ઉત્તરાયણ અને ફંડફાળો….

4
463
Photo Courtesy: gaatha.com

ઉત્તરાયણ – સવારનાં દસ અને માથે આઠ-દસ મીનીટું થઈ હશે. મીકાસિંધ, અરીજીત, સોનુ, સુનિધી, એનરિક, બ્રિટની, મેડોનો અને સેલીના જેવા દ્રુષ્ટોનાં અગાસીથી આવતા કાનફાડ અવાજો મારી સોનેરી નિંદરમાં ખલેલ પહોંચાડી રહ્યાં હતાં. હું ઝબકીને જાગ્યો, એક ઝાટકે મારા ગોદડાને દૂર કરી ઉપરોક્ત પ્રપંચીઓનાં સગા-વહાલાને હેડકી આવે એવું કંઈક મનમાં બબડાટ કરતો હું પથારીમાં જ બેઠો-બેઠો આંખો લૂછી રહ્યો. નિત્યકર્મની શરૂઆત હું પહેલા મારા મોબાઇલનાં દર્શનથી જ કરૂ, એમાં ૮-૧૦ ઉઘરાણીવાળાનાં, ૪-૫ અગાસીએથી પાડોશીઓનાં અને સાડા તેર મીસકોલ નિલીયાનાં હતા. ( 13 + એક કોલ હાથમાં હતો ત્યારે જ આવ્યો = 13.50 )

Photo Courtesy: gaatha.com

સવારના પહોરમાં નીલીયાનું નામ મોબાઇલ સ્ક્રીન પર જોઈ મને અંદેશો આવી ગયો કે આ ઉત્તરાયણ બગડશે. નીલીયો દેખાવે ઇમરાન હાશ્મી જેવો ….અને હાં લખ્ખણે પણ! એની બૈરી લાંબી રજામાં પિયર ગઈ હોય, એકલો હોવાને લીધે તે રજામાં નવરોધૂપ રખડતો હશે, તેથી જ પતંગ ચગાવવા મારે ત્યાં આવવા માટે તે ફોન કરતો હશે એવું મેં અનુમાન કાઢ્યું. ઊઠીને બ્રશ કર્યું, રસોડામાં જતા પત્નીએ દૂધ, ખાંડ-ચા સહિતનું તપેલુ ગેસ પર ચડાવેલું જોયું. સ્ટવ ચાલુ કરવામાં મને પહેલેથી પારંગતતા હોઇ તૈયાર ચા ને મેં ગરમ કરવા મૂકી, તાજાં છાપાને ચા તૈયાર થાય ત્યા સુધી આમ-તેમ ફેંદ્યું.

સુપુત્રના કહેવાથી જ અગાસીએથી પાડોશી પ્રમુખ પ્રકાશભાઈનો ફેસબુક ઇન્બોક્ષમાં મૅસેજ ટપક્યો કે, “સોફા પર પડેલી બધી પતંગો તથા ફ્રીઝમાંથી પાણીની બે બોટલો લઈ ઝડપથી અગાસીએ સિધાવો. કન્ના પણ તમારે એમાં બાંધવા પડશે માટે જલ્દી આવજો.” મારો ચિરંજીવી મારા કરતા ખૂબ સ્માર્ટ છે, એને ખબર જ છે કે ડેડી ફોન રીસીવ નહી કરે પણ ફેસબૂકતો જો સે જો સે ને જો સે જ. હવે મારી પાસે સમય બગાડવાનો પણ સમય નહોતો. ફેસબુકમાં બે-ચાર સારા માણસોને ગુડ-મોર્નિંગ જેવું ભળતું કંઈક કહી હું ચાને ન્યાય આપી નાહી ધોઈ આ ઉત્તરાયણ ની સવારે ફૂલ ફટાક થઈ અગાસી પર જવા રવાના થયો.

લાઈટ ન હોવાના કારણે ૮૯ પગથીયા હું મારા સગ્ગા પગે ચડી હાંફતો-હાંફતો અગાસીના દ્વારે પહોચ્યો. પરણીને આવેલી નવોઢા મધુરજનીની રાતે હાથમાં દૂધનો કટોરો અને દિલમાં હજ્જારો અરમાન લઈ ઠૂમક ઠૂમક ચાલે પોતાના પિયામિલન માટે શયનખંડમાં દાખલ થાય એમ હું બગલમાં થોકબંધ પતંગો, હાથમાં પાણીની બે બોટલો, માથે ટોપી તથા ગોગલ્સ પહેરી હાંફતો પરસેવે રેબઝેબ અગાસીમાં દાખલ થયો.

