તન્વી અનસ સિદ્દીકી એ પાસપોર્ટ મેળવવા વિદેશમંત્રી સુધ્ધાંને ઉલ્લુ બનાવ્યા

1
390
Photo Courtesy: ANI

ગુજરાતીઓને ખબર નહીં પરંતુ કેમ Twitter સાથે એટલું નથી બનતું જેટલું તેઓ ફેસબુકને પ્રેમ કરે છે. જો એમ ન હોત તો તેઓ દુનિયામાં અસત્ય કેવી રીતે ફેલાવવામાં આવે છે તેના ફર્સ્ટહેન્ડ અનુભવથી દૂર રહ્યા ન હોત. ગઈકાલે  સવારથી મોડી રાત્રી સુધી Twitter પર તન્વી અનસ સિદ્દીકી નામની મહિલા છવાઈ ગઈ હતી. કારણ એ હતું કે તેણે અને તેના પતિ અનસ સિદ્દીકીએ લખનઉના પાસપોર્ટ અધિકારી વિકાસ મિશ્રા પર પોતાના પ્રત્યે કોમવાદી વલણ