મર્યાદાના અવિરત વિસ્તરણનું રૂપક – સ્ટિફન હોકિંગ

0
425
Photo Courtesy: ghanalive.tv

આ એક ‘રાષ્ટ્રીય લાક્ષણિકતા’ લાગે છે. ‘ગણિત’ અને ‘ભૌતિકવિજ્ઞાન’માં ભારતીયો ખૂબ જ પ્રભાવશાળી છે” – શબ્દો છે અગ્રણી વિશ્વવિજ્ઞાનશાસ્ત્રી સ્ટિફન હોકિંગ (Stephen Hawking) ના! 2001માં તત્કાલીન રાષ્ટ્રપતિ નારાયણનને મળ્યા ત્યારે તે ભારતમાં રહેલા ટેલેન્ટથી અતિશય પ્રભાવિત થયેલા.

સિમ્પસન્સના કાર્ટૂનમાં બતાવેલા કામ માટે નહીં પણ બ્લેક હોલ અને બ્રહ્માંડને લગતા રિસર્ચ અને કામ માટે જાણીતા એવા સ્ટિફને 17 વર્ષે ઑક્સફ્ર્ડ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો, 20 વર્ષે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં Ph.D. અને 21 વર્ષે એમ્મોટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસ (ALS) નામની બિમારીમાં જકડાયા, આ એક ચોક્કસ રોગ છે જે સ્વૈચ્છિક સ્નાયુઓને નિયંત્રણમાં રાખતા ચેતાકોષોનું મૃત્યુ કરે છે. સ્નાયુઓને સખત કરી સ્નાયુઓના કદમાં ઘટાડો કરે છે જેનાથી ધીમે ધીમે નબળાઇ અને છેવટે પક્ષઘાતમાં પરિણમે છે. ડોક્ટરોએ તો 2-3 વર્ષથી વધુ સમય નથી એવું કહીને આશા મૂકી દીધી, પણ હિંમતે મર્દા તો મદદે ખુદા. 32 વર્ષની ઉંમરે ‘રોયલ સોસાયટી’ નામની દુનિયાની સૌથી જૂની વૈજ્ઞાનિક સંસ્થામાં સૌથી નાની વયના યુવાન તરીકે ચૂંટાયા. 43 વર્ષની ઉંમરે બોલવાની ક્ષમતા ગુમાવી બેઠા અને વોકલ સિન્થેસાઈઝરના સહારે બોલતા બોલતા બ્રહ્માંડવિજ્ઞાનને સાધારણ લોકોને સમજાવતું તેમનું પુસ્તક રાતોરાત હીટ સાબિત થયું. ALS નું નિદાન થયા બાદ લગભગ દર્દી પાંચ વર્ષમાં મૃત્યુ પામે છે. જ્યાં ડૉક્ટર હાથ ઊંચા કરી દે અને કહે કે તમે 2-3 વર્ષથી વધુ નહી જીવી શકો ત્યારે 55 વર્ષ સુધી જીવવું અને લોકોને પ્રભાવિત કરતા રહેવું એ દુનિયાની અજાયબી જ ગણવી રહી. ઈચ્છામૃત્યુની માંગણી કરવા કરતા મૃત્યુને ઈચ્છા વિરુદ્ધ ફેરવનાર સ્ટિફન એક કિમિયાગારથી ઓછા ન હતા. આને કહેવાય – મેરુ તો ડગે પણ જેના મન નો ડગે રે પાનબાઈ! ભાંગી પડે રે બ્રહ્માંડ રે….

Photo Courtesy: ghanalive.tv

સ્ટિફન હોકિંગે એવું તે શું અલગ કર્યુ? જ્યાં લોકો દુનિયાના, પૃથ્વીના, બ્રહ્માંડના સ્ટીરિયોટાઈપ રીતે ચાલી આવતા નિયમોને અવતરણ ચિહ્નમાં મૂકીને, આશ્ચર્યચિહ્નથી જોયા કરતા, ત્યાં સ્ટિફન હોકિંગે પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું. આ વસ્તુ આમ જ કેમ થાય છે? આને બીજી રીતે કેમ ન કરી શકાય? આવા પડકારો ફેંકીને લોકો સમક્ષ પોતાની થિઅરીઓ મૂકી.

પાકિસ્તાનના સિંધપ્રાંતમાં જન્મેલા સૂફી સંત હજરત ‘સરચલ સરમસ્ત’ની એક સિંધીભાષામાં લખેલી કવિતા છે, જેનો એક નાનકડો અંશ અહીં પ્રસ્તુત છેઃ

મિત્ર, રહસ્યમય રસ્તો શીખવા માટે આ એકમાત્ર રસ્તો છેઃ

અન્યની કેડીને અવગણો, સંતોના લલચાવતા ઢાળવાળા રસ્તાઓને પણ.

