પુસ્તક રીવ્યુ: રેડી પ્લેયર વન – ગેમ નહીં આ છે સંપૂર્ણ નવલકથા

0
374
A Scene From Movie Ready Player One - Courtesy-Cartoon Brew

આપણા માં ના ઘણા લોકો વિડિઓ ગેમ્સ રમતા હશે. અને અત્યારે પચ્ચીસ વટાવી ચૂકેલા ઘણા લોકો ને મારિયો, કોન્ટ્રા, બોમ્બર મેન જેવી (કેસેટ માં આવતી) ગેમ્સ રમ્યા હોવાનું કે રમાતી જોયા હોવાનું યાદ હશે. અને એ ગેમ્સ માં જયારે પ્લેયર વન: રેડી કે રેડી પ્લેયર વન લખાયેલું આવે છે ત્યારે આપણે (કે રમનાર) ભૂખ, તરસ, ટેંશન બધું જ ભૂલી ને એક જ કામ માં લાગી જાય છે, ગેમ રમવાનું અને સ્ટેજ પાર કરવાનું. આજે આપણે જે પુસ્તક ની વાત કરવાના છીએ એ પુસ્તક નું ટાઇટલ જ રેડી પ્લેયર વન છે અને આ મહિના ના અંત માં સ્ટીવન સ્પીલબર્ગ આજ પુસ્તક ના સ્ક્રીન એડેપ્ટેશન લઇ આવવાના છે. તો આવો વાત કરીએ બુક રેડી પ્લેયર વન ની.

આગળ વધીએ એ પહેલા વાત યુટોપિયા અને ડિસ્ટોપિયા ની, યુટોપિયા એટલે એવો કાલ્પનિક સમાજ જેમાં બધું સારું અને આદર્શ જ હોય છે. કોઈ ગરીબ નહિ, કોઈ ભૂખ્યું નહિ, સમાનતા, ભાઈચારો, આદર્શ સરકાર અને આદર્શ સમાજ . અને ડિસ્ટોપિયા એટલે યુટોપિયા નો વિરોધી, કઈ જ સારું ન હોય, બેકારી, ગરીબી, રોગચાળો, ગેરહાજર સરકાર અને અવ્યવસ્થિત સમાજ. અને 2011 માં આવેલી અર્નેસ્ટ કલાઇન ની આ પહેલી જ નવલકથા રેડી પ્લેયર વન નજીક ના ડિસ્ટોપિયન ભવિષ્ય ની કલ્પના કરે છે.

World Of Ready player one
World Of Ready Player One Courtesy-Nerdiest

પૂર્વભૂમિકા

વર્ષ છે 2044 નું, પેટ્રોલ ના કુવા ના તળિયા દેખાવા મંડ્યા છે. બેકારી સમાજ નો ભરડો લઇ ચુકી છે. લોકો ની પાસે રહેવા મકાન નથી, અને પેટ્રોલ ના અભાવ ના લીધે લાખો વાહનો સાવ નકામા પડી રહ્યા છે. પાકું મકાન એક લક્ઝરી છે, અને લાખો લોકો (ઉપર દેખાય છે એમ)એક ઉપર એક નકામા ટ્રેલર ના બહુમાળી ભવન માં રહે છે.

