મફતિયા પુસ્તક વિમોચન સમારંભમાં…

12
790
Photo Courtesy: amazon.com

સરકારી પુસ્તકાલયમાં અમલદારો અને પ્રકાશકોની સાઠગાઠથી ખખડધજ કબાટોમાં અડ્યા વગર પડ્યા રહેતાં બકવાસ પુસ્તકોની જેમ આજ મારે નિરાંત હતી. શનિવારની એ મસ્ત બપોરે પુસ્તકાલયમાં વર્ષો જુના પ્રચલિત પુસ્તકોને કોરી ખાતી ઉધઈ આરામ ફરમાવે એમ હું વહેલા બપોરા કરી મારા રંગતઢોલીયા પર આડો પડ્યો હતો. એવામાં ઘરનો મુખ્ય દરવાજો ધડામ કરતો ખુલ્યો. નવા-લાગવગીયા-ધરારીયા લેખકોના ચહેરા પર પોતાની સડી ગયેલી નવલકથાની બીજી આવૃત્તિ વેળા એ જેવો પ્રસન્ન ભાવ ઉત્પન્ન થાય એવા ભાવ ધારણ કરી પડોશી પ્રકોપકાકા પ્રવેશ્યાં. હું પુસ્તક નહીં પરંતુ આંખ બંધ રાખી સુવાનો ડોળ કરતો રહ્યો.

“એલા એય….આ ટુકી ચડી પેરીને કા સુઈ ગ્યો?” સ્વાર્થી, બની બેઠેલા લેખકો અને ચાપલા પ્રકાશકોએ ઊભા કરેલ પુસ્તકમેળામાં, ઘેટાના ટોળા જેવા એકત્રિત લોકોમાંથી, સાચો સાહિત્ય રસિયો એક દૂર-સુદૂર ટેબલના ખૂણામાં પડેલું, વગર માર્કેટિંગ કર્યે ધૂળ ખાતું વાંચવા લાયક ઉત્તમ પુસ્તક ખરીદવા માટે ઉપાડે તે રીતે કાકા એ મને ઉપાડ્યો.

Photo Courtesy: amazon.com

“ઓહ કાકા તમે! આવો આવો” કાકાને આવકાર આપી હું ‘હતરંગ’ બેઠો થઈ આગળ મજાક કરવાના ઈરાદે હસીને બોલ્યો: “આજ હાફ ડે એટલે હાફ પેન્ટ પહેરીને સુતો છું”

“કાલ આખા દી ની રજા હય્સે…તયે તું સુ પેરીશ?”

કાકાએ મારી મજાક આગળ વધારી. પત્ની રસોડામાંથી કોર્પોરેશનના નળની જેમ ખખડાટ કરતી હસી!

“તમે જમી લીધું લાગે છે?” છોભીલા પડી મેં વાત વાળી.

“હા, તારી કાકીના હાથના બે સો વીસીઆ રોટલાં ગરસ્યા હો”

“આ સો વીસીઆ એટલે?” હું મૂંઝાયો

“તું ય…એલા ગોગો જ રયો, એટલું ના હમજ્યો. ઓલા ખટારાના ટાયર હોય ને એનો નંબર સો વીસ હોય. એટલે ખટારાના ટાયર જેવડા બે મોટા રોટલા ખાધા, ઉપમા આય્પી.” કાકા એ ફોડ પાડ્યો.

“હં”

“હવે શું કરવાનો આખો દી તું? આમ એદીની જેમ હુતો જ રયસ કે બાર નીકરવાનો?”

“જવાનું ને કાકા, પાંચ વાગ્યે એક પુસ્તક વિમોચન સમારંભ છે એમાં જઈશ.”

“ઈ વડી હું?”

“લેખકો જે લખે ને એની ચોપડી બહાર પાડે, એનું ઉદ્ઘાટન કરે એને પુસ્તક વિમોચન કર્યું કહેવાય” મેં દેહાતી ભાષામાં કાકાને સમજાવ્યું.

“લ્યો બોલો, તયે વાડીયે અમારે દર વરહે જીંડવામાંથી કપાહ નીહરે તયે…તારું ઓલું હું? હા… કપાહનું વિમોસન કરવાનું?” કાકા એ પુસ્તકને ખેતીવાડી સાથે જોડ્યું. એક નિસાસો ખાઈ આગળ બોલ્યા: “આજકાલના હંધાય લેખકો બોવ પકતા થાય સે. તમારા લખાણમાં સકરવાર હય્સે તો લોકો આફેડા વાંચવાના જ સે, ખોટો દેખા઼ડો હુ કામ કરવો.”

