મુદ્દો એ છે કે આપણે ખુદ મુદ્દા થી ભટકી જઈએ છીએ

0
367
Photo Courtesy: thewire.in

થોડા સમય પહેલા અત્યાર સુધીના સૌથી સળગતા મુદ્દા એવા ‘આરક્ષણ’ને લઈને ઘણા યુવાનેતાઓ મેદાને પડ્યા હતા. એમનો આખો રીસ્પેક્ટીવ સમાજ ‘આરક્ષણ’ મેળવવા માટે અથવા તો એમાં કંઈક અંશે સુધારા કરાવી દેવાની આશમાં એમનો પડ્યો બોલ ઝીલતો હતો. પ્રચંડ જનમેદનીઓ, રેલીઓ, સભાઓ, તીખા ભાષણો અને સરકાર વિરુદ્ધ લગભગ એક વિપ્લવ,1857 જેવો માહોલ! લોકો જેલમાં જવા સુધ્ધા તૈયાર હતા, ઘડીક તો લાગતું હતું કે સ્વાતંત્ર્ય સંગ્રામ અને હિન્દ છોડો આંદોલનવાળું ભારત પાછું નીરખી રહ્યા હોય! સરકાર અને આંદોલનકર્તાઓ, એમ બંને પક્ષેથી એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું. બંને પક્ષેથી હિંસા, શમન, દમન તમામ રસ્તાઓ અપનાવાયા. પણ અંતે શું થયું? ન તો સરકાર તરફથી સમજુતી માટે પૂરતા પ્રયાસો થયા કે ન તો આંદોલનકારીઓ તરફથી અમુક પ્રયાસોમાં ભાગીદારી આપવામાં આવી. મુદ્દો હતો આરક્ષણનો પણ અંતે લોકો દ્વારા એ માત્ર એક પક્ષવિરોધી કાવતરું હોવાનું સાબિત થયું. બધા સમાજના લોકોને થોડેઘણે અંશે નાલેશીનો સામનો કરવો પડ્યો. યુવાનેતાઓમાંથી અમુક નેતાઓ ચૂંટણીમાં ઝંપલાવીને લગભગ પોતાની રાજનૈતિક મનીષાઓ પૂરી કરી.

Photo Courtesy: thewire.in

આ બધી બાબતોમાં એક બાબત ખાસ નોંધવા જેવી છે કે અહી મુખ્ય મુદ્દો જે ‘આરક્ષણ’નો હતો એ તો સાઈડલાઈન જ થઇ ગયો! આ બધી અંધાધુંધીમાં એ ક્યાં ખોવાઈ ગયો એની કોઈને ખબર સુધ્ધા ન પડી. હાલના સમયમાં લોકોનું પોતપોતાના મુદ્દાથી ભટકી જવું ભારતના ભાગ્યની જાણે કે પત્થરની લકીર જેવું છે. જે સરકાર આવે છે એ મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીને ઘટાડવાના મુદ્દાઓ સાથે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડે છે. સત્તા હાથમાં આવ્યા પહેલા જે મુદ્દાઓને લઈને ચૂંટણી લડાય છે એ જ મુદ્દાઓથી સત્તામાં આવ્યા પછી કોઇપણ સરકાર ભટકી જાય છે. છેલ્લે માત્ર આંકડાઓ અને સ્ટેટેસ્ટિકસમાં ઝોલ કરીને પોતાને પહેલાની સરકાર કરતા ચડિયાતી સાબિત કરવાની અને એ જ મુદ્દાઓ પર ફરીથી ચૂંટણી લડવાની! આ એક અંત વગરનું ચક્ર છે જે ચાલ્યા જ કરે છે. સરકારની વાત તો બહુ મેક્રો લેવલ (એટલે કે સ્થૂળ લેવલ)ની વાત થઇ ગઈ.

રોજીંદા જીવનમાં આપણે જોઈએ તો સૌથી સળગતો મુદ્દો છે હાલની આપણી શિક્ષણ વ્યવસ્થા. શિક્ષણનો મુખ્ય મુદ્દો કે અંતિમ લક્ષ્ય જે કહો તે શું હોય છે? બાળકોનો સર્વાંગી વિકાસ અને ભવિષ્યમાં એ પોતાના માટે રોજગારી મેળવી શકે એવું  ભણતર જ ને? પણ વાલીઓ અને કહેવાતા શિક્ષકો વિદ્યાર્થીઓને રેસના ઘોડાની જેમ ગણે છે. ‘ટકા લાવો નહિતર કાટ ખાશો’ ટાઈપના વાતાવરણમાં વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસનો મુદ્દો તો બાજુ પર જ રહ્યો, ઉલટાનું આપણે એક એવી પેઢીના નિર્માણ તરફ અગ્રેસર છીએ જેમાં માત્ર અને માત્ર માનસિક રીતે પંગુ હોય તેવા વારસદારો હશે. અને અંતે તો મોટી મોટી ડીગ્રીઓ મેળવ્યા બાદ પણ બિચારો વિદ્યાર્થી તમામ લાયકાત હોવા છતાં રોજગારી મેળવી શકતો નથી, કેમ? કારણ કે એની પાસે પ્રેક્ટીકલ નોલેજનો સદંતર અભાવ હશે. માત્ર અને માત્ર ટકાની રેસમાં એનો બધી બાજુએથી વિકાસ કરવાના મુદ્દા થી અંતે આપણે અને આપણી શિક્ષણ વ્યવસ્થા બંને ભટકી જઈએ છીએ. આ આપણી અને સરકારની સૌથી મોટી હાર ગણી શકાય. પણ બંનેમાંથી એકેય આ વાત સ્વીકારવા માટે તૈયાર નથી. દેશનો વિકાસ કોઈ ચિરાગના જીનની માફક નથી કે તમે એને ઘસશો અને એ ‘હુકુમ મેરે આકા’ કહીને પ્રગટ થઇ જશે. એના માટે પોતાની કોર વેલ્યુઝને વળગી રહેવું એ પાયાની જરૂરીયાત છે. દેશ સામે એવા મુદ્દા કેટલાય છે કે જેને વળગી રહેવું, અને એક નિશ્ચિત દિશામાં એના માટે પ્રયત્નો કરવા એ દેશના ઓવરઓલ વિકાસ માટે ખુબ જ જરૂરી છે. આપણે ત્યાં ગુનાઓ રોકવા માટે કાયદા પછી બનાવાય છે, એની પહેલા તો એ કાયદાની છટકબારીઓ બનાવવામાં આવે છે.

