શિવસેના – ભોગવીને ત્યાગો

0
301
Photo Courtesy: indianexpress.com

શિવસેનાએ ગઈકાલે પોતાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં નક્કી કર્યું કે તે 2019ની લોકસભાની ચૂંટણી NDA સાથે રહીને નહીં લડે. શિવસેના આવું કરે તેનાથી ભારતના રાજકારણને નજીકથી જોનારાને કદાચ જ આશ્ચર્ય થયું હોય. જો કે બાળાસાહેબની હાજરી હોત તો આમ થયું ન હોત એ પણ એટલુંજ સત્ય છે. બાળાસાહેબના અવસાન બાદ રાષ્ટ્રીય રાજકારણમાં એક એવી છબી ઉભી થઇ છે કે શિવસેના હવે મહારાષ્ટ્રમાં પણ એટલી અસરકારક નથી રહી કારણકે ઉદ્ધવ ઠાકરે પાસે તેમના પિતા જેવો કરિશ્મા નથી જેટલો એમના કઝીન રાજ ઠાકરે પાસે છે.

Photo Courtesy: indianexpress.com

શિવસેના NDAથી દૂર થશે તેના એંધાણ નરેન્દ્ર મોદીએ 2014માં વડાપ્રધાન તરીકેના શપથ લીધા તેના બીજા દિવસેજ મળી ગયા હતા. આ દિવસે જ્યારે કેબીનેટમાં ખાતાઓની ફાળવણી થઇ ત્યારે શિવસેનાના એક માત્ર મંત્રી અનંત ગીતેને જે ખાતું આપવામાં આવ્યું તેનાથી શિવસેના ખુશ ન હતી. આમ તો એમનો માત્ર એકજ મંત્રી બન્યો એ વાત પણ તેને ગમી ન હતી. લોકસભાની ચૂંટણીઓના થોડાજ સમય બાદ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી થઇ જેમાં શિવસેનાની જીદને લીધે ભાજપે અલગ લડીને પણ સારો દેખાવ કર્યો.

અત્યારસુધી મહારાષ્ટ્રમાં મોટાભાઈની ભૂમિકા ભજવી રહેલા શિવસેના માટે આ હકીકત પચાવવી અઘરી હતી એટલે એણે ઘણા દિવસ સુધી ટાયલા કર્યા પણ છેવટે ભાજપની સરકારમાં સામેલ થઇ ગઈ. ત્યારબાદ એર ઇન્ડિયાના સ્ટાફ સાથે ગેરવર્તન કરનાર શિવસેનાના સાંસદ રવિન્દ્ર ગાયકવાડના કિસ્સામાં પણ મોદી સરકારે કડક વલણ અપનાવ્યું. ઘણીવાર મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં સરકારમાં સામેલ હોવા છતાં સરકારના નિર્ણયોનો વિરોધ શિવસેનાએ કોંગ્રેસ કે અન્ય વિપક્ષી પાર્ટીઓ કરતા પણ વધુ કર્યો છે. ટૂંકમાં કહીએ તો એકપછી એક બનેલી આ ઘટનાએ શિવસેનાના ઈગોને ખૂબ મોટી હાની પહોંચાડી અને છેવટે ગઈકાલે જે જાહેરાત થઇ જેની ઘણાબધા લોકો રાહ જોઈ રહ્યા હતા તે થઈને રહી.

ઉદ્ધવ ઠાકરેએ ગઈકાલે પોતાના ભાષણમાં જે મહત્ત્વની વાત કરી તે હતી કે અત્યારસુધી હિન્દુ મતોમાં ભાગ ન પડે એટલે શિવસેના ભાજપ સાથે રહીને ચૂંટણી લડતી હતી અને જે રાજ્યમાં પોતાનું ખાસ મહત્ત્વ ન હોય ત્યાં ચૂંટણી લડતી ન હતી. પરંતુ હવે જીત મળે કે હાર શિવસેના દરેક ચૂંટણી લડશે અને એ પણ આખા ભારતમાં. આ સાથે ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું કે શિવસેના પોતાની હિન્દુત્વની નીતિ નહીં ત્યાગે.

ઉદ્ધવ ઠાકરેની છેલ્લી લીટી વિરોધાભાસ ઉપજાવે છે કારણકે હાલમાં જ તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને મુંબઈમાં મળી ચૂકયા છે. મમતા બેનરજી અત્યારે ભાજપ વિરોધી મોરચો ઉભો કરવાની મહેનત કરી રહ્યા છે તે જગજાહેર છે. મમતા બેનરજી મુસ્લિમ તુષ્ટિકરણમાં માસ્ટર છે એ પણ બધાને ખબર છે. શિવસેના નવું નવું ભાજપ વિરોધી થયું છે એટલે ભાજપને પાડી નાખવાની એની ઈચ્છા બધા કરતા વધુ તીવ્ર હોય એ સમજી શકાય છે, પરંતુ મમતા બેનરજી સાથે મળીને ચૂંટણી લડીને એ હિન્દુત્વની નીતિ કેવી રીતે નહીં ત્યાગી શકે એ જરા પચાવવું અઘરું છે. ઉલટું અલગ લડીને હિન્દુ મતોમાં વિભાજન થવાથી મમતા બેનરજીની તુષ્ટિકરણની નીતિ જ સફળ જશે.

શિવસેનાએ અત્યારેતો સગવડીયો ધરમ અપનાવ્યો છે. તેણે NDAથી છૂટા પડવા માટે છેક 2019ની મુદત નક્કી કરી છે. એનો મતલબ એ છે કે ત્યાં સુધી તે રાજ્યમાં તેમજ કેન્દ્રમાં ભાજપ સાથે રહીને સત્તાસુખ મેળવવાનું ચાલુ રાખશે. શિવસેનાને ભાજપથી એટલીજ નફરત થઇ ગઈ હોય કે તે મમતા બેનરજી સાથે હાથ મેળવવા તૈયાર છે તો પછી તે અત્યારેજ કેમ NDA સાથે છેડો ફાડી નથી નાખતું?

ભોગવીને ત્યાગવાની આ વૃત્તિ સમજી શકાય તેમ છે. કદાચ શિવસેનાને ખ્યાલ આવી ગયો છે કે ભાજપની સ્થિતિ મહારાષ્ટ્રમાં આ ત્રણ વર્ષમાં કદાચ ઘણી સારી થઇ છે. એટલે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં તેને શિકસ્ત મળી શકે તેમ છે અને તેને લીધે તે અત્યારે જેટલો ફાયદો મળે તેટલો લઇ લે એટલે પછી વાંધો ન આવે. સામાન્યરીતે હાકોલા પડકારા કરતા શિવસેનાના નેતાઓ જ્યારે સત્તા છોડવાની વાત આવે ત્યારે નિર્મળ અને કોમળ થઇ જાય છે તે બાલાસાહેબના ગયા બાદ સ્પષ્ટ રીતે દેખાય છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here