ગુજરાત ભાજપ – ‘હાંશ! જીતી ગયા’ જેવી જીતથી હરખાવાની જરૂર નથી

    1
    363

    ગઈકાલે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો આપણા બધાના ટીવી સ્ક્રીન પર ઝબકી રહ્યા હતા ત્યારે એક સમય એવો પણ આવ્યો હતો કે કોંગ્રેસે કદાચ બે દાયકામાં ફક્ત ટ્રેન્ડ્સની વાત કરીએ તો પણ તેમાં પહેલીવાર ભાજપ પર પહેલીવાર સારી એવી લીડ લઇ લીધી હતી. ત્યારબાદ ભાજપનું ‘કમબેક’ થયું અને પછી છેક છેલ્લું પરિણામ ન આવ્યું ત્યાંસુધી તેણે કોંગ્રેસને લીડ લેવા ન દીધી. એકસમયે જ્યારે કોંગ્રેસ પંદરથી વીસ મિનીટ આગળ હતી ત્યારે કોઈ એક ચેનલમાં આ ચૂંટણી પરિણામોને Twenty20 મેચ સાથે સરખાવવામાં આવી હતી જે કદાચ ખરેખર સાચું હતું.

    એક સમયે 150+નો આંકડો સર કરશું એવી વાત કરનારા ભાજપના રાષ્ટ્રીય નેતાઓ બપોર પડતાં જ આવનારી જીતને  ‘જો જીતા વોહી સિકંદર’ કહેવા લાગ્યા. અલબત ભાજપે ગુજરાત પર શાસન કરવા માટે બહુમતી પ્રજાનો મેન્ડેટ મેળવ્યો છે અને 92 ઉપરની એક પણ સીટ તેને રાજ્ય પર શાસન કરવાનો લોકશાહીયુક્ત અધિકાર પણ આપે જ છે. પરંતુ તેમ છતાં ભાજપ માટે કદાચ આ પરિણામો કોંગ્રેસ કરતા પણ વધારે આત્મમંથન કરાવે એ પ્રકારના છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં હોય.

    લગભગ બે ટકા જેટલા મત NOTAને મળવા, ગ્રામીણ વિસ્તારો કરતા શહેરી વિસ્તારોમાં વધારે મત મળવા, ગુસ્સામાં રહેલા ભાજપના મતદારનું ભાજપને મત આપવા ઘરની બહાર ન નીકળવું, ઘણીબધી બેઠકો 2000 કે 1000 મતથી પણ ઓછા અંતરે જીતવી, શંકર ચૌધરી અને અન્ય મંત્રીઓની હાર અને અફકોર્સ બહુમતી કરતા માત્ર સાત સીટ વધુ મળવી એ દર્શાવે છે કે ભાજપ માટે આવનારા પાંચ વર્ષ વીતી ગયેલા બાવીસ વર્ષ જેટલા સરળ તો નહીં જ હોય.

    ગુજરાતીઓમાં પ્રવેશેલું જ્ઞાતિવાદનું ઝેર નામશેષ કરવું પડશે

    ભલે મોટા મોટા રાજકીય પંડિતો એમ કહે કે પાટીદાર આંદોલન કે અન્ય આંદોલનો થયા હોવા છતાં ભાજપ આ ચૂંટણીઓમાં જીતી ગયું છે, પરંતુ તેનાથી ભાજપે કે તેના ટેકેદારોએ ખાસ હરખાવા જેવું નથી. વરાછાની ભવ્ય જીતનું ઉદાહરણ એમ બિલકુલ સાબિત નથી કરતું કે પાટીદારોએ બાકીના ગુજરાતમાં પણ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા છે. જે રીતે ભાજપે અમુક બેઠકો નજીવા માર્જીનથી જીતી છે અથવાતો હારી છે આ તમામ બેઠકો પર પાટીદાર ફેક્ટર કામ કરી ગયું છે તેમ ન માનવાને કોઈજ કારણ નથી. ત્રણ વર્ષ અગાઉ સુધી ભાજપ જે એકમત હિન્દુઓની મદદથી આરામથી જીતી જતો એમાં હવે જ્ઞાતિવાદની તિરાડ પડી ચૂકી છે એ આ પરિણામો સાબિત કરે છે.

