જલિયાંવાલા બાગ હત્યાકાંડનો માસ્ટર-માઈન્ડ જનરલ ડાયર નહોતો !?

1
548
Photo Courtesy: hindustantimes.com

નવ્વાણુ વર્ષ થયા એ વાત ને. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો લોહિયાળ બનાવ – જલિયાંવાલા બાગ હત્યાકાંડ! દિવસ હતો 13 એપ્રિલ 1919 અને રવિવાર. પંજાબમાં બૈસાખીનો તહેવાર. ભારતનો આધુનિક ઈતિહાસ એ દિવસે શરૂ થાય છે. સ્કૂલની ચોપડીઓનો ઈતિહાસ એટલું જ કહે છે કે અમૃતસરના જલિયાંવાલા બાગમાં 20000 માણસો બૈસાખીના તહેવારની ઉજવણીની સાથે સાથે, ભેદભાવ વાળા બ્રિટિશ કાયદાના વિરોધમાં એકત્ર થયેલા. એ દિવસે જલંધરથી આવેલા બ્રિગેડ કમાન્ડર, બ્રિગેડિયર જનરલ રેજિનલ્ડ એડવર્ડ હેરી ડાયરે (Reginald Edward Harry Dyer) સાંજે પાંચ વાગે ત્રીસ જ સેકંડમાં નિર્ણય લીધો, દસ મિનિટમાં 1650 ગોળીઓ છૂટી, અંતે ગોળીઓ ખૂટી માટે ગોળીબાર અટકાવવો પડ્યો. કેટલા લોકો માર્યા ગયા એનો આંકડો ખબર નથી. પાછળથી હાઉસ ઑફ લોર્ડ્ઝે 123-86ની બહુમતીથી ડાયરની તરફદારી કરી, પણ જલિયાંવાલા બાગની લાલ મિટ્ટીથી ભારતીય ઈન્કલાબ આખા મુલ્ક પર ફેલાઈ ગયો.

Photo Courtesy: hindustantimes.com

કટ ટુ 1940.

21 વર્ષ પછી, 13 માર્ચ 1940ની સાંજે લંડનના કેક્ષટનહૉલમાં ટ્યોડર રૂમમાં સેન્ટ્રલ એશિયાઇ સોસાયટી અને ઇસ્ટ ઇન્ડિયા એસોસિએશનની બેઠક જામી હતી. સંપૂર્ણ ઇંગ્લિશ પોશાક પહેરેલા 37 વર્ષના ગૃહસ્થ ઉધમસિંઘ ઉર્ફે મોહમ્મદ સિંઘ આઝાદે સભામાં અમેરિકી બનાવટની 0.45 ગેજની સ્મિથ એન્ડ વેસન રિવૉલ્વરમાંથી 6 ગોળીઓ છોડી. 2 ગોળીઓ એક 75 વર્ષના પુરુષને જમણા ફેફસામાં અને હૃદયમાં લાગી, ત્યાંને ત્યાં ફેંસલો! જે લાશ ઢળી પડી એ સર માઈકલ ઓ’ડવાયર (Michael O’Dwyer) ની હતી. તરત જ ઉધમસિંઘની ધરપકડ થઈ અને ફાંસીની સજા ફરમાવવામાં આવી. ફાંસીની ટ્રાયલ દરમિયાન ઉધમસિંઘે કહ્યું, “મેં આ કરતૂત કર્યું છે કારણ કે તેની (માઇકલ ઓ’ડવાયર) સામે મને રોષ હતો. તે એ જ લાયકનો હતો. તે વાસ્તવિક ગુનેગાર હતો. તે અમારા લોકોની ભાવનાને કચડી નાખવા માંગતો હતો, તેથી મેં તેને કચડી નાખ્યો છે. 21 વર્ષથી, હું આ વેર વાળવા માટે પ્રયાસ કરી રહ્યો છું. હું ખુશ છું કે મેં આજે કામ કર્યું છે. હું મૃત્યુથી ડરતો નથી. હું મારા દેશ માટે મૃત્યુ પામું છું. મેં બ્રિટીશ શાસન હેઠળ મારા લોકોને ભારતમાં ભૂખે મરતા જોયા છે. મારી માતૃભૂમિની ખાતર મૃત્યુ મળે એ કરતાં કયું સન્માન મોટું હોઈ શકે?”

