ફેસબુક અને કેમ્બ્રિજ એનાલીટીકા- ગંદા હૈ પર ધંધા હૈ યે….

0
317
A Worried Mark Zuckerberg - Courtesy: inc.com

અભિમાન તો રાજા રાવણ નું પણ ટક્યું ન હતું, અહિયાં માર્ક ઝકરબર્ગ તો એક સામાન્ય માણસ છે. આ જ કોલમ માં મહિના ની શરૂઆત માં આપણે જોયું હતું કે કઈ રીતે સ્નેપચેટ ને એનું અભિમાન અને મુર્ખામી ભારે પડી હતી, અને એમાં એ પણ ઉલ્લેખ કર્યો હતો કે સ્નેપચેટ એના હરીફ ફેસબુક ની જેમ અભિમાની છે. યુઝર ના ડેટા અને એની પ્રાઈવસી બાબતે પહેલે થી ગાળો ખાતા ફેસબુક પર તાજેતર માં જ એક નવો આરોપ લાગ્યો જેમાં આશરે પાંચ કરોડ ફેસબુક યુઝર નો પર્સનલ ડેટા કેમ્બ્રિજ એનાલીટીકા નામની એક કંપની પાસે પહોચ્યો અને ફેસબુક નો ઉપયોગ કરી એ ડેટા ની મદદ થી 2016 માં થયેલી અમેરિકા ના પ્રમુખપદ માટે ની ચુંટણી ઓ માં ઘાલમેલ થઇ.

A worried mark zukerberg
A Worried Mark Zuckerberg – Courtesy: inc.com

આ બાબતે ફેસબુક પર અમેરિકા અને બ્રિટન એ મોટો આરોપ લગાવ્યો છે. કેમ્બ્રિજ એનાલીટીકા એ અમેરિકા ની ચુંટણી, બ્રેક્ઝીટ કેમ્પેઈન સહીત ઘણા દેશો માં ચુંટણી પરિણામો પ્રભાવિત કર્યાનો મામલો સામે આવ્યા પછી, અને પોતાનો ડેટા સુરક્ષિત નથી એ વાત અનુભવ્યા પછી ઘણા લોકો ફેસબુક પર થી પોતાની પ્રોફાઈલ ડીલીટ કરવા લાગ્યા છે, અને પોતાના ફોન માંથી ફેસબુક ની એપ્પ ડીલીટ કરવા માંડ્યા છે. અને આ વાત ની ગંભીરતા ત્યારે સામે આવી જયારે એલોન મસ્ક એ સ્પેસ એક્સ, ટેસ્લા સહીત એની બધી જ કંપની ના ઓફીશીયલ ફેસબુક પેજ ને કાયમ માટે ડીલીટ કરી દીધા.

આ વાત આટલી ગંભીર શા માટે છે? યુઝર ના ડેટા કોઈ કંપની લઇ ગઈ, અને એનો પોલીટીકલ ઉપયોગ થયો એમાં ફેસબુક નો શો વાંક? કેમ્બ્રિજ એનાલીટીકા નો ભારત સાથે શું સંબંધ છે? આ બધા જ સવાલો ના જવાબ આપણે એક પછી એક મેળવીએ.

1. ખરેખર થયું શું હતું? અથવા કેમ્બ્રિજ એનાલીટીકા કોણ છે, અને એનો ફેસબુક સાથે શું સંબંધ છે?

વાર્તા શરુ થાય છે 2007 આસપાસ, કેમ્બ્રિજ યુનીવર્સીટી સાથે સંકળાયેલા બે સંશોધકો એ ફેસબુક પર એક પર્સનાલીટી ક્વીઝ બનાવી, એ ક્વીઝ ના જવાબ પર થી એકઠો થયેલો ડેટા અને એ ફેસબુક યુઝર ની પ્રોફાઈલ ઇન્ફોર્મેશન પર થી એ સંશોધકો એ જે તે પ્રોફાઈલ નું સાઈકોલોજીકલ એનાલીસીસ કરતુ રીસર્ચ શરુ કર્યું