“આ વાત તમારી બે વતા બે ચાર જેવી સાચી હો” મેં સહમતી દર્શાવી.

““ન્યા જમવાનું હોય તો હું ય આવું, લેખક કે’દી લાગમાં આવે. દાબીને ખાયીસ” કાકાએ મોં પર મલકાટ લાવી કહ્યું.” કાકાએ મોં પર મલકાટ લાવી કહ્યું.

“હાસ્તો, જમવાનું તો હોય જ ને, નહી તો પબ્લીક થોડી ભેગી થાય” મેં અનુભવ ઠાલવ્યો.

“કેટલા વાગ્યે જય્શું?”

“પાંચ વાગ્યે જાયે, તમે તૈયાર રહેજો હું તમને બોલાવીશ”

પુસ્તક વિમોચનનું નિમંત્રણ જલારામ બાપની જગ્યાની જેમ ઓપન ફોર ઓલ જ હોય; છતાં આમંત્રણ પત્રિકામાં માત્ર જુજ સીટો જ બાકી, તમારુ બૂકિંગ અગાઉથી જ કરાવી લેવું એવું લખવામાં આવે! આજકાલના કચરાછાપ પુસ્તકનું વિવેચન કરતા વિવેચકો એટલાં હટી હટીને પુસ્તકોના વખાણ કરતા હોય છે કે કા તેઓ મફત પુસ્તકોની લ્હાયમાં ખરીદાય ગયા હોય અથવા તો ટીકા કરવાનું ભૂલી ગયા લાગે છે. આના માટે સત્વરે ત્રણ રીટાયર્ડ જજોની એક બેંચ નીમી નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એવું અમોને લાગી રહ્યું છે (હું થોડું વધુ નથી બોલી ગયો ને? છો ને…આપણા આવા લખાણોનું ભોજિયો ભાઈ એ ય વિવેચન કરવા નવરું નથી) ક્યાં વિષય પર લખવું એની અસમંજસમાં પડેલા નવોદિત લેખકો એ વિવેચકો એ કરેલા વિવેચનનું વિવેચન કરવું જોઈએ, આ પણ સાહિત્યનો એક પ્રકાર કહી શકાય હો??

બરાબર પાંચના ટકોરે હું અને કાકા શહેરના નામાંકિત ટાઉનહોલમાં જવા મારા ઠોઠીયા સ્કૂટરમાં નીકળ્યા. ટાઉનહોલના દરવાજાની સામે અસંખ્ય બાઈક એકબીજાને ખંભા ભરાવતી ઊભી હતી. દાંત ખોતરતા, મમરાની ગુણી જેવા એક બટકા ખાખી વસ્ત્રધારી સિક્યુરીટીવાળા એ લાકડીને ઈશારે અમને બાઈક વ્યવસ્થિત પાર્ક કરવા સૂચવ્યું. મેં સંકડાશમાં મારા પગની ઘૂંટી છોલી સ્કુટર પાર્ક કરી. અમે મુખ્યદ્વારે પહોચ્યાં ત્યાં વિવિધ જાતના બેનરો, મફતિયા, વાટકી વહેવારને પોતાની મુખ્ય હોબી ગણતા લેખકોના આગવી છટ્ટામાં ચચ્ચાર ગજના બ્લીચીંગ કરેલા ફોટા ચોટાડેલ હતાં. દરવાજા પાસે બે નમણી ફૂટડી કન્યાઓ અને લેખકશ્રી આજ પોતાની સગ્ગી પત્ની સાથે નેતા મોડમાં ઊભા હતાં. પ્રવેશ દ્વારેથી છેક અંદર સુધી લાલ જાજમ બિછાવેલી હતી. સામે જ એકબાજુ જમવાની વ્યવસ્થા હતી. કાકા જમવાનું ચેક કરવા જતાં હતા; પણ હું એનુ બાવડું પકડી અંદર દોરી ગયો. અંદરના ભાગમાં લેખકોના પાળિયા થઇ ગયેલા પુસ્તકો વગર શિંદુરે ખડા હતાં. હું આદતવશ આવા પુસ્તકોમાં મોઢું ખોસવા પહોચ્યો. ત્યાં પુસ્તક ઢગલાઓને એટેન્ડ કરતા એક ચીબાવલા યુવાને મુરઘો આવ્યો એવું જાણી મારું સહસ્મિત સ્વાગત કર્યું. મને તે યુવાન મજકુર લેખકનો ઘેડ થી પાલનપુર સુધીના ઢિક્કે શ્વાસ લેતા છાપામાં રોજ્જે કુકડા બોલ્યે પબ્લીશ થતા પોતાના નિયમીત લેખોનો કોઈ ઘોસ્ટ રાઈટર જેવો લાગ્યો!