આહ્હ્હા…. સમગ્ર આકાશ અને ચોપાસ નજર કરતા મને લાગ્યું કે આ વર્ષે ઉત્તરાયણ જેવોજ મસ્ત મદહોશ માહોલ જામ્યો હતો. મને મારા મોડા ઊઠવા પર પસ્તાવો થયો. આખા ફ્લેટની ‘ભામે’ મારા આગમનને તાળીઓથી વધાવી લીધું. ચાર-પાંચ સારા લોકોએ હું મસ્ત દેખાવ છું એવી ટકોર કરતા મારા મોઢા પર બ્લશીંગ આવી ગયું. મંદમંદ પવનમાં મારો સુપુત્ર પતંગ ચગાવી રહ્યો હતો, એની મોમ ફીરકી પકડી બ્યાસી વર્ષના પોતાના પતંગ ચગાવવાનાં અનુભવનું ભાથું સુપુત્રની ઓર ખોલી રહી હતી. મને નિહાળી મારા સુપુત્રના ઠૂમકામાં જોર આવ્યું, એણે મને આ ઉત્તરાયણ નિમિત્તે સવારથી અત્યાર સુધીનું પતંગનું જમા-ઉધારનું પાક્કુ સરવૈયું કહી આપ્યું. મેં પણ એને આ પતંગ કપાશે પછી હું ચગાવીશ એવું જેન્ટલમેન પ્રૉમિસ આપી, ફ્લેટના બધા સામે સ્માઇલો ફેંકતા-ફેંકતા પાછળ હાથ રાખી હું દસે દિશાનું વિહંગાવલોકન કરવા નીકળી પડ્યો.

ઉગમણી દિશામાં મારા જ ફ્લેટની અગાસીએ બ્લુ જિન્સ અને સફેદ ટી-શર્ટ ઠપકારી માથે ટોપી અને ચશ્મા પહેરી શીતલ ઉર્ફ શીતલી શોભી રહી હતી. એનો વર અંકિત શીતલીની રાહબરી તળે પતંગોને ઠૂમકી લગાવી રહયો હતો. જ્યારે શીતલી મોટા-મોટા સ્પીકરમાંથી આવતા ગાયન ગણગણાવતી અંકિતને સલાહો દેતી ફીરકી પકડી આજુબાજુ ડાફોરીયા મારતી હતી. પ્રમુખ પ્રકાશભાઈ ફ્લેટવાસીઓ સાથે ગપ્પા મારી રહ્યાં હતાં. અગાસીમાં જ પડેલ દૂરબીન ઉઠાવી મેં આજુબાજુનો નજારો જોવાનો પ્રયાસ કર્યો. ફ્લેટના મેઇન ગેઈટની સામેના બંગલામાં રહેતી હોન્ડા-સીટીવાળી આંટી કાનમાં ભુંગળી ભરાવી મસ્તગીતો સાંભળતી શેરડીનું મસમોટું માદડીયુ મોંમા ઠુસી છોતા ફગાવતી-ફગાવતી ડોલી રહી હતી. એની જ બાજુના એક આલીશાન બંગલામાં રહેતા રિટાયર્ડ જજસાહેબ અને એના ધર્મપત્નીશ્રી પોતાના નાનકડા પૌત્રને પતંગ ઉડાડી આપતા હતા. તેની બાજુના ધાબે કમુરતાં ઉતરે તરત જ વટાવાય જાય (પરણી જાય) એટલી ઉમરની ચાર-પાંચ છોકરીઓ પાશ્ચાત્ય વસ્ત્રો પરિધાન કરી અવનવી સ્ટાઈલો મારતી સેલ્ફી લઈ રહી હતી. આથમણી બાજુના અમારા કરતાં નીચા ફ્લેટમાં ઉપરોક્ત દર્શાવેલ લોકોને નિહાળવા આઠ-દસ લડધાઓ નાહકની સીટીઓ મારતા, બ્યુગલો વગાડતા મફતની મજા લેતા હતા. ટૂંકમાં ઉત્તરાયણ ઉપરાંત પણ અન્ય પ્રવૃત્તિઓ ધડાકાભેર ચાલી રહી હતી.

