મગજ બંધ રાખીને પણ કરી શકો છો આ તમામ મજેદાર કામો

0
441
Photo Courtesy: easyhealthoptions.com

સુપરમાં સુપર કોમ્પ્યુટર માનવ મગજ છે એ તો પુરવાર થઇ ચૂક્યું છે. હા, એના કેટલા ટકા  આપણે વાપરીએ છીએ એ વિષે પણ અલગ અલગ ટકાવારી બતાવાય છે જે પણ બંધ મગજે જ વાંચવી પડે. મગજ 5% થી તો ઓછું જ વાપરી પેટી પેક બનાવનાર ને પાછું આપીએ છીએ।  એને તો સેકન્ડ હેન્ડ વેચવા મુકાય નહિ કે ના તો ગિફ્ટ અપાય। નહિ તો એના પણ બ્લેક બોલાતા હોત। ઓન લાઈન એની અદભુત કરામતો બતાવતા વિડિયો પ્રદર્શિત થતા હોત।

Photo Courtesy: easyhealthoptions.com

જાણીતી કાવ્ય પંક્તિ “ નયનને બંધ રાખી ને મેં જયારે તમને જોયા છે “ માં આંખો બંધ કરી મગજથી જોવાની વાત છે. પણ, મગજને બંધ રાખીને જોવું, સાંભળવું, સુંઘવું, ચાટવું- કોઈ પણ ઇન્દ્રિય માટે મગજનાં દ્વાર બંધ કરવાની વાત થઇ. નયનને બંધ રાખીને છે એના કરતાં  વધારે જરૂર જોવાય। ઉઘાડી આંખોએ તો ડોળા ફાડી ને જોવું પડે કે હાથનું નેજવું કરી, આંખો ચુંચી કરી ફોકસ કરી જોવું પડે. મગજથી જોવા તો પહેલા મગજ જોઈએ અને એની બેટરી ફૂલ ચાર્જ જોઈએ। પસ્તીવાળા કે મીઠાઈવાળાની જેમ બહારનો અને અંદરનો ડ્યુઅલ ડિસ્પ્લે તૈયાર કરવો પડે તો જ જે જોવું છે તે રસ ગળે ને કટકા પડે તેમ પૂર્ણ લિજ્જત થી જોઈ શકાય। અને મગજને  બંધ રાખીને.. બસ, જોઈ લો, અંદર રેકોર્ડ કરી લો. પછી જોવું બંધ કરી મગજ ખોલો.. અદભુત દેખાશે, જોવા સાથે ઘણું મગજ ખુદ કહેશે.

તમને ગમશે: ઓક્સફર્ડ ડિક્શનરી સમજાવે છે 7 ભારતીય વાનગીઓનો મતલબ

મગજ બંધ રાખવાનું ગાંધીજીના ત્રણ વાંદરા સુંદર રીતે કહે છે. કોઈ પણ ખોટું જોવું, સાંભળવું,બોલવું નહીં।  મગજમાં ખોટું સામે આવે તો પણ જાય નહીં ને મગજમાંથી ખોટું તોપની જેમ બહાર ફેંકાય નહીં.

મગજને બંધ રાખીને શું કરવું? શું થઇ શકે? મગજ બંધ ક્યારે કરવું? એ જ તો આપણે જોશું- મગજને બંધ રાખીને.

જાહેર સ્થળ નજીક “ દેવોને પણ દુર્લભ” સુગંધ મળતાં જ નાક બંધ કરી, શ્વાસ રોકી ઝડપથી પસાર થઇ જઈએ છીએ , એટલી ક્ષણો  મગજ બંધ. અપ્રિય ગંધ જાય કેમની?

કોઈ વરઘોડામાં કે રસ્તે મોટા કર્કશ અવાજે વાગતું મ્યુઝિક , કોઈ કંટાળાભર્યું ભાષણ, ફોન પાર બોસનું ખખડાવવું.. એવે વખતે કાનને તો ચાલુ રહેવું પડે, મગજ બંધ. ”હે કાન ક્યાં રમી આવ્યા?” મગજ પછી પુછશે. કાન જ્યાં રમવા જેવું લાગે ત્યાં રમીને પરત આવી જશે.

