અમૃતા પ્રીતમ અને સાહિર લુધિયાનવી – એક અધુરી પ્રેમ કહાની?

0
723
Photo Courtesy: hindustantimes.com

‘સાહિર એક ખયાલ હતો- હવામાં ચમકતો. કદાચ મારા પોતાના જ ખયાલોનો જાદુ’ – અમૃતા પ્રીતમ પોતાની આત્મકથા ‘રેવન્યુ સ્ટેમ્પ’ માં આ વાત કહે છે. સાહિર સાથેનો પ્રેમ અમૃતાએ ક્યારેય છુપાવ્યો નથી. ખુલ્લેઆમ તે પોતાના પ્રેમને સ્વીકારી શકતા. 1944ની સાલમાં લાહોર અને અમૃતસરની વચ્ચે એક નાનકડું ગામ ‘પ્રીતનગર’ આવેલું ત્યાં એક મુશાયરામાં સાહિર અને અમૃતા પ્રથમ વાર મળ્યા.  અમૃતાને ત્યારે એ ન સમજાયું કે સાહિરનાં જાદુઈ શબ્દોથી એ પ્રભાવિત થયા છે કે સાહિરની ખામોશી અમૃતાના મનમાં વસી ગઈ? અને સફર શરુ થઇ એક એવી પ્રેમકહાનીની જે હમેશા અધુરી જ રહેવાની હતી. તે સમયે વરસાદના કારણે બસ સ્ટેન્ડ પહોચવા બધાએ ચાલવાનું શરુ કર્યું અને અમૃતાએ સાહિરનો પડછાયો નીરખ્યો ત્યારે અમૃતાને ખબર નહોતી કે પોતાના જીવનનાં કેટલાયે વર્ષો એ આ પડછાયાની છાયામાં રહેશે.

Photo Courtesy: hindustantimes.com

અમૃતા અને સાહિર સતત એકબીજાને મળતા રહ્યા હોય એવા પ્રસંગો ભાગ્યે જ બન્યા હશે. ક્યારેક તો વર્ષો સુધી એકબીજાને જોયા પણ ના હોય પણ હૃદયનો એક ખૂણો કદાચ હંમેશા માટે એકબીજા માટે આરક્ષિત હતો. અમૃતા અને સાહિર બન્નેએ ભારત પાકિસ્તાનના ભાગલાને ખુબ નજીકથી જોયા. ત્યારે સાહિર લાહોરમાં અને અમૃતા દિલ્હીમાં વસી ગયા હતા. પરંતુ સાહિર અને અમૃતા ક્યારેક પત્રો દ્વારા સંપર્કમાં રહેતા હતા. પછી તો સમય બદલાયો અને સાહિર મુંબઈ આવીને વસ્યા. આ સમયગાળા દરમિયાન પણ સાહિર અને અમૃતાની એકબીજા માટેની લાગણીમાં ક્યારેય ઓટ નહોતી આવી.

અમૃતા કહે છે કે, ‘મારી જિંદગીના કાગળ પર તારા પ્રેમે અંગુઠો પડ્યો છે એનો હિસાબ કોણ ચૂકવશે?’ એક ઉર્દુ મુશાયરામાં લોકો સાહિરના ઓટોગ્રાફ લઇ રહ્યા હતા લોકો છુટા પડ્યા પછી અમૃતાએ પોતાની હથેળી એની સામે ધરીને કહ્યું ‘ઓટોગ્રાફ!’ સાહિરે હાથમાં લીધેલી કલમની સાહી પોતાના અંગુઠા પર લગાડી અને એ અંગુઠો અમૃતાની હથેળી પર લગાવ્યો, જાણે કે હસ્તાક્ષર કર્યા હોય. મારા આ કાગળ પર શું લખેલું હતું જેની પર એણે હસ્તાક્ષર કર્યા હતા, એ બધું હવાને હવાલે છે, એણે ન એને ક્યારેય વાચ્યું, ન જિંદગીએ.’ આમ, સાહિર અને અમૃતાને જોડતી કડી ‘શબ્દો’ હતા એ જ રીતે ‘ખામોશી’ પણ એક જોડાણ હતું. એ સંબંધને કદાચ શબ્દોની જરૂર નહોતી પણ અંતે તો બન્ને નો પ્રેમ શબ્દો થકી જ બહાર આવતો.