પ્રકાશકો દ્વારા અપાતી નજીવી પુસ્તક રોયલ્ટીમાં આટલા તાયફા પછી લેખકના હાથમાં શું આવે? રાણીનો હજીરો? ‘મેં ભી લેખક’નો નર્યો દંભ પાડોશી પાસે વાટકી એક ખાંડ માંગવા માટે ક્રેડીટ બાંધતો હશે કે શું! મારો હરિ જાણે.

અમે થોડા મોડા પડ્યા હતાં એટલે ઝડપથી ટાઉનહોલમાં નીચેના દ્વારમાંથી ઘુસવા પ્રયાસ કર્યો. ‘રહોડી’ થઈ હોય તે રીતે હોઠ નીચે તંબાકુ ભરાવી ઊભેલા એક દરવાને અમને રોક્યાં, ગલોફામાં જીભડી ફેરવી આંગળી ચીંધતા તેણે કહ્યું: “એ ઓલા છેલ્લા દરવાજે વયા જાવ, આ બાજુથી વીઆઈપીને જ જાવાનું સે” અમે દરવાને સૂચવ્યા માર્ગે જઈ અંદર પ્રવેશ્યાં. કાજળઘેરા અંધકારમાં એક લાઈનમાં પ્રવેશતા એક પગ ફોલ્ડીંગ અને એક પગ લંબાવીને મોબાઈલ પર વિડીઓ ઉતારતી ભર્યાભર્યા ચહેરાવાળી સ્ત્રીના પગ પર મારો પગ પડ્યો. “ઓહ ગોડ…જોઇને ચાલો” ગોંડલીયું મરચું આખું ગળચી ગઈ હોય તેવો ‘બોકાહો’ તે સ્ત્રીએ બોલાવ્યો. ટાઉનહોલની ટગલી ડાળના કાંગરા ખરી પડે એવી એણે ચીસ પાડી હતી. ફૂટબોલ જેવો ચહેરો ફૂલાવી એણે જગલ બિલાડી જેવા ડોળા તગતગાવ્યા, કેમ જાણે હું એનો પતિદેવ હોઉં! સોરી સોરી એવું સાતેક વાર બોલીને હું ખાલી સીટ તરફ નાઠો. મારી બાજુમાં કાકા ગોઠવાયા.

પુસ્તક વિમોચન સમારંભનું સંચાલન કરતા એક સદગૃહસ્થ મંચસ્થ મહેમાનની ઓળખાણ કરાવી રહ્યાં હતાં. તેમાં એક બાવા સાધુ, એક નામી લેખક, નવા રિસાઈ ન જાય એવા ચારેક લેખકો, એક પોલીસ પદાધિકારી, એક મહિલા લેખિકા અને એક માત્ર સરકારી જાહેરાતો પર નભતા અને તોળપાણી કરતા છાપાના તંત્રીશ્રી હતાં. સંચાલક કાલીદાસને પણ ટપી જાય એવી ઉપમા આપી મહેમાનોને નવાજતા હતાં. શ્રોતાઓ સંચાલકના ઓળખાણના નામોમાં થતા વિલંબને લીધે તાળીઓમાં બ્રેક આવવાથી કંટાળી સળંગ તાળીઓ પાડ્યે જતા હતાં. જેનું નામ બોલે તે મહેમાનો ઊભા થઈ ગડથોલીયું ન ખાય જાય એટલાં વાંકા વળી અભિવાદન ઝીલતા હતાં. ઓળખાણ પૂરી થયા પછી ખેસ ઓઢાડી બધાનું સન્માન કરવામાં આવ્યું. ખેસ ઓઢાડતી વખતે મંચસ્થ મહેમાનો કેમેરામેન ઓકે ન કહે ત્યાં સુધી રાહ જોઈ, બગલમાં ગલીપચી કરી હોય તેવી રીતે હસીને હાથ જોડતા હતાં.