માફક પવનને લીધે પતંગ રસિયાને મોજના તોરા ફૂટી નીકળ્યા હતા. સમગ્ર વાતાવરણ કાઈપો છે…ઓ લપેટ…ભૂંગળાનાં નાદ અને સીટીઓથી ગુંજી રહ્યું હતું. અમારી ફ્લેટની અગાસી પણ ભરચક્ક હતી. જીંજરા, ચીક્કી, શેરડી, બોર, મમરાના લાડુની જિયાફત ઉડાડતા સૌ કોઈ આનંદ-ચિચિયારી કરતા હતા. જે પતંગ ઉડાડતા નહોતો એવા લોકો આખે નેજવું કરી કપાયેલ પતંગ આવતો નથી ને એ જોવામાં વ્યસ્ત હતા. મેં બધા સાથે એક-પછી એકને હાજરી પુરાવવાના સૂરમાં હાય હેલ્લો કર્યું. જેથી બધા મારા મોડા આવવાનું વીસરી જાય. આ વર્ષે પણ ઉત્તરાયણ માણી છે એની સાબિતીરૂપે પતંગવાળો ફોટો ફેસબૂકમાં અપલોડ કરવા માટે મેં ઊડતી પતંગને ધારણ કરી બે-ચાર અલગ અલગ મુદ્રામાં ફોટા પડાવ્યા, સપરિવાર એક-બે સેલ્ફી લેવાની લહાયમાં એક પતંગ અને પાચશો વાર દોરાનો દાટ વાળી પુત્રની ખફગી વહોરી. દીવનાં નાગવા બીચ પર દોરાથી ઈંડા સુધારે એમ મારી પહેલી આંગળી પર મસમોટો ચીરો પડ્યો તે લટકામાં.

ઘાયલ સૈનિકને કોઈ વતાવે નહિ અને સેવાચાકરી કરે એમ મને પણ એક આરામ ખુરશી અને બેન્ડેડ આપી બેસાડી દેવામાં આવ્યો. બેન્ડેડ આંગળી પર વીંટાળતાં હું મોબાઈલમાં મારો ફોટો ફેસબૂક પર અપલોડ કરવામાં વ્યસ્ત હતો…ત્યાં ફરી પાછો નીલીયાનો ફોન આવ્યો. બપોરના બાર થવા આવ્યા હોઈ અને હું પણ નવરો હોઉં ટાઈમ પાસ કરવા માટે મેં ફોન ઊંચક્યો. સામેથી એણે પહેલો સવાલ ક્યાં છો? એવો કર્યો. હું હજુ બોલવા જતો હતો ત્યાં જ કાળમુખો કમુરતાં સમો એ અગાસીમાં દાખલ થયો. એની પાછળ જ જાણે એના બાપ સવજીની જ આ રિયાસત હોય એમ મને માફક આવે એવી ગર્લ્સને આવકારો આપતો મારી પાસે આવ્યો.

ફેમિલી માહોલ હોઈ, એ મને આજ ગાળો તો આપી શકવાનો નહોતો;પણ એના કચકચાવીને કસાય ગયેલ હાથના મુક્કાથી મારો ડાબો ખભો દુખી ગયો. અમે એક બીજાને મનમાં ગાળો ભાંડતાં ભેટી પડ્યા. એ હલકટે એની સાથે આવેલ યુવતીને દૂરની કઝીન તરીકે ઓળખાણ કરાવી. નીલીયાનો આખો આંબો મને કંઠસ્થ છે (આંબો એટલે આંબાના વૃક્ષ દ્વારા સમજાવવામાં આવતું કૌટુંબિક માળખું) એમાં આવી કોઈ કઝીનનો કોઈ ડાળ પર ઉલ્લેખ નથી! એટલે મારા મનમાં શંકા જાગી કે…ના ના પાક્કો વિશ્વાસ બેસી ગયો કે આ જરૂર કોઈ વહીવટ હશે. નીલીયો જ્યારે આવે છે ત્યારે મારો ગાળિયો કરે છે, આ વખતે પણ એ કંઈક નવું ડીંડવાણું લઈને ન આવ્યો હોય તો સારું એવી મેં મનોમન પ્રાર્થના કરી. નીલીયાને અમારા ફ્લેટવાસીઓ સાથે સારો ઘરોબો, “એ હું બધાને મળી લઉં પછી નિરાંતે વાતો કરીએ” એવું કહી તે ધાબાનું પરિભ્રમણ કરવા ઊપડી ગયો.