અનુસરશો નહીં.

એનો પ્રવાસ કરશો નહીં.

તમારા ચહેરા પરથી બુરખાને હટાવી દો.

સરચલ એવું કહેતાં કે, આપણી પ્રથમ ફરજ એ શ્રદ્ધા, અશ્રદ્ધા અને તમામ ધર્મો છોડી દેવાની છે. ‘સરચલ સરમસ્ત’ તો 1939 થી 1829 સુધી જ જીવ્યા પણ એમની આ રચના હોકિંગના જીવનને બંધબેસતી લાગે છે.

સ્ટિફન હોકિંગ આપણા યુગના માત્ર પ્રખ્યાત વૈજ્ઞાનિક જ નહીં, વિશ્વના સૌથી મોટા ‘સેલિબ્રિટી વૈજ્ઞાનિક’ હતા. તેમના દ્વારા અપાયેલા કોઈ પણ વક્તવ્યમાં કવર પેજ ન્યૂઝ બનાવવાની તાકાત હતી. ‘સ્ટાર ટ્રેક’, ‘ધ સિમ્પસન્સ’ અને ‘ધ બીગ બેંગ થિયરી’ જેવી સીરિઝમાં લોકો સમક્ષ આવ્યા પણ ટીવી સિવાય હોકિંગના સંદર્ભો પુસ્તકો અને સંગીતમાં આપવામાં આવ્યા છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે પુસ્તક-પ્રકાશનના ઇતિહાસમાં સૌથી સફળ નોન-ફિક્શન લેખક સ્ટિફન હોકિંગ છે. આર્ટિફિશલ ઈન્ટેલિજન્સ (AI) આજકાલ ખૂબ જ ચર્ચાનો વિષય છે. પોર્ટુગલના લિસ્બનમાં ટેક્નોલોજી સંમેલનમાં તેમણે કહ્યું હતું કે, “જો આપણે AI ના સંભવિત જોખમો માટે તૈયાર નહીં થઈએ તો એ આપણા માનવસંસ્કૃતિના ઇતિહાસમાં સૌથી ખરાબ ઘટના બની શકે છે.” અને કેટલી સાચી વાત છે – અત્યારથી જ આપણે ડીજીટલ બનવા, રોબોટિક્સને પ્રોત્સાહન આપવા માંડ્યા છીએ.

2011નું વર્ષ, ડિસ્કવરી ચેનલ પર ચાલી રહેલી સીરિઝ ક્યુરિયોસિટીમાં તેમણે બ્રહ્માંડની ઉત્પત્તિ પર પડકાર ફેંકેલો અને ‘ભગવાન’ અને ‘પુનઃજન્મ’ – બંનેની શક્યતાને નકારી કાઢી હતી અને અંધારાથી ડરેલા લોકો માટેની પરિકથા જેવું કંટ્રોવર્સીવાળું વાક્ય કહેલું. મૃત્યુની મર્યાદિત પ્રકૃતિને સામનો કરવા માટે તેમણે કહ્યું હતું કે, આપણે વર્તમાનમાં જીવનની અસાધારણ સુંદરતાની કદર કરવી જોઈએ. ત્યાં કદાચ કોઈ સ્વર્ગ નથી, અને પછી કોઈ જીવન પણ નથી. બ્રહ્માંડના ભવ્ય ડિઝાઇનની પ્રશંસા કરવા માટે આપણી પાસે આ એક જીવન છે, અને તે માટે, હું અત્યંત આભારી છું. 2010માં પ્રકાશિત થયેલા તેમના પુસ્તક ‘ધ ગ્રાન્ડ ડિઝાઇન’માં તેમણે બ્રહ્માંડની કાર્યશૈલીનું અધ્યયન કરીને તારણ આપ્યું કે બ્રહ્માંડની ઉતપત્તિ અને અસ્તિત્વ ભૌતિકશાસ્ત્રને કારણે છે, અને ભગવાનને કારણે નથી. બીજા એક અભ્યાસના આધારે એમણે કહ્યું કે, “કોઈ સાબિત કરી શકતું નથી કે ભગવાન અસ્તિત્વમાં નથી, પરંતુ વિજ્ઞાન ભગવાનને બિનજરૂરી બનાવે છે.” આને કહેવાય શ્રદ્ધાના નામ પર ચાલી રહેલા નીતનવા ઢોંગના રોંગ નંબર પર તમાચો!

