ટકાઉ સફળતા માટે જેફ બેઝોસ વીસ વર્ષ પહેલા બોલ્યા હતા

0
378
Photo Courtesy: vulcanpost.com

સફળ વ્યક્તિઓની અઢળક સફળતા પાછળ તેમની મહેનત એકમાત્ર કારણ નથી હોતું, તેમની દૂરંદેશી અને out of the box thinking પણ એટલીજ જવાબદાર હોય છે. જેફ બેઝોસ એક એવાજ સફળ વ્યક્તિ છે જેમણે આજે Amazon ને ઘેરઘેર પહોંચાડી દીધું છે. 1994માં સ્થપાયેલી આ કંપની આજે પણ માત્ર ટકી નથી રહી પરંતુ સફળતાના નવા શિખરો સર કરી રહી છે. આ માટે જેફ બેઝોસની દૂરંદેશી જ જવાબદાર છે એમ આપણે છતી ઠોકીને કહી શકીએ કારણકે એમણે ટકાઉ સફળતા અંગે વીસ વર્ષ અગાઉ અમુક વાતો કરી હતી તે આજે પણ એટલીજ કામ આવે તેવી છે.

Photo Courtesy: vulcanpost.com

જેફ બેઝોસ એવું માને છે કે જ્યારે પણ તમે આગલા દસ વર્ષ માટે તમારા બિઝનેસનો પ્લાન કરો છો ત્યારે આવનારા દાયકામાં શું બદલાશે એમ ન વિચારતા શું નહીં બદલાય એ વિચારશો તો તમારી સફળતા લાંબો સમય ટકી શકશે. પોતાનો જ દાખલો આપતા જેફ બેઝોસે એ સમયે કહ્યું હતું કે દસ વર્ષ બાદ Amazonનો ગ્રાહક ઝડપી ડિલીવરી અને પ્રોડક્ટ્સની કિંમત ઓછી જ રહે એવી ઈચ્છા ધરાવતો હશે જ. ટૂંકમાં દસ વર્ષ બાદ આ બાબતમાં કોઈજ બદલાવ આવવાનો નથી. તો ગ્રાહકની આ ઈચ્છાને દસ વર્ષ પછી પણ વધેલા ભાવ સાથે તાલમેળ મેળવીને કેમ પૂર્ણ કરવી એનો વિચાર જો તમે આજે કરશો તો દસ વર્ષ પછી પણ તમે સફળ જ રહેશો.

આ તો જેફ બેઝોસની સફળતાના કેટલાક મંત્રોમાંથી એક છે. આજથી વીસ વર્ષ અગાઉ તેમણે ટકાઉ સફળતાના કેટલાક અન્ય મંત્રો પણ આપ્યા હતા જેને આજે આપણે મમળાવીએ.

જ્ઞાનમાં સતત વધારો કરતા રહો

જેફ બેઝોસ કહે છે કે સ્માર્ટ વ્યક્તિ ક્યારેય કોઇપણ જ્ઞાનને નકારતા નથી, પછી આ જ્ઞાન તેમના વ્યવસાયને લગતું હોય કે અન્યના વ્યવસાયને લગતું. પેલું કહે છે ને કે ચારેય દિશાઓમાંથી મને જ્ઞાન પ્રાપ્ત થાઓ? બસ આ એવું જ છે. બેઝોસનું માનવું છે કે જો તમારે જીતવું હોય, વધારે જીતવું હોય અને સતત જીતવું હોય તો અનુભવ અને જ્ઞાન સતત મેળવતા રહો.

જ્ઞાનીઓને તમારી સાથે જોડતા રહો

તમે બધીજ બાબતોનું જ્ઞાન લેવાનું શરુ કરશો પરંતુ એ તમામમાં તમારી માસ્ટરી આવી જાય તે શક્ય નથી, આથી તમારી આસપાસના જ્ઞાનીઓને તમારી સાથે જોડવાનું શરુ કરો. જે લોકો સ્માર્ટ છે, મહેનતુ છે એમને તમારી ટીમમાં જોડો.

