શીતલીએ YouTube ચેનલ બનાવી….(ભાગ – 2)

4
400
Photo Courtesy: lifeinquebec.com

શીતલી એ YouTube ચેનલ બનાવવા કમર કસી. પહેલું કામ તેણે પોતાનાં પતિને ફોન કરવાનુ કર્યું, “ચકુ, મારા વોર્ડરોબના ઉપરના ખાનાના ખૂણામાં હેન્ડીકેમ પડ્યો છે તે લઈ જલ્દીથી નીચે આવ. કમ ફાસ્ટ, આઈ નીડ યોર હેલ્પ. પણ પણ ન કર ચકુ, ડુ વોટ આઈ સે, કપડાં મમ્મીને હેન્ડ ઓવર કરી દે. એન્ડ પેલું માઇક ભી જોડે લેતો આવજે. વળી પણ પણ કર્યું! તું મેં કહ્યું એ બધું લઈ નીચે આવ એટલે તને સમજાવું.” શીતલીએ ઑર્ડરના સ્વરૂપમાં અંકિતને કહી ફોન મૂક્યો.

શીતલીએ YouTube ચેનલ બનાવી…. પહેલો ભાગ અહીં વાંચો.

ફોન મૂકી તેણે બધા ફ્લેટવાસીને મંજુલ રણકાર કરી બોલાવ્યાં. પાંચ મીનીટમાં બધા ભેગાં થયા, ફ્લેટના તો ઠીક ફ્લેટ બહારના શીતલીના ચાહકો એવા દુકાનધારકો જેવા કે કનુ કરીયાણાવાળો, પાનવાળો, પીંઢારો અને એક ડૉક્ટરનો કમ્પાઉન્ડર એકઠાં થયા. થોડીવારમાં નાનકડું ટોળું ફ્લેટના મેદાનમાં ભેગું થયું. ત્યાં જ શીતલી પતિ આજ્ઞાકારી અંકિત ‘ધોમ કડેડાટ’ હાથમાં હેન્ડીકેમ અને માઇક લઈને આવ્યો. તેના ગળામાં જાતજાતના દોરડા વીંટળાયેલા હતાં જાણે શંકરના ગળામાં સાપનો ભારો જોઈ લો! શીતલીની ચેનલ હવે થોડીજ વારમાં મંડાવાની હતી.

ગોરો ચિટ્ટો અંકિત ક્લીન શેવ હતો. સોનેરી ફ્રેમ મઢ્યા ચશ્માં તથા ટ્રેકસુટમાં તે સજ્જ હતો. ખાસ સારા પ્રસંગે સાચવીને રાખેલા મારા પગરખા કરતાં મોંઘાં સ્લીપર તેણે ચડાવ્યાં હતાં. હ્રીતિક રોશન જેવા દેખાતાં અંકિતના ટ્રાઉઝરના ઢીંચણ નીચેના પાયસા ભીનાં હતાં. તેનો દીદાર અને શીતલીના ફોનમાં તેની સાથેની થયેલી વાતચીત પરથી મને એવું લાગ્યું કે નક્કી કપડાં ધોવાનું પડતું મૂકીને તે સીધો પ્રગટ થયો હોવો જોઈએ!

અમારો ખખડપંચમ ફ્લેટ મૂકીને બીજે રહેવા જવાનું એમને ગમતું નથી, આ ફ્લેટને લીધે જ તેમના ધંધામાં બરકત થઈ એવી માન્યતાથી જ અમારા મધ્યમવર્ગીય રહેણાકના પાંચમાં મજલા પરના ચારે બ્લૉક તેમણે ખરીદીને તેમાં રીનોવેશન કરી સાત બેડરૂમનો એક વિશાળ ફ્લેટ બનાવ્યો છે. અંકિત માલેતુજાર શેઠિયાનું એકમાત્ર ફરજંદ, સ્વભાવે આજ્ઞાંકિત (પત્નીનો), કર્મનિષ્ઠ, વ્યવહારદક્ષ અને ધંધામાં બાહોશ છે. તેની માતુશ્રીના કુખે ચાર-પાંચ બીપીએલ (બાપના પૈસે લહેર) કુપુત્રો પાક્યાં હોય તો પણ તેના પિતાની ધનની ઢગલી ફોરાય નહિ એટલે દોલત તેમની પાસે છે!

ચાલો ચેનલ તરફ પાછા આવીએ..

