લિવ-ઈન રિલેશનશીપ – સમાજનો અવળો છેડો!!!

0
362
Photo Courtesy: abcnews.com

લિવ-ઈન રિલેશનશીપ હજીપણ ભારતીય સમાજ સ્વીકારી શક્યો નથી. પરંતુ એવો સમય જરૂરથી આવશે જ્યારે ભારતમાં પણ સ્ત્રી-પુરુષના સહવાસની વ્યવસ્થાને પણ સન્માન સાથે જોવામાં આવશે.

Photo Courtesy: abcnews.com

લિવ-ઈન રિલેશનશિપ એટલે એક પાત્ર પોતાના મનગમતા પાત્ર સાથે એક જ છત નીચે લગ્ન સંસ્થામાં બંધાયા વગર રહે તે ઘટના. આ સંજોગને “ઘટના” કહેવા પાછળનું મુખ્ય કારણ બંનેના કુટુંબ છે. જરૂરી નથી કે આ બાબતે બંને પક્ષોની  અથવાતો સમાજની મંજૂરી મળી હોય. “સમાજ”, આ શબ્દનો જો અર્થ સમજવા કે સમજાવવા જઈએ તો એ શબ્દ વિષેની કેટકેટલી ગેરસમજણો સામે આવી જાય. ખાસ કરીને પુખ્ત વયના મનુષ્યોને આ શબ્દ એક યા બીજી રીતે સતત સતાવતો રહે છે.

સમાજે ઉભા કરેલા ઘણાં પ્રશ્નો છે જેનો સમાજ ખુદ સાથે દુર દુર સુધી કોઈ સંબંધ નથી. જેમ કે, લગ્ન કરવા લાયક ઉંમર છે તો લગ્ન કેમ નથી થતાં? લગ્ન થાય પછી એ જ સમાજની પૂછપરછ શરૂ થાય, બાળક ક્યારે થાશે? બાળક થાય પછી દીકરા – દીકરી પ્રમાણે પ્રશ્નો રચાય અને આમ પ્રશ્નાવલી ચાલે. “સમજદાર” કુટુંબો આમાંથી બાકાત રહે છે અને “અતિ સમજદાર” કુટુંબો વાતનું વતેસર થાય ત્યાં સુધી રાહ જુએ છે.

આમાં સૌથી વધુ કોઈ સંજોગને કેન્દ્રીત કરીએ તો તે છે, લગ્ન વિષયક નિર્ણયો. આપણી આસપાસ રહેતાં આપણા કહેવાતા શુભચિંતકો કાગડોળે રાહ જોઈ રહ્યા હોય છે કે ક્યારે કોકનું બાળક મોટું થાય અને એને પરણાવી દઇએ!! આ અત્યંત સામાન્ય સંજોગ છે. આપણે અને આપણી આસપાસના તમામ પરિવારો આમાંથી પસાર થઈ ગયા છે.

તમને ગમશે: ભારતમાં અત્યારે કેમ્પસ પ્લેસમેન્ટ હોટ સ્પોટ બની ગયું છે

રૂઢિચુસ્ત કુટુંબપ્રથામાં સામાન્ય રીતે વડીલો લગ્ન લાયક દીકરી કે દીકરાના ગ્રહમેળાપ કરી અને હસ્તમેળાપ કરાવવામાં મદદ કરે છે. પરંતુ સમય સાથે ચાલનાર કુટુંબો પોતાનાં બાળકની ઇચ્છાને માન આપીને તેણે પસંદ કરેલા જીવનસાથી સાથે તેને સુખમય જીવન જીવવાની તક આપે છે.

આ તો વાત થઈ જાણીતી પ્રથાઓની. પણ આ બધાની વચ્ચે એક અસામાન્ય પ્રથા ધીમે ધીમે આકાર લઈ રહી છે, અને તે છે, લિવ-ઈન રિલેશનશિપ. તો ચાલો, લિવ-ઈન રિલેશનશિપ પર થોડી રસપ્રદ વાત કરીએ. જેમ અગાઉ કહ્યું એમ રૂઢિચુસ્ત પરિવાર સાથે આ સંજોગને કોઈ લેવાદેવા નથી. પણ મોર્ડન પરિવારોમાં આ પ્રથા દાખલ થતાં વાર નહી લાગે.

લગ્ન એટલે સામાન્ય રીતે એક પાર્ટનર હોય, એની સાથે મોજ મજા કરવાની, હરવા ફરવાનું, ફેમિલી પ્લાનિંગ કરી પોતાનું કુટુંબ આગળ વધારવાનું અને જવાબદારીઓ પુરી કરવાની. પણ હવેના જમાનામાં લગ્ન કરતા પહેલા પોતાના લાઇફ પાર્ટનર વિષે બધું જાણવું તે એક રસપ્રદ બાબત છે.