પહેલા આપો પછી મેળવો

ઉપર જે જ્ઞાનીઓની વાત કરી એ એવા વ્યક્તિઓ હોવા જોઈએ જે પોતાની સાથે બીજા બે જ્ઞાનીઓને તમારી સાથે જોડે, કોઈ મહત્ત્વની માહિતી તમારી સાથે શેર કરે અને પોતાની ટીમનો એ જાતેજ મેન્ટર બને. તમારી ટીમને એવું ક્યારેય ન કહો કે તમારે શું જોઈએ છે. પહેલા તેમની સાથે લાંબો સમય સુધી ટકે તેવા સંબંધો સ્થાપવાનું શરુ કરો. જો તમારે શું જોઈએ છીએ તેના પર તમે ધ્યાન આપશો તો તમારી સાથે કોઇપણ વ્યક્તિ લાંબો સમય ટકી નહીં શકે એ યાદ રાખજો.

સલાહ આપનારનું પદ ન જોવો

સલાહ કાં તો સારી હોય છે કાં તો ખરાબ હોય છે એ કોણ આપે છે તેની સાથે તેનો કોઈજ સંબંધ નથી હોતો તેમ જેફ બેઝોસ માને છે. બીલ ગેટ્સ સલાહ આપે એટલે એ સાચીજ હોય તે જરૂરી નથી. સ્માર્ટ બિઝનેસમેન હંમેશા સલાહ કેવી છે તેના પર ધ્યાન આપે છે નહીં કે તે કોના તરફથી આવી છે તેના પર. તમારું ટીફીન ઓફીસે ડીલીવર કરતો વ્યક્તિ પણ તમને કોઈવાર લાખ રૂપિયાની સલાહ આપી દેતો હોય છે.

એક જગ્યાએ બેસી ન રહો ‘next’ શું છે એ વિચારો

એકની એક પ્રોડક્ટને વળગી રહેવું ખતરનાક હોઈ શકે છે તેમ જેફ બેઝોસ માને છે. કારણકે ઘણીવાર એક પ્રોડક્ટ ખૂબ ચાલી નીકળે તો અમુક પ્રોડક્ટ બિલકુલ બંધ થઇ જાય. આથી એક જ પ્રોડક્ટ પર ટકી ન રહેતા હવે ‘next’ શું તેમ સતત વિચારતા રહો અને તેના પર સતત કામ કરતા રહો. હવે તમે આગલી પ્રોડક્ટ, સર્વિસ કે પછી ગ્રાહક કયો લાવો છો એ તમારા મનમાં સતત રમવું જોઈએ.

નિષ્ફળતાની જવાબદારી સ્વીકારો

જો તમે એમ વિચારતા હોવ કે તમે જ સાચા છો તો તમે જ્યાં છો ત્યાં જ રહેશો. જેફ બેઝોસનું એવું માનવું છે કે જો તમે ખોટા હશો તો તમે વધુ સારીરીતે આગળ વધી શકશો. જો તમારી દરેક ભૂલને તમે સ્વીકારશો, જો દરેક નિષ્ફળતાને અવકારશો તો જ તમે સફળ થશો. તમારી નિષ્ફળતા તમારી ટીમ સામે તો સ્વીકારવાની છે જ પરંતુ ઘેરે આવીને અરીસા સામે ઉભા રહીને પણ તમારે તેને સ્વીકારવાની છે એ ભૂલતા નહીં.

વિચારને આગળ વધારો

વિચાર અથવાતો  ideas મનમાં આવે અને પછી તે મનમાં જ રહે તો તે idea નથી તે માફીનામું છે તેમ જેફ બેઝોસ માને છે. કોઈ અજાણ્યા ડરથી કે કોઈ અન્ય કારણોસર મનમાં બિઝનેસ અંગે, નોકરી અંગે કે કોઇપણ વ્યવસાય અંગે આવેલો વિચાર એકલો ન મૂકી દો, એના પર કાર્ય કરવાનું ચાલુ કરો. વધુમાં વધુ તમે નિષ્ફળ થશો, તો નિષ્ફળતા સ્વીકારવાની વાત આપણે આગળ કરી જ ગયા છીએને?

eછાપું

તમને ગમશે: એક લગ્ન જેને કોચી મેટ્રોએ પાર પાડ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here