ભીડમાં થતો પરસેવાયુક્ત અણગમતો સ્પર્શ કે જમતી વખતે ડિસ્કવરી ચેનલ પર એક પ્રાણી બીજાને ખાતું હોય તેના માંસના લોચા,   એવું અપ્રિય જોવા, સાંભળવા, સ્પર્શવા ઇન્દ્રિયોએ તો ના છૂટકે ચાલુ રહેવું પડે, મગજ બંધ. તો ખાસ અંદર કંઈ વાગતું હોય, ઉબકા આવતા હોય કે જોતા જ બીજે મો ફેરવવું પડે એવી અસર નહીં થાય. જોવા માટે તો કહેવત છે જ “દેખવું નહીં ને દાઝવું નહીં.”

આપણો વિષય છે મગજને બંધ રાખીને જોવાનો જો નયન ને બંધ રાખી.. ગીત સાથે  વિચારીએ.

મગજને બંધ રાખીને છે તેના કરતા જોવાથી  કૈક વધુ માણી પણ શકાય છે. મનમોહન દેસાઈ ની ફિલ્મો માટે એ લોકોએ જ કહેલું કે મગજ બહાર મૂકીને જશો તો જ અંદર માણશો।  અર્ધા ગીતમાં લાલ ને અર્ધામાં પીળું ફ્રોક કેમ? મારે તેમાં ઢીસ્સુમ અવાજ એટલો મોટો કેમ? માણસ રબરનો છે કે આટલો જમ્પ મારે કંઈ થતું નથી..એવું વિચારો તો માણી ન શકો. માણવા માટે પણ મગજને હૃદયનું ટ્યુનીંગ જોઈએ। એકવાર બંધ મગજે જોઈ લો, પછી નિરાંતે રીપ્લે થશે જ. એકલા એકલા પણ હસવા જેવું હોય તો હસવું આવશે, યાદ કરી મમળાવવા જેવું હોય તો ફરી ફરી મગજથી જોવાશે.

કોઈ યુવાન કન્યા જોવા જાય કે  આપણે સુંદરતાની પ્રતિમા દ્રષ્ટિ સમક્ષ જોઈએ તેવા સંજોગો માં આંખ થી જોવાય પણ અનુભવાય તો મગજથી જ. જોતાં જ માંહ્યલો કીક મારે, ચાર ફૂટ ઉછળે।

“આજ મહારાજ જલ પાર ઉદય જોઈને ચંદ્રનો  હૃદય મન હર્ષ જામે” જેવું તો જ લખાય જો પહેલાં બંધ મગજે આસપાસનાં  દ્રશ્યોના સ્પંદનો આત્મસાત કાર્ય હોય. કન્યાકુમારીના અફાટ સાગરમાં ઉગતો સુર્ય અને ત્રણ રંગના સમુદ્રોનું મિલન, સરદાર સરોવર ડેમનો ગર્જતો વિપુલ જલરાશિ, બારી બહારથી સ્મિત કરતો પુર્ણ ચંદ્ર કે કોઈ સુંદર કન્યાનું માદક સૌંદર્ય- આ બધું કોઈ વિચાર વગર જ માણી શકાય। નયનો બંધ હોય તો બીજી ઇન્દ્રિયો એને ખીજવે- “અમે લઇ ગયા ને તમે રહી ગયા”  તેથી નયનો તો ખુલ્લા જ હોય પરંતુ મગજ તો ધરાર બંધ જ જોઈએ।

ઘણી વસ્તુઓ ‘નજરઅંદાજ’ કરીએ છીએ તો જ વધારે સુખી થઈએ છીએ એ તો સહુનો અનુભવ છે. એમાં ખરેખર તો મગજને જ બંધ રાખીને જોવું પડે છે. માણવાની, અનુભવવાની ઘણી વસ્તુઓમાં તો મગજ બંધ રાખીને જ ઉલટું માઈક્રો સેકન્ડમાં પ્રોસેસિંગ થઇ જાય છે તેના કરતાં વાઈડ એંગલથી દેખાય છે “તમે છો તેના કરતાં પણ વધારે ” સાચે જ જોવાય છે.

