ઓનલાઈન પ્રાઈવસી ભાગ 2- મોબાઈલ ફોન અને પરમીશન

0
439
Photo Courtesy: tamersharkas.com

આજે મોબાઈલ ફોન અને તેની પરમીશન પર ચર્ચા કરીએ તે પહેલા એક ખાસ વાત કરવી છે. ફેસબુક અને કેમ્બ્રિજ એનાલીટીકા ની મિલીભગત સામે આવી એને આજે મહિના જેવું થયું. રાબેતા મુજબ આપણી પ્રાઈવસી ને એક ન્યુઝ આઈટમ બનાવી લોકો એ બે-ત્રણ દિવસ ચલાવ્યું અને પછી બધા મોદીમય અને IPL મય થઇ ગયા. પણ eછાપું અલગ છે, (અમને ખબર છે કે આત્મશ્લાઘા પાપ છે પણ) કદાચ eછાપું ગુજરાતમાં એક માત્ર એવું મિડિયા પોર્ટલ છે જેણે આ ટોપિકને એક મહિના સુધી ચલાવ્યો. એની માટે ટીમ eછાપુંને કોન્ગ્રેટ્સ.

Photo Courtesy: tamersharkas.com

આ આખી લેખમાળામાં આપણે એક વસ્તુ ખાસ જોઈ, ફેસબુક આપણી પાસ થી ઢગલા મોઢે ડેટા લે છે. અને એમનો મોટાભાગનો ડેટા એન્ડ્રોઇડ મોબાઈલ ફોનમાંથી આવે છે. થોડો ડેટા આઈફોનમાંથી પણ આવતો હોય છે, પણ એન્ડ્રોઇડ મોબાઈલ ફોનની સંખ્યા આઈફોન કરતા ઘણી વધારે છે. અત્યારે એક વ્યક્તિ પાસે આઈફોન હોય તો સામે ઓછામાં ઓછા 15-20 વ્યક્તિઓ પાસે એન્ડ્રોઇડ મોબાઈલ ફોન હોય છે. અને એમાંથી ઘણા લો એન્ડ ફોનમાં (કે સેમસંગ, વિવો-ઓપ્પો જેવા નઘરોળ કંપનીઓના જડ જેવા ફોનમાં) ફેસબુક (કે ફેસબુક લાઈટ) પહેલેથી ઇન્સ્ટોલ થયેલું આવે છે અને અમુક વખતે આપણે એને ડીલીટ પણ નથી કરી શકતા.

ઉપરાંત આપણામાંથી ઘણા લોકો પાસે બહુ જુનો ફોન હશે. અત્યારે એન્ડ્રોઇડની લેટેસ્ટ OS 8.0 Oreo છે અને એની પછીનાં વર્ઝનનો ડેવલપર પ્રિવ્યુ પણ આવી ગયો છે. પણ આપણામાંથી અમુક લોકો એવા મળશે જેની પાસે 5.0 Lollipop કે એનાથીય જુનું વર્ઝન ધરાવતા મોબાઈલ જોવા મળી શકે.

કોઈ એપને આપણો પ્રાઈવેટ ડેટા(જેમકે કોન્ટેક્ટ, કેલેન્ડર, મેસેજ, કેમેરા, ફોટા, લોકેશન વગેરે..)જોઈતો હોય તો તો એ એપને એની પરમીશન માંગવી પડે. Lollipop અને એની પહેલાના એન્ડ્રોઇડ વર્ઝનમાં એક એવી સમસ્યા હતી કે કોઈ પણ એપને એની માંગેલી પરમીશન એની જાતે જ મળી જાય. યુઝર તરીકે આપણે એ પરમીશન ગમે ત્યારે આપી શકીએ અને એ પરમીશન બંધ કરી શકીએ, અને જે-તે એપ્પ એ પરમીશન જરૂર પડે ત્યારે જ પૂછી શકે એવી સુવિધા ત્રણ વર્ષ પહેલા આવેલી 6.0 Marshmallow વર્ઝન થી મળવા લાગી.*

આ લેખ એવા લોકો માટે જરાય નથી, જેની પાસે આવા સાડા ત્રણ ચાર વર્ષ જુના મોબાઈલ ફોન હોય. અહીંથી આગળ વધવાની માત્ર એકજ પૂર્વશરત છે, તમારી પાસે કમસેકમ Marshmallow કે એની પછી નો મોબાઈલ ફોન હોવો જોઈએ. જો ન હોય તો તમે એમ પણ અહી ચર્ચેલી કોઈ પણ ટીપ્સ અને ટ્રીક્સ નો અમલ કરી શકવાના નથી.

