આપણા ઓનલાઈન અર્થશાસ્ત્રીઓ

0
342
Photo Courtesy: evolllution.com

“મારું એવું માનવું છે કે…” “ભાઈ, તારું તારા ઘરના ય નથી માનતા.” શાહબુદ્દીન રાઠોડનો આ વર્ષો જૂનો ટુ લાઈનર જ્યારે પણ સાંભળીએ ત્યારે હસવું આવેજ. આવી જ રીતે ગઈકાલે જાહેર થયેલા કેન્દ્રીય બજેટ બાદ ફેસબુક અને ટ્વીટર પર ઓનલાઈન અર્થશાસ્ત્રીઓ બસ મંડી જ પડ્યા હતા. જો કે આવું પહેલીવાર નહોતું બન્યું. દર વર્ષે વોહી રફ્તારની જેમ આ સિલસિલો ચાલુ જ રહેતો હોય છે અને આથી જ છેલ્લા એક-બે વર્ષથી બજેટના દિવસે આ બંને પ્લેટફોર્મ્સથી દૂર જ રહેવાનું નક્કી કર્યું છે.

Photo Courtesy: evolllution.com

એવું નથી કે પ્રજા તરીકે કોઇપણ સરકારી નિર્ણય કે પછી ઇવન બજેટ પર આપણે આપણું મંતવ્ય ન આપી શકીએ. એવું પણ નથી જે કે બાબતે આપણને લગીરે જાણકારી ન હોય તેના વિષે ‘બે શબ્દો’ પણ ન કહી શકાય. પરંતુ વાત જ્યારે બે શબ્દોમાંથી બસ્સો અને બસ્સોમાંથી બે હજાર થાય ત્યારે તકલીફ પડે છે. કારણકે આ બે હજાર શબ્દોમાંથી બે શબ્દો જ કામના હોય છે અને બાકીના એક હજાર નવસોને અઠ્ઠાણું શબ્દોનો કોઈજ મતલબ નથી હોતો. ઉપરાંત નાણામંત્રી લોકસભામાં જે ભાષણ આપે છે એ માત્ર બજેટની હાઈલાઈટ હોય છે આખું બજેટ નહીં. આમ જ્યારે આખું બજેટ શું છે એની ખબર ન હોય તો પછી અર્થશાસ્ત્રનું એક ટકો પણ બેકગ્રાઉન્ડ ન હોય તો ચર્ચામાં ઉતરવાનો શો મતલબ?

પણ MBA એટલેકે ‘મને બધું આવડે’ એ વિચારધારા અનુસાર જેમ ક્રિકેટમાં કે પછી ફિલ્મોના રિવ્યુ આપવામાં જેટલી ઉતાવળ લોકોને હોય છે એટલીજ ઉતાવળ આ ઓનલાઈન અર્થશાસ્ત્રીઓ બજેટના દિવસે દેખાડતા હોય છે. આમ કરવા પાછળનો હેતુ એક તો મને બધું આવડે છે એ દેખાડવાનો તો હોયજ છે પરંતુ અમુક વાર પોતપોતાના ગ્રુપ્સમાં છવાઈ જવાની ઈચ્છા પણ આ અર્થશાસ્ત્રીઓ માટે બજેટની છણાવટ કરવાની મજબૂરી બની જતી હોય છે કારણકે આ ગ્રુપ્સમાં એમના જેવાજ રત્નો ભરેલા હોય છે.

પરંતુ આ અર્થશાસ્ત્રીઓ કેટલા પાણીમાં છે એ તેમની ‘છણાવટ’ ની ભાષા અને તેની ગુણવત્તાથી અન્ય વ્યક્તિ જે એ સ્વીકારે છે કે તેને અર્થશાસ્ત્રનો અ પણ નથી આવડતો તેને ખબર પડી જાય છે કે આ ભાઈ આપણી ક્લબના જ સભ્ય છે પણ એમને એ ક્લબના પ્રમુખ બનવાની ઈચ્છા છે. મોટેભાગે આવા ઓનલાઈન અર્થશાસ્ત્રીઓ પોતાના ઘરનું બજેટ પણ સંભાળી શકતા નથી હોતા. મહિનાની આખર તારીખ એમને દર મહિનાની પંદરમી તારીખે જ આવી જતી હોય છે.

વિજ્ઞાન,અર્થશાસ્ત્ર, ઈતિહાસ કે પછી ગણિત આ બધા વિષયોમાં ભલે પંડિત ન બનાય પરંતુ તેનું કામચલાઉ જ્ઞાન હોય તો જ એ વિષયોની ચર્ચામાં પડવું સલાહભર્યું છે. અને હા જો કામચલાઉ જ્ઞાન સાથેજ તમે એ વિષયોની ચર્ચામાં ઉતર્યા છો તો પછી સામે એ વિષયનો કોઈ પંડિત હોય તો પછી એના મુદ્દાને સમજવો અને સ્વીકારવો પણ જરૂરી છે જેથી આપણા જ્ઞાનમાં વધારો થાય અને અન્યત્ર જ્યારે પણ આ વિષય પર ચર્ચા થાય ત્યારે તે કામમાં આવે.

ઓનલાઈન અર્થશાસ્ત્રી બનવું ગુનો નથી પરંતુ અધૂરા ઘડાની જેમ છલકાવામાં પણ માન તો નથીજ!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here