નરેન્દ્ર મોદીના દરેક ભારતીયને પંદર લાખ આપવાના વાયદા પાછળનું સત્ય

0
357
Photo Courtesy: YouTube

બે દિવસ અગાઉ રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતના વીજળી બાબતના વિડીયોએ ધૂમ તો મચાવી પરંતુ આ વિડીયોએ કોંગ્રેસી ટેકેદારો જ નહીં પરંતુ વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ સહીત કોંગ્રેસ પ્રમુખના એક અસત્યને પણ ખુલ્લું પાડી દીધું. આ અસત્ય છે નરેન્દ્ર મોદીનો દરેક ભારતીયને પંદર લાખ રૂપિયા આપવાનો વાયદો. ગેહલોતનો વિડીયો બેશક એડિટ કરેલો હતો પરંતુ એ એડિટ કરેલો છે એ સાબિત કરવામાં કોંગ્રેસી મિત્રોએ પૂરો વિડીયો વાયરલ કરવામાં જે મહેનત કરી તે મહેનત તેમને માથે પડી એમ જરૂરથી કહી શકાય.

Photo Courtesy: YouTube

છેલ્લા ચાર વર્ષથી કોંગ્રેસના ટેકેદારો, વરિષ્ઠ નેતાઓ, તેમના પ્રવક્તાઓ અને ખુદ તેમના પ્રમુખ રાહુલ ગાંધી એવો અપપ્રચાર કરે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014ના ચૂંટણી પ્રચાર દરમ્યાન એવો વાયદો કર્યો હતો કે તેઓ જો વડાપ્રધાન બનશે તો વિદેશમાં જમા કાળુનાણું તેઓ પરત લાવશે અને તેમાંથી દરેક ભારતીયના એકાઉન્ટમાં પંદર પંદર લાખ રૂપિયા સીધા જ જમા કરી દેશે. 2014માં થયેલી શરમજનક હાર પચાવી ન શકનાર અને એક જ પરિવારના સભ્યો સામે આ હાર અંગે એક સવાલ પણ પૂછી શકવાની હિંમત ન ધરાવનાર કોંગ્રેસી આગેવાનોએ ત્યાર પછી આવેલી લગભગ બધીજ ચૂંટણીઓમાં આ પંદર લાખ વાળી વાત આગળ ધરી હતી.

ઉત્તર પ્રદેશ હોય કે બિહાર, ગુજરાત હોય કે કર્ણાટક ખુદ કોંગ્રેસ પ્રમુખ પણ પોતાની જાહેરસભાઓમાં લોકોને સવાલ કરતા કે શું તમારા ખાતામાં પંદર લાખ આવ્યા ખરા? સોશિયલ મિડીયામાં પણ કોંગ્રેસી ટેકેદારો અને તેમની ઈકોસિસ્ટમના ભાગરૂપી પત્રકારો પણ આ અંગે મજાક ઉડાડતા થઇ ગયા હતા.

પંદર લાખ રૂપિયા અંગે વધુ કોઈ ચર્ચા કરીએ તે પહેલાં આપણે એ વિડીયો જ જોઈ લઈએ જેમાં સાંભળવા મુજબ નરેન્દ્ર મોદીએ દરેક ભારતીયને આ તગડી રકમ આપવાનો વાયદો કર્યો હતો.


જેમ આપણે જોયું તેમ આ ક્લિપની શરૂઆતમાં નરેન્દ્ર મોદી એમની ખાસ સ્ટાઈલમાં લોકોને સવાલ પૂછે છે કે શું વિદેશમાં રહેલું કાળુનાણું પરત આવવું જોઈએ કે નહીં? અને એ રૂપિયા જનતાના કામમાં આવવા જોઈએ કે નહીં? ત્યારબાદ જે મહત્ત્વનું વાક્ય મોદી બોલે છે એ એમ છે કે જો એકવાર વિદેશમાં પડેલું તમામ કાળું ધન જો પાછું લાવવામાં આવે તો દરેકને મફતમાં પંદર વીસ લાખ રૂપિયા તો એમનેમ મળી જાય! કોંગ્રેસના ટેકેદારોના દાવાથી વિરુદ્ધ અહીં ક્યાંય નરેન્દ્ર મોદી એવું નથી બોલ્યા કે જો હું વડાપ્રધાન થઈશ તો દરેકના ખાતામાં પંદર લાખ જમા કરાવીશ.

