ખાદ્ય ખતરો: સ્ટેપલરની પીનથી એલ્યુમિનિયમ ફોઈલ સુધી…

0
396
Photo Courtesy: maudlynblog.blogspot.in

હાલ એક ન્યુઝ ટ્રમ્પ અને કીમ જોંગના બટન દબાવવાની માથાકૂટમાં દબાઈ ગયા કે ભારત માં 1 જાન્યુઆરી થી હવે ટી બેગ પર એલ્યુમિનિયમ સ્ટેપલર પીન લગાવવામાં નહીં આવે. આ માટે દેખીતું કારણ એ આપ્યું છે કે ભૂલથી તેને ગળી જવાથી તકલીફ થાય. પરંતુ સાચી વાત એ છે કે ઉકળતા પાણીમાં ઉકળતી આ પીન આપણા શરીરનેઘણું નુકસાન કરી શકે છે. સ્ટેપલર પીન કરતા પહેલાતો ટી બેગ માટે વપરાતા કાગળ જેવા કાપડ પર પ્રતિબંધ મુકવો જોઈએ કેમકે એને બનાવવા સફેદી લાવવા-બ્લીચ કરવા હાનીકારક કેમિકલ વપરાય છે. મોટેભાગે આવા કેમિકલ કેન્સર ને નોતરે છે.

જરા વિચારો આજથી દસ વર્ષ પહેલા તમારા સમાજ-શહેર-સોસાયટી આડોશ પાડોશમાં તમે કેટલા કેન્સર ના દર્દી સાંભળ્યા હતા ? અને હાલ તમારા જાણ માં હોય એવા કેટલા છે? જીવન જરૂરીયાતની દરેક ચીજ હવે કાર્સિનોજેનિક થતી જાય છે. લીલી નેટથી માંડીને દૂધની થેલીઓ સુધી ઘણું બધું પ્લાસ્ટિક કાર્સિનોજેનિક છે એવું છાશવારે સરકાર મીડિયા જાહેર કરતા રહે છે. એક આધુનિકતા તરફની દોટમાં આરોગ્ય ખોરવાતું જાય છે. મસાજ કરાવવા જતા હોય એટલી સહજતા થી કીમો અને ડાયાલીસીસ તરફ દર્દીઓ ધકેલાતા જાય છે. સ્વાસ્થ્ય સુરક્ષાનું બજેટ અને એ સુરક્ષાની આડમાં છુપાતા શિયાળોની લાળો વધુ રેલાતી જાય છે. જરૂર છે દેશી બનવાની. આવો આજે જાણીએ એક આવા જ રાક્ષસને જેનું નામ છે- એલ્યુમિનિયમ.

દુનિયા માં સહુ થી વધુ સહેલાઈ થી વપરાતી ધાતુ એટલે એલ્યુમિનિયમ, વિમાનોની બોડી થી લઇ દાદા ની ઘોડી સુધી, પીનથી લઇ ટીન સુધી, કોઈલથી લઇ ફોઈલ સુધી, વાયરથી લઇ ટાયર સુધી, બધે જ એલ્યુમિનિયમ…રસોડામાં એલ્યુમીનીયમ ને રસોડાનું પાર્ટીશન પણ એલ્યુમિનિયમ…સવારની નાહવાની ડોલ થી લઇ રાત્રે લેવાતી એન્ટાસીડ કે એસ્પીરીન વાળી દવાઓના રેપર સુધી બધે જ એલ્યુમિનિયમ

સહુથી પહેલા 1921માં એલ્યુમિનિયમથી સ્મૃતિને લગતા રોગો થાય છે એવું ધ્યાને આવ્યું અને 1970માં કેનેડામાં મોટા પાયે એલ્યુમિનિયમનો વિરોધ કરી એનાથી અલ્ઝાઈમર નામનો સ્મૃતિમાંદ્ય નો રોગ થાય છે એવું રજુ થયું. પરંતુ એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રીઝ ને નુકસાન ન થાય એ માટે આ બધું આજદિન સુધી દબાવાયું.

જરા આકાશમાં એક નજર કરો, એક ધુમાડા ઓકતો રાક્ષસ બેફામ ઉડતો જાય છે. આકાશમાં છોડેલા આ ધુમાડામાં એલ્યુમીનીયમ જેવી અનેક ધાતુઓના નેનો પાર્ટીકલ્સ હોય છે, જે કાળક્રમે પાણી સાથે ભળીને અથવા સીધા જ ધરતી પર આવે છે. નાકમાં રહેલા સુંઘવાના કોષોમાં રેસાઓ જેવા સિલીયા રહેલા હોય છે એના દ્વારા આ કણો ચુસાઈ ને સીધા ચેતાતંત્ર દ્વારા મગજમાં પહોંચી તેનું સ્ટોરેજ થાય છે અને જન્મે છે અનેક ગઝનીઓ. આવું જ મેટાલિક કલર કે જે આપણે દીવાલો ને ચડાવીએ છીએ એનું પણ જાણવું. આના ઉપર આખો લેખ ને લેક્ચર્સ ડૉ રસેલ બ્લેલોક(ન્યૂરોસર્જન) આપી ચુક્યા છે.

