દરેક ગુજરાતીના ઘરમાં બેજીજક થાણાં જમાવતા આપણા અથાણાં

1
669
Photo Courtesy: Aakanksha Thakore

પિકલિંગ એ કાંજીમાં ઍનારોબિક આથો લાવીને અથવા સરકોમાં ડુબાડીને ખોરાકના જીવનકાળને સાચવવા કે જીવનકાળ વધારવાની પ્રક્રિયા છે. અથાણાં બનાવવાની પ્રક્રિયા સામાન્ય રીતે ખોરાકની રચના અને સ્વાદને અસર કરે છે. પૂર્વ એશિયામાં, વિનેગરેટ એટલે કે વનસ્પતિ તેલ અને વિનેગરનું મિશ્રણ એક પિકલિંગના માધ્યમ તરીકે પણ વપરાય છે.

પિકલિંગ કરવા માટે તમે ફળો અને શાકભાજી ઉપરાંત ઈંડા અને માંસનો ઉપયોગ કરી શકો છો (જી હા, માંસ પણ! ચિકન અને મટનનાં અથાણાં ઘણી જગ્યા એ બને છે, ગુજરાતમાં પણ!) અથાણાં માં વપરાયેલી સામગ્રીને બગડતી અટકાવવા માટે તેમાં ઘણીવાર એન્ટિમાઈક્રોબિયલ મસાલા જેમકે રાઈ, લસણ, તજ કે લવિંગ ઉમેરવામાં આવે છે.

દક્ષિણ એશિયામાં અથાણાં ની વિશાળ વિવિધતા છે, જે મુખ્યત્વે કેરીની વિવિધ જાત , લીંબુ, આમલી અને આમળામાંથી બનાવવામાં આવે છે, ઉપરાંત મરચા, રીંગણા, ગાજર, ફૂલકોબી, ટમેટા, કારેલા, લીલા મરી, આદુ, લસણ, ડુંગળી અને સિટ્રોન જેવી શાકભાજીઓ પણ પ્રસંગોપાત વપરાય છે. આ ફળો અને શાકભાજી સામાન્ય રીતે મીઠા, મસાલા અને વનસ્પતિ તેલ જેવી સામગ્રી સાથે મિક્સ કરવામાં આવે છે. અને ભેજ વગરની જગ્યામાં તૈયાર થવા દેવામાં આવે છે.

તો આ વખતે ફૂડમૂડમાં ત્રણ અલગ જાતનાં અથાણાં જોઇશું: ગૉળ-ટેટી, કેરીના ખારીયા અને પિકલ્ડ કુકુમ્બર.

Photo Courtesy: Aakanksha Thakore

ગૉળ-ટેટી:

સામગ્રી:

1 ટેટી, ટુકડા કરેલી

1 કપ ગૉળ

1 કપ તેલ (ઓલિવ ઓઈલ, સરસિયું કે અન્ય કોઈપણ વેજીટેબલ ઓઈલ)

4 ટેબલસ્પૂન કોરો મસાલો (મેથિયાનો મસાલો)

1 ટીસ્પૂન હળદર

1 ટીસ્પૂન જીરું પાઉડર

મીઠું સ્વાદ મુજબ

રીત:

  1. એક વાસણમાં ટેટીનાં ટુકડા લઈ, તેમાં હળદર, જીરું પાઉડર અને મીઠું ઉમેરી, બરાબર મિક્સ કરો અને 15 મિનિટ માટે રહેવા દો.
  2. હવે એક પેનમાં તેલ, ગૉળ અને મેથિયાનો મસાલો લઇ તેને ગૉળ ઓગળે ત્યાં સુધી બરાબર ફીણો.
  3. હવે ટેટીમાંથી નીતરેલું પાણી કાઢી, ટેટીને મસાલામાં ભેળવી દો.
  4. મિશ્રણને અડધો કલાક પછી એરટાઈટ કન્ટેનરમાં ભરી લો. લગભગ 2 દિવસ પછી, ગૉળ ઓગળે એટલે અથાણું વપરાશમાં લઇ શકાશે.

કેરીનાં ખારિયા:

સામગ્રી:

રાઈનાં કુરિયા

જીરું પાઉડર

તેલ (ઓલિવ ઓઈલ, સરસિયું કે અન્ય કોઈપણ વેજીટેબલ ઓઈલ)

મીઠું

હળદર

ગૉળ

કાચી કેરી, ટુકડા કરેલી

રીત:

  1. રાઈનાં કુરિયા અને જીરું પાઉડરને થોડું તેલ લઈ બરાબર ફીણો.
  2. હવે તેમાં મીઠું, હળદર અને ગૉળ ઉમેરી બરાબર ભેળવી લો.
  3. તેમાં કેરીનાં કટકાં ઉમેરી, બરાબર મિક્સ કરીને એરટાઈટ કન્ટેનરમાં ભરી લો. ગૉળ ઓગળે એટલે અથાણું વપરાશમાં લઇ શકાશે.

પિકલ્ડ કુકુમ્બર

સામગ્રી:

2 કાકડી ¼” જાડા ટુકડામાં સમારેલી

1 ટેબલસ્પૂન મીઠું

3 ટેબલસ્પૂન વિનેગર

1 ટેબલસ્પૂન મધ

2 ટેબલસ્પૂન શેકેલા તલ

રીત:

  1. એક બાઉલમાં કાકડી અને મીઠું મિક્સ કરી 10 મિનીટ સુધી બાજુ પર રહેવા દો. 10 મિનીટ પછી તેમાંથી છુટેલું પાણી નીતારી, તેને ઠંડા પાણી વડે બરાબર ધોઈ લો. તેને નીચવી તેમાંથી બને એટલું પાણી નીતરી લો.
  2. અન્ય એક બાઉલમાં વિનેગર અને મધને બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણમાં કાકડી અને શેકેલા તલ નાખી બરાબર ભેળવી દો.
  3. આ કાકડીને અથાતા લગભગ 2 થી 3 કલાક જ લાગે છે, તેથી તેને ઝડપથી ઉપયોગમાં લઇ શકાય છે.

eછાપું 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here