હું ખુરસી પર બેઠેલો હતો અને મારી સામે નીલીયાની સો કોલ્ડ કઝીન હતી. એ મારાથી પાંચ ફૂટ દૂર ઊભી-ઊભી સ્માઇલો ફરકાવતી હતી, મેં આખી અગાસીમાં નજર નાંખી કે કોઈની નજર મારાં પર નથી ને, પછી મેં એના સ્માઈલનો જવાબ સ્માઈલથી વાળ્યો. હમણાં જ એનું માથું છપ્પર ખાઈને મારા ખોળામાં પડશે એ રીતે એ ઢળીને ઊભી હતી, મેં નીચે જમીન પર જોયું તો જમીન સમથળ હતી, મારી જમણી બાજું કની બાંધી મેં જોયું. ત્યારે મને ખબર પડી કે એ ચાર આંગળ ઊંચા લાલ ચટક સેન્ડલ પહેરીને આવી હતી એટલે એ ઢળીને ઊભી હોય એમ મને લાગતું હતું. પવન વધે ને પતંગ આકાશમાં ઊંચે-ને-ઊંચે જાય એમ મેં પણ મારી દ્રષ્ટી એના સેન્ડલથી આગળ ઊપર વધારી! એણે ઢીંચણ સુધીનું લાલ સ્કર્ટ અને ઑફ વાઈટ ટોપ પહેર્યું હતું. હાથ-પગના નખમાં મૅચિંગ લાલ નેઈલ પોલિશના પીછળા માર્યા હતાં. જમણા ઢીંચણથી વેત એક નીચે મને એના પગ પર પડવાનું નિશાન ભાસ્યું, એના પરથી મેં તર્ક લગાવ્યો કે કૂતરા કે ભૂંડળા તેની પાછળ પડ્યા હશે તેનાથી ભાગતા મારી જેમ ભપ થઈ હશે. (મારે પણ આવું જ નિશાન પગ પર સદર હું કારણ ને લીધે છે) મોર કોમ્યુનીટીમાં જેની ગરદન ટૂંકી કહેવાય એવી મસ્ત ગરદનની એ માલકીન હતી. ગળામાં એણે અલક-મલકની મોટી કોડિયુંની માળા પહેરી હતી. નાક સમથળ, આંખો ભૂરીભૂરી, ભ્રમરો મારા શરીર જેવી કાળી ભમ્મ હતી. એના એરીન્ગ્સ ગાંડી પતંગ ડોલે એમ એના ગાલ પર ડોલી રહ્યા હતા. ભાલપ્રદેશ મારા ફ્લેટનાં નાનાંછોકરાઓ ક્રિકેટ રમે એવડો મોટો હતો. વાળ કાળા, લાંબા અને છૂટા હતા. નીલીયાને આ વાળાના છાયાંમાં હાલરડા ગાઈ સુવડાવી અમે બેઉ ચાર-પાંચ કલાક એકમેકને જોયા રાખીએ એવું અનુપમ એનું રૂપ હતું.

તેને નિર્દોષભાવે નિહાળી મેં એક ખુરશી ખેંચી બેસવા માટે આપી. ત્યાં જ તે મીઠા અવાજે વાતડાહી થતા બોલી, “ આ ઉત્તરાયણ સારી છે, મસ્ત પવન છે! હૈ ને?”

“હા, હો, હવામાન વિભાગે ઓછો પવન રહેશે એવી આગાહી કરી એટલે આજ પવન સારો જ રહેવાનો.” મેં અંતરનો જામ છલકાવી કટાક્ષ કર્યો.

