વર્ષો બાદ ગુજરાતમાં ફરી સંભળાશે ‘વાઘ આવ્યો રે વાઘ’

0
560
Photo Courtesy: supercabz.com

ગુજરાત માટે એક જબરદસ્ત સમાચાર આવ્યા છે. 1992 બાદ પહેલીવાર નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરીટી એટલેકે NTCA ગુજરાતમાં પણ વાઘ માટેની વસ્તીગણતરી કરવાની છે. NTCA આ વસ્તીગણતરી ગુજરાતના ડાંગ જીલ્લાના એ હિસ્સામાં કરશે જે મહારાષ્ટ્રના નાસિક જીલ્લા સાથે જોડાયેલો છે. આમ તો છેલ્લા ઘણા વર્ષોથી કહેવાતું આવ્યું છે કે ડાંગ જીલ્લામાં પણ અવારનવાર વાઘ જોવા મળ્યા છે પરંતુ આ વખતે તેની વૈજ્ઞાનિક ઢબે ગણતરી હાથ ધરવામાં આવનાર છે.

Photo Courtesy: supercabz.com

મહારાષ્ટ્ર સરકારના ઓનરરી વાઈલ્ડલાઈફ વોર્ડન અમિત ખરે એ પ્રથમ વ્યક્તિ છે જેમણે ડાંગમાં વાઘની સંખ્યા હોવાની વાત થોડા સમય અગાઉ કરી હતી. અમિત ખરેનું તો એમપણ કહેવું છે કે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલા નંદુરબાર જીલ્લામાં પણ વાઘો જોવા મળ્યા છે અને તે પણ સમયાંતરે ગુજરાતની હદમાં આવ-જા કરતા હોય છે. અમિત ખરેએ ઓફર કરી છે કે જો ગુજરાત સરકારને પોતાની હદમાં આવેલા વાઘના સંરક્ષણની ઈચ્છા હોય તો તેઓ અહીં રહેલા વાઘનું ચોક્કસ સ્થળ બતાવવા માટે તૈયાર છે.

જો કે અમિત ખરે એ સ્થળની વિગતો જાહેર કરવા માંગતા નથી કારણકે તેમને ડર છે કે આમ કરવાથી શિકારીઓ ત્યાં પહોંચી જઈ શકે છે. અમિત ખરેએ સૌથી પહેલા નવેમ્બર 2016માં કહ્યું હતું કે ગુજરાતની સરહદે ત્રણ થી ચાર વાઘો જોવા મળ્યા છે. આ વાઘ આ સરહદેથી ડાંગના જંગલ વિસ્તારમાં આરામથી વિચરી રહ્યા છે.

પરંતુ ગુજરાત અને વાઘનો સંબંધ આ પહેલીવાર નથી બંધાયો, છેક 1979માં સ્પેશીયલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ એમ એ રશીદે વાઈલ્ડલાઈફ જર્નલ ‘ચિતલ’ માં ગુજરાતમાંથી વાઘની સંખ્યા ઘટી રહી હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ 1989માં ડાંગમાં છેલ્લીવાર વાઘ જોવા મળ્યા હતા અને આ સમયે તેમની સંખ્યા 13 હતી અને 1992માં થયેલી છેલ્લી વસ્તીગણતરીમાં અહીં એકપણ વાઘ જોવા મળ્યો નહતો. છેક 1997માં એકમાત્ર વાઘ આ વિસ્તારમાં ફરીથી જોવા મળ્યો અને પછી છેક અમિત ખરે દ્વારા ફરીથી આ જ વિસ્તારમાં વાઘ જોવા મળ્યા છે.

NTCA જો ડાંગમાં વાઘ હોવાની પુષ્ટિ કરશે તો સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય બની જશે જ્યાં ત્રણેય Big Cats એટલેકે સિંહ, વાઘ અને દીપડાની હાજરી હોય. જો કે સિંહની જેમ વાઘના દર્શન કરાવવાના અને ડાંગમાં પર્યટનને પ્રોત્સાહન આપવાના પ્રયાસો તુરંત જ શરુ કરવા જરાક વહેલું કહેવાશે, પરંતુ સરકાર જો ઈચ્છે તો આવનારા કેટલાક વર્ષો ગીરની તર્જ પર ડાંગ વિસ્તારમાં વાઘની વસ્તી વધારવા અંગે જરૂર કોઈ યોજના વિચારી શકે છે.

eછાપું

તમને ગમશે: ટ્રેનની વેઇટિંગ લીસ્ટની ટીકીટ ક્યારે કન્ફર્મ થશે તે જાણવું સરળ બનશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here