આગળ મોદી કહે છે કે જે દિવસે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે ત્યારે દેશની એક એક પાઈ પરત લાવવામાં આવશે અને હિન્દુસ્તાનના ગરીબોના કામમાં લાવવામાં આવશે. હવે મુદ્દો એ છે કે મોદી સરકાર બને ચાર વર્ષ થઇ ગયા છે અને આ ચાર વર્ષમાં એમણે વિદેશમાંથી કેટલું કાળુનાણું પરત કર્યું કે ન કર્યું તેના પર ચર્ચા થઇ શકે, પરંતુ અહીં પણ મોદીએ એમ જ કહ્યું છે કે એ પૈસો ગરીબોના કામમાં લગાવવામાં આવશે. ફરીથી ક્યાંય એવી વાત નથી કે ગરીબોને પંદર લાખ આપવામાં આવશે.

આ વાક્યના સંદર્ભમાં મોદીની તરફેણમાં બે વાત જરૂર કહી શકાય કે એમની પ્રથમ કેબિનેટ મિટિંગમાં જ એમણે સુપ્રિમ કોર્ટના આદેશનો, જેને અગાઉની કોંગ્રેસી સરકાર ઘોળીને પી ગઈ હતી, અમલ કરતા કાળાનાણાની તપાસ કરવા SITની રચના કરી હતી. બીજું, ગયા વર્ષની તેમની સ્વિત્ઝરલેન્ડ યાત્રા દરમ્યાન ભારત અને સ્વિત્ઝરલેન્ડ વચ્ચે એક કરાર થયો છે જે મુજબ આવતા વર્ષની શરુઆતથી સ્વિત્ઝરલેન્ડ સરકાર એમને ત્યાં રહેલા ભારતીયોના એકાઉન્ટ્સની અપડેટ આપવાનું શરુ કરશે. હા, સરકારે રચેલી SITનું કાર્ય અત્યારે ક્યાં પહોંચ્યું એ અંગે લગભગ તમામ અંધારામાં જ છે એ પણ સ્વિકારવું રહ્યું.

સામાન્ય અક્કલ ધરાવતો અને તેનો ઉપયોગ કરવાની ઇચ્છાશક્તિ ધરાવતો કોઇપણ વ્યક્તિ ઉપરોક્ત વિડીયો જોઇને એટલું જરૂર નક્કી કરી શકે કે કોંગ્રેસી દાવાઓ ખોટા છે અને નરેન્દ્ર મોદીએ ક્યારેય આપણા બેન્ક એકાઉન્ટ્સમાં પંદર લાખ જમા કરાવવાનું વચન આપ્યું ન હતું. હવેથી જ્યારે પણ કોઈ કોંગ્રેસ સમર્થક સોશિયલ મિડીયામાં આ અંગે સવાલ કરે ત્યારે પહેલા તો એની પાસે એવો કોઈ વિડિયો હોય તો તેને પ્રસ્તુત કરવાની વિનંતી કરવી.