“હાહાહાહા, એ વાત પણ ખરી કહી તમે.” રૂપ, વાણી અને જ્ઞાનના ત્રિભેટા અશ્વ પર સવાર થઈ તે મિષ્ટભાષામાં આગળ બોલી:  “તમે પતંગ નહિ ચગાવતા?”

“મને મુદલે ય રસ નહી, હાથમાં ચીરા પડે, ઉત્તરાયણ નો આખો દિવસ ઠૂમકા મારીને ચાર-પાંચ દિવસ બાવળાનો દૂધપાક થઈ જાય. આ તો છોકરા અને મિત્રોને કંપની આપવા સાથે રહેવું પડે.” મેં સૌમ્યભાષામાં કહ્યું.

નીલીયો આખા ધાબાનો ફોગટ ફેરો ફરી ખોટા સિક્કાની જેમ ઝડપથી પાછો ફર્યો. દાનવની જેમ અમારી ચર્ચામાં રોળા નાખતાં તેણે ઓળખાણ કરાવતા કહ્યું કે, “આ મારી કઝીન છે, તેનું નામ રૂપા છે.”

“હં” મેં તિરસ્કાર ભાવે તેની સામે જોઈ હોકારો આપી મસ્ત હસીને રૂપા સાથે હાથ મિલાવ્યો. રૂપા એ નીલીયાને જોઈને ટમકો મુક્યો: “મસ્ત ફ્લેટ છે! સુંદર સ્વચ્છ વાતાવરણ, સારા લોકો અને પાર્કિંગની જગ્યા, હૈ ને?”

“હકન, બધા ભણેલા રહે, કોઈ ખોટી લપ નહી. આપણી સાથે ભળી જાય એવા. મને તો બધા ઓળખે. બોલ” નીલીયો રૂપાને વાલેશરી થયો.

“અને તું કામ સિવાય કોઈ ને ના ઓળખે” મેં નીલીયાની ટીખળ કરી. રૂપા મસ્ત હસી. હસવાથી એના જમણા ગાલ પર મસ્ત ખંજન પડ્યું. મને મન થયું કે હવનમાં હાડકા સમા નીલીયાને એ ખંજનમાં દાટી ઉપર બાબા રામદેવની પતંજલિ પ્રોડક્ટની કોઈ સ્કીન ક્રીમ લગાવી ઢાંકી દઉં.

નીલીયો થોડો છોભીલો પડ્યો એટલે તેણે વાત બદલાવાતા મને કહ્યું, “તે રામરોટી ટ્રસ્ટનું નામ સાંભળ્યું છે?”

“હાસ્તો, સ્પીકરમાં રામનામનું ભજન ગાતી, આખા શહેરમાં ખાદ્ય સામગ્રી લઇ ફરતી રિક્ષા ચાલે છે એ જ ને?”

“યસ, એ જ. રામરોટી ટ્રસ્ટ આખા રાજકોટ સિટીમાં ભૂખ્યા લોકોને મફત ઘેર-ઘેર ભોજન પહોચાડે છે.” રૂપાના એક એક શબ્દ જાણે મધમાં ઝબોળાઈને આવતા હોય તેમ તે મીઠું-મીઠું બોલતી હતી.

“આ રૂપા તેમાં ટ્રસ્ટી છે” નીલીયા એ ચાંપલાશ કરી.

મારા મનમાંથી ગેબી અવાજ આવ્યો કે લાલો લાભ વગર લોટે નહી, મેં મનની વાત રોકીને રૂપાના વખાણ કરતા આગળ ચલાવ્યું, “વાહ, ખૂબ સુંદર કામ કરો છો તમે લોકો, આટલી નાની ઉમરે તમને ધન્યવાદ આપવા ઘટે.”

“રૂપા ટ્રસ્ટ માટે ફાળો ઉઘરાવવાનું કામ કરે છે, ઉત્તરાયણ જેવા પવિત્ર તહેવારે તે રાજકોટ શહેરમાં ફરીને ફાળો ઉઘરાવે છે. ખૂબ મહેનત અને સેવાનું કામ કરે છે. તમારા ફલેટમાંથી તેને દસ હજાર રૂપિયાની આશા છે.” નીલીયો જાત પર ગયો.

