એક EVM ની આત્મકથા

0
469
Photo Courtesy: hindi.sakshi.com

આજકાલ આત્મકથા લખવાનો ટ્રેન્ડ છે અને અત્યારે હું એટલે કે EVM સૌથી હોટ ટોપિક છું તો મને થયું લાય મારી પણ આત્મકથા લખી દઉં મારા જીવનમાં આવેલા ઉતાર ચઢાવો પણ લોકો ને વાંચવા તો ગમશે જ અને થોડક ઊહાપો સર્જાશે તો મારી TRP પણ વધશે. આત્મકથામાં મોટાભાગે થોડીક આડી અવળી વાતો લખવી જ જોઈએ તોજ આત્મકથા વેચાય આત્મકથા વેચવા ભલે આત્મા વેચવી પડે પણ આત્મકથા તો વેચાવી જ જોઈએ, બરોબરને?

મારો જન્મ ચુંટણી પંચની કોઈ ઓફીસ કે ગોડાઉન માં થયો હશે ખરેખર મને યાદ નથી પણ મેં એવું સાંભળ્યું છે કે ભારતની કોઈ એક ઈલેક્ટ્રોનિક ફેક્ટરીમાં મારો જન્મ થયો હતો. જે હોય તે પણ મારા જન્મથી લોકો ઘણા ખુશ તો હતા કારણકે કે હવે વોટ કાઉન્ટીંગનો સમય બચી જશે એવું એમને લાગતું હતું. મારા જન્મ પહેલા બુથ કેપ્ચરીગ બેલેટપેપર ની લુટ વગેરે કેટલાય સમાચાર આવતા હતા અને મારા કામ પર ચડતાની સાથેજ એ બધા સમાચાર પ્રિન્ટ અને ઈલેકટ્રોનીક મીડિયામાં થી ગાયબ થઇ ગયા. બસ જ્યાં અને ત્યાં મારીજ વાતો થવા લાગી હું લોકોને એટલો બધો ગમી ગયો હતો કે નાં પૂછો વાત! જે રીઝલ્ટ ડિક્લેર કરતા બેલેટ પેપરમાં દિવસો વીતી જતા એ રીઝલ્ટ મારા દ્રારા ગણતરીનાં કલાકોમાં ડીકલેર કરી દેવામાં આવવા લાગ્યું.

દરેક છાપાની હેડલાઈન બદલાઈ ગઈ હતી પહેલા એમ કહેવાતું કે બુલેટ થી નહીં બેલેટ થી જવાબ આપીશું. એવા સ્ટેટમેન્ટ કરતા નેતાઓનાં વાક્યો પણ બદલાઈ ગયા હતા અને તેઓ હવે કહેવા લાગ્યા કે તમારો જવાબ EVM પર બટન દબાવીને કરજો. અને છાપામાં પણ જેવા ચુંટણી પતે એવી હેડલાઈન આવતી કે ફલાણા ઢીખણા જેવા દિગ્ગજો નું ભાવી EVMમાં કેદ! હું એટલો પોપ્યુલર થયો કે ચુંટણી દરમિયાન હું ખોટકાઉ તોય ફલાણા વોર્ડમાં EVM ખોટકાયા એ સમાચાર બની જવા લાગ્યા. મારા પર રહેલા સુંદર બટન અને નેતાઓનાં ભોળાભોળા ચેહરા જોઇને વોટર આકર્ષાઈ ને વોટીગ બુથ સુધી આવતા એવું હું સમજતો હતો પણ જ્યારે એવું વાંચતો કે આના માટે લોકોને ચવાણું અને પેંડા મળે છે ત્યારે મનોમન ઘણો દુખી થતો હતો. લોકો એવી અફવા પણ મારા નામે ફેલાવી દેતા કે ફલાણા નું બટન દબાવશો પછી જ EVM શરૂ થશે એમ કરીને પણ ભોળી જનતા જોડેથી વોટ મેળવી લેતા.