“ચકું, એવું શું ઈમંરજન્સી કાંમ પડ્યું?” અંકિતે આવીને નાકમાંથી પહેલો સવાલ કર્યો. તે મોઢાની જગ્યા એ નાકમાંથી બોલે છે, તેઓ પતિ-પત્ની એકબીજાને ચકુ શા માટે કહે છે એ મને આજ સુધી સમજાયું નથી. શીતલી એ તેના ચકુને સંક્ષિપ્તમાં બધું સમજાવ્યું.

હવે સમય ન બગાડતા શીતલી ટોળાની વચ્ચે ઘસી. તાળીઓ પાડી મીઠા લહેકાથી બધાને શાંત રહેવાની સંજ્ઞા કરી. આજન્મ ચાહકો એવા કનુ કરિયાણો અને કોઠી જેવો જાડો કમ્પાઉન્ડરને શીતલી શું બોલે છે એના કરતાં કેવી રીતે બોલે છે એ જોવામાં વધુ રસ હતો. હું અને કાકા ટોળાનો હિસ્સો બની એકબાજુ ઊભા રહ્યાં. નવરોધૂપ ડૉક્ટર પણ આવીને તેના કોઠી- કમ્પાઉન્ડર પાસે અદબવાળી ઊભો રહ્યો. બધા ચુપ થયા એટલે શીતલી એ ભ્રમરો નચાવી, મીઠી નજર ફેંકી હાથોના લટકાથી પ્રાસંગિક પ્રવચન શરુ કર્યું.

Photo Courtesy: lifeinquebec.com

“જુઓ લેડીઝ એન્ડ જેન્ટલમેન, રીસંટલી હું એક YouTube ચેનલ બનાવવા જઈ રહી છું. આ ચેનલ દ્વારા આપણા બધાના કૉમન પ્રોબ્લેમ્સને હું લોકો સુધી પહોચાડીશ. લોકોના પ્રોબ્લેમ્સ સોલ્વ થાય, અવરનેસ આવે એવું આ ચેનલ થ્રૂ હું ટ્રાય કરીશ. ચેનલ માટે આજનો ટૉપિક છે રસ્તા પર રઝળતી કાવ, તમારે લોકો એ આવી કાવ માટે આપણે શું કરવું જોઈએ એના સજેશન શોર્ટમાં આપવાનાં છે. જેનું રેકોર્ડીંગ કરવામાં આવશે. ધેન મારી YouTube ચેનલ પર મૂકવામાં આવશે, તમને મિલિયન પીપલ વોચશે. વેન વન મેન સ્પીક પ્લીઝ અધર શટ ધેર માઉથ. ધીસ વીડીઓ …તમારે લોકોએ બીજા સુધી પહોચાડવાનો છે, એઝ મેની પીપલ યુ કેન. વી હેવ ટુ અવેર પીપલ, ઓકે? એન્ડ યસ…. તમે મારી ચેનલ ‘સોડા વિથ શીતલ’ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. રાઇટ? આજ કાલ ફાસ્ટ નેટની સ્પીડને લીધે વીડીઓ વોચ એન્ડ શેર કરવું ઈઝ વેરી ઇઝી, રાઇટ?” તેણે છેલ્લું વાક્ય મારા સામે સવાલની જેમ ફેંક્યું એટલે હું દોઢો થયો.

“યસ, હવે જીઓ આવ્યા પછી વીડીઓ જોવામાં લોકોને રસ જાગ્યો છે. નેટની સ્પીડ હવે ખૂબ સરસ છે, આસાનીથી વીડીઓ ચોટયા વગર જોઈ શકાય છે. સાત-આઠ વર્ષ પહેલા વાછરડીનો વીડીઓ જોતા-જોતા તે મોટી ગાય બની દૂધ આપવા લાગે ત્યાં સુધીમાં ય વીડીઓ પૂરો થતો નહોતો.”

લોકોએ મારો જોક્સ અવગણ્યો, મારામાં કોઈને રસ નહોતો. બધાને શીતલીને જ સંભાળવી હતી!

શીતલી મંદમંદ સ્મિત લહેરાવતી કાકા પાસે આવીને કોઈ ન્યૂઝ રિપૉર્ટરને છાજે એવી રીતે રણકી, “ચાલો….વડીલોથી સ્ટાર્ટ કરીએ.” કાકાને એટલું જ જોતું હતું. કાકાએ મોઢાનો ઘંટલો સ્થિર કર્યો. દરવાજા પાસે પિચકારી વિસર્જન કરવા નીકળ્યા. ફરી ધક્કા, હડસેલા મારી ઘૂસ્યા. શીતલી એ માઇક કાકા સામે ધર્યું અને અંકિતને ચપટી વગાડી રેકોર્ડીંગ કરવાનો ઇશારો કર્યો. અંકિત “પણ, પણ” નો આલાપ રટતો રહ્યો.