“આ કાકસીયા બુશકોર્ટવાળા ભાય આટલું ચાબુ ચાબુ ઘરે બોલતા હય્સે તો એને કોઈ દી એની બાયડી હાયરે માથાકૂટ નય થતી હોય! ખોટી વાત સે મારી?” કાકાએ મારા સાથળ પર એક ધબ્બો મારી સંચાલકને ઉદેશીને મોટેથી બોલ્યા. મેં એની વાત કાપી ચુપ રહેવાનો ઈશારો કર્યો.

સંચાલકે ખાસ્સો સમય બગાડી હવે વધુ સમય નહી બગાડું એવું કહી લાંબી પ્રાસંગિક વિધિ પતાવી, ત્યારબાદ પુસ્તક વિમોચન કરવાની જાહેરાત કરી. બધા મંચ પર બેઠેલા મહેમાનો ઊભા થયા. રેપર વીંટળાયેલ પુસ્તકો બધાના હાથમાં આપવામાં આવ્યા. ધીમેધીમે બધા એ રેપર હટાવી અમારી સામે ધર્યા, કોઈ ગુન્હેગારનો પાટીમાં કેદી નંબર લખેલો ફોટો તમે જોયો છે? એજ પોઝમાં સૌ એ ઊભા રહી ફોટા પડાવ્યા. શ્રોતાઓએ પાછી તાળીઓ પાડી.

“તું  તો આવા કારાકરમ બોવ આવતો હોય્સ ને?” કાકા એ પૂછ્યું.

“હા કેમ?”

“હુ તો આજ પેલ્લી વાર આયવો તોય મને ખબર સે કે ઓલા માંચડે ચડેલામાં કોણ વધુ અનુભવી સે! બોલ” કાકાએ મારી સામે કોયડો ફેક્યો.

“કોણ?”

“ઓલો અદોદરા શરીરવારો વચ્ચે ટાય પેરીને નથી બેઠો ઈ”

“તમને કેમ ખબર પડી?”

“કોઠાહુઝ દીકરા મારા….એણે ચમકતું પતાકળું હબ્બ દેરાનું  ઉતારી દીધું, એનો વરોટ જોયને આંધ્રો માણહેય કય દયે!”

કાકાની વાત નાખી દીધા જેવી તો નથી જ. અવારનવાર પુસ્તકોનું અનાવરણ કરવાના અનુભવી સજ્જન જ રેપર સાહજીક અને ઝડપથી ઉતારી શકે.

મહેમાનો પુસ્તકનું ચિરહરણ કરી પોતાની જગ્યા એ ગોઠવાયા એટલે સંચાલકે માઈક પાસે આવી પુસ્તકના રચેતા લેખકના ‘હુંડલો’ એક વખાણ કર્યાં. શ્રોતામાં બેસેલા લેખકોના સગા-વહાલાં એ તબલાતોડ તાળીઓ પાડી. બાકીના જમવાની રાહ જોઈ બેસી રહ્યાં. મને એવું લાગ્યું કે આટલું સારું પુસ્તક હશે તો પાકિસ્તાનની જીડીપી જેટલો વકરો તો ચોક્કસ કરશે! પુસ્તક વિમોચન સમારંભના સંચાલકે મજકુર લેખકને બે શબ્દો કહેવા માટે બોલાવ્યાં.

લેખકે ઊભા થઈ શ્રોતાઓ સામે હાથ જોડી પાટલૂનમાં ખોસેલા ખમીસને આગળ-પાછળથી ઠીક કર્યું. કોલર થોડા ઊંચા ચડાવી ડેસ્ક તરફ રેવાલ ચાલે રવાના થયા. ડેસ્ક પાસે પહોંચી માઈકને મોઢામાં ઠુંસવાના હોય તે રીતે તાણીને નજીક સરકાવ્યું. મંચ પર બિરાજેલા બધા મહેમાનનો તેણે નામ જોગ ઇંગ્લીશમાં આભાર માન્યો. પછી પોતાને બૂક લખવાની પ્રેરણા ક્યાંથી મળી તેનો ચિતાર રજુ કર્યો. લેખક આ બધું ઈંગ્લીશમાં બોલતા હતાં તે સંભાળીને કાકા એ મારો ખભેથી શર્ટ ખેંચીને ધીમેક થી પૂછ્યું: ”આ ભાયે બૂક અંગ્રેજીમાં લય્ખી સે?”