    જ્યાં પાટીદારોનું ફેક્ટર કામ કરતું લાગ્યું ત્યાં કદાચ, ખાસકરીને શહેરી વિસ્તારોમાં અન્ય જ્ઞાતિઓએ ભાજપ તરફી મતદાન કર્યું હોય એવું અત્યારે લાગી રહ્યું છે. આવું જ OBC અને દલિત બહુલ બેઠકોમાં પણ થયું હોય તો નવાઈ નથી. આવા સંજોગોમાં ગુજરાતી છેવટે બે દાયકા બાદ જ્ઞાતિવાદના ઝેરથી દુષિત જરૂરથી થયો છે, જે ભાજપ કરતા એક સામાન્ય ગુજરાતીને જેણે 1990 પહેલાનું ગુજરાત પણ જોયું છે તેને ચિંતા કરાવી શકે છે.

    તમને ગમશે: Project Loon દ્વારા પ્યુર્ટો રિકોના એક લાખ અસરગ્રસ્તો સુધી ઈન્ટરનેટ પહોંચ્યું

    તો આવનારા સમયમાં હવે હાર્દિક પટેલ અને અન્યોને વધુ ‘ભાવ’ ન આપતા ભાજપે જ્યારે ચૂંટણી અગાઉ એક સ્ટેન્ડ લીધું જ છે કે તે બંધારણ અનુસાર કે પછી સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર જ પાટીદાર અનામત કે આર્થિક અનામત આપી શકે તેમ છે તો પછી હવે તેણે આ મુદ્દા પર જાતેજ આગળ વધવું અને પોતાની ફોર્મ્યુલા કોંગ્રેસ સાથે શેર કરીને વિધાનસભામાં આર્થિક અનામતના પેકેજને મંજૂર કરાવે. કારણકે કોંગ્રેસે પણ ચૂંટણીઓ અગાઉ આ પ્રકારના કોઈ પેકેજનું વચન પાટીદારો અને આર્થિકરીતે નબળા વર્ગોને આપવાનું વચન આપ્યું જ હતું.

    વિધાનસભામાં હવે લાંબો સમય બેસવું પડશે

    છેલ્લા લગભગ એકાદ દાયકાથી કદાચ કેટલાક ભાજપના પ્રેમીઓને પણ ન ગમતી રણનીતિ વિધાનસભામાં અપનાવવામાં આવી રહી છે. આ રણનીતિ અનુસાર ખપ પૂરતી જ વિધાનસભાની બેઠકો બોલાવવામાં આવે અને બંધારણ હેઠળ એક વર્ષમાં જેટલી બેઠકોની જરૂર હોય તેને પૂરી કરવામાં આવે. આ વ્યવસ્થા કોઈ પણ જાગૃત અને બંધારણમાં આસ્થા રાખતા નાગરિકને ન ગમે એ સ્વાભાવિક છે. પણ હવે કોંગ્રેસને 80 સીટ અને તેના સાથીદારોને પણ 2 સીટો મળી છે એટલે ભાજપે હવે વિધાનસભાની લાંબી બેઠકો બોલાવવી પડશે. અત્યારે તો બહુમતી હોવાથી પોતાનો મનપસંદ અધ્યક્ષ પસંદ કરાવી શકશે, પરંતુ હવે ઉપાધ્યક્ષનું પદ ખાલી નહીં રાખી શકાય કે પછી આ પદ પર પણ પોતાના જ ધારાસભ્યને નહીં બેસાડી શકાય. હવે કોંગ્રેસને આ પદ આપવું પડશે.

    વિધાનસભામાં કોંગ્રેસ તરફથી આ વખતે ઘણા નવા ચહેરાઓ આવશે પણ આશા કરીએ કે તેઓ તેમના જૂના સાથીદારોની જેમ સરકારના જવાબથી સંતોષ ન મળે તો વોક આઉટ કરવાને બદલે કે પછી ધમાલ કરીને સમય બગાડવાને બદલે કઠીન પ્રશ્નો પૂછીને તેના મંત્રીઓને ભીંસમાં લેશે. આ વખતે જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર જેવા આંદોલનકારીઓ પણ વિધાનસભામાં બેસવાના છે, તેમના તોફાની સ્વભાવનો સામનો પણ ભાજપે કરવાનો આવશે અને કરવો પડશે. આથી, હવેથી અગાઉની જેમ સમગ્ર વિપક્ષને બાકીના સત્ર માટે પ્રતિબંધિત કરવું જરા અઘરું પડશે.