કોણ હતો માઈકલ ઓ’ડવાયર? તેનો અને જલિયાંવાલા બાગ હત્યાકાંડનો શું સંબંધ?

માઈકલ ઓ’ડવાયર વિશે પહેલી વખત રજૂઆત ચંદ્રકાંત બક્ષીએ કરેલી.

*****

બક્ષીબાબુ લખે છે કે માઈકલ ઓ’ડવાયર બ્રિટિશ શાસનનો માનીતો હાકેમ હતો. સન 1912 થી 1919 સુધી પંજાબનો લેફ્ટનન્ટ ગવર્નર હતો. 1914-1918 દરમ્યાન થયેલાં પ્રથમ વિશ્વયુદ્ધનાં પહેલાં બે વર્ષોમાં એણે એક લાખથી વધુ સૈનિકો પંજાબમાંથી બ્રિટિશરાજને પૂરા પાડ્યા હતા. પછી બીજા 1,20,000 સૈનિકો ભરતી કરાવી આપ્યા, સંધિ થઈ ત્યાં સુધી પાંચ લાખ સૈનિકો હકૂમતને મદદ કરી રહ્યા હતા, જેમાંથી 1,40,000 પંજાબી મુસલમાન અને 90,000 શીખ હતા.

રશિયાની ઑક્ટોબર 1917 બોલ્શેવિક જનક્રાંતિ પહેલાં ઓ’ડવાયરે રશિયાની મુલાકાત લીધી હતી. હંટર કમિટીને ઓ’ડવાયરે કહ્યું હતું: “હું રશિયામાં હતો ત્યારે ટૉલ્સટૉયનો સિદ્ધાંત આગળ વધી રહ્યો હતો.” ઓ’ડવાયરની દ્રષ્ટિએ લિયો ટૉલ્સટૉય બોલ્શેવિઝમના ક્રાંતિકારી વિચારોના પુરોગામી હતા. ટૉલ્સટૉયની ગાંધી પર અસર હતી એ જાહેર હતું. ગાંધી અને ટૉલ્સટૉયને પત્રવ્યવહારનો સંબંધ હતો. જો ગાંધીના સિદ્ધાંતોને ટૉલ્સટૉયના વિચારોની જેમ અમલમાં મૂકવામાં આવે તો હિંદુસ્તાનમાં પણ રશિયા સર્જાઈ જાય. વિશેષમાં દોઢેક લાખ જેટલા પંજાબી સૈનિકો છૂટા થઈ ચૂક્યા હતા. કદાચ આ બધાં કારણોથી રશિયાના અનુભવી ઓ’ડવાયરને જલિયાંવાલા ભાગની ભીડમાં બોલ્શેવિક ક્રાંતિના તણખા દેખાયા અને ગાંધીમાં આતંકવાદી દેખાયો. 1857ની ક્રાંતિનું પુનરાવર્તન થતું દેખાઈ રહ્યું હતું. ભારતમાં પ્રથમ હડતાલો પણ શરૂ થઈ ચૂકી હતી. જલિયાંવાલા બાગમાં એકઠા થયેલા લોકોએ વિધાનસભા વસાહતી માર્શલ કાયદાની અવગણના કરી હતી, જેના હેઠળ પંજાબમાં તમામ જાહેર સભાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

જલિયાંવાલા બાગ હત્યાકાંડ એ કોઈ અનપ્લાન્ડ ઘટના ન હતી. એ તો પંજાબમાં ત્રાસવાદી શાસનને દૂર કરવાના હેતુથી સોચી સમજી સાજિશ હતી જેના કારણે એ પહેલાં અને પછી થયેલી ઘટનાઓની સાંકળમાં એક મહત્વની કડી બની રહી. અને કેવો પ્લાન!! સર માઈકલ ઓ’ડવાયરના માસ્ટર-માઈન્ડે માત્ર અમૃતસરમાં જ નહિ, પણ લાહોર, ગુજરાનવાલા, કસૂર અને શાયકુપુરમાં પણ આવી લોહીની હોળીઓ રમેલી. જલિયાંવાલા હત્યાકાંડના થોડા દિવસો પહેલાં ઓ’ડવાયરે પંજાબને એક એવા પ્રદેશમાં ફેરવી દીધેલું જેમાં લોકોને ટોર્ચર અને અસહનીય અપમાનો સહન કરવા પડ્યા. તેના આદેશો હેઠળ જ ગાંધીજીને પંજાબ દાખલ કરવાથી અટકાવવામાં આવ્યા અને દિલ્હી નજીક પલવાલ ખાતે તેમની ધરપકડ કરવામાં આવી હતી. અમૃતસરના લોકપ્રિય નેતા સત્યપાલ અને સૈફુદ્દીન કીચલૂને કોઈ ‘અજાણ્યા સ્થળે’ મોકલીને દેશનિકાલ કરવામાં આવ્યો. એવો પણ એક પ્લાન હતો કે પંજાબના શહેરો પર એરોપ્લેનથી બોમ્બમારો કરવો.