ક્યારેક હિમ્મતથી કરવાના કામ થોડી વાર માટે બંધ મગજે જ કરવાં પડે. દા .ત. ટ્રાફિક સિગ્નલ 8-7-6 બતાવે છેઃ બુક લઇ અર્જુનની જેમ શરસંધાન કરતો હવાલદાર શિકાર કરવા તત્પર ઉભો છે. તમે “રાખણહારો રામ છે” કરતા બંધ મગજે ભગાવો- 190-189..માંથી બચી જાઓ.

કોઈ યુવાન પુરુષ સુંદર યુવતીને જોતાંજ “તન, મન, ATM, Paytm સબ હૈ તેરા“ કહેવાનું વિચારે, આને ફ્રેન્ડ  જ બનાવું કે બીજું ઘણું બધું” એમ થોડું વિચારે તો લાભમાં રહે પણ લાં..બા વિચારમાં તો પુષ્પધન્વાનું બાણ ફિટટુ્સ થઇ જાય।  આમ તો વિશ્વની ગાડીનાં પૈડાં થંભી જાય.

તમને ગમશે: ચેલેન્જ! વિશ્વના આ સૌથી નાના 10 દેશ વિષે તમે અજાણ છો

લાંબી લાઈન અને ધક્કામુક્કી બાદ થતાં ઈશ્વરનાં દર્શન વખતે પ્રાર્થના કરો કે હે મગજ, તું થોડી સેકન્ડ બંધ થઇ જજે. પગથી માથા સુધી મૂર્તિ જોતાં જ આપોઆપ મગજ રેકોર્ડ કરી લેશે। એ વખતે બહાર ચંપલનું શું થશે, આ ગામમાં બીજું શું જોવાજેવુઁ છે, લેડીઝ લાઈનમાં પેલી ગોરી લીસ્સી સ્ત્રી ની સાઇડે બે ઇંચ જઈ જોડેલો હાથ સાઈડમાં પહોળો કરી પ્રભુની પ્રસાદી સમો ટચ કરી લઈએ..આવું આવું બંધ થાય તો જ મગજનાં દ્વાર વગર ધક્કે ખોલી ઈશ્વર કાયમ માટે અડિંગો જમાવી દેશે।

નળમાં પાણી આવતાં નીચે ડોલ ખાલી હોય તો ભરાય પરંતું બંધ ડ્રમનાં  ઢાંકણાં પર થી પાણી વહી જાય તેમ ખાલી કરેલાં મગજમાં સારું સારું ધડધડાટ ભરાય। ( આ ધડધડાટ  અવાજ મગજમાં થાય, બહાર સંભળાય નહીં ) કશું પણ નવું પામવાની ઈચ્છા હોય તો કુડા કચરા જેવું મગજમાંથી ખાલી કરી નાખો। પછી બહારનું દ્વાર ખોલી અંદરનું દ્વાર થોડીવાર બંધ કરો  તો મગજ લેવા જેવું ગ્રહણ કરી લેશે।

જેમ સાત ફેરામાં પાછલા ત્રણ ફેરામાં સ્ત્રી આગળ થઇ પુરુષને ઢસડે છે પછી આખી જિંદગી ઢસડે છે  તેમ મગજને પહેલા આપવાનું આપી બંધ કરી આગળ જવાદો. એ પોતે જ જોઈતું લઇ લેશે. સમસ્યાનો ઉકેલ અકલ્પિત રીતે મળી જશે. જ્યારે તમને લાગે કે તમે બહુ ઊંચા નીચા થાઓ છો, મૂંઝાઈ ગયા છો, બસ. થોડું વિચારી મગજ બંધ કરી જુઓ। છે તેના કરતાં વધારે જ દેખાશે , અનુભવાશે, આત્મસાત થશે.ઉકેલ પણ આર્કીમીડીઝના યુરેકા યુરેકા કરતો “ન માંગે દોડતો આવશે”. સમસ્યાનો હલ તુરત મળશે।

ઘૂંઘટકે પટ ખોલ રે તોંસે પિયા મિલેંગે।

 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here