જો એક કામયાબ ઉદાહરણ લઈએ તો બોલીવુડના કપૂર પરિવારની લાડલી કરીના અને પટૌડીના છોટે નવાબ સૈફ અલી ખાને લગ્ન બંધનમાં બંધાતા પહેલા 5 વર્ષ સુધી લિવ-ઈન રિલેશનશીપ પ્રથાને અપનાવીને એકબીજાને પુરી રીતે પારખીને ધામધૂમથી લગ્નની ઉજવણી કરી અને અત્યારે એક બાળકનાં માતાપિતા પણ છે. પરંતુ આપણને વિચાર એ આવે કે એ બંને તો બોલીવુડ ફેમિલી બેકગ્રાઉન્ડ ધરાવે છે. બોલીવુડમાં પદાર્પણ કરવું એ માટે ક્યાં તો તમારું બેકગ્રાઉન્ડ જોવાય (બોલીવુડમાં નેપોટી્સમ્ માટે વિસ્તૃત ચર્ચા આપણે બીજા કોઈ લેખમાં કરીશું) અથવા તો ટેલેન્ટ. એને લિવ ઇન રિલેશનશિપ સાથે શું લેવાદેવા?

તો અહીંયા એવું માની શકાય કે લિવ ઇન રિલેશનશિપ માટે મુક્ત વિચારસરણીવાળા વાતાવરણ સાથે સ્વીકારવાની ખેલદિલી પણ જરૂરી છે. રૂઢિચુસ્ત પરિવારમાં જન્મેલા બાળકો ક્યારેક પોતાનાં મનની વાત કરતાં અચકાય છે પણ સમય સાથે ચાલતા પરિવાર માટે આ નવી વાત નથી.

જેમ દરેક પરિસ્થિતિમાં ફાયદા અને ગેરફાયદા છે એમ આ પરિસ્થિતીની પણ બે બાજુ છે. થોડા વર્ષો સાથે રહ્યાં પછી જો છુટા પડવાનો નિર્ણય લેવામાં આવે તો પછીની લાઇફ માટે ઘણી ચેલેન્જીસ આવે છે. જેમ કે આટલાં વર્ષો સાથે ગાળ્યા બાદ વ્યક્તિ એનો પડછાયો શોધે છે. જો કોઈ એવું પાત્ર મળી પણ જાય તો સરખામણીની માનસિકતા જીવવા દેતી નથી. એક સંબંધ યાદો સાથે સંકળાયેલો રહે છે. પણ જો આ જ સંબંધ એક બંધનમાં આકાર પામે, તો મારી દ્રષ્ટિએ એના જેવું સુખ નથી.

સમજદારી અને પરિપક્વ સંબંધના પાયા બે વ્યક્તિને એક એવા બંધનમાં બાંધે છે જેમાં અવિશ્વાસ, ગેરસમજણો, અપમાન, કપટ, વિગેરે પાસાઓને સ્થાન નથી મળતું. બે જવાબદાર વ્યક્તિઓ પોતાની જીન્દગી વિના સંકોચ સાથે ગાળે છે. એમના બાળકોને પણ એક સ્વચ્છ અને સંયમી વાતાવરણ મળી રહે છે. કોઈ પણ પરિસ્થિતિ સ્વીકારવાની તાકાત મળે છે.

આપણો સમાજ આ પ્રકારનાં વિચારશીલ પરિવર્તનથી હજી ઘણો દુર છે. લિવ ઇન રિલેશનશિપને સ્વીકૃતિ મળવી મુશ્કેલ છે છતાં આ એક વિચાર માંગીલે તેવી બાબત જરૂર છે. રૂઢિચુસ્તતાના નામે બાળકોના વિચારોનો ભોગ લેતા પરિવારો માટે મુશ્કેલ  છે પણ પોતાના બાળકોને જીવન તરફના લક્ષ્ય સિધ્ધ કરવા પાંખો આપતા પરિવારો માટે આ એક સામાન્ય સંજોગ તરીકે ઉભરી આવે તો નવાઈ નહીં લાગે.

સ્વીકારવું કે ન સ્વીકારવું, તે સમય પર છોડી દેવામાં જ સમજદારી છે. પ્રિય વાંચકો, આપના અભિપ્રાયની રાહ જોઈશ.

અસ્તુ!!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here