ઘણી રસીઓ 0.85 mg/dose, એસીડીટી- 300–600 mg , કોસ્મેટીક્સ, ક્રીમો, બફર્ડ એસ્પીરીન 10–20 mg, સ્વાદ ઉમેરતા કેમિકલ્સ, બગલોમાં પરસેવો રોકવા લગાવાતા સ્પ્રે કે લોશન, બેકિંગ કરવા અને બેકિંગ રોકવાના કેમિકલ આ બધા રોજીંદા જીવનમાં એલ્યુમિનિયમ મુખ્ય ભૂમિકા ભજવે છે.

હાલ એલ્યુમિનિયમના પાત્રોમાં રસોઈની પ્રણાલી ખાસ વિકસી રહી છે. મોટા મોટા તપેલામાં રાંધવામાં આવે છે. આવા પાત્રોમાં રાંધેલું ખાવાથી કે પાણી પીવાથી રોજિંદુ 1-2 મીલીગ્રામ એલ્યુમિનિયમ આપણા શરીરમાં પ્રવેશી શકે છે જે ખુબ હાનીકારક છે. કેન્સરનું એક પીનપોઈન્ટ કારણ જોવા જઈએ તો આવા વાસણો અને કુકર મુખ્ય છે. ભારે દબાણ અને તાપમાન ધરાવતા કુકર માં એલ્યુમિનિયમનું ધોવાણ વધુ જ થાય છે. આ શરીર માં જઈ કેલ્શિયમ ની જેમ શરીર ને મીસગાઈડ કરી હાડકા, મગજ, કીડનીમાં જમા થઇ અનેક રોગો નોતરી શકે છે. “મેં તો ક્યારેય તમાકુ મસાલા ખાધા નથી તો મને ક્યાંથી આવો રોગ થયો!!” એવું આડુંઅવળું વિચારવાના બદલે આવા પાત્રો વિષે વિચારવાથી એલ્યુમિનિયમની હાનીકારક અસરોથી બચી શકાય છે.

વિવિધ રસોઈ કરવાના વાસણો માટીના વાપરવાં. માટીની કાળી હાંડલી માં દાળ, શાક વગેરે સરસ બને છે. આવી હાંડલી લાવી રાતભર પાણી માં પલાળી રાખવી, સુકવ્યા પછી અંદર તેલ લગાવી થોડી ગરમ કરવી પછી જ વાપરવી. વળી રસોઈ બનાવ્યા પછી સારી રીતે ધોઈ તપાવીને જ વાપરવી. રસોઈમાં ખીર, માવો, મિષ્ટાન્ન, શીરો આદી શેકવા તળવા લોઢાની કઢાઈ વાપરવી. ખાટા ન હોય એવા વ્યંજનો બનાવવા તાંબાના કે કલાઈ કરેલા શુદ્ધ પિત્તળના વાસણો વાપરી શકાય.

ભાત તો તાંબામાં સીઝવવો જ શ્રેષ્ઠ છે. લોખંડ એટલે સ્ટીલ નહીં. કેમકે શુદ્ધ લોખંડમાં નીકલ ક્રોમિયમનું મિશ્રણ કરવાથી સ્ટીલ બને છે, વળી પાછી આ ધાતુઓ કરસીનોજેનિક છે જ. જમવાનું હમેશા કાંસા ના વાસણ માં જ રાખવું, તેમાં ખટાશની પણ પ્રતિક્રિયા થતી નથી પરંતુ આવા ખાટા પદાર્થો કાચ ચિનાઈ માટી ના બાઉલમાં પીરસવા. દહીં પણ ચિનાઈ માટીમાં જ જમાવવું અને ખાવું. કુકર ને બદલે ઢોકળા બનાવવા વપરાતું ઢોકળિયું વાપરી શકાય.

પીવા માટેના પાણી ગરમ ઋતુ સિવાય તાંબાના પાત્રમાં ભરવા-પીવા. બીજું એક મોટું દુષણ એટલે પ્લાસ્ટિક. સુધરેલા સમાજમાં ડાયનીંગ ટેબલ પર મેલામાઈને પગદંડો જમાવ્યો છે. મોટા મોટા પ્રસંગોમાં તો તેના વગર પ્રસંગની કલ્પના જ કરવી મુશ્કેલ છે. એવું જ નુકસાન એલ્યુમિનિયમની ફોઈલનું છે. આવા સુધારા સ્વાસ્થ્ય માટે કુધારા બનતા જાય છે. હકીકતમાં અનાજ ભરવાથી માંડીને રસોઈ બનવવા અને પીરસવા પાત્રો કેવા હોવા જોઈએ એના પર વિસ્તૃત ચર્ચા કરવી પડે એમ છે. કેમકે આવા વાસણોના વિવેકથી રોગ મટે પણ ખરો અને આવે પણ ખરો. ક્યાંય ન પકડતા રોગો રીપોર્ટોમાં ક્યાંક આહાર વિહારની શૈલી જ જવાબદાર હોય છે. માટે બહાર ફાંફા માર્યા કરતા હું ભૂલ ક્યાં કરું છું એ શોધવાની જરૂર છે. હવે સમય આવી ગયો છે “પ્રાઉડ ટુ બી દેશી” ટેગ લાઈન સાથે જીવન જીવવાની જરૂર છે.

“લોઢે રાંધ્યું ધાન્યને જે જણ કાંસે ખાય…

તાંબે રાખી જળ પીએ, કદી ન માંદુ થાય…”

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here