ઉપર કહ્યું એમ, હવેથી (એટલે છેલ્લા ત્રણેક વર્ષ થી) કોઈ પણ એપને  આપણા કોન્ટેક્ટ, ફોટા, કેલેન્ડર, મેસેજ વગેરે પર્સનલ ડેટા જોઈતા હોય તો એ એપ્પને એની પરમીશન માંગવી પડે, અને એ પરમીશન આપણે આપીએ પછી જ કોઈ પણ એપ્પ એ ડેટા મેળવી શકે. ગૂગલ એ એન્ડ્રોઇડના ડેવલપર્સ ને તકલીફ ન પડે એટલે થોડો સમય એવી સુવિધા રાખી કે માર્શમેલોની પરમીશન માંગવાવાળી જરૂરિયાતને ટાળી શકો. એપ જે પરમીશન માંગે એ પરમીશન એને આપોઆપ મળી જાય અને જે-તે યુઝર એ પરમીશન સેટિંગ માં જઈ પોતાની અનુકુળતા પ્રમાણે આપી શકે કે એને નામંજૂર કરી શકે. ફેસબુક, વ્હોટસેપ અને અમુક એવી પોપ્યુલર એપ્સ એ આ સુવિધાનો દોઢ બે વર્ષ સુધી દુરુપયોગ કરે રાખ્યો. માર્શમેલો રીલીઝ થયાનાં બે વર્ષ સુધી આ એપ્સ તરફથી કોઈ પણ એવી અપડેટ આવી ન હતી. અને આપણા ફોનમાં ફેસબુક હોય કે ન હોય, આવી એકાદી એપ તો મળી જ આવશે જેણે માંગેલી બધી જ પરમીશન મળી હોય.

 

પરમીશન માંગતું પોપ અપ
કોઈ એપને પરમીશન માંગવી હોય તો એ આ રીતનું પોપ અપ દેખાડી પરમીશન માંગે છે. જેમકે વર્ડપ્રેસ આ પોપ અપ ત્યારે જ દેખાડે છે જયારે આપણે આપણા ફોન માંથી ફોટા અપલોડ કરવા જઈએ.

ઉપર દેખાડ્યું એમ, જયારે કોઈ એપ આપણા પર્સનલ ડેટાનું કામ હોય ત્યારે એ એપ આ રીતે એક પોપ-અપ દેખાડી આપણી પરમીશન માંગે છે. જે સમયે આપણે કોઈ એપ ખોલી હોય ત્યારે મોટા ભાગે આપણે કોઈ અગત્યનાં કામ માં હોઈએ છીએ. એટલે જે પોપ-અપ આવે એને મનમાં હા ભાઈ હા, જે કે એ, I accept કહેતા Yes દબાવી ને આગળ વધતા હોઈએ છીએ. અને એમાંને એમાં આપણે એ એપને કોઈ એવી વસ્તુનો એક્સેસ આપી દઈએ છીએ જે પછી થી આપણને જ ભારે પડે છે.

પણ એક સારી વાત એ છે કે આ પરમીશન અને એનો દુરુપયોગ લાંબો ચાલે એવો નથી. બસ જરૂર છે થોડો સમય અને થોડી અવેરનેસ ની, અને તમે કોઈ પણ એપ્પને કોઈ પણ નકામો ડેટા લેતા અટકાવી શકો છો. ધ્યાન રાખજો અમુક એપ્સ ને અમુક પરમીશન ની જરૂર હોય છે. જેમકે પેટીએમ ને તમારા ફોટા અપલોડ નથી કરવા, પણ તમે લીધેલા બારકોડ ના ફોટા માંથી બારકોડ સ્કેન કરવો હોય છે, કે પછી ઝોમેટોને તમારું લોકેશન એટલે જોઈએ છે જેથી એ તમને નજીકની restaurant કે હોટેલ દેખાડી શકે. પણ એક ફ્લેશ લાઈટ એપ ને તમારા કોન્ટેક્ટ ની જરૂર ન પડવી જોઈએ. તો કઈ  એપને કઈ પરમીશન મળેલી છે અને એ પરમીશન કઈ રીતે બંધ કરવી એની ટીપ્સ નીચે આપેલી છે.