    ખેડૂતોને ખૂશ કરવા પડશે

    મિત્ર ભરત અકબરીએ મને ત્રણેક મહિના અગાઉ કહી દીધું હતું કે આ વખતે ભાજપ માટે સૌરાષ્ટ્ર સર કરવું અઘરું છે કારણકે ખેડૂતોને ટેકાના વ્યવસ્થિત ભાવ નથી મળી રહ્યા. ભરતભાઈએ એમ પણ ઉમેર્યું હતું કે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે (કે કોઇપણ ખેડૂત માટે) ટેકાનો ભાવ એ કાયમ ઈમોશનલ ઈશ્યુ રહ્યો છે. દિવાળી અગાઉ સરકારે ઉતાવળમાં આ અંગે કેટલાક નિર્ણયો લીધા પણ હતા, પરંતુ તેમ છતાં પરિણામો જોતા એવું લાગતું નથી કે સૌરાષ્ટ્રનો ખેડૂત એ નિર્ણયથી ખુશ છે. એક અન્ય મિત્ર અને પત્રકાર કિન્નર આચાર્યની એક ફેસબુક પોસ્ટ પર તેમણે ટેકાના ભાવ ન મળતા ભાજપને મત ન આપવા માટે ખેડૂતોની ટીકા કરી છે. પરંતુ ભાજપ માટે હવે ખેડૂતોને નારાજ  કરવા પોસાય તેમ નથી. હા, તેમની પાસે બહુમતી છે, પરંતુ હવે અમુક સ્તરેથી વધુ આર્થિક મદદ ન કરવાની અને એવો નિર્ણય લીધા બાદ પડશે એવા દેવાશે જેવી નરેન્દ્ર મોદીની નીતિ હવે તેમણે એટલીસ્ટ આ પાંચ વર્ષ માટે છોડવી પડશે અને નારાજ ખેડૂતને મનાવવો પડશે. કારણકે દોઢ વર્ષ પછી લોકસભા અને અઢી વર્ષ પછી ગ્રામ પંચાયત અને જીલ્લા પંચાયતની ચૂંટણીઓમાં તેણે ગુમાવેલી જમીન પરત મેળવવાની છે.

    મુખ્યમંત્રી માટે નિર્ણય અને બીજી હરોળ ઉભી કરવી પડશે

    એક ટીવી ઇન્ટરવ્યુમાં મુખ્યમંત્રી વિજય રુપાણીએ સ્પષ્ટ કર્યું હતું કે તેમનો કાર્યકાળ આ ચૂંટણીઓ સુધીનો જ હતો અને હવે પાર્ટી જે નક્કી કરે તે નિર્ણય તેમના માટે શિરોમાન્ય હશે. With due respect to વિજયભાઈ, ભાજપને ગુજરાત માટે હવે રાજ્યભરમાં માન્ય હોય એવા એક મજબૂત ચહેરાની જરૂર છે. પાતળી બહુમતીને લીધે કદાચ હાલપૂરતા વિજયભાઈને ખસેડવાનો નિર્ણય કદાચ ભાજપ ન લે પરંતુ આ બહુમતી એ મોદીને લીધે આવી છે એ તેણે ભૂલવું ન જોઈએ. આથી કોઈ એવો ચહેરો જે ભાજપને 2022માં પણ લીડ કરી શકે એવા ચહેરાને શોધવો તેના માટે તાત્કાલિક જરૂરિયાત બની છે. શંકરભાઈ ચૌધરી કદાચ આ માટે ફીટ બેસતા હતા પરંતુ તેમના પરાજયે ભાજપ પાસેથી એ વિકલ્પ પણ છીનવી લીધો છે. તો શું પછી અમિત શાહ….? હવે આ નિર્ણય ભાજપ અને મોદીએ કરવાનો છે કારણકે કદાચ ગુજરાતની આ છેલ્લી ચૂંટણી હતી જે મોદીએ એકલેહાથે જીતાડી છે અને માત્ર સાત બેઠકોની પાતળી સરસાઈથી.