અને ખરાબ વાતાવરણ, બેકારી અને ભૂખમરો જેવા બધા પ્રોબ્લેમ થી છટકવા જનતા પાસે છે OASIS. એક્ચ્યુઅલ દુનિયા રૂપી રણ થી ભાગી ને વર્ચ્યુઅલ દુનિયા રૂપી મીઠી વીરડી માં મોકલતો દરવાજો. OASIS વર્ચ્યુઅલ રિયાલિટી (VR) નું હાર્ડવેર + સોફ્ટવેર છે, અને OASIS વિશ્વ ની સહુથી પાવરફુલ કંપની છે. OASIS ના વર્ચ્યુઅલ રિઆલિટી યુનિવર્સ માં બધું જ છે, શાળાઓ, વાહન વ્યવહાર, કરન્સી, આધાર જેવી આઇડેન્ટિટી સિસ્ટમ, પોલીસ, OASIS એટલી પાવરફુલ છે કે વિશ્વ ની સરકારો શિક્ષણ અને શાળાઓ નો ખર્ચ બચાવવા OASIS માં જ કાયદેસર ની સ્કૂલો ખોલે છે, અને OASIS માં વપરાતી વર્ચ્યુઅલ કરન્સી એક્ચ્યુઅલ કરન્સી કરતા ઘણી વધારે પાવરફુલ છે. અને નીચે દેખાય છે એમ, એના સ્પેશિયલ ચશ્મા, સ્પેશિયલ ગ્લોવ્સ ,સ્પેશિયલ માઈક અને સ્પેશિયલ વાઈબ્રેટર જેવી સસ્તા માં મળતી વસ્તુઓ થી OASIS ના વિશાળ વિશ્વ માં પ્રવેશ મળી શકે છે.

Ready Player One
Wade Watts(Played by Ty Sheridan) in his VR visor in Ready Player One (Film Adaptation) Courtesy-Nerdist

OASIS ના રચયિતા જેમ્સ ડોનોવન હાલીડે એ OASIS માં એક ઈસ્ટર એગ મુક્યો હોય છે. વિડીયો ગેમ અને ફિલ્મો માં ઈસ્ટર એગ એટલે છૂપો સંદેશ, પાછલી પોસ્ટ માં જોયું એમ આયર્ન મેન 2 માં વાંકંડા નો ઉલ્લેખ, કે ગોલમાલ 4 ના ટાઇટલ સોન્ગ માં અજય દેવગણ જે સિંઘમ ની જેમ આતા માજી સટક્લી જેવા જેસ્ચર આપે છે, એ ઈસ્ટર એગ કહેવાય, જેનું મેઈન વાર્તા માં કઈ મહત્વ ન હોય, તોય માત્ર મજા ખાતર, કે રેડી પ્લેયર વન માં છે એમ કોઈ બીજા છુપા ઉદ્દેશ માટે એને મુકવા માં આવે છે. જેમ્સ ડોનોવન હાલીડે એ એના મૃત્યુ વખતે એક જાહેરાત કરી હોય છે, જે પ્રમાણે એણે OASIS માં એક ઈસ્ટર એગ મુક્યો હોય છે, અને જે એ ઈસ્ટર એગ પહેલા શોધી કાઢે એ OASIS ના 5000 કરોડ ડોલર ના સામ્રાજ્ય નો માલિક બની જશે. એ ઈસ્ટર એગ સુધી પહોંચવા ના રસ્તા માં ત્રણ પડાવ છે છે. પહેલા કોપર કી મેળવો, એ કી થી દરવાજો ખોલો જેમાં જેડ કી સુધી પહોંચવા નું ઉખાણું હોય, પછી જેડ કી મેળવો અને એજ રીતે ક્રિસ્ટલ કી, અને ક્રિસ્ટલ કી ની મદદ થી ઈસ્ટર એગ મળી શકે.

વાર્તા

વાર્તા ચાલુ થાય છે જેમ્સ ડોનોવન હાલિડે ના મૃત્યુ ના પાંચ વર્ષ પછી. પાંચ વર્ષ માં એ ઈસ્ટર એગ અને એને શોધવા ની વાત ને ખુબ જ હાઇપ મળ્યો,અને કોઈ પ્રકાર ની પ્રગતિ ન હોવાના લીધે એ હાઇપ શમી પણ ગયો. પણ ગંટર(Egg Hunter) કમ્યુનિટી એ હજી પણ એ ઈસ્ટર એગ ની શોધ ચાલુ રાખી હતી. જેમ્સ હાલિડે પોતે OASIS નો યુઝર હતો અને એમાં એનું નામ હતું એનારોક, એનારોક ની ડાયરી અને જેમ્સ હાલિડે ના જીવન ની પ્રેરણા લઇ ને ઘણા લોકો એ વર્ષો સુધી ઈસ્ટર એગના ઉખાણાં ઉકેલવાનો પ્રયાસ કર્યો, એમાં આ વાર્તા નો હીરો વેડ વોટ્સ (Wade Watts) જેનું OASIS યુઝર નેમ પર્ઝીવાલ (જે કિંગ આર્થર ના હોલિ ગ્રેઇલ શોધવા ના મિશન માં હોવા માટે ઇતિહાસ માં અમર થઇ ગયો હતો) છે એ પણ સામેલ છે. અને સાથે છે પર્ઝીવાલ નો વર્ચ્યુઅલ મિત્ર એચ(Aech).