ટૂંકમાં હું સલમાન જેવું ફિલ કરતો, કઈ પણ કરું કે ના કરું EVM ચુંટણી સમયે ન્યુઝમાં જ હોય. કેટલાક લોકો મને એવું કહેતા કે દિલમે આતા હું સમજ મેં નહીં. આથી હું ઉગતો સૂર્ય હતો, મારાથી જ દેશની ભાવી રાજનીતિ અને દેશનું ભાવિ નક્કી થતું હતું પણ અચાનક જ આત્મકથામાં જો આક્ષેપો ના આવે તો આત્મકથા ની મજા જ શું? અચાનકજ 2014 પછી કેટલાક આમ આદમીઓ પોતાની હારનું ઠીકરુંમારા માથે ફોડતા થઇ ગયા. કોઇપણ હારે એટલે મને જવાબદાર ઠેરવવા લાગ્યા. આ બધું જોઇને, સાંભળીને મને ઘણું દુઃખ લાગતું. અરે! મારા ચારિત્ર્ય ઉપર બ્લ્યુટુથ જોડે અણછાજતા સબંધો ધરાવીને હેકિગના આરોપો લાગ્યા. મારે અને બ્લ્યુટુથ જોડે તો એક્સ્ટ્રા મેરીટલ અફેર પ્રકારના સબંધો છે એવા સમાચાર છપાવા લાગ્યા. મને આવી ભંગાર થીયરી થી ઘણું દુઃખ લાગતું પણ લોકો પોતાની રાજનીતીક હારના દોષનો ટોપલો બહુ આસાનીથી મારા માથે નાખી દેતા . લોકો ને મારા ચારિત્ર્ય પર શંકા ના થાય એટલે મારા લગ્ન કોઇપણ સારું મુરત જોયા વગર  VVPAT મશીન જોડે કરી દેવામાં આવ્યા. આ મશીન પણ એક ટિપિકલ પત્નીની જેમ જ મારા દરેક વોટનો હિસાબ નોંધે છે, લખે છે.

આજે હું ગુજરાત વિધાનસભાની ચુંટણી પૂરી કરીને બેઠું છું. એકઝીટ પોલ વાળા મારી અંદર શું છુપાયેલું છે એના અનુમાનો લગાવીને ધૂમરૂપિયા બનાવી રહ્યા છે પણ કોઈને એકઝેટ ખબર નથી. મારી અંદર શું છે એ તો ફક્ત હું જ જાણું છું. અત્યારે મને વોટીગ બુથમાંથી ઉપાડીને સ્ટ્રોગરૂમમાં વસુદેવ અને દેવકીની જેમ પત્ની સહીત પૂરી દેવામાં આવ્યું છે. દસ દિવસ પહેલાની ચુંટણી કરી આવેલા મારા બીજા દોસ્તો પણ સહકુટુંબ આજ સ્ટ્રોગ રૂમ માં છે. એમણે મને જણાવ્યું કે આ રૂમમાં આપણ ને ઝેડ કક્ષા ની સિક્યોરિટી મળેલી છે ફક્ત પોલીસ અને આર્મી નાં જવાનો જ આપણું રક્ષણ નથી કરતા પણ અમુક પક્ષનાં કાર્યકર્તાઓ પણ ચાર ચાર કલાક નો વારો રાખી આપણી ચોકી કરે છે.

દરેક મશીન અલગ અલગ જગ્યાએ થી આવેલા છે એક મશીન તો ઓહવ કરીને વાત કરતુ હતું એટલે મને લાગ્યું કે એ મેહોણા નું હશે . એક પોરબંદર સાઈડ નું EVM મોબાઈલથી ઘણું ડરેલું જણાતું હતું એને મેં પૂછ્યું કે કોઈએ એને થપ્પડ બપ્પડ મારી છે? તો એણે કીધું કે, “થપ્પડ સે ડર નહીં લગતા સાહબ બ્લ્યુટુથ સે લગતા હૈ.” હવે આવતીકાલે સવારે આઠ વાગ્યે જ્યારે અમે ખૂલવાનું શરૂ થઈશું ત્યારે શરૂઆતમાં રૂજાન આવશે ત્યારે જે હારતું હશે એ કહેશે આ તો રૂજાન છે ફાઈનલ પરિણામ હજુ આવવા દો અને જે જીતતું હશે એ મીઠાઈઓ વહેચવાનું અને ફટાકડા ફોડવાનું શરૂ કરશે. પણ મારા મતે છેવટે તો જીત મારી એટલેકે લોકશાહી ની થશે. કાઉન્ટીંગ પત્યા હું અને મારી પત્ની ફરી સુશુત્પ અવસ્થામાં પડ્યા રહીશું. જેવી કોઈ બીજી ચુંટણી આવશે એટલે ગુજરાતથી મારી બીજે ટ્રાન્સફર કરવામાં આવશે.

જે હોય તે, પરંતુ મને સતત અને સદાય લોકશાહીની સેવા કરવાનો સંતોષ છે અને રહેશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here