ્રતિનિધિઓને ન મળવું જોઈએ?

    અને કોંગ્રેસને વાતચીત કરવા માટે ફક્ત ચીન અને પાકિસ્તાન જ કેમ ગમે છે? જો દેશની એટલીબધી ચિંતા હોય તો રશિયા, અમેરિકા, જાપાન કે જર્મનીના પ્રતિનિધિઓને મળો? એક તરફ તમે દેશમાં બેરોજગારીએ માઝા મૂકી હોવાની વાત કરો છો તો એક જવાબદાર વિપક્ષ તરીકે તમારી એ ફરજ છે કે તમે આ દેશના પ્રતિનિધિઓને મળીને ભારતમાં વધુને વધુ રોજગારી કેમ ઉભી થાય તેની ચિંતા કરો અને તમારા વિચારો આગળ ધરો.

    પણ ના, આ તો કોંગ્રેસ છે કારણકે… “….because the second time you make it, it’s not a mistake, it’s a damn choice” ઇતિ સિધ્ધમ!

    #eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here