સ્ટિફન હોકિંગ ને ભારત સાથે પણ ઘણો સંબંધ છે. 2001 માં પોતાનો જન્મદિવસ મુંબઈના ઓબેરોય ટાવર્સ હોટેલમાં મનાવેલો. ‘તાતા ઈન્સ્ટીટ્યુટ ઓફ ફંડામેન્ટલ રીસર્ચ’ દ્વારા દુનિયાની સર્વપ્રથમ ‘સરોજિની દામોદરન ફેલોશિપ’થી તેમને નવાજવામાં આવેલા. 62 વર્ષની ઉંમરના થયા ત્યારે ભારતીય પ્રોગ્રામર અરુણ મહેતાએ તેમની માટે એવું સોફ્ટવેર ઘડી આપ્યું જે એમના વિચારોની આગાહી કરી આપે. ભારતમાં આપેલા તેમના યાદગાર ભાષણમાં કહેલું: એક વાત મારે ખુલ્લા હૈયે કહેવી છે કે આપણા ગ્રહની સાચવણી આપણે કરવી પડશે. જો નહીં કરીએ, તો આવનારા હજાર વર્ષો માટે માનવજાતિનું અસ્તિત્વ નહીં રહે. હું એવું દ્રઢપણે માનું છું કે આપણે માનવોએ બીજા ગ્રહો પર વસવાટ શરૂ કરવો જોઈએ. We are running out of space on earth.

આપણે એવું માની લઈએ છીએ કે બહુ ભણેલા-ગણેલા હોય એને સમાજ સાથે પ્રમાણમાં ઓછો નિસબત હોય. એવા ગીક અને ભણેશ્રીઓ જીવનમાં કોઈ મજા કરતાં જ નહીં હોય – એમાંય વિકલાંગ હોય તો દુકાળમાં અધિક માસ. સ્ટિફન હોકિંગ માટે એવું ન હતું. એક જીનીયસના મનને ઉત્તેજિત કરવા માટે તેઓ બીટલ્સ, બ્રહ્મસ, બીથોવન અને મોઝાર્ટ જેવા બૅન્ડ અને સંગીત સાંભળતા. દર રવિવારે રાત્રે રેડિયો લક્ઝમબર્ગ પર ટોપ ફોર્ટી સાંભળતા. જાતિયજીવનમાં પોતાની પત્નીને મૂકી બિમારીના વખતમાં ધ્યાન રાખનારી નર્સ સાથે પ્રેમ કરી બેઠા અને લગ્ન પણ કર્યા. લોકપ્રિય લોકોનો લેન્ડસ્કેપ જોઈએ તો વિકલાંગતા ધરાવતા હોકિંગ સૌથી વધુ ફેમસ અને પ્રત્યક્ષ વ્યક્તિ હતા.એ એવું કહેતા કે હું અત્યારે જેમ સેલિબ્રિટી બન્યો છું એમાં મારી આ સ્થિતિ જવાબદાર છે. લોકો ‘શારીરિક વિકલાંગતા’ અને ‘સમસ્યાઓની વિશાળતા’ ના મિલાપ પર વધુ આકર્ષાય છે. હું તો એક સ્ટીરેયોટાઈપ જીનીયસ છે. જો કોઈ અક્ષમ હોય તો, તે જે વસ્તુઓ ન કરી શકે તે બદલ ખેદ કરવા કરતાં શું કરી શકે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. દુનિયાના 100 કરોડ દિવ્યાંગ લોકો માટે એમનો સંદેશ હતો કે વિકલાંગોને આમ-જનતા ભેદભાવથી ન જુએ અને એમની વિકલાંગતા અને અસામર્થ્યને સહાય મળે એ માટે વિકલાંગોએ પોતે પોતાના માટે એક સ્ટેન્ડ લેવો પડશે.

આટલા સ્પષ્ટ મુદ્દા અને નિખાલસ વિચારધારા. કોઈ જાતની ગૂંચવણ નહી. જો દિખતા હૈ વહી બિકતા હૈ. કહાં સે આયા થા વો, છૂ કે હમારે દિલ કો..કહાં ગયા ઉસે ઢૂંઢો!

પડઘોઃ

જ્યાં જાવુ છે ત્યાનો રસ્તો મારા પગલા શોધી લેશે,

મારી આગળ તે જે મૂક્યો છે એ રસ્તો ઉઠાવ તારો

– અનિલ ચાવડા

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here