“ના, ગુજરાતીમાં જ, કેમ?” મેં કહ્યું.

“તો લૂમ લેવા અંગ્રેજી ફાડે છે. ગુજરાતીમાં બોલતા એને ઝાય્ટકા લાગેસ” કાકા ખીજાણા.

“કાકા, અત્યારે ઇંગ્લીશમાં બોલવાની સીસ્ટમ છે”

લેખકને બોલતા ન આવડતું હોય પોતાની વાત ટૂંકાવીને બેસી ગયા.

આસારામ બાપુના કાર્બન કોપી એવા એક બાવાના નામની બાંગ સંચાલકે પોકારી. બાવાજી ધોતિયું અને માળા ઠીક કરતાં પોતાનાં આસન પર ટટ્ટાર થયા. તેમને કદાચ આખો દિવસ બેઠા-બેઠા જ કરવી પડતી ધ્યાન-સમાધિને લીધે ઊભા રહેવામાં તકલીફ હશે માટે માઈકને તેની સામે ગોઠવવામાં આવ્યું, બાવાજી પોતાનાં આસન પરથી જ મુઠીયો વાળી હવામાં હાથ ઉછાળી બુલંદ અવાજે ચાર-પાંચ ભગવાનના નામ લીધા, એમાંથી બે ભગવાનને તો હું ય ઓળખાતો નહોતો. યજમાન લેખક તેના ટાંગા જાલી નીચે પછાડવાનો હોય તે રીતે પગમાં પડ્યો. બાવાજીએ તેને આશીર્વાદ આપ્યા. ગદબના પૂળા જેવા જીથરાને આમતેમ ડોલાવ્યા, સફેદ ધોતિયાને મેચ થતી લાંબી દાઢી પર હાથ ફેરવ્યો. થોડીકવાર શ્રોતાઓ સામે ચકળવકળ જોઇને ખોંખારો ખાઈ સંસ્કૃતનો એક શ્લોક ઠબકાર્યો. શ્રોતાઓએ શ્લોકનું રસપાન કરી બાવાજીનો જય-જયકાર કર્યો. બાવાજી હું ધારતો હતો તે મુદ્દા પર ઝડપથી આવી ને બોલ્યા: “મને આવી બુકમાં કઈ ગતાગમ ન પડે, ધાર્મિક કઈ હોય તો હું જાણું….”

“તયે આયા હુ પધાર્યા, ખોટી એક ખુરશી રોય્કી. તમારા કરતા અમારા આ વેદીયાને ત્યાં બેહાડ્યો હોત તો કાયક હારું બોલત, ઝપટથી બેહી જાવ સાધુ મારાજ, ને અમને વાળું ભેરા કરો.” કાકાએ વેદિયો મને કહી બાવાજીને ટોંટ માર્યો.

બાવાજી કાકાની સલાહ દિવ્ય કર્ણથી સાંભળી, શિરોમાન્ય ગણીને પોતાનું પ્રવચન ટુંકાવી જગ્યા પર ઢીલા થયા.

બાવાજીનું પત્યું એટલે સંચાલકે એક ઉત્સાહમાં આરૂઢ યુવા લેખકને પોતાનું વક્તવ્ય આપવા બોલાવ્યો. નખ ખોતરતો યુવા લેખક ફોર્મલ ઓફીસના કપડા પહેરીને અડધી સી.એલ. લઈને સીધો  પુસ્તક વિમોચન સમારોહમાં ખાબક્યો હોય તેવો લાગ્યો. ટાઉનહોલની છત પર કોઈ ગરોળીનું અવલોકન કરતો હોય તેમ ઉંચે જોઈ ચિગમ ચાવતી મુદ્રામાં ગોખી ગોખીને બોલતો હતો. એવામાં હોલમાં એક નાનકડાં છોકરા એ ભેકડો તાણ્યો, કદાચ એને આ યુવા લેખકનું ભાષણ ગમ્યું નહીં હોય. લગ્નમાં આગળથી ચાલ્યા આવતા સ્પેસીફીકેશન મુજબ આવા સમયે પતિદેવો એ જ છોકરાને ટીંગાટોળી કરીને બહાર છાના રાખવા લઈ જવાનો હોય! યુવાલેખક છોકરાના કકળાટથી ગોખેલું ભૂલી ગયો, તે લારા ચાવવા મંડ્યો.

