સાઉથ ઇન્ડિયન ફૂડ: ઈડલી, ઢોંસાથી પણ વધુ મોટી છે તેની દુનિયા

0
497
Photo Courtesy: foodofy.com

આપણે ત્યાં ઘણા લોકો માટે હજુ પણ સાઉથ ઇન્ડિયન ફૂડ એટલે ઈડલી, વડા, ઢોંસા જ છે, પરંતુ જે લોકો ખરેખર સાઉથના પાંચમાંથી કોઈ એક રાજ્યમાંથી આવે છે એ લોકો માટે સાઉથ ઇન્ડિયન ફૂડ કન્નડ ફૂડ, તમીલીયન ફૂડ, કેરાલિયન ફૂડ, ચેટ્ટીનાડ ફૂડ અને આંધ્ર/તેલંગ ફૂડમાં વહેંચાયેલું છે.

આપણે જે સામન્ય રીતે સાઉથ ઇન્ડિયન ફૂડ તરીકે ખાઈએ છે એ મુખ્યત્વે કર્ણાટકી કે ઉડીપી ફૂડ હોય છે, તમિલ ફૂડની મોટાભાગની વાનગીઓ ભાત, જે ત્યાંનો મુખ્ય ખોરાક છે, તેની સાથે ભેળવીને ખાવામાં આવતી કરી પ્રકારની વાનગીઓ હોય છે, જેમકે વિવિધ પ્રકારનાં રસમ, સંભાર, પરુપુ એટલે કે દાળ અને કુળ્મ્પુ એટલે કે વિવિધ પ્રકારની કરી/કઢી.

Photo Courtesy: foodofy.com

સાઉથ ઇન્ડિયન કેરાલિયન ફૂડ અત્યંત વૈવિધ્યપુર્ણ છે, અહીં ખાનપાનનો આધાર અહીં વસેલા વિવિધ સમુદાયોના આધારે શ્રેષ્ઠ રીતે ક્લાસીફાય કરવામાં આવે છે. સીરિયન ખ્રિસ્તી વાનગીઓ અને મલાબારી મુસ્લિમ વાનગીઓ જગતભરમાં પ્રસિદ્ધ છે. કેરળનો મુખ્ય પાક નારિયેળ હોવાથી, કોઈ જ જાતના ભેદભાવ વગર લગભગ બધી જ વાનગીઓમાં નારિયેળ સંકળાયેલું હોય છે, ખમણેલા નારિયેળ રૂપે અથવા તેનાં તેલ રૂપે. અહી દરિયાઇ પ્રદેશોમાં સીફૂડ પણ ખૂબ જ લોકપ્રિય છે અને લગભગ દરેક દિવસ ખાવામાં આવે છે.

સાઉથ ઇન્ડિયન ચેટ્ટીનાડ ફૂડ મુખ્યત્વે તેના માંસાહારી ખોરાકની બનાવટમાં ઉપયોગમાં લેવાતા વિવિધ મસાલાના ઉપયોગ માટે પ્રખ્યાત છે. અહીની વાનગીઓ તાજા પીસેલા મસાલાના ઉપયોગને કારણે તેજ અને તીવ્ર સ્વાદ ધરાવતી હોય છે. આ વિસ્તારમાં સૂકા વાતાવરણને કારણે સૂર્યપ્રકાશમાં સૂકવેલ માંસ અને મીઠું ચડાવેલ વિવિધ પ્રકારના શાકભાજીનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. અહી મહત્વના મસાલામાં અનસીપૂ – એટલેકે સ્ટાર અનીસ અને દગડફૂલ છે. આ ઉપરાંત આમલી, આખા લાલ મરચા, તજ, લવિંગ, વરીયાળી અને તમાલપત્રનો પણ ખૂબ ઉપયોગ થાય છે.

 

પનીર મીલાગુ કુળ્મ્પુ : તમિલ ક્વીઝીન

સામગ્રી:

તાજું પનીર – 250 ગ્રામ

નાની ડુંગળી – 10 નંગ

લસણ (છુન્દેલું) – 2 કળી

રાઈ – 1 ટીસ્પૂન

મેથીના દાણા – ચપટી

હળદર પાવડર – 1/4 ટીસ્પૂન

મીઠું સ્વાદમુજબ

તેલ – 2 ટેબલસ્પૂન

મસાલા (દળવા માટે)

(નીચેની સામગ્રીની બારીક પેસ્ટ દળવી)

સફેદ મરીનાં દાણા – 2 ટીસ્પૂન

જીરું – 1 ટીસ્પૂન

લસણ – 1 કળી

ખમણેલું નાળિયેર – 1/4 કપ

કાજુ – 6 નંગ

રીત:

  1. પનીરના ટુકડા કરી, તેને તળી લઇ બાજુમાં રહેવા દો.
  2. એક પેનમાં તેલ ગરમ કરી, તેમાં રાઈ અને મેથીના દાણા ઉમેરો. રાઈ અને મેથી તતડે એટલે તેમાં ડુંગળી અને લસણ ઉમેરીને લગભગ બે મિનીટ માટે સાંતળો.
  3. તેમાં વાટેલા મસાલાની પેસ્ટ ઉમેરી માધ્યમ તાપે ૩ મિનીટ સુધી સાંતળો.
  4. હળદર પાવડર, મીઠું અને પાણી ઉમેરીને ગ્રેવીને ઉકાળવા દો.
  5. ગ્રેવીમાં પનીરના ટુકડા ઉમેરીને ધીમા તાપે ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી પકવો.
  6. કોથમીર વડે સજાવીને રાઈસ કે પરાઠા સાથે ગરમાગરમ પીરસો.

