નમસ્કાર! દિલ્હી સરકારની હડતાલ આજે પણ ચાલુ રહેવાની છે

0
336
Photo Courtesy: indiatoday.in

ઘણા લોકો પરણી ગયા બાદ ઠાવકા થઇ જાય, પણ એવા લોકો પણ હોય છે કે જે પરણ્યા પછી પણ પોતાના કુંવારા હોવાનો વિચાર મગજમાંથી કાઢી શકતા નથી. દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પેલા પરણેલા કુંવારા જેવા જ છે જે લગભગ પોણા ચાર વર્ષથી આ પદે હોવા છતાં પોતાને હજીપણ આંદોલનકારી જ સમજે છે. એમને વાતેવાતે ખોટું લાગી જાય છે અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) સામે કાં તો તેઓ ફરિયાદ કરતા જોવા મળતા હોય છે અથવાતો ધરણા કરતા.

Photo Courtesy: indiatoday.in

હાલમાં અચાનક જ આ દિલ્હી નરેશને દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવવાનો અને અન્ય બીજા બે ત્રણ મુદ્દાઓ યાદ આવી ગયા અને એમણે દિલ્હીના LGને એ અંગે વાત કરી. પણ એવું લાગ્યું કે પોતાની વાત સાવ અસ્થાને જ હોવાથી LG તેને નહીં સાંભળે એટલે એમણે અને એમના સાથીઓએ એવી વાત વહેતી કરી કે દિલ્હી રાજ્યની સમગ્ર નોકરશાહી અત્યારે હડતાલ પર છે અને એમને કામ કરવામાં તકલીફ પડી રહી છે!

આ બધા મુદ્દાઓને લઈને લગભગ સાત દિવસ પહેલા અરવિંદ કેજરીવાલ, તેમના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અન્ય બે મંત્રીઓ સતીન્દર જૈન અને ગોપાલ રાય LGની ઓફિસે પહોંચી ગયા અને LGએ મળવાની ના પાડતા ત્યાંજ ધરણા પર બેસી ગયા અને આજ સુધી તેઓ પોતાની ફરજ ભૂલીને ત્યાંજ ધરણા પર બેઠા અથવાતો સુતા છે.

ભારતના ઇતિહાસમાં કદાચ આવું પહેલીવાર બન્યું છે કે કોઈ મુખ્યમંત્રી પોતાના કામકાજને મહત્ત્વ ન આપતા ધરણા પ્રદર્શનને વધુ મહત્ત્વ આપી રહ્યો હોય. અરવિંદ કેજરીવાલે એ સમજવાની જરૂર છે, જો કે તેઓ હવે દિલ્હીના મુખ્યમંત્રી છે એટલે તેમણે તેમનો આંદોલનકારીનો રોલ પાછળ છોડી દેવાની જરૂર છે, પરંતુ એમ થશે નહીં. ભારતના બંધારણમાં જ દિલ્હી અને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશો વિષે જે પ્રકારની વ્યવસ્થા સૂચવવામાં આવી છે અને દિલ્હી નું દેશની રાજધાનીના સ્વરૂપમાં જે વ્યુહાત્મક મહત્ત્વ છે તેનાથી તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો કદાચ જ મળે.

જો કે માત્ર અરવિંદ કેજરીવાલની જ પાર્ટી નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી પણ દિલ્હી ને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાનું વચન વર્ષો પહેલાં આપી ચૂકી છે પરંતુ દેશનું શાસન હાથમાં લીધા પછી તેને પણ ખ્યાલ આવી ગયો છે કે આમ થવું કદાચ શક્ય નથી. ટૂંકમાં કહીએ તો અરવિંદ કેજરીવાલે તેમની આ જીદ પડતી મુકવાની જરૂર છે.

આમ તો કેજરીવાલને ઘણા સુધારા પોતાના વર્તનમાં કરવાની જરૂર છે. એમનો એ આરોપ કે દિલ્હી રાજ્યના IAS ઓફિસરો હડતાલ પર છે એ ગઈકાલે ખુદ IAS ઓફિસરોની પ્રેસ કોન્ફરન્સ દ્વારા ખોટો સાબિત થયો છે. દિલ્હીના ચીફ સેક્રેટરી પર કેજરીવાલના ઘેર થયેલા કહેવાતા હુમલા બાદ અને દિલ્હી રાજ્યના મંત્રીઓ દ્વારા ઓફિસરો સરખું કામ નહીં કરે તો એમને સબક શીખવાડવામાં આવશે એવી ખુલ્લી ધમકીઓ મળ્યા બાદ ઓફિસરો ડરી ગયા છે જે તેમણે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં પણ કહ્યું હતું.

ભારતની કોઇપણ ચૂંટણીમાં કોઇપણ મુખ્યમંત્રીને નથી મળી એટલી સંખ્યામાં બેઠક મળ્યા બાદ કેજરીવાલ પાસે દિલ્હી ને અન્ય રાજ્યના લોકોને ઈર્ષા થાય એવું કશુંક કરી બતાવવાની તક હતી પરંતુ તેમણે પોતાના આ પ્રકારના નાટકો દ્વારા તે તક ગુમાવી છે અથવાતો શાસન ચલાવવાની એમની તાકાત નથી અને આ પ્રકારે તેઓ પોતાની આ નબળાઈ છુપાવી રહ્યા છે. ગમે તે હોય પરંતુ હવે નથી લાગતું કે દિલ્હીની જનતા એમના ફ્રી વાયદાઓમાં ફરીથી ભ્રમિત થઈને આવતી ચૂંટણીઓમાં એમને સાદી બહુમતી પણ આપે.

eછાપું

તમને ગમશે: જ્યારે સ્ત્રીઓ કરે છે પ્રશ્નો રૂપી “બોલીંગ”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here