જનરલ ડાયરે બાગમાં જમા થયેલ ભીડને કોઈ પ્રકારની ચેતવણી આપી ન હતી, ગોળીબાર કરવા માટે અમૃતસર જિલ્લા મેજિસ્ટ્રેટની લેખિતમાં પરવાનગી પણ લીધેલ ન હતી. હકીકતમાં, જે માર્શલ લૉ ના વિરોધમાં લોકો એકઠા થયેલા એ લૉ 15 એપ્રિલ, 1919 ના રોજ ઔપચારિક રીતે જાહેર કરવાનો હતો પણ જનરલ ડાયરે તેને 12 એપ્રિલથી જ લાદી દીધો હતો અને લોકોને તેના વિશે જણાવવા કોઈ પ્રયત્નો પણ કર્યા ન હતા. બ્રિટીશ રાજ હોય કે આજની મોદી સરકાર, કોઈ પણ પ્રકારના રાજકીય નિર્ણય લેતા પહેલાં સરકારને એ વાતની જાણ કરવી જરૂરી છે. પણ જનરલ ડાયરે અમૃતસરના નાયબ કમિશ્નરને બાયપાસ કરીને ઓ’ડવાયર સાથે સીધો જ સંપર્ક કરેલો. વધુમાં, કાર્યવાહી બાદ જનરલ ડાયરે ખાસ સંદેશવાહક દ્વારા ઓ’ડવાયરને સીધો અહેવાલ મોકલી આપ્યો હતો. ઓ’ડવાયરે ડાયરને ટેલિગ્રામ કરીને કહેલું: “તમે કરેલી કાર્યવાહી સાવ સાચી છે. લેફ્ટનન્ટ ગવર્નર આ કાર્યવાહીને મંજૂર કરે છે”.

આ હત્યાકાંડ વિશેના સમાચારને દેશના અન્ય ભાગોમાં ફેલાવવાની મંજૂરી મહિનાઓ સુધી આપવામાં આવી ન હતી. ક્રાંતિકારી નેતા લાલા લજપત રાય, ફેબ્રુઆરી 1920 માં યુ.એસ.એ.થી ભારત આવ્યા ત્યારે તેમણે તરત જ આખા પ્રકરણની ઊંડી તપાસ કરવાનું શરૂ કર્યું. 4 સપ્ટેમ્બર, 1920 ના રોજ સર માઈકલ ઓ’ડવાયરના વિરુદ્ધ 12-પોઈન્ટ ચાર્જશીટ બહાર પાડવામાં આવી અને એવું જાહેર કરવામાં આવ્યું કે અસલી માસ્ટર-માઈન્ડ ઓ’ડવાયર જ છે. ભારતના ઈતિહાસનું આ એક રહસ્ય છે, જે પુસ્તકોમાં ભણાવવામાં નથી આવતું.

પડઘોઃ

જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી કસાઈ જનરલ ડાયરને હંટર કમિશન દ્વારા પૂછવામાં આવેલાં પ્રશ્નો અને નફ્ફટાઈ અને ઉદ્ધતાઈપૂર્વકના તેના જવાબો આ રહ્યાઃ

પ્રશ્નઃ જલિયાંવાલા બાગમાં જઈને તમે શું કર્યું?

ઉત્તરઃ મેં ગોળીબાર કર્યો.

પ્રશ્નઃ તરત જ?

ઉત્તરઃ હા, તરત જ. મેં નક્કી જ કરી રાખ્યું હતું. મારી ફરજ શી છે તે નક્કી કરવામાં મને ત્રીસ સેકન્ડ પણ નહીં લાગી હોય.

પ્રશ્નઃ ફાયરિંગ થયું કે તરત જ લોકો નાસવા માંડ્યા હતા?

ઉત્તરઃ તરત જ.

પ્રશ્નઃ તમે ફાયરિંગ ચાલુ રખાવ્યું?