“મારા એકલાથી આ ન થાય, એના માટે પ્રમુખને મારે કહેવું પડે. તે જ ફલેટનો વહીવટ કરે છે. આટલાં રૂપિયા માટે બધા ફ્લેટ મેમ્બર્સને પૂછવું પડે, તેમની રાય લેવી પડે.” મેં નીલીયાના મનસૂબા પર ચોખ્ખું ઠંડું પાણી ફેરવ્યું.

“પ્રકાશભાઈને તો અબ ઘડી કહી દઉં, એમાં ક્યાં મોટી ધાડ મારવાની છે.” એમ કહી નીલીયાએ પ્રમુખને બોલાવવા બૂમ પાડી. પ્રમુખ પ્રકાશભાઈ આવ્યા એટલે નીલીયા એ તેના કાનમાં મો ખોસી બધી વિગત કહી. પ્રકાશભાઈ એ ચકળવકળ ડોળા કરી કશું વિચાર્યું. એક હળવો ખોંખારો ખાંધો. ખોંખારો ખાધા પછી જ એના ગળામાંથી શબ્દો નીકળે છે. જાણે શબ્દોને ખોંખારાથી દાટો ન માર્યો હોય! તેણે મારા સામે પ્રશ્નાર્થ નજરે જોયું. મેં હોઠને ચંબુ જેવા કરી ખભા ઉછાળ્યા.

“આ એક ધર્મનું કામ છે, તમે લોકો તો આર્થિક સદ્ધર છો. એજ્યુકેટેડ છો. સમાજ માટે એક ઍક્ઝામ્પલ બની શકો એમ છો. તમારે પહેલ કરાવી જ જોઈએ.” રૂપાએ અમને પાનો ચડાવ્યો. અમે શાંત રહ્યા.

મારી સામેની બાજુથી મને શીતલી આવતી દેખાઈ. તેમની પતંગ કપાઈ ગઈ હતી. ફીરકી અને દોરી લપેટવાની ઉભય જવાબદારી તેના વર અંકિતને સોંપી તે આવી. સામાન્ય રીતે રૂપાળી સ્ત્રીઓને બીજી અપરિચિત રૂપાળી સ્ત્રીને ચર્ચામાં અપાતું વધારે પડતું મહત્વ ખૂંચતું હોય છે, જલન થતી હોય છે. અમને કોઈ વિષય પર સંતલસ કરતા જોઈ એ વચ્ચે કુંદી, “ હાય ગાયસ વોટ્સ અપ?” નીલીયો દોઢડાહ્યો થઈ એને આખી કથા કહેવા થનગની રહ્યો હતો ત્યાં જ પ્રમુખે એનું બાવળું પકડી રોકી, બેચાર ખોંખારા ખાઈ આખી વાત ટૂંકમાં સમજાવી. શીતલી વાત સાંભળી કન્ના તૂટેલી પતંગની જેમ ગોટે ચડી. તે એના પતિ તરફ ફરીને બોલી, “ચકુ, રામરોટી ટ્રસ્ટ કોનું છે?”

“જમનાંદાસ અંકલનું, કેમં?” દોરી વીંટતા પરસેવે રેબઝેબ અંકિત નાકમાંથી બોલ્યો. શીતલી કૉર્પોરેશનની બેદરકારીથી રાજકોટના રોડ વચ્ચોવચ્ચ રહેલ થાંભલાથી માંડીને શહેરના મોટા શેઠિયાને ઓળખાતી જ હોય એવી એની છાપ.

નીલીયો વચ્ચે કશું બોલવા જતો હતો; પણ મોઢામાં માવાના રસના કારણે તેનું આખું મોઢું ભર્યું હતું. તે પિચકારી વિસર્જન કરવા આમતેમ જગ્યા ખોળતો હતો. ત્યાં પ્રમુખે એને ટોક્યો કે અહી ધાબા પર થૂંકવાની મનાઈ છે, નીચે જઈને થૂંકી આવ. નીલીયાએ મારા ઘરની ચાવી માંગી, મેં તેને ચાવી આપી એટલે તે નીચે મારા ઘર તરફ ગચ્છંતી થયો. શીતલી એ અમારી ચર્ચા આગળ ચલાવી.