કાકાએ હળવો ખોંખારો ખાઈ પોતાનું વક્તવ્ય શરુ કર્યું: “ગાય આપણી માતા છે, એમાં તેત્રીસ કરોડ દેવી-દેવતાઓનો વાસ છે. બધા દેશમાં ગાય દૂધ આપે છે, જ્યારે ભારત જ એવો અભાગ્યો દેશ છે જ્યાં ગાય મત આપે છે. ગાયને પૂજવી જોયે. આજકાલના પાપીયાવ ગાયને કતલખાને મુકીયાવે છે એ જોઈ મને દાઝ ચડે છે. આવા લોકોને જાહેરમાં લટકાવીને ઢીંઢાં ભાંગી નાખવા જોયે. હું તો કવ છું કે આપણે હંધાયે ભેગાં થય ભાગીદારીમાં ફ્લેટ વચારે ચાર-પાંચ ગાયો લયને ફ્લેટમાં બાંધવી જોયે. હંધાયને ચોખ્ખું દૂધ મલે, ફ્લેટના પગી અને લાઈટ બિલનો ખર્ચો દુધના વકરામાંથી ટેસથી નીકળી જાય; પણ મને તો આજના સરકારી ખાતા પર એવી ખીજ ચડે છે કે મારું હાલે તો…”

કાકાની અસ્ખલિત વાણીને રોકી શીતલીએ પોતાનું ચલાવી કાકા પાસેથી માઇક લઈ લીધું. ટોળાની વચ્ચે જઈ ભમ્મરો નચાવી કાકાના વખાણ કર્યાં. ખોંખારો ખાઈ પ્રમુખે વગર માઈકે પોતાનું વક્તવ્ય આપવાનું ચાલુ કર્યું એટલે શીતલીને ના છુટકે તેની પાસે જવું પડ્યું. માઇક જોઈ પ્રમુખ પોતાની બોલાયેલી લાઈનો પાછી બોલવા મંડ્યા, “કાકાની વાતને હું સમર્થન આપું છું. ગાય ખૂબ ઉપયોગી છે. આપણે એમનું જતન કરવું જોઈએ. રસ્તે રઝળતી ગાયો માટે સરકારે તુરંત યોગ્ય પગલા ભરવા જોયે તેમજ કતલખાના ઊપર રોક લગાવવી જોયે..” આટલું કહી પ્રમુખ સાહેબ ખોંખારો ખાવા રોકાયા એટલે શીતલીએ તેમના વક્તવ્યનો અંત આણી પાછી ફરી.

“શી…સ, શી…સ “ અંકિત કંઈક કહેવા જતો હતો તેને અટકાવી શીતલી બીજા વક્તાની શોધમાં નીકળી પડી. તે હતો અમારા ફ્લેટની બાજુમાં નાની હાટડીમાં દવાખાનું ચલાવતો બેઠીદડીનો ભરજુવાન ચશ્માંધારી ડૉક્ટર. આછેરું સ્મિત ફરકાવી શીતલી હજુ કશું સમજાવા જતી હતી ત્યાં જ ‘અય્થરો’ થઈ ડૉક્ટર ચાલુ પડી ગયો: “ગાય આપણને ખૂબ લાભકારી છે, તેનું દૂધ પૌષ્ટિક હોય છે. તેના પોદળામાંથી અગરબત્તી બને છે. ગૌમૂત્ર એક જડીબુટી જેવું ગુણકારી તેમજ દસ રૂપિયાનું લીટર વહેંચાય જાય! તે ઘણી દવાઓ બનાવવામાં કામ આવે છે.” નાક તરફ સરકી જતા ચશ્માં અને સેડા ઊંચા ચડાવી તેણે એક પ્રસ્તાવ મૂક્યો, “હું તો તમારી ચેનલ જોનારા દર્શકોને કહું છું કે પોતાના ઘર સામેના નાકામાં ગંદકી કરતા વાડામાં રસ્તે રખડતી ગાયોને ભેગી કરી એક નાનકડી ગૌશાળા કરવી જોઈએ. એક ટ્રસ્ટ બનાવી તેનું સુપરવિઝન કરવું જોઈએ. જેમાંથી દૂધ પણ મળે અને લોકોને હાલાકી ય ના થાય”