નોંધ: બાકીનો આખો લેખ ફોન ના સેટિંગ પર આધારિત છે. અહી દેખાડેલા સ્ક્રીનશોટ મોટોરોલા G4+ 7.0 Nougat ના છે. તમારા ફોન(Xiaomi, LG, ઓપ્પો-વિવો, સેમસંગ) કે તમારી ઓએસ પ્રમાણે આ સ્ક્રીનશોટ અને અહીની ઇન્ફોર્મેશન તમારા ફોન માં થોડી અલગ હોઈ શકે છે. 

Screenshot_20180421-111921.png
સેટિંગ એપ. આ Moto G4+ 7.0 Nougat ની સેટિંગ સ્ક્રીન છે, તમારા ફોન ની સ્ક્રીન આના કરતા થોડી કે ઘણી અલગ હોઈ શકે છે

1. તમારા ફોનના સેટિંગમાં જાઓ

2. એમાં App Permissions સર્ચ કરો. (Xiaomi માં Permissions સર્ચ કરવું પડશે)

Screenshot_20180421-111938.png
અહી દેખાડી એ બધી જ પરમીશન એવી સુવિધાઓ માટે છે જે 1. કા તો આપણો પર્સનલ ડેટા એક્સેસ કરતુ હોય ૨. કા તો ફોન ની બેટરી લાઈફ કે બીજી વસ્તુઓ સાથે છેડછાડ કરતુ હોય.

3.  અહિયાં તમને અલગ અલગ કેટેગરીઓ દેખાશે. આ કેટેગરીઓ પરમીશનની કેટેગરી છે, અને નીચે કેટલી એપ્પ એવી છે જેણે આ પરમીશન માંગી છે અને એમાંથી કેટલી એપ્સને એ પરમીશન મળી છે એ દેખાશે.

Screenshot_20180421-111953-01.jpeg
Edited In Snapseed app by Google

4. હવે એમાંથી ફોન (અથવા ટેલીફોન) માં જાઓ. ફોન એ એવી પરમીશન છે જે તમારા વતી ઓટોમેટીકલી ફોન લગાવી શકે છે, તમારા ફોન નો જવાબ આપી શકે છે, તમારો નંબર જાણી શકે છે.

Screenshot_20180421-112017.png
પાછલા સ્ક્રીનશોટ માં દેખાડ્યું એમ. 64 માંથી 17 એપ્સને આ પરમીશન મળેલી છે. અને એમની એક ભીમ પણ છે.

5. આટલી બધી એપ્સ પાસે ફોન રીલેટેડ પરમીશન છે. સામાન્ય રીતે સીસ્ટમ એપ્સ અને ગૂગલ પ્લે સર્વિસ જેવી એપ્સની કોઈ હળી ન કરાય (કારણકે આપણા ફોનને ચાલતો રાખવામાં આ એપ્સનો જ મુખ્ય ફાળો છે). પણ બીજી સામાન્ય એપ્સ જુઓ. જેમકે તમારી બેન્કિંગ એપ, કે ગેલેરી. અને વિચારો, શું આ એપ્સ આ પરમીશન ને લાયક છે? જો જવાબ નાં માં આવે, તો એ એપની પરમીશન તરતજ બંધ કરીદો.

Screenshot_20180421-112124.png
યાદ છે ગઈ પોસ્ટ માં મેં જીનીયસ એપની વાત કરી હતી? એ આ માઈક્રોફોન ની પરમીશન વાળા લીસ્ટમાં છે. ઘણી એપ્પ્સ માઈક્રોફોન ની પરમીશન માંગી આજુબાજુ માં સંભળાતું ગીત થોડી સેકંડ માટે રેકોર્ડ કરી એની લીરીક્સ આપણને આપે છે, જીનીયસ એપ્પનું પણ આ જ કામ છે. ગૂગલ પ્લે સર્વિસ, કરિયર સર્વિસીસ અને ફોનમાં આવેલી અમુક સીસ્ટમ એપ્સ જે પરમીશન માંગે એ એને આપી દેવી, જેથી આપણો ફોન સારી રીતે ચાલી શકે.