ફાસ્ટ ફોરવર્ડ ટુ 2013. કેનેડીયન ડેટા એનાલીસ્ટ અને લંડન લો સ્કુલ ના વિદ્યાર્થી એવા ક્રિસ્ટોફર વાયલી ને એક કંપની Strategic Communications Laboratories(SCL) એ પોતાની સાથે કામ કરવા આમંત્રણ આપ્યું, અને એને એક અલગ જ ડીવીઝન આપી દીધો જેને કેમ્બ્રિજ એનાલીટીકા નામ આપવા માં આવ્યું. આ જ સમયગાળા દરમ્યાન ઉપર કહેલા સાઈકો-એનાલીસીસ નું રીસર્ચ પ્રદર્શિત થયું. SCL જ્યાં ચુંટણી ઓ યોજાવવાની હોય ત્યાં એના ક્લાયન્ટ્સ ને ચુંટણી જીતવા માં “પુરતી” મદદ કરે છે. અને કેમ્બ્રિજ એનાલીટીકા ને આ જ કામ માટે સોશિયલ નેટવર્ક માંથી ડેટા એકઠો કરી અને યુઝર્સ ની સાઈકોલોજીકલ પ્રોફાઈલ બનાવવાનું કામ આપ્યું.

ઉપર કહ્યું એમ, મૂળ શોધકર્તા ઓ એ ફેસબુક ની મદદ થી ડેટા એકઠો કર્યો હતો. કેમ્બ્રિજ એનાલીટીકા ને આ ડેટા ખરીદવો હતો, પણ કોઈ કારણસર એ શોધકર્તાઓ અને કેમ્બ્રિજ એનાલીટીકા વચ્ચે કોઈ ડીલ ન થઇ શકી. અને ત્યારે એલેકઝાંડર કોગન નામના એક રિસર્ચર એ કેમ્બ્રિજ એનાલીટીકા  ને મદદ કરવાનો પ્રસ્તાવ મુક્યો.

એલેકઝાંડર કોગન એ પોતાની એકેડમિક રીસર્ચ એપ્પ બનાવી અને એનાથી કુલ ૫ કરોડ યુઝર્સ નો ડેટા એકઠો કર્યો, અને ફેસબુક માંથી લેવાયેલા એ ડેટા નો કેમ્બ્રિજ એનાલીટીકા એ ઉપયોગ કર્યો.

2. આ ડેટા એકઠો કરવા માં વાંધો શું છે? 

ફેસબુક નો એક નિયમ છે જે પ્રમાણે તમે યુઝર પાસે થી ભેગો કરેલો ડેટા કોઈ ને વેચી ન શકો, કે એનો કોઈ પણ કમર્શિયલ ઉપયોગ ન કરી શકો. એલેકઝાંડર કોગન એ આ ડેટા કેમ્બ્રિજ એનાલીટીકા (જેને હવે આપણે CA થી ઓળખશું)  ને વેચ્યો હતો. જે ફેસબુક ના નિયમો નો ખુલ્લેઆમ ભંગ છે.જે માટે ફેસબુક એ એલેકઝાંડર કોગન અને CA બંને ને પોતાના પ્લેટફોર્મ માંથી કાઢી મુક્યા હતા.

પણ એનાથી મોટો પ્રોબ્લેમ જે રીતે આ ડેટા ભેગો થયો એ રીત પર છે. જે પાંચ કરોડ યુઝર્સ નો ડેટા ભેગો થયો, એમાંથી ઓછા માં ઓછા 4.5 કરોડ યુઝર્સ નો ડેટા એની જાણ બહાર ભેગો થયો હતો. અને આ ફેસબુક નો સહુથી મોટો પ્રોબ્લેમ છે.

3. એ ડેટા કઈ રીતે એકઠો થયો હતો?