ઉત્તરઃ હા.

પ્રશ્નઃ બાગમાંથી નીકળવાના રસ્તાઓ તરફ લોકોની ભીડ ગઈ હતી?

ઉત્તરઃ હા.

પ્રશ્નઃ ભાગી છૂટવાના માર્ગો તરફ વધુ ભીડ હતી?

ઉત્તરઃ હા.

પ્રશ્નઃ જે તરફ ભીડ હતી તે તરફ ફાયરિંગ કરાવ્યું હતું?

ઉત્તરઃ હા, એવું જ.

પ્રશ્નઃ સાચું પગલુ કયું હશે એ નક્કી કરવાનો સમય તમારી પાસે હતો જ્યારે તમે બાગ તરફ જઈ રહ્યા હતા અને તમે નક્કી કર્યું કે જો બાગમાં મિટિંગ હોય તો તમે તરત ફાયરિંગ કરશો, બરાબર?

ઉત્તરઃ હા, મેં નક્કી કરી જ લીધું હતું.

પ્રશ્નઃ તમારી ટૂકડી પર હુમલો કરવાની શક્યતા નહોતી વિચારી?

ઉત્તરઃ ના, પરિસ્થિતિ ગંભીર હતી. મેં નક્કી કર્યું હતું કે જો તેઓ મિટિંગ ચાલુ રાખશે તો ત્યાં ઉપસ્થિત તમામને મારી નાખવા.

પ્રશ્નઃ ફાયરિંગ વગર ભીડને વિખેરવાનાં પગલાં લેવાનું તમે વિચાર્યું હતું?

ઉત્તરઃ મને લાગે છે કે ફાયરિંગ કર્યા વગર ભીડને વિખેરવાનું શક્ય હતું, પણ એવું કર્યું હોત તો તેઓ ફરી એકઠા થયા હોત અને હું મૂરખ ઠર્યો હોત.

પ્રશ્નઃ નિઃશસ્ત્ર લોકો તરફથી તમને વળી શું જોખમ હતું?

ઉત્તરઃ હું માનું છું કે જલિયાંવાલા બાગમાં એકઠા થયેલા લોકો બળવાખોર હતા અને તેઓ મારા સૈન્યને એકલું પાડીને સપ્લાય લાઈન ખોરવી નાખવાના પ્રયત્નો કરતા હતા. તેથી મેં તેમના પર ફાયરિંગ કર્યું. મેં વિચાર્યું કે મારે ગોળી ચલાવવી જોઈએ અને જોરદાર ચલાવવી જોઈએ.

પ્રશ્નઃ ભીડ ભાગવા માંડી પછી ગોળીબાર રોકી શક્યા હોત.

ઉત્તરઃ ભીડ વિખેરાવા માંડી ત્યારે મેં ફાયરિંગ અટકાવ્યું નહીં કારણ કે થોડા ગોળીબારથી કોઈ ફાયદો નથી એવું મને લાગ્યું તેથી ભીડ પૂરી વિખેરાઈ જાય ત્યાં સુધી મેં ગોળીબાર ચાલુ જ રાખ્યો.

પ્રશ્નઃ તમે જ્યારે સાંભળ્યું કે જલિયાંવાલા બાગમાં બપોરે પોણા વાગ્યે મિટિંગ યોજાવાની છે ત્યારે જ તમે ત્યાં જઈને ગોળીબાર કરવાનું નક્કી કરી નાંખ્યું હતું?

ઉત્તરઃ હા, મેં નક્કી જ કરી નાખ્યું હતું, લશ્કરી સ્થિતિને બચાવવા માટે હું ફાયરિંગ કરાવીશ જ. જરા પણ મોડું નહીં કરવાનો સમય આવી ગયો હતો. જો મેં મોડું કર્યું હોત તો કોર્ટ માર્શલ માટે જવાબદાર ગણાત.

પ્રશ્નઃ જો મશીનગનથી સજ્જ ગાડીઓ જઈ શકે એટલું પહોળું પ્રવેશદ્વાર હોત તો તમે તેનું ફાયરિંગ કરાવ્યું હોત?

ઉત્તરઃ મને લાગે છે, કદાચ હા.

(કર્ટસી: કાના બાંટવા)

eછાપું 

1 COMMENT

  1. મોદી ને લેખ મા ઉમેરી સસ્તી સિઘ્ધિ પામવાની કોશિશ કરી,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here