આ ઈસ્ટર એગ શોધવા માં ગંટર ની સામે એક ઓર ગ્રુપ હોય છે જેને ગંટર્સ મજાક માં સિકસર્સ કહેતા હોય છે. આ સિકસર્સ અને એનો વડો નોલાન સોરેંટો આ વાર્તા ના મુખ્ય વિલન છે, સિકસર્સ અને સોરેંટો ઇન્નોવેટીવ ઓનલાઇન ઇન્ડસ્ટ્રી(IOI) ના કર્મચારીઓ હોય છે. IOI ના નેટવર્ક પર જ OASIS ચાલતું હોય છે, અને ઈસ્ટર એગ અને OASIS પર કંટ્રોલ મેળવી ને IOI નો ઉદ્દેશ્ય અત્યાર સુધી ફ્રી અને બધા માટે ઉપલબ્ધ OASIS માંથી પૈસા કમાવવાનો હોય છે.

એક વાર અચાનક એનારોક ની ડાયરી પર સંશોધન કરતા પર્ઝીવાલ ને એવો ખ્યાલ આવે છે કે એ કોપર કી પોતે OASIS માં જ્યાં રહે છે એની નજીક જ સંતાયેલી છે, અને મળેલી ક્લ્યુ અને પોતાના ગેમિંગ ના અનુભવો પરથી પર્ઝીવાલ ને કોપર કી મળી જાય છે, અને એ રાતોરાત સેલિબ્રિટી બની જાય છે. પર્ઝીવાલ પછી થોડા જ સમય માં એચ, જાણીતી બ્લોગર આર્ટમિસ અને બે જાપાની ભાઈઓ ડાઈટો અને શ્લોટો ને પણ કોપર કી મળી જાય છે. અને આ બધા મિત્રો બને છે. અને બાકીના ગંટર્સ અને સિકસર્સ વચ્ચે કોપર કી જ્યાં હોય છે ત્યાં એક નાનકડું યુદ્ધ થઇ જાય છે.

જેડ કી ની શોધ દરમ્યાન સોરેંટો પર્ઝીવાલ (વેડ વોટ્સ) ની સાથે મુલાકાત કરી ને એને સિકસર્સ સાથે જોડાવવા દબાણ કરે છે, અને જો પર્ઝીવાલ ના પાડે તો એને મારી નાખવાની ધમકી આપે છે. પર્ઝીવાલ સોરેંટો ના દબાણ ને નકારી ને જતો રહે છે, અને એ IOI એ કરાવેલા બૉમ્બ બ્લાસ્ટ થી બચી જાય છે. પછી રિયલ લાઈફ માં IOI ની નઝરો થી દૂર રહેવા વેડ વોટ્સ પોતાની રહેવાની જગ્યા બદલે છે અને પોતાના સેલિબ્રિટી સ્ટેટસ નો લાભ લઇ નામ, સરનામું બદલી અને એકલો રહેવા જતો રહે છે. આ દરમ્યાન OASIS માં પર્ઝીવાલ અને આર્ટમિસ વચ્ચે દોસ્તી થાય છે અને OASIS નો સહ-સ્થાપક ઓગડેન મોરો પોતાના જન્મદિવસ ની પાર્ટી માં આ બધા ને આમંત્રણ આપે છે. ત્યાં IOI હુમલો કરે છે અને એ દરમ્યાન પર્ઝીવાલ અને આર્ટમિસ નો ન શરુ થઇ ચુકેલો પ્રેમસંબંધ તૂટી જાય છે.