મૂળ શોધકર્તાઓ ની જેમ જ એલેકઝાંડર કોગન એ એક પર્સનાલીટી ક્વીઝ બનાવી હતી. અને એમાં આશરે અઢી થી પોણા ત્રણ લાખ યુઝર્સ એ ભાગ લીધો હતો. મૂળ શોધકર્તાઓ એ ફેસબુક ના યુઝર્સ ની જ પ્રોફાઈલ નો ડેટા લીધો હતો. જયારે એલેકઝાંડર કોગન એ એની ક્વીઝ માં ભાગ લેનારા યુઝર્સ નો ડેટા તો લીધો જ હતો, સાથે એ અઢી લાખ યુઝર્સ ના ફ્રેન્ડ લીસ્ટ માં જેટલા હતા એ બધા નો પણ ડેટા લીધો હતો.

4. આ ડેટા માં એવું શું હતું કે જે વાંધાજનક હતું?

એ દરેક યુઝર ની ફેસબુક પ્રોફાઈલ માં જેટલો ડેટા હોય એ બધો. નામ, ઈમેઈલ એડ્રેસ, પ્રોફાઈલ પિક્ચર, તમારા ફ્રેન્ડસ નું લીસ્ટ, એમની લાઈક્સ, લખેલી પોસ્ટ્સ, અપલોડ કરેલી ઈમેજ, કમેન્ટ્સ, રીએક્શન્સ, વગેરે. એ ઉપરાંત જો તમે ફેસબુક એપ્પ, કે ફેસબુક મેસેન્જર વાપરતા હો તો એની મદદ થી એકઠો કરેલો ડેટા. જેમકે તમારું કોન્ટેક્ટ લીસ્ટ, તમારું લોકેશન, ઇન્સ્ટોલ કરેલી એપ્પ્સ વગેરે.

આમ તો આ કશું વાંધાજનક નથી હોતું, કારણકે મોટા ભાગનો ડેટા આપણે સામેથી ફેસબુક (કે કોઈ પણ સોશિયલ નેટવર્ક) ને આપીએ જ છીએ. પણ પ્રાઈવસી ના કાયદા પ્રમાણે, જયારે પણ આ ડેટા નો ઉપયોગ થાય ત્યારે એમાંથી Personally Identifiable Information (PII) ને દુર કરી નાખવાની હોય. ધારો કે એક યુઝર છે જે ૨૫-૩૦ વર્ષ ની વચ્ચે નો પરિણીત પુરુષ છે, અમદાવાદ માં ભાડે ના ઘર માં રહે છે, GLF અને Marvel Studios ને લાઈક કરે છે, એની પાસે એક મીડ રેંજ એન્ડ્રોઇડ ફોન છે, એની પાસે એક બાઈક છે અને એની માસિક આવક 30-50 હજાર વચ્ચે છે.  આ એક નોર્મલ ઇન્ફોર્મેશન થઇ, પણ આ પ્રોફાઈલ પ્રશમ ત્રિવેદી ની છે અને એનો નંબર 95******22 છે એ Personally Identifiable Information થઇ.

એલેકઝાંડર કોગન એ જે ડેટા એકઠો કરી ને CA ને વેચ્યો હતો એ એવો ડેટા હતો જેમાં જે-તે વ્યક્તિ ને નામ અને નંબર સાથે ઓળખી શકાય. અને CA ઉર્ફે કેમ્બ્રિજ એનાલીટીકા ના બે મોટા ઇન્વેસ્ટર ટ્રમ્પ ના મુખ્ય ચૂંટણી સલાહકાર સ્ટીવ બેનન અને ટ્રમ્પ ના સમર્થક અને ટ્રમ્પ માટે ફંડફાળો ભેગો કરનાર રોબર્ટ મર્સર હતા.

એ એકઠા કરાયેલા ડેટા નો ડોનાલ્ડ ટ્રમ્પ ના પ્રચાર માં કઈ રીતે ઉપયોગ થયો હતો, અને ભારત માં એનો ઉપયોગ કોણે કર્યો હોઈ શકે એ જાણીશું આપણે આવતા અઠવાડીએ.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here