6. હવે જો સમય હોય તો જે એપની પરમીશન બંધ કરી એ એપનો થોડીવાર ઉપયોગ કરો. જો એ એપને ખરેખર ફોનની પરમીશન ની જરૂર હશે તો એ એપ યોગ્ય સમય આવ્યે ફરીવાર પરમીશન પૂછશે.^

7. આવું બધી જ પરમીશન માટે કરો. ફોન, કેમેરા, કોન્ટેક્ટ, સાઉન્ડ અને તમને જે મહત્વની લાગતી હોય એ બધીજ પરમીશન એકવાર સ્ટેપ્સ 3-6 પ્રમાણે રીપીટ કરો.

8. જયારે જયારે સમય મળે ત્યારે આ બધી જ પરમીશન ફરી એકવાર જોઈ જાઓ.

9. અને હા. ગમે તે થાય, ગૂગલ પ્લેમાં જે એપ ડાઉનલોડ કરવા મળતી હોય એને ગૂગલ પ્લેની બહારથી કદી ઇન્સ્ટોલ ન કરો. અનલીમીટેડ અને ફ્રી ક્રેક ના નામે માર્કેટમાં ખુલ્લા વાયરસ ફરે છે. આવી એપ નાખવી એટલે તમારી નાજુક નમણી દીકરીને બળાત્કારીઓની જેલ માં નાખી અને એ ચાવીને ઊંડા કુવા માં ફેંકવા બરાબર છે. ~ 

અહી સુધી સાથ દેવા બદલ આભાર. યાદ રાખજો, મોબાઈલ અને અન્ય ઈન્ટનેટ પ્રાઈવસી બે-ત્રણ દિવસ અને ત્રણ-ચાર લેખ પુરતી મેટર નથી. એ આપણો હક છે, અને એ જાળવવા માટે આપણને આપણાથી વધારે સારી મદદ કોઈ નહિ કરી શકે. આ લેખમાળા અહી જ પૂરી થાય છે. આશા રાખીએ કે આ મહિના દરમ્યાન તમે તમારી અને તમારા પરિવારજનોની પ્રાઈવસી ને સુરક્ષિત કરવામાટે વધારે સુસજ્જ અને વધારે જાગૃત બન્યા હશો.

નોંધ

*- એન્ડ્રોઇડ ના પહેલા બે વર્ઝન ગૂગલ અને એના પાર્ટનર માટે હતા, ત્રીજું વર્ઝન પબ્લિક વચ્ચે આવ્યું. આલ્ફાબેટ ના ત્રીજા અક્ષર C થી ગૂગલ વાળા એ એન્ડ્રોઇડ ના વર્ઝન ને નામ આપવાનું ચાલુ કર્યું. પહેલા રોબોટ ના નામ નો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો પણ એમાં અમુક અડચણો હતી, એટલે એ લોકો એ C for Cupcake થી એવી પ્રથા ચાલુ કરી કે એન્ડ્રોઇડ નું કોઈ પણ નવું પબ્લિક વર્ઝન આલ્ફાબેટ ના આગલા અક્ષર થી શરુ થતી મીઠાઈ ના નામ પરથી હોય. છેલ્લા અમુક વર્ઝન ના નામ: K for Kitkat(’13), L for Lollipop(’14), M for Marshmallow(’15), N for Nougat(’16) અને અત્યારે O for Oreo(’17). અત્યારે ઉપર કહ્યું એમ P નો ડેવલપર પ્રિવ્યુ ગયા મહીને જ રીલીઝ થયો. એનું ઓફીશીયલ નામકરણ અને એ ઓ એસ પર ચાલતા નવા ડીવાઈઝનું લોન્ચિંગ આ વર્ષે ઓક્ટોબર નવેમ્બર મહિના આસપાસ થશે.

^- આ યોગ્ય સમય એપ નક્કી કરે છે આપણે નહીં.

~- જો એપ બહારથી નાખવાની જરૂર પડે. તો APK Mirror એક સારો વિકલ્પ છે.

આવતા સોમવારે મળીએ ત્યાં સુધી.

 

મે ધ ફોર્સ બી વિથ યુ….

eછાપું 

તમને ગમશે: eછાપું Exclusive: ગુજરાતી ફિલ્મ પ્રમોશનનું ભગીરથ કાર્ય કરતા ચેતન ચૌહાણ

                   બોલિવુડની સૌથી વધુ કમાણી કરી ચુકેલી 5 ફિલ્મો કઈ કઈ છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here