આયોજન વગરની જિંદગી એટલે અણધાર્યા અવસરોનો સરવાળો

0
479
Photo Courtesy: dreamstime.com

જિંદગીમાં આયોજન જરૂરી છે. ધંધા, વ્યવસાય, શિક્ષણ, ઉજવણી, સામાજિક પ્રસંગો વગેરેમાં તો આયોજન ખૂબ જ મહત્વ ધરાવે છે.  એમાં ‘હરિ ઇચ્છા બળવાન’ વાળી વાત ચાલતી નથી. ધાર્યું પરિણામ ન મળે ત્યારે ભલે ‘હરિ ઇચ્છા બળવાન’ એમ માનવું પડે, પરંતુ કાર્યની શરૂઆતમાં તો આપણે આયોજનને જ મહત્વ આપતા હોઈએ છીએ.

Photo Courtesy: dreamstime.com

છતાંય, એ વાત પણ માનવી જ પડશે કે, જિંદગીમાં કેટલીક નાનીમોટી ખુશીઓ આપણને વગર આયોજને પણ મળી જતી હોય છે.  કોઈ માણસ પોતાના ઘરના દરવાજે પતંગિયાનું સુંદર ચિત્ર મુકાવીને ખુશ થવાનું આયોજન કરી શકે છે. પરંતુ ક્યારેક કોઈક જીવતુંજાગતું, સાચુકલું પતંગિયું ઊડતું ઊડતું એના ઘરના દરવાજે આવીને બેસી જાય અને એ જોઈને એને જે ખુશી થાય, એ ખુશી મેળવવા માટે એણે કોઈ જ આયોજન કર્યું હોતું નથી. અરે, એ પતંગિયાને તસવીરમાં કેદ કરવા માટે એને કેમરો પણ હાથવગો હોતો નથી!  કોઈ માણસ જાણીતી જગ્યાએ પ્રવાસે જાય ત્યારે પ્રવાસમાં વચ્ચે કોઈ અજાણી જગ્યા પણ આવે. એ અજાણી જગ્યાએ એને એટલો બધો આનંદ મળે, જેટલો આનંદ એને પેલી જાણીતી જગ્યાએથી પણ ન મળ્યો હોય. એ જગ્યાની મુલાકાત માટે એણે આયોજન પણ ન કર્યું હોય.  

ખુશી તો અણધારી ગમે ત્યાંથી મળી જાય. મોંઘેરી હોટેલના બદલે ફૂટપાથ પરના ધાબા પરથી પણ મળી જાય. તમે ઘરની બારી પરથી પરદો હટાવો ને તમને મેઘધનુષ જોવા મળી જાય. વતનની દૂર એવી કોઈ જગ્યાએ વર્ષો પછી વતનનો કોઈ માણસ ભેગો થઈ જાય. તમે મનમાં ઉદ્વેગ લઈને મંદિરે ગયા હો અને કોઈ સાવ અજાણી વ્યક્તિ કોઈ પણ સ્વાર્થ વગર તમને ‘જય શ્રી કૃષ્ણ’ કહે અને તમારું મન શાંત થઈ જાય. તમે જવા ખાતર કોઈ પ્રસંગમાં ગયા હો અને ત્યાં કોઈની સાથે કાયમી મિત્રતા બંધાઈ જાય. ફેસબુક પર ભૂલથી કલિક થઈ જાય, કોઈને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલાઈ જાય, એ ફ્રેન્ડ બનેલી વ્યક્તિ સુખદુઃખમાં તમારી સાથે રહે, એવું પણ બને. જીવનમાં ખુશી માટે અઢળક અઢળક શક્યતાઓ છે. બસ, એને વધાવી લેવી પડે.

