મનગમતા ભોજનના રંગ બરસે – રોઝ-કોકોનટ ગુજીયાની રેસિપી

0
333
Photo Courtesy: Aakanksha Thakore

આપણી ચારેબાજુ જે રંગોની દુનિયા છે એ એક બહુ મજેદાર વિશ્વ છે. અને જયારે રંગ અને સ્વાદ ભેગા મળે છે ત્યારે તે આપણા મન પર એક અલગ જ છાપ છોડે છે. આપણું મન ખાવાની દરેક વસ્તુને એક ચોક્કસ રંગથી જોવા ટેવાયેલું છે, તે સિવાયનો રંગ જો જોઈએ તો આપણે એના સ્વાદ વિષે જાતજાતની કલ્પનાઓ કરવા લાગીએ છીએ.

હમણાં થોડા સમય પહેલા અમેરિકાની એક જાણીતી કેન્ડી કંપનીએ એની એક ખૂબ મશહૂર એવી બ્રાંડ ‘M&M’ – કેડબરીની જેમ્સ જેવી ચોકલેટ- ની કેન્ડી બેગમાં એક નવો રંગ ઉમેર્યો – બ્લુ/ભૂરો. આ રંગ કેમ ઉમેર્યો ખબર નહી, પરંતુ એક સર્વે કરતા ખબર પડી કે આ તમામ કેન્ડી બેગમાં જયારે છેલ્લે અમુક જ ચોકલેટ્સ વધતી ત્યારે મોટેભાગે તે આ ભૂરી કેન્ડીઝ જ બચતી- કારણ?

કારણ ફક્ત એટલું જ કે આ કાળા માથાના માનવીનું મગજ ભૂરા રંગને ‘એપેટીટ સપ્રેસંટ’ એટલેકે ભૂખ દબાવનાર રંગ તરીકે ઓળખે છે (જો તમારે વજન ઉતરવું હોય તો આજ થી જ ભૂરા રંગની પ્લેટમાં જમવા માંડો!) કેમકે  કુદરતી રીતે કોઈ પણ ફળફળાદિ કે શાકભાજી ભૂરા રંગના નથી હોતા એટલે આપણું મગજ આવા રંગ વાળા ફૂડને બાય ડીફોલ્ટ અકુદરતી ગણી ખાતા અચકાય છે.

આવી જ રીતે આપણા મગજની એક બીજી કરામત છે જેને વૈજ્ઞાનિક ભાષામાં સિનેસ્થેશિયા કહે છે. આ સ્થિતિ આપણી ઇન્દ્રિયો સાથે મળીને કામ કેવી રીતે કરે છે તેનું વર્ણન કરે છે. ઉદાહરણ તરીકે – દૃષ્ટિ, સ્વાદ અને ગંધની બાબતમાં – એક રંગ જોઈને અનેક સંવેદના ઉદ્ભવી સહજે છે. જેમકે લીલો રંગ તાજા ઘાસ ની સુગંધ ઉદભાવે છે, તો પીળો એક ખાટા સ્વાદને. આપણે જયારે પણ કોઈ રેસ્ટોરંટમાં જઈએ છીએ અને મેનુ જોઈએ છીએ ત્યારે આપણું મગજ જે તે વાનગીના વર્ણન પરથી સ્વાદનું અનુમાન લગાવે છે. તેવી જ રીતે કોઈ પેસ્ટ્રી શોપમાં જઈએ છીએ ત્યારે પણ ગુલાબી પેસ્ટ્રી સ્ટ્રોબેરી વાળી કે પીળી પેસ્ટ્રી પાઈનેપલ વાળી છે એ સમજી જઈએ છીએ.

ભારતીય સંસ્કૃતિ આ રંગોની મોહમાયાને એક અનોખી રીતે ઉજવે છે અને એ છે હોળીનો તહેવાર. તો આ રંગોના ઉત્સવની ઉજવણી આ વખતે રંગીન રીતે કરવામાં એક અનોખી મજા છે.

હોળીના તહેવાર જોડે જોડાયેલી બે પરંપરાગત વસ્તુઓ એટલે ગુજીયા અને ઠંડાઈ. ગુજીયા એટલે ડ્રાયફ્રુટથી ભરેલા ઘુઘરા કે જે ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે. જ્યારે ઠંડાઈ તો સૌનું અત્યંત પ્રિય એવું ઠંડુ પીણું છે. એટલે જ આ વખતે આપણે જોઈશું રોઝ-કોકોનટ ગુજીયા વિથ સ્ટાર અનિસ ગ્લેઝ. સ્ટાર અનિસ એટલેકે ચક્રફૂલ કે બાદિયાન ફૂલ જેવા આકારનો તેજાનો છે અને એ મોટાભાગના કીરાણા સ્ટોરમાં સહેલાઈથી ઉપલબ્ધ હોય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે ચાઇનીઝ અને ભારતીય વાનગીઓમાં થાય છે, ભારતીય બીરીયાનીનો એક મહત્વનો હિસ્સો પણ છે.

રોઝ-કોકોનટ ગુજીયા વિથ સ્ટાર અનિસ ગ્લેઝ

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:

પડ માટે:

2 કપ મેંદો
1 કપ બટર (ઠંડું કરીને ટુકડા કરેલું)
1 ટીસ્પૂન બેકિંગ પાવડર
1/2 ટીસ્પૂન વેનીલા એસેન્સ

સ્ટફિંગ માટે:

300 ગ્રામ મોળો માવો
2 ટેબલસ્પૂન ખમણેલું સિલોની કોપરું
2 ટેબલસ્પૂન રોઝ સીરપ

ગ્લેઝ માટે:
2 કપ ખાંડ
3 સ્ટાર અનિસ

રીત:

પડ માટે:

  1. મેંદામાં બેકિંગ પાવડર અને બટર ઉમેરી હાથ વડે ધીમે ધીમે ભેળવો. વેનીલા એસેન્સ ઉમેરી, એને લોટની જેમ બરાબર મસળી, લોટ બાંધી દો.
  2. લોટને મસ્લીન ક્લોથમાં વિંટાળી એક કલાક માટે ફ્રીજમાં ઠંડો થવા દો.

સ્ટફિંગ માટે:

  1. એક બાઉલમાં મસળેલો મેંદો, કોપરું અને રોઝ સીરપ લઇ તેમને બરાબર ભેળવી લો.

સ્ટાર અનિસ ગ્લેઝ માટે:

  1. એક થીક બોટમ પેનમાં, મધ્યમ થી ઊંચી આંચ પર, ખાંડ અને સ્ટાર અનિસ ઉમેરો અને તે કેરેમલ બને ત્યાંસુધી હલાવતા રહો.

આગળની રીત:

  1. લોટના લુઆને ¼ થી 1/8 ઈંચની જાડાઈમાં વણી લઇ તેમાંથી 5 કે 6 ઇંચ પહોળાઈમાં ગોળ પુરી જેવો આકાર કાપી લો.
  2. હવે તેમાં લગભગ 1 ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ મૂકી ફરતે પાણી લગાવી ગુજીયાના આકારમાં વાળી દો.
  3. ગુજીયાને 150° સે. પર લગભગ 20 મિનીટ માટે બેક કરી લો અથવા ગરમ ઘીમાં ગોલ્ડન બ્રાઉન તળી લો.
  4. કેરેમલ સોસને ગુજીયા ઉપર રેડી દો.
  5. ઠંડા અથવા ગરમ સર્વ કરો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here