“આ છોરાની ચોપડી ય બાર પડવાની લાગે સે!” કાકાએ દ્રઢતાથી કહ્યું.

“હમ્મ્મ, તમને કેમ ખબર પડી?” હું ઝબક્યો.

“કોઠાહુઝ દીકરા….” તે મારી સામે હસ્યાં.

યુવા લેખકની ભોઠપ ઢાંકવા, તેને બેસાડવા માટે સંચાલકે મીઠી ભાષામાં એના વખાણ કર્યાં, શ્રોતાઓએ હસીને તાળીઓ પાડી. થોડીવાર હોલમાં રમૂજનું વાતાવરણ પ્રસર્યું. ત્યારબાદ અદોદરા શરીરવાળા ખાદી-લેંઘાધારી વિધાનસભ્યનો વારો આવ્યો. તેની ગરદન નેતાઓની શરમ જેવી ટૂંકી હતી. હજુ એ ઊભા થઈ કશું બોલવા જતા હતાં ત્યાં જેમની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહેલી એવા સેલીબ્રીટી લેખકનું હોલમાં આગમન થયું. તે પોતાના ટાઈમે અને અમારા કરતાં સવા કલાક મોડા હતાં! તેની સાથે ફોટા ખેંચાવા લોકો તૂટી પડ્યાં. નેતાના ભાષણમાં કોઈને રસ નહોતો. સંચાલકે નેતાને કોણી એથી ગોદો મારી દૂર હટાવી સેલીબ્રીટી લેખકનું સ્વાગત કર્યું, તેને સાલ ઓઢાડવામાં આવી. કાકાએ ખીજાઈને ધીમેથી બબડાટ કર્યો. સેલીબ્રીટી એ બાવાજીને જમણો હાથ છાતી પર રાખી ગોઠણે નમન કર્યું, બે-ચાર મીઠી-મીઠી વાતો કરી. યુવા લેખકને ઉઠાડી ખૂણામાં બેસાડ્યો અને સેલીબ્રીટી બાવાજીની બાજુમાં ગોઠવાયા. વાતાવરણ શાંત થતા વિધાનસભ્યશ્રી એ હોલ ગજવી નાંખે એવું ભાષણ ઠબકાર્યું. લેખક હસીને સ્વગત બબડતો હશે કે હવે મારી બૂક સરકારી પુસ્તકાલયમાં કાયમી વસવાટ કરશે!

નેતાનું ભાષણ પૂરું થતા એક મોટા પોલીસ ઓફિસર શરું થયા. સુટબુટમાં સજ્જ ઓફિસર સાહેબના માથા પર ઉગેલા અડધા અનુપમ ઉદ્યાનની વચ્ચે ટાલ જગારા મારી રહી હતી. તે પોતે જ્ઞાની છે એવો દંભ કરવા બે-ચાર સાહિત્યિક ઉદાહરણ આપી લેખકની બૂક વિષે ટૂંકું મંતવ્ય આપ્યું, વખાણ કર્યાં. શ્રોતાઓ એ નૈતિકતાના ધોરણે તાળીઓ પાડી કે પેલાને હેઠા બેસાડવા એ મને ખબર ન પડી. કદાચ આ ઓફિસરને એટલાં માટે આમંત્રણ આપવામાં આવ્યું હશે કે બાઈકમાં ટ્રીપલ સવારીમાં જતા લેખક કોઈ પોલીસવાળાની હાથે પકડાય જાય તો છાકો પાડી દેવા આને ફોન કરી શકે!

“એલા, આ બધા માંચડે ચડેલાના નામ હત્તર વાર બોલાણા, એના કરતા છગડીયા કાઉન્સમાં હંધાયના નામ એક જણો આપી દયે તો નો હાલે? ખોટો ટાઈમ બગાડે છે લપરાવ” કાકા અડધા ઊભા થઇ ખેંચાયા. મેં એને બેસાડ્યા;નહિ તો પુસ્તકના પૂઠા વગરના હાલ કોઈકના કરી નાખત.