એ આવો કોઈજ વિડીયો નહીં આપી શકે એની આપણને ખાતરી છે જ. બસ, પછી આપણે આપણો આ હુકમનો એક્કો કાઢવો અને આ વિડીયો એના માથે મારવો. કદાચ એવું બને કે કોઈ હોંશિયાર કોંગ્રેસી ઉપરોક્ત વિડીયોની એડિટેડ કોપી આપણને બતાવે, તો ત્યારે પણ આપણને આ અનએડિટેડ વિડીયો કામમાં આવશે. એકવાર આ વિડીયો પ્રસ્તુત કર્યા પછી એ કોંગ્રેસીને એટલું કહેવાનું જરાય ભૂલવાનું નહીં કે જો નરેન્દ્ર મોદીનો વિડીયો એડિટ કરીને ખોટી માહિતી ફેલાવવામાં આવે તો અશોક ગહેલોતના વિડીયો સાથે પણ ચેડાં થાય એમાં તમને આટલું બધું પેટમાં કેમ દુઃખે છે?

કોંગ્રેસ બેન્ક ખાતામાં પંદર લાખ રૂપિયા જમા કરાવવાની વાત ત્યારથી કરતી આવી છે જ્યારે જન ધન ખાતાની કોઈએ કલ્પના પણ નહોતી કરી. કોંગ્રેસના છ દાયકાના શાસનમાં એ દરેક નાગરિક માટે એક સીધુંસાદું ઝીરો બેલેન્સ ધરાવતું બેન્ક એકાઉન્ટ તો ખોલાવી શકી નહીં અને હવે ડિજીટલ ઈન્ડિયાનો સતત વિરોધ કરે છે અને એ વાત કરી રહી છે કે બેન્કમાં પંદર લાખની ડાયરેક્ટ ટ્રાન્સફર થશે? ટૂંકમાં બંને બાજુએ કોંગ્રેસ ખોટી છે અને હવે એ આ પ્રકારે જો અપપ્રચાર કરશે તો ભરાઈ પડશે.

આગળ વાત કરી એમ વિદેશથી કાળુનાણું કેટલું આવ્યું કે ન આવ્યું એ અંગે ચર્ચા થઇ શકે પરંતુ Demonetization દ્વારા, ઘણી બધી બાબતોમાં AADHAR લિન્કેજ ફરજીયાત બનાવીને, બેન્ક ખાતાઓમાં વિવિધ યોજનાઓની સબસિડી સીધીજ ટ્રાન્સફર કરાવીને તેમજ ઇન્કમ ટેક્સ વિભાગને દોડતો કરીને દેશમાં રહેલું કાળુનાણું સારા એવા પ્રમાણમાં બહાર આવ્યું છે અને ગેરમાર્ગે જતી સરકારી સબસિડીઓ અટકી છે. આમ થવાથી સરકાર પાસે ઘણું ધન જમા થયું હોય એવો પ્રાથમિક અડસટ્ટો લગાવી શકાય. જો એમ ન હોત તો મોદીના વિડીયોમાં કરેલા વાયદા અનુસાર ગરીબોને જ લાભ કરતી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના કે પછી વિશ્વની સહુથી મોટી આરોગ્ય સુરક્ષા યોજના એટલેકે આયુષ્માન ભારત માટે કે મધ્યમ વર્ગને રોજગારીનો અવસર પૂરી પાડતી મુદ્રા યોજના માટે આટલા બધા નાણા ક્યાંથી આવ્યા હોત?

હજી આપણે હાલમાં બે વર્ષના રેકોર્ડ ટાઈમમાં દિલ્હીના ટ્રાફિકને હળવો કરવા બનાવવામાં આવેલા ઇસ્ટર્ન પેરીફ્ર્લ એક્સપ્રેસ વે અને એવી ઘણીબધી ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓના નાણા ક્યાંથી આવ્યા તેના વિષે તો ચર્ચા કરી જ નથી!

આવતીકાલે આ જ પંદર લાખની વાત ‘જુમલો’ હોવાની અમિત શાહના કહેવાતા દાવા પાછળનું સત્ય જોઈશું.

eછાપું

તમને ગમશે: જીગ્નેશ મેવાણી આપ મૌન રહેવાનું શું લેશો?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here