દાસ્તાન: અમૃતા પ્રીતમ સિરીઝ: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3

અમૃતા કહે છે કે ‘અમારા વચ્ચે બે અડચણો હંમેશા રહી, એક ખામોશી જે હમેશા રહી અને બીજી અડચણ એટલે ‘ભાષા’ અમૃતા પંજાબીમાં લખે અને સાહિર ઉર્દુમાં.’ પણ તેમ છતાં પ્રેમને કોઈ સરહદો નથી હોતી, ન ભાષાની, ન સરહદની, ના ધર્મની. અમૃતાએ સાહિર માટે અથવા તો તેને સંબોધીને ઘણી કૃતિઓ રચી, તેમની વાર્તાઓના નાયકમાં ક્યાંક ને ક્યાંક સાહિર નજરે પડે. અમૃતાએ સાહિરને માટે ૧૯૫૫માં ‘સુનેહ્ડે’ એટલે કે ‘સંદેશા’ એ નામનો કાવ્યસંગ્રહ રચ્યો અને જ્યારે ‘સુનેહ્ડે’ ને ૧૯૫૭મા અકાદમીનો પુરસ્કાર મળ્યો ત્યારે અમૃતાને થયું કે ‘ હે ભગવાન, આ સુનેહ્ડે મેં પુરસ્કાર માટે નથી લખ્યા, જેની માટે લખ્યા તેણે વાંચ્યા નહીં , હવે આખી દુનિયા વાંચે તો પણ શું? અને જ્યારે આના માટે પ્રેસ રિપોર્ટરો અમૃતાના ઘરે આવ્યા ત્યારે ફોટો પડાવતી વખતે પણ અમૃતાના હાથમાં જે કાગળ હતો તેમાં અમૃતા ‘સાહિર,સાહિર,સાહિર’ જ લખે છે અને પછી વિચારે છે કે કાલ છાપામાં આવું લખેલું તો નહિ વંચાય ને? પણ છાપામાં અમૃતાના હાથમાં ફક્ત કાગળ જ દેખાય છે અને ‘સાહિર’ શબ્દો તેમના હૃદય પર.  આ પણ પ્રેમનો જ એક પ્રકાર છે ને. અને આ જ રીતે સાહિરએ પણ ખુબ જ સુંદર નઝમો અને ગીતો આપ્યા જે આજે પણ આપણા હોઠ પર અને હૈયે રમ્યા કરે છે.

मैं जिंदगी का साथ निभाता चला गया,

हर फ़िक्र को धुवें में उडाता चला गया

बरबादियों का शौक मनाना फिजुल था,

बरबादियों का जसन मनाता चला गया

मैं जिंदगी का साथ निभाता..

जो मिल गया उसी को मुक़दर समझ लिया,

जो खो गया मैं उसको भुलाता चला गया

मैं जिंदगी का साथ निभाता..

गम और ख़ुशी में फरक ना महसुस हो जहाँ,

मैं दिल हो उस मुक़ाम में लाता चला गया

સાહિરની ઉત્તમ રચનાઓમાંની એક રચના એટલે આ ગીત. ક્યારેક જીવનમાં હકીકતોનો સ્વીકાર કરીને જીવવું પડે છે. અમૃતા અને સાહિરના સંબંધમાં અમૃતા પાસે સ્વીકાર હતો અને તૈયારી પણ. જ્યારે સાહિર પાસે ખુલ્લે આમ સ્વીકાર પણ નહોતો અને તૈયારી પણ નહીં. પ્રેમનું એક અનોખું સ્વરૂપ હતું.

અમૃતા તેમની આત્મકથા ‘ अक्षरोंके साये’ માં તેમના અને સાહિરના સંબંધોને સમજાવવા નેહરુ અને એડવિનાનું દ્રષ્ટાંત આપી સમજાવે છે કે ‘बरसो लम्बे रिश्ते में, कभी खंडहरात में, कभी फुलोकी वादियोमे बैठी हुई – वह घडिया आई, जिनको किसी रिश्तेका नाम नहीं दिया जा सकता, उनके रिश्तोमे तन नहीं रहे थे, सिर्फ मन था, जिसे धड़कते हुए, कुछ धरती ने सूना, कुछ आकाशने , मेरा और साहिरका रिश्ताभी कुछ इसी रौशनीमें पहेचाना जा सकता हे- जिसके लम्बे बरसोमे कभी तन नहीं रहा था, सिर्फ मन था, जो नज्मोमें धड़कता रहा.’

સાહિર અને અમૃતાનો પ્રેમ એટલે કે શબ્દોનાં માધ્યમથી એકબીજાને જોડતો પ્રેમ કદાચ હંમેશા અશબ્દ રહ્યો હશે અને એટલે જ વધુ એક ‘અધુરી પ્રેમકહાની’ નાં આપણે સહુ એ જ ‘શબ્દ’નાં માધ્યમથી સાક્ષી બન્યા હઈશું.

———ક્રમશ—————-

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here