અધવચ્ચે બાવાજીને બીજા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું હોય તેઓશ્રી આપણા સૌની રજા લે છે તેવી જાહેરાત થઈ. સમાચાર પત્રોની વચ્ચેથી જાહેરાતના ચોપાનીયા નીકળે તેમ બાવાજીના ભક્તો પગે લાગવા નીકળ્યા. બાવાજી એ પણ ફેરિયો છાપાનો ઘા કરે તેમ આશીર્વાદ ફગાવ્યા અને બીજા કાર્યક્રમને ન્યાય આપવા ચાલતી પકડી. હોલમાં થોડીવાર અરાજકતા ફેલાઈ.

મામલો થાળે પડ્યો એટલે સંચાલકે એક સફળ વર્તમાનપત્રના નારીનું મહત્વ આપતી પૂર્તિમાં, બેતાળાના ચશ્માં પહેરીને શોધવી પડે એવી, આખી નજરમાં સમય જાય તેવી કોલમ લખતી લાવ્યણ મધુર લેખિકાનું નામ લીધું, ત્યારે એના મુખ પર સ્મિત રમતું હતું. રાણીવાસમાંથી વછુટતી મહારાણી સમાન મલપતી ચાલે એ નખરાળી મેડમ ડેસ્ક પર હાજર થયા. માઈકને વીંટળાઈ અડકો-દડકો રમતી હોય તેમ ડેસ્ક પર હાથ રમાડતી એ પંદર મિનીટ ધણીધોરી વગર આડેધડ ઊપડી! સમયનું ભાન થતા ચવાઈ ગયેલો ડાઈલોગ બોલી તે માઈકથી ઉખડી.

“સાલ્લાવ, એકબીજાનો વાહો એટલો ના થબથબાવો કે સાહિત્યનો વાહો ભાંગી જાય!” એક જ વાક્યમાં કાકાએ બધા લેખકોની ચાગલાઈના ખારીશીંગ દાળિયા કરી નાખ્યાં.

સંચાલકે સેલીબ્રીટી લેખકને વકતવ્ય આપવા બોલાવવા પાંચ મિનીટ સુધી તે સેલીબ્રીટી પોતે પણ અજાણ હોય તેવા તેના વખાણ કર્યાં. નાનકડી પાડીને બાંધેલી સાકળ જેવડી જાડી ગળામાં સોનાની સેર પહેરી સેલીબ્રીટી લેખક ડેસ્ક પર છાતી પહોળી કરી પહોચ્યાં. મોડા પડવા માટે ક્ષમા માંગી. લેખકનું પુસ્તક હાથમાં પકડ્યું ન હોવા છતાં તેના પ્રશસ્તિ ગાન કરી પોતાનું ડહાપણ ડોળ્યું. હવે કાકાનો પારો છટકવાની તૈયારીમાં હતો. એણે મારો હાથ જાલી બહાર જમવા જવા ખેંચ્યો. સેલીબ્રીટીના વક્તવ્યથી વંચિત રહ્યો તે બદલ હું પણ તેની ક્ષમા માંગુ છું (હે સેલીબ્રીટી લેખક સાહેબ, આપણી ઉભય પક્ષે મંગાયેલી ક્ષમાં તમારા અહમને કોરાણે મુંકી ફીટુસ ગણવી)

“મગજની મા પય્ણી નાય્ખી આવડાવે, મન થાય સે કે….” કાકાએ આખા પ્રોગ્રામને ઉધડો લીધો.

“મન ચંગા તો કાથરોટ મેં ગંગા” મેં કાકાને ઠાર્યા.

સનમની ઝુલ્ફો જેવી મધમધતી વરાળોની છોળો ઉડાડતી અવનવી વાનગીઓનો આસ્વાદ મફતમાં માણી અમે પુસ્તક વિમોચન સમારોહનો ત્યાગ કરીને ઘર તરફ પ્રયાણ કર્યું.

 

eછાપું

12 COMMENTS

  1. કાઠીયાવાડી ભાષા શીખવી પડશે એવું લાગે છે હો. કેમકે દર ગુરુવારે વાંચવું અઘરું પડે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here