વિદેશી ધરતી પર ફરીથી હાર્યા એમાં શું?

0
311
Photo Courtesy: indianexpress.com

છેવટે જેનો ડર હતો એ થઈને જ રહ્યું. ભારતીય ભૂમિ પર ભડવીર એવા આપણા ક્રિકેટરોએ વિદેશી ધરતી પર ઘૂંટણ ટેકવવાનું તો દૂર પણ આ વખતે તો વિદેશી ટીમને રીતસર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી દીધા. પેલું ચવાઈ ગયેલું વાક્ય ફરીથી યાદ આવી ગયું કે, “આપણી ટીમ હારે એનાથી કોઈજ મતલબ નથી પરંતુ જે રીતે હારી જાય છે તેનાથી દુઃખ થાય છે.” સામાન્યરીતે આ પ્રકારના વાક્યોથી કોઈ કાળે સહમત થવાતું નથી પરંતુ આ વખતે અને ખાસકરીને બીજી ટેસ્ટના પરાજય માટે તો આવું કહેવાનું મન જરૂર થાય છે.

Photo Courtesy: indianexpress.com

કેપ ટાઉન ટેસ્ટમાં તો ચાલો ત્રીજા દિવસે વરસાદ પડ્યો હતો અને ચોથા દિવસે આપણા બોલરોએ પણ સાઉથ આફ્રિકાને બીજી ઈનિંગમાં સસ્તામાં આઉટ કરી દીધા હતા અને પછી કાયમ બને છે તેમ વિદેશી ધરતી પરની પીચ પર અને ભીના વાતાવરણમાં આપણા બેટ્સમેનો પણ ટકી શક્યા નહીં અને હારી ગયા. પરંતુ સેન્ચ્યુરીયનની પીચમાં તો એવું કશુંજ ન હતું. હા શરૂઆતમાં ભારતીય પીચો કરતા સહેજ વધારે બાઉન્સ જરૂર હતો પરંતુ ત્રીજા દિવસ પછી તો બોલ નીચો રહેવા લાગ્યો હતો અને આપણા બેટ્સમેનોને લગભગ ઘર જેવું લાગવા લાગે એવી પીચ બની ગઈ હતી.

મારા મતે કેપ ટાઉન કરતા સેન્ચ્યુરીયનનો પરાજય વધુ તકલીફ આપશે કારણકે આ વિદેશી ધરતી પર ભારતીયો કે પછી એશિયન ટીમોને સામાન્યરીતે પીરસવામાં આવતી પીચ ન હતી. ઉલટું સાઉથ આફ્રિકન મીડિયામાં આ પ્રકારની પીચ આપવા બદલ સેન્ચ્યુરીયનના ક્યુરેટરની ટીકા કરવામાં આવી હતી. પહેલા દિવસની રમતના અંતે પૂર્વ સાઉથ આફ્રિકન સ્પિનર પેટ સીમકોક્સે ક્યુરેટરની ટીકા કરતા ટ્વીટ કરી હતી કે અન્ય કોઈ દેશ હોત તો મહેમાન ટીમને ફાયદો કરાવી આપતી પીચ પૂરી પાડવા માટે તેની હકાલપટ્ટી થઇ ગઈ હોત.

ટૂંકમાં કહીએ તો આ ટેસ્ટની પીચ પૂરેપૂરી આપણને ફાયદો કરાવે તેવી જ હતી. પરંતુ ક્રિકેટમાં જેને application કહેવામાં આવે છે તેનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો. જ્યારે ચેતેશ્વર પૂજારા  કોઈ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં રન આઉટ થાય ત્યારે આપણે આપોઆપ સમજી લેવાનું હોય કે આ ટેસ્ટમાં આપણી ટીમ કેમ હારી ગઈ? વિરાટ કોહલીએ પહેલી ઇનિંગમાં મક્કમ બેટિંગ બતાવી પણ એને ટેકો કરવા કોઈ લાંબી ઇનિંગ રમ્યું નહીં. રોહિત શર્મા પર હજીસુધી સિલેક્ટરો ભારતની બહાર ટેસ્ટ મેચ રમાડવા માટે આટલો બધો વિશ્વાસ કેમ મૂકે છે તે આશ્ચર્ય પમાડે છે. ધવનને એક ટેસ્ટ રમાડીને બીજી ટેસ્ટમાં રાહુલને લઈને શું કાંદા કાઢ્યા?

ખરેખર, જે ભારતીય ટીમ મેનેજમેન્ટ દેશમાં કે પછી એશિયામાં રમતી વખતે એકદમ પરફેક્ટ લાગતું હોય તે ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા કે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટીમ ઉતરે કે તરતજ વેરવિખેર થઇ ગયેલું કેમ જોવા મળતું હશે તે લાંબા સમયથી ક્રિકેટને ફોલો કરનારને પણ સમજાતું નથી. બાકી પિક્ચર અભી બાકી હૈ કારણકે હજી અહીં ત્રીજી ટેસ્ટ અને પછી ઇંગ્લેન્ડની આખી ટૂર આવવાની છે અને આ સિલસિલો કદાચ ચાલુ જ રહેવાનો છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here