“અરે ચકુ, આ લોકો કંઈક ડોનેશન લેવા આવ્યા છે” શીતલી એ માણેકલટ ઝુલાવતા તેના પતિ અંકિતને માહિતી આપી.

“પણં અંકલં તોં ખૂબં પૈસાવાળાં, એં પોંતાનાં પૈસાંથી જ આંખું ટ્રસ્ટ ચલાંવે છે. મેં એંને એક વંખત દાંન આંપવાંની ઓફર કરીં હતી જે લેવાંની તેણે સ્પષ્ટ નાં કહીં હતી. મને પાંક્કી ખાંત્રી છેં કેં એ કોઈં પાંસે ક્યાંરેય ડોનેશનં જ ન લેં ચકું.” અંકિતે ફોડ પાડ્યો.

અંકિત નાકમાંથી લાંબું બોલ્યો એટલે હાંફી ગયો. હાંફતા નાકમાંથી શેડા કાઢવા એ ધાબાની પાળી તરફ ઝૂક્યો. પ્રમુખે ખોંખારો ખાઈ તેને આવું કરવા માટે રોકવાની તજવીજ હાથ ધરી. શીતલી બરાડી અને સ્વચ્છતા અભ્યાનની બ્રાંડ એમ્બેસેડરનો રોલ અદા કરી અંકિતને સલાહો દેવા લાગી. રૂપાના શ્વેત લલાટે પરસેવાએ એન્ટ્રી કરી, તે ઘાંઘી થઈ એક્સ્યુઝ મી કરી કોઈ ફોન પર વાત કરવા દૂર ખસી. અમે રૂપાને ભૂલી શીતલી અને અંકિતનું સ્વચ્છતા અભિયાનનો વાર્તાલાપ સાંભળવામાં વ્યસ્ત થયા. પાંચ મીનીટમાં શીતલીનું વ્યાખ્યાન પૂરું થયું એટલે ફરી ચર્ચામાં ગૂંથાવા માટે રૂપાળી રૂપા તરફ વળ્યા. રૂપા દેખાઈ નહી.

શીતલી જંગ જીતી હોય એમ પાછી ફરીને બોલી, “આય એમ સ્યોર કે રામરોટી ટ્રસ્ટ અમારા જાણીતાનું જ છે, તે લોકો નેવર ટેઈક ડોનેશન.” શીતલી એ ચોરટી રૂપાને ખોળવાનો પ્રયાસ કરતા ઊંચા સ્વરે લટકા સાથે બોલી: “ક્યાં ગયા પેલાં મેડમ?”

અમે રૂપાને શોધવા આખા ધાબાનું સર્ચ અભિયાન આદર્યું. રૂપા દેખાઈ નહી, ના નીલીયાનો પતો લાગ્યો. મેં ફ્લેટના મુખ્ય દરવાજાની પાળી બાજુથી નીચે ગ્રાઉન્ડ પર નજર નાંખી. નીચે નીલીયો તેની બાઈકને કિક મારી રહ્યો હતો અને રૂપા પહેલેથી જ તે બાઈક પર ચડી બેઠી હતી. મને હવે નીલીયાના કારનામાંનો અંદેશો આવ્યો કે અમારી પાસે પૈસા ઉઘરાવી નીલીયો તોળ કરવાનો હતો; પણ શીતલી એ નીલીયાના પારકે પૈસે પરમાનંદ કરવાની મનોવૃત્તિના મનસૂબા પર સેવ મમરા વેરી નાખ્યાં.

ફ્લેટવાસીઓમાં હો હા થઈ, ઊહાપોહ થયો. એમને ઠારતા નીલીયાની આબરૂ જળવાઈ રહે તે માટે મેં અટમસટમ બધાને સમજાવી અમારી ઉત્તરાયણ બગડે નહી એવું કર્યું.

ગામ ગોકીરો થાય તો ઘોડીના ય ઘટે ને અસવારના ય ઘટે ભાય્ય્ય્ય.

 

eછાપું

4 COMMENTS

  1. વર્ષો મોયર આવો એક નિલિયો મોદી ને પણ ભટકાયો હતો ને ત્યારે પણ આવી જ એક શિતલી યે બચાવી લીધા હતા પછી મોદી યે બેટી બચાવો બેટી પઢાવો આંદોલન શરૂ કયરુ હતું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here