જેડ કી સહુથી પહેલા IOI ને મળે છે, અને પછી આ પાંચ મિત્રો જયારે જેડ કી લેવા જાય છે ત્યારે ગંટર્સ અને સિકસર્સ વચ્ચે એક ઓર યુદ્ધ થાય છે અને આ યુદ્ધ ના અંતે ડાઈટો નું મૃત્યુ થાય છે. અને અત્યાર સુધી એકલા કામ કરતા આ ચારેય મિત્રો સાથે મળી ને ક્રિસ્ટલ કી શોધવા નીકળી પડે છે. એને મદદ મળે છે ઓડગેન મોરો ની.

અંતે ક્રિસ્ટલ કી જ્યાં હોય છે ત્યાં બધા જ સિકસર્સ અને ગંટર્સ વચ્ચે મહાયુદ્ધ થાય છે, અને એમાં સોરેંટો પોતાને મળેલા એક સુપર બૉમ્બ નો ઉપયોગ કરી એ એરિયા માં રહેલા બધા લોકો ને મારી નાખે છે. આ તરફ પર્ઝીવાલ પાસે પણ ભૂતકાળ માં એક ગેમ નો પરફેક્ટ સ્કોર કરવા ના લીધે એક એક્સ્ટ્રા લાઈફ મળી હોય છે. એ એક્સ્ટ્રા લાઈફ ની મદદ થી પર્ઝીવાલ ક્રિસ્ટલ કી અને અંતે થોડી ઘણી મથામણ પછી ઈસ્ટર એગ સુધી પહોંચી જાય છે.

રીવ્યુ

આ વાર્તા 1980 ના જમાના નાં ગિક કલ્ચર થી ભરપૂર છે, એ જમાના ની ગેઇમ્સ, ફિલ્મો, પુસ્તકો અને એના રેફરન્સ નો છૂટ થી ઉલ્લેખ થયો છે. લેખક અર્નેસ્ટ કલાઇન પોતે આ જમાના ના મોટા ફેન છે. પણ વાર્તા નો ઘણો બધો સમય એ ભવિષ્ય ના સેટિંગ, અને આ બધા રેફરન્સ ને સમજાવવા માં ગયો છે. આ બધા રેફરન્સ ના લીધે આ ટૂંકી વાર્તા ન બનતા એક નવલકથા બની છે, પણ આ જ રેફરન્સ વાર્તા ને ઘણી વખત ધીમી કરી દે છે. જો તમને 80s ના આ કલ્ચર વિષે રસ હોય તો તમને બહુ માજા આવશે. પણ જો આ જ કલ્ચર માં તમને કોઈ રસ નથી તો આ વાર્તા બહુ જ કંટાળાજનક થઇ શકે છે.

આ રેફરન્સ ના લીધે ફિલ્મ બનાવતી વખતે પણ અમુક સમસ્યા ઓ થઇ ગઈ હતી. એટલે સ્ટીવન સ્પીલબર્ગે ફિલ્મ માં પુસ્તક ના વપરાયેલા ઘણા રેફરન્સ ને બદલે નવા રેફરન્સ મુક્યા છે, અને એ પણ ધ્યાન રાખ્યું છે અત્યારે ફિલ્મો જોતી પેઢી ને આ રેફરન્સ સમજાવવા પાછળ નવલકથા ની જેમ વધારે સમય ના બગાડવો પડે.

જોકે આ રેફરન્સ જ રેડી પ્લેયર વન ને બનાવે છે અને બગાડે છે. એક ગિક તરીકે મારા તરફ થી રેડી પ્લેયર વન ને ફૂલ માર્ક્સ. અને તમે જો આ સફર માણવા માંગતા હો તો પ્રવાસી પોતે પોતાની અને પોતાના માલ સામાન ની સુરક્ષા નો જવાબદાર છે એ નોંધ લેવી 😉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here