અટલ બિહારી બાજપેયીએ લોકસભામાં આપેલું પેલું ચોટદાર ભાષણ તો તમને યાદ જ હશે. એમાં મુખ્ય વાત એમણે એવી કરેલી કે, ‘પાર્ટીઓ બનશે અને વિખેરાશે, સરકારો આવશે અને જશે, પરંતુ આ દેશ અખંડ રહેવો જોઈએ, દેશ વિખેરાવો ન જોઈએ’. ભલે હાલની કે પાછલી સરકારના નેતાઓ વાજપેયી માટે ગમે એટલું માન રાખતા હોય, પણ એ બધાય એમણે આપેલા આ મુખ્ય મુદ્દા ને ઘોળીને પી ગયા છે. જાતિના સમીકરણો, હિંદુ-મુસ્લિમનો કોમવાદ અને બીજા આવા કેટલાય બિનજરૂરી મુદ્દા અટલજીએ આપેલા મુદ્દા ને ઉપરવટ થવા પામ્યા છે. પણ સરકારો કરે તો પણ શું કરે? જાતપાત વગર ચૂંટણીમાં જીત મેળવવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. કારણ? આપણે બધા એક નાગરિક તરીકે બંધારણના આમુખમાં આલેખેલા મુદ્દા થી ભટકી ગયા છીએ. આપણી પ્રજાને જ ચૂંટણીઓમાં આવી ઉત્તેજક રસાકસી જોઈએ છે. સાર્વભૌમ, અખંડ અને બિનસાંપ્રદાયિક દેશનું ગાંધીજીનું સપનું હજીયે સપનું જ છે. વળી, એક વાર સરકાર બની જાય, એ પણ લોકસભામાં પૂર્ણ બહુમતીથી બને છતાંય પાર્ટીની ભૂખ આટલેથી સંતોષાતી નથી. એ રાજ્યસભાને ટાર્ગેટ કરીને નેતાઓને વટલાવવાનું કામ કરે છે. તમને નાગરીકોએ સત્તા સોંપી છે વિકાસના કામો પર ધ્યાન આપવા માટે, અને તમે હજીયે વધુ સત્તાલોભ કરો એ મુદ્દાથી ભટકી જવું નહિ તો બીજું શું છે?

આ બધી જ દુવિધાઓ ઓછી હોય તેમ હમણાં બેંકોના કૌભાંડો બહાર આવતા જાય છે.માલ્યા, મોદી, ચોકસી અને બીજા ઘણાય. બેંકોમાં ઔદ્યોગિક ક્ષેત્રે લોન આપવાની વ્યવસ્થા એટલા માટે હોય છે કે જેથી કરીને કોઈ વ્યક્તિ, જેની પાસે પૂરતા નાણા નથી પણ એક ઉધોગ સાહસી બનવા માટેના તમામ ગુણ છે તો એવા વ્યક્તિની વહારે આવી શકાય. અહી, એ મુદ્દાથી બિલકુલ અલગ જઈને ખુદ બેંકના જ કર્મચારીઓ પોતાનો અંગત સ્વાર્થ સાધવા માટે કૌભાંડો આચરે છે. એક વાર મોટા આંકડામાં પૈસા ઓહિયા કરીને કહેવાતા ઉદ્યોગપતિઓ વિદેશ ચાલ્યા જાય છે અને ત્યાંથી સામી છાતીએ નાદારી જાહેર કરે છે, અને સરકાર સુનમુન જોઈ રહેવા સિવાય કશું કરી શકતી નથી.

મુદ્દા થી ભટકી જવું એ હવે એક સામાન્ય વાત બનતી જાય છે. પ્રજા તરીકે આપણે પણ એનાથી ટેવાઈ જ ગયા હોઈએ એવું લાગે છે. પણ આ ટેવ નહિ, કુટેવ છે. જે દેશને હજીયે પ્રગતિશીલ કેટેગરીમાં મુકે છે. કોઈ પક્ષ કે પાર્ટીના અંધ અનુયાયી બનવા કરતા એક નિષ્પક્ષ નાગરિક બનીને જરૂર પડ્યે સરકારની (એ ભલે ગમે તે પાર્ટીની હોય) તારીફ કરતા હોય તો જરૂર પડ્યે એના કાન ખેંચીને મુદ્દા પર લાવવાની જવાબદારી પણ આપણી જ છે.

આચમન:- “કેન્દ્રીય સત્તા સ્વકેન્દ્રીય બને એની જાણ થાય કે તરત હાથવગા પ્રકારે એને એની યાદ અપાવવી એ ૫૧(ક)માં સમાવિષ્ટ મૂળભૂત ફરજોમાં નોંધણી ન પામેલી આપણી અગત્યની મૂળભૂત ફરજ છે”

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here