 

ચેટ્ટીનાડ પોટેટો: ચેટ્ટીનાડ ક્વીઝીન

સામગ્રી:

ચેટ્ટીનાડ મસાલા માટે

2 ટીસ્પૂન જીરું

1 ટેબલસ્પૂન ધાણા

5 સૂકાં લાલ મરચાં

1 ટીસ્પૂન કાળા મરી

1 ટેબલસ્પૂન અડદ દાળ

1 ટેબલસ્પૂન ચણા દાળ

અન્ય સામગ્રી

20 બાફીને છોલેલાં નાના બટાકા

1/2 કપ સમારેલી ડુંગળી

8 થી 9 મીઠા લીમડાના પાન

1 ચમચી રાઈ

સ્વાદ મુજબ મીઠું

1/4 ટીસ્પૂન હળદર

ચપટી હિંગ

2 ટેબલસ્પૂન તેલ

રીત:

  1. સૌથી પહેલા ચેટ્ટીનાડ મસાલા માટેની સામગ્રીને તવા પર મધ્યમ થી ધીમી આંચે લગભગ 5 મિનીટ માટે ડ્રાય રોસ્ટ કરો. મસાલો ઠંડો પડે એટલે એને ગ્રાઈન્ડરમાં પીસી લો.
  2. એક પેનમાં તેલ લો, તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ઉમેરો.
  3. રાઈ તતડે એટલે એમાં મીઠા લીમડાના પાન અને ડુંગળી ઉમેરો અને લગભગ 1 મિનીટ માટે સાંતળો.
  4. હવે તેમાં બાફેલા બટાકા ઉમેરીને બરાબર ભેળવી દો.
  5. સ્વાદ મુજબ મીઠું અને ચેટ્ટીનાડ મસાલો ઉમેરી બરાબર મિકસ કરી લો.
  6. બટાકા અને મસાલો સહેજ રંગ બદલે ત્યાંસુધી, લગભગ 5 થી 6 મિનીટ સુધી, પકવીને ગેસ બંધ કરી દો.
  7. પૂરી કે રોટલી સાથે પીરસો.

પાઈનેપલ પચડી: કેરાલીયન ક્વીઝીન

સામગ્રી:

1 અનેનાસ

2 ટીસ્પૂન મરચાંનો પાઉડર

1 ટીસ્પૂન હળદર

અડધું નાળિયેર, ખમણેલું

1 ટીસ્પૂન વરીયાળી

3 અથવા 4 લીલા મરચાં

2 ટીસ્પૂન ખાંડ

મીઠું જરૂર મુજબ

4 સૂકા લાલ મરચાં

2 ટીસ્પૂન રાઈ

1 ડાળખી મીઠા લીમડાના પાન

રીત:

  1. પાણી મદદથી અનેનાસની સ્લાઈસને બાફી લો.
  2. જ્યારે તે રંધાઈ જાય ત્યારે તેમાં હળદર અને મરચાંનો પાઉડર ઉમેરો.
  3. તેમાં મીઠું અને ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરો.
  4. ત્યારબાદ તેમાં લીલું મરચું, નારીયેળ અને વરીયાળી ઉમેરો અને બરાબર મિક્સ કરો.
  5. ત્યારબાદ તેમાં દહીં ઉમેરી, સારી રીતે મિક્સ કરી ગેસ બંધ કરી દો.
  6. હવે એક અન્ય પેન કે વઘારીયામાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ નાખો. રાઈ તતડે એટલે તેમાં સૂકા લાલ મરચાં અને લીમડો નાખી લગભગ 2-3 મિનીટ માટે સાંતળો. ત્યારબાદ આ મિશ્રણને પચડી પર રેડો અને બરાબર હલાવી દો.
  7. આ પચડીને રાઈસ અથવા પર્રાટ્ટા સાથે સર્વ કરો.

તો હવે તમને ખબર પડી જ ગઈ હશે કે સાઉથ ઇન્ડિયન ફૂડ એટલે માત્ર ઈડલી, વડા, ઢોંસા અને સાંભર પૂરતું મર્યાદિત નથી.

eછાપું 

તમને ગમશે: રાહુલજી ગાંધીજીના પ્રેરણાદાયી ઉપવાસ પરથી આપણે બધાએ શીખવું જોઈએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here