“શું વાત કરો છો દાકતર? આ રખડતી ગાયો દૂધ આપે? ગધેડાને પેરાસીટામોલ આપવાની વાતું ના કરો.” કનુ કરિયાણા એ ડૉક્ટરને ટપાર્યો. મફતનું મનોરંજન મળતાં ટોળામાં હાસ્યનું મોજું પથરાયું. ડૉક્ટરનો સારથી કોઠી જેવો કમ્પાઉન્ડર ક્રોધમાં હડફ કરતો વચ્ચે કૂદી કનુની સામે દાંતિયું કર્યું. શીતલીએ મામલો થાળે પાડી કનુ તરફ માઇક કર્યું એટલે કનુ માથાની બાબરી સરખી કરી નરવા સાદે બોલવા લાગ્યો, “ગાયોને ગામ વચ્ચે વાડામાં નહીં ગામની બહાર પાંજરાપોળ બનાવી ન્યા રાખવી જોયે. રોડ પર બેઠેલી ગાયોને લીધે ઘણા અકસ્માતો થાય સે, કાલ જ એક ભરજુવાન છોરી ગાયની હડફેટ આવી ગોથું ખાય ગઈ તી. માંડ અમે ઊભી કરી હોસ્પિટલ ભેરી કરી તી. લોકો પોદરાભિષેક પગ લઈ અમારી દુકાનમાં આવે સે જેને લીધે દુકાન બગાડે છે, આ ફૂટપાથ પર ગાયુ પોદરા કરી કચકાણ કરે સે.” કનુએ એક ધારદાર નજર ડૉક્ટર તરફ નોંધીને આગળ બોલ્યો, “આ દાકતરને તો ગાયોને લીધે હરખાઈ સે, અકસ્માત અને ગંદકીથી થાતા રોગચાળાથી એને ઘરાકી મલે સે. ઓલા વાડાની આ દાકતરે વાત કરી એ વાડો એના હગ્ગાનો સે એમાં ય એને કમિશન કરી લેવું સે! દાકતર સે કે દલાલ ઈ જ ખબર નથ પડતી.”

“કનુ સાલા સુવ્વર, ચુપ થય જા, સાય્બ અમારા તારી જેમ કડકી બાલુસ નથી.” કોઠી ગર્જ્યો.

“કોઠી,ગાળ દેતો નહી કઈ દવ સુ.” કનુમાં માતા પ્રવેશી, તે છંછેડાઈને આગળ બોલ્યો: “બેસ બેસ…આયવો મોટો ચુપ વારીનો, જોયો તારા સાય્બને ને તને બેય ને, ” કનુનો અવાજ ફાટ્યો.

પાનવાળા બાપુએ નારદમુનિનો રોલ ભજવ્યો, તેણે કોઠી જેવા કમ્પાઉન્ડરનો પક્ષ લઈ વાંદરાને દારૂ પિવડાવ્યો એટલે કોઠીને પાનો ચડ્યો :“ચુપ છપ્પરપગાં, વધારે બોલીશ તો એક મુક્કા ભેગો તારા બચ્યાં-કુચ્યાં દાંત તોડી નાખીશ, વાજોવાજ જઈને ઘઉંની ગુણી પાછળ સંતાઈ જઈશ.”

છપ્પરપગો શબ્દ કનુના કાળજામાં બરછીની જેમ ભોકાયો. શીતલીને પરસેવો છૂટ્યો, એને એની ચેનલ શરુ થતા પહેલાજ બંધ થતી હોય એવું લાગવા લાગ્યું, એણે મામલો થાળે પાડવા બુમાબુમ કરી. કિન્તું કનુ અને કોઠી બંને તેની વાત સાંભળવા તૈયાર નહોતા. અંકિતે શીતલીને કાંડું પકડી ખેંચી, બહાર લઈ ગયો. અમે બધા બઘવાઈ ગયા. કાકાને ઊડતા તીર ન ઝીલવા માટે મેં રોક્યા. બધા મુક પ્રેક્ષકની જેમ તમાશો જોવા લાગ્યા.

“બોવ ટેં ટેં કર મા ટેટવા, નકર તારા ને તારા ચડાવ ધનેરા જેવા સાહેબના ટાંટિયા તોડી નાખીશ.”

કનુ ધડ દેતાંકને મોટા અવાજે બોલ્યો.