    પોતાના વિધાનસભ્યો સાચવવા પડશે

    માત્ર સાત સભ્યોની બહુમતી એ કોંગ્રેસ માટે પણ સારા સમાચાર છે. કોંગ્રેસ ભૂતકાળમાં ખજૂરાહો કાંડ કરાવીને ભાજપમાં ભાગલા પડાવી ચૂકી છે. આવનારા વર્ષોમાં કોંગ્રેસ જે સત્તાથી થોડેક જ દૂર રહી ગઈ છે એ ફરીથી ભાજપના વિધાનસભ્યોને લાલચ અપાવીને સત્તામાં આવવાનો પ્રયાસ ગમે ત્યારે કરી પણ શકે છે. વળી, હાલમાં તેમનો આ પ્રકારનો બેંગ્લોરનો અનુભવ પણ સફળ રહ્યો છે. આવામાં ભાજપ નેતાગીરીએ ખૂબ ધ્યાન રાખવાનું છે અને એ પણ સતત પાંચ વર્ષ. વિધાનસભ્ય થયા એટલે મંત્રી બનવાની ઈચ્છા ઘણાને હોય એ સ્વાભાવિક છે. નરેન્દ્ર મોદીનો કંટ્રોલ એટલો બધો જબરદસ્ત હતો કે તેઓ વર્ષો સુધી બોર્ડ અને નિગમોના અધ્યક્ષો વગર કામ ચલાવી શક્યા હતા, પણ હવે ભાજપના અમુક વિધાનસભ્યોને ક્યાંક ને ક્યાંક ‘ગોઠવવા’ પડશે એ નક્કી છે.

    રાજકીય લાભ કરાવે તેવા નિર્ણયો લેવા પડશે

    અત્યારસુધી મોટી બહુમતી હોવાને લીધે રાજ્યની આર્થિક સ્થિતિ જોઇને અમુક કડક નિર્ણયો લેવા એવો ભાજપ સરકારનો આપણો અનુભવ રહ્યો છે. પરંતુ જે પ્રકારે જાતિવાદ ગુજરાતમાં પગ કરી ગયો છે અથવાતો જે રીતે પોતાને લાભ ન મળવાથી ખેડૂતો ભાજપથી રીસાયા છે એવામાં ગમે કે ન ગમે પણ થોડો સમય રાજ્યની આર્થિક સ્થિતિને બાજુમાં મૂકીને પણ પોતાને રાજકીય લાભ કેમ થાય એવા કેટલાક નિર્ણયો સરકારના સ્તરે અને પક્ષના સ્તરે ગુજરાત ભાજપે લેવા જ પડશે. પરંતુ આ નિર્ણયો લેતી વખતે અન્ય જ્ઞાતિઓ કે સમાજના અન્ય વર્ગોમાં કોઈ રોષ ન ફેલાય એ પ્રકારનું બેલેન્સ પણ દેખાડવું પડશે.

    આમ, આ વખતે ભાજપ માટે ‘પનઘટની રાહ’ કઠીન છે ભલે તેને પૂર્ણ બહુમત મળ્યો હોય. આ રાજકારણને પોતાનો રસનો વિષય ગણાવતા ગુજરાતના નાગરિકનું માત્ર આકલન જ છે અને જમીની હકીકત અલગ પણ હોઈ શકે છે. કારણકે છેલ્લા ઘણા સમયથી આપણને ગુજરાત સહીત ભાજપની અન્ય રાજ્યોમાં પાતળી સરસાઈથી સરકાર બની હોય એવા ઓછા ઉદાહરણો જોવા મળ્યા છે. ગોવા અને ઉત્તરપૂર્વના કેટલાક રાજ્યોમાં ભાજપ પાતળી બહુમતીથી સારી રીતે સરકારો ચલાવી રહી છે. આશા કરીએ કે ગુજરાતમાં પણ એવું થાય.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here