રતનભાઈ નામે મારા એક પરિચિત સજ્જન, એમના પોતાના આયોજન મુજબ સફરમાં નીકળ્યા. તેઓ એક બસ ચૂકી ગયા. એમને ખૂબ જ અફસોસ થયો. મોડેથી એમણે  બીજી બસ પકડી. એમને એ બસમાં ઊભાં ઊભાં મુસાફરી કરવી પડી. વચ્ચે એકાદ સ્ટેશન પર બસમાંથી થોડા મુસાફરો ઊતર્યા, એથી રતનભાઈને બેસવા માટે જગ્યા મળી ગઈ. એમણે બાજુમાં બેઠેલા મુસાફર સાથે વાતચીતની શરૂઆત કરી. એ બંનેના રસના વિષયો સરખા હોવાથી એમની વચ્ચે ઘણી વાતો થઈ. છૂટા પડતી વખતે રતનભાઈને એ નવા પરિચિત મુસાફરે પોતાનું ‘વિઝિટિંગ કાર્ડ’ આપ્યું. એ કાર્ડના લીધે રતનભાઈની જિંદગીમાં મોટું પરિવર્તન આવ્યું. બન્યું એવું કે, એ કાર્ડના આધારે એ બંને વચ્ચે વારંવાર મુલાકાતો થઈ, જે મુલાકાતોએ રતનભાઈને એમનો વ્યવસાય જમાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. એ મુલાકાત રતનભાઈ માટે  ચમત્કારિક જ ગણાયને? રતનભાઈએ પોતાના વ્યવસાયના વિકાસ માટે મળેલી તકનો લાભ લેવા માટે પૂરતું આયોજન કર્યું હતું, પરંતુ એ બંને વચ્ચેની પહેલી મુલાકાત માટેનું આયોજન કોણે કર્યું હશે! રતનભાઈ એક બસ ચૂકી જાય અને બીજી બસ પકડે એ કારસો કોણે રચ્યો હશે!   

‘છોટીસી મુલાકત પ્યાર બન ગઈ’ એ વાત માત્ર ફિલ્મોમાં જ નથી બનતી, હકીકતમાં પણ બનતી હોય છે. એવી મુલાકાત મોટાભાગે  આકસ્મિક જ હોય છે! કોઈ યુવાન કે યુવતી પ્રેમમાં પડવાનું આયોજન કરીને કે ચોઘડિયાં જોઈને ઘરેથી નથી નીકળતાં! પછી, એમનાં લગ્ન માટે ચોઘડિયાં જોવાય અને નાનાંમોટાં આયોજનો થાય એ જુદી વાત છે.

વિજ્ઞાનની કેટલીય શોધખોળોમાં અકસ્માતે પણ ભાગ ભજવ્યો છે! એવા અકસ્માતો વિશે ઘણું ઘણું લખાયું છે. પરંતુ કેટલીય સ્વાદિષ્ટ વાનગીઓ બનવવાની રીતની શોધ પણ અકસ્માતે જ થઈ છે. કહેવત છે કે: ‘બનાવવા ગયા’તા કંસાર અને બની ગઈ થૂલી.’ એ કહેવત મુજબ જે બનાવવું હોય એ ન બને અને બીજું કશુંક બની જાય. પરંતુ એ બીજું કશુંક એવું બને કે બનવાનારનાં ભાગ્ય ઊઘડી જાય! બીજા કેટલાય લોકોનાં પણ ભાગ્ય ઊઘડી જાય. લોકોને આજીવિકાનું એક નવું માધ્યમ મળી જાય. આજકાલ, સુરતનો લોચો વખણાય છે. એ લોચા માટે એવું કહેવાય છે કે, ‘કોઈનાથી ખમણ બનવાતી વખતે લોચો પડ્યો અને એ લોચાના કારણે લોચો બનાવવાની રીત અમલમાં આવી!’ લોચા જેવી કેટલીય વાનગીઓ આપણે અપનાવી લીધી છે. એવી વાનગીઓ વિશે કોઈકે તો સંશોધન કર્યું હશે. ન કર્યું હોય તો કોઈકે તો કરવા જેવું છે.   

મેં ‘પ્રસન્નતા’ શીર્ષકથી એક વાર્તા લખી છે. એ વાર્તાનો નાયક એક લેખક છે, જે સામાન્ય  સ્થિતિનો છે. એ ઘરેથી કેરોસીનની દુકાને કેરોસીન લેવા જાય છે અને લાંબી લાઈનમાં ઊભો રહે છે. એક દારૂડિયાની ગાળ પણ ખાય છે. કેરોસીન ખલાસ થઈ જાય છે. એ કેરોસીન લીધા વગર જ ઘરે પાછો આવતો હોય છે. એ દરમ્યાન એનું મન વિચારે ચડે છે. એ ઘરે પહોંચે છે ત્યારે એનું મન પ્રસન્નતાથી ભરેલું હોય છે. એને કેરોસીન નથી મળ્યું છતાં એ પ્રસન્ન હોય છે. કારણ કે, એને એ દિવસના અનુભવ પરથી એક વાર્તા મળી ગઈ હોય છે! કેટલીય વાર્તાઓ, કવિતાઓ, નવલકથાઓ વગેરેનાં સર્જન માટે અણધાર્યા પ્રસંગો નિમિત્ત બન્યા હોય છે. આયોજનનો વારો પછીથી આવે છે.

કોલંબસ જળમાર્ગે નીકળ્યો’તો ભારત આવવા અને પહોંચ્યો અમેરિકા! રાજીવ ગાંધી હતા પાયલોટ અને એમની માતાજીની હત્યાના કારણે તેઓ બની ગયા ભારત દેશના વડાપ્રધાન! શ્રીમતી ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાગુ કરી, ત્યારે કેટલાય યુવાનોને એકાએક જેલમાં જવું પડ્યું. એ યુવાનો જેલમાંથી બહાર નીકળ્યા પછી કેટલાક યુવાનોની રાજકીય કારકિર્દી બની ગઈ. કારણ કે, એ યુવાનોને જેલમાં કેટલાંય અનુભવી નેતાઓનાં સંપર્કનો લાભ મળ્યો. જે કટોકટીએ એમને દુઃખી કર્યા, એ જ કટોકટીએ એમને સુખી કર્યા. આ તો એના જેવી વાત છે કે, રામને વનવાસ ન થયો હોત તો રાવણનો નાશ ન થાત. ઇતિહાસ પણ કેટલાય અકસ્માતોથી હર્યોભર્યો છે!

કહેવાનો આશય એ પણ નથી કે, ‘બધું જ અકસ્માતે થાય છે માટે કોઈ પ્રકારનું આયોજન જ ન કરવું.’  વળી, જેમ સુખદ અકસ્માતો થાય છે એમ  દુખદ અકસ્માતો પણ થતા હોય છે.  કેટલાક લોકો જિંદગીમાં સુખદ અકસ્માતો જ બને અને દુખદ અકસ્માતો ટળે એ માટે અવનવી અને ખર્ચાળ વિધિઓમાં જ રચ્યાપચ્યા રહેતા હોય છે. એ લોકો ભલે ઈશ્વરમાં માનતા હોવાનો ડોળ કરતા હોય, હકીકતમાં ઈશ્વરના નિર્ણયોને ન  સ્વીકારવાનાં એ ધમપછાડા જ હોય છે.  

તો ચાલો, તમારા જીવનમાં સુખદ અકસ્માતો થતા રહે એવી શુભ ભાવના સાથે રજા લઉં. કદાચ કોઈ સુખદ અકસ્માત મારી પણ રાહ જોતો હોય! 

આવજો અને જલસા કરજો. 

eછાપું

તમને ગમશે: કેવિન સ્પેસી દ્વારા સત્યનો સ્વીકાર કરતાજ હોલીવુડ નો દંભ પ્રકાશ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here