“આયવો મોટો ટાંટિયા તોળી નાખીશ વાળો …હુહ” કોઠીએ ઉશ્કેરાઈને ચાળા પાડ્યા. ગોવાળ એની ગાય ઊપર હેતથી હાથ ફેરવે તેમ કોઠીએ કનુના ગાલ પર મશ્કરી કરી હાથ ફેરવ્યો. કનુનો પિતો છટક્યો.  કોઠીની ફેટ પકડી હાથ ઉગામી હળવો ધક્કો માર્યો. ગુસ્સે ભરાયેલા કોઠીએ કનુના પગ પર એક મજબૂત લાત ફટકારી. કનુ પણ ગાજ્યો જાય એવો નહોતો, તેણે કોઠીના જડબા પર પોતાની મણ એકની મુષ્ટિનો પ્રહાર કર્યો. કોઠીને વગર ઇન્જેક્શને દાંત પાડી શકાય તેવી તમ્મર ચડી. કનુ ડૉક્ટર તરફ વળ્યો, સુકલકડી ડૉક્ટરનો કાઠલો પકડી હચમચાવ્યો. ડૉક્ટરના શર્ટના બે બટન ભૂમિપાત થયા, ચશ્માં એકસોવીસ ડિગ્રી ખાંગાં થયા. કનુ તરફી ટોળાએ કીલકીલાટ કરી કનુના કીર્તિના કાંગરા પર તાળીઓ પાડી વિજય પતાકા લહેરાવ્યા.

હવે કોઠીને કળ વળી. મોઢું ઝકજોરી તે ઊભો થયો. “મારું બેટું, કઢી ચટુ લોટ મંગુ કનું સમજે છે શું એના મનમાં, આજ તો એના ફોદાં કાઢી નાખું.” આવું કહેતા કોઠીએ ફૂંગરાઈને દોડતા માતેલા સાંઢની જેમ કનુની છાતી પર ઢીંક મારી. કનુ ચાર ફૂટ પાછળ હટ્યો અને ધડામ દઈ ફૂટબોલની જેમ ભોય પર રગડ્યો. તેણે કોઠીને નજીકના લોકો સંભાળે એવી નઠારી ગાળો આપી. ભોય પર ભાલા ઊગ્યાં હોય તેમ તે પાછો લેંઘો ખંખેરીને ધૂવાપુવા થતો હડફ કરતો હાથ ખોડી બેઠો થઈ કોઠી તરફ ઘસ્યો. ડૉક્ટર મોકો જોઈ પોતાનાં કલીનીક તરફ ગચ્છંતી થયો.

થોડા સજ્જનો અને કાકાએ ભેગા થઈ કોઠી અને કનુની વચ્ચે પડી સમાધાન કરી ટોળાને વિખેરી નાખ્યું. કનુ અને કોઠી હાંફતા-હાંફતા એકબીજા સામે કાતર મારતા નીકળ્યા. ભોઠી પડેલી શીતલી પગ પછાડતી ઘર તરફ ચાલી નીકળી. શીતલીના ચેનલ શરુ કરવાના ગોળના ઢેફા રૂપી મનસૂબા પર કનુ અને કોઠીએ મકોડા ફેરવી દીધા. હું, કાકા અને અંકિત બગીચાના બાકળે જઈ બેઠાં.

રઘવાયા બનેલ અંકિતને મેં ખભા પર હાથ મૂકી ધીમેકથી પૂછ્યું: “તું પણ પણ શું કરતો હતો?”

“હું ચકું નેં કેવાં જતોં હતોં કેં આ કેમેરાંમાં બેટરી જ નથીં, રેકોર્ડીંગ કેંમનું થાંય! પણ એં માંરી વાંત સંભાળતી જ નોતી.” ટાયરમાંથી હવા નીકળે એમ અંકિતે નિસાસો નાખ્યો.

“હવે શીતલને આવું ન કહેતો, નહી તો તું ઉલમાંથી ચૂલમાં પડીશ. ચેનલ શરુ નહીં થાય એના ગુસ્સામાં તને અવળે અસ્ત્રે મુંડી નાંખશે. જે થયું તે ભૂલી જજે, હોં.” મેં અંકિતને સમજાવ્યો.

“હાલ હવે વેદિયા, ખાય ને સુય જવાય મારીને ભાગી જવાય” કાકાએ મને કહેવત સંભળાવી ઘેર તરફ જવાની સલાહ આપી.

કાના માતર વગરનો તમાશો જોઈ અમે ઘર તરફ નીકળ્યા……

 

eછાપું

 

4 COMMENTS

  1. માઈક ના બદલે શીતલી ના કાર્ટુન મુક્યા હોત…બબીતા જેવી તમારી શીતલી ભાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here