એક ડોક્ટર મહિનામાં એક દિવસ ગરીબોની સેવા ન કરી શકે?

0
569
Photo Courtesy: brecorder.com

તમે આ લેખ વાંચવાનું શરુ કરો તે પહેલા હું એક સ્પષ્ટતા કરી દઉં કે મને ડોક્ટર જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે કોઈજ અંગત દુશ્મની નથી, પરંતુ ઘણીવાર જીવનમાં એવું બને કે તમારે તમારો આક્રોશ ઠાલવવો પડે. બસ કેટલાક ડોક્ટરોના અનુભવે મને મજબૂર કરી દીધી કે હું આ આર્ટીકલ આક્રોશિત થઈને લખું.

Photo Courtesy: brecorder.com

આ છે 21મી સદી, જેમાં પ્રકૃતિ કરતા કૃત્રિમતાનું વધુ મહત્વ, સેલ્ફથી વધુ સેલ્ફીનું મહત્વ અને બીમારીથી વધુ દવાખાનાનું મહત્વ. આજકાલ આપણે ત્યાં મોટા દવાખાનામાં જવાનો ટ્રેન્ડ હાઉસફુલ થતો જાય છે. લોકો નાની-નાની બીમારીમાં પણ મોટા દવાખાને જાય છે, અને અમે તો ફલાણા-ઢીકણા ડોક્ટર ને બતાવ્યું કહીને ગર્વની લાગણી અનુભવતા હોય છે. પણ આ તો મોટા લોકોની વાતો છે. હમણાંથી મારી હોસ્પિટલની મુલાકાતો વધતી જાય છે અને મારો જીવ બળતો જાય છે.

કોઈ પણ મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલમાં જઈએ તો ત્યાંનું વાતાવરણ તણાવયુક્ત લાગે, ડોક્ટરો તો દેખાય જ નહીં માત્ર રીસેપ્શનીસ્ટ, લેબ આસીસ્ટન્ટ અને પેશન્ટની દોડાદોડી જોવા મળે. ભગવાનને મળવા માટે જેટલું તપ ન કરવું પડે એટલું તપ આપણે ડોક્ટરની એપોઇન્ટમેન્ટ માટે કરવું પડે. વળી નોટબંધી વખતે લાઈનમાં ન ઉભી રહેતી પ્રજા આ પ્રાઈવેટ દવાખાનાની લાઈનોમાં પોતાનો વળ મુકીને ઉભા રહેતા જોવા મળે. ડોક્ટરનો કોઈ ફિક્સ ટાઈમ હોય નહીં, ગમે ત્યારે ડોક્ટર ઓપરેશનમાં જતા રહે વળી ક્યારેક પેશન્ટ બહાર ઉભા હોય અને ડોક્ટર અંદર આરામથી ફોન પર વાતો કરતા હોય. MRને ડોક્ટર પાસે પહોચાડવા માટે અલગ કેબીનમાંથી લઇ જવામાં આવે. વળી, જયારે તમે રીસેપ્શનમાં પૂછો ત્યારે તમને એક જ જવાબ મળે માત્ર 10 મિનીટમાં તમારો વારો આવશે. આ 10 મિનીટ એક કલાક, બે કલાક કે 10 કલાકની પણ હોઈ શકે.

આટ-આટલા તપ અને સંયમ પછી માંડ તમને ડોક્ટરનું મોઢું જોવા મળે, હજુ તમને ડોક્ટરને મળો-ન મળો ત્યાં તો ડોક્ટર તમને 5-6 રીપોર્ટ કરાવવાનું કહી તમને વિદાય આપે. આ રીપોર્ટ વળી એ જ હોસ્પિટલમાં કરી આપવામાં આવે અને તેના માટે અઢળક રૂપિયા આપવાના. રીપોર્ટ કરાવ્યા બાદ તે આવે તેની ઉપાધી, આવ્યા બાદ ફરી ડોક્ટર ક્યારે મળે તેની ઉપાધી. રૂપિયા અને પૂરતા સમય વગર તમે કોઈ દવાખાને જઈ જ ન શકો. મને એ વાંધો નથી કે ડોક્ટરો પૈસા કમાય છે પણ વાંધો એ છે કે કેટલાક ડોક્ટર માત્ર પૈસા જ કમાય છે.

ધનવાન તો છોડો ગરીબ લોકો પણ છે, જેમની પાસે હોસ્પિટલ પહોચવાના રૂપિયા માંડ ભેગા થયા છે અને એ લોકો એક દિવસની મજુરી છોડી તમારા દવાખાને આવે છે જ્યાં તમે એમને આટલા લાંબા વેઈટીંગ કરાવી “બાવાના બેય” બગાડાવો છો. એ લોકો કઈ રીતે મસમોટી ફી ચૂકવશે? આવા લોકોની મજબૂરી હોય છે: એમનો જીવ. બાકી એ શા માટે મુંડાવા આવે? આમ, છતાં સેવાના ક્ષેત્રમાં બેઠેલા કેટલાક ડોક્ટરો માત્ર ધંધો જ કરતા હોય છે એવું એમના વર્તન પરથી આપણને સતત લાગતું રહે છે.

આપણે હર હમેશ પોલીટીશ્યન અને નેતાઓને જ વખોડીએ છીએ કે તેઓ આપણા પૈસા ખાઈ ગયા અથવા તો વોટ લઇ ગયા અને કામ નથી કરતા વગેરે. પણ આ પ્રકારના ડોક્ટરો પણ મને નેતાથી ઓછા નથી લાગતા. કેમકે એમની પાસે ભગવાનની ઉપમા છે આપણા દેશની ગરીબડી પ્રજાઓ જેને ખરેખર સાયન્સ કે મેડીકલ સાથે કોઈ સંબંધ નથી એમને આ પ્રકારના ડોક્ટરો માત્ર પૈસા કમાવવાના લાભાર્થે લુંટી લે છે. સૌથી પેલા કેસ લખાવવાનો ચાર્જ, ત્યારબાદ ઢગલાબંધ રીપોર્ટ, વળી તેના જ મેડીકલમાંથી મળતી દવાઓ, (જેનરિક દવાઓ માત્ર સપનામાં જ હોય છે) અને વળી મહિના બાદ ફરી આ જ પ્રોસેસ. જુના કેસના નામે પણ એ લોકો મોટી ફી ઉઘરાવે છે એટલું જ નહીં દવા તમને માફક ન આવી હોય અને તમે ફરી બતાવાવા જાઓ તો પણ ચાર્જ તો એટલો જ થશે.

હું ફરી કહું છું, બધાજ ડોક્ટરો સાથે મને કોઈ વાંધો નથી. હું માનું જ છું કે મોટાભાગના ડોક્ટરો આપણા લાંબા આયુષ્ય અને તંદુરસ્ત જીવન માટે પોતાની પરવા નથી કરતા હોતા પણ જે લોકોને ખરેખર મદદની જરૂર છે, જે લોકો આટલી લાંબી ફી નથી ભરી શકતા તેમના માટે કઈંક કરે. ડોક્ટરોએ મહિનામાં એકથી બે કેસ એવા લેવા જોઈએ જેમાં તે પૈસાને છોડી પુણ્ય કમાવવા પર ફોકસ કરી શકે.

eછાપું

તમને ગમશે: મને મારી સેકસ્યુઆલિટી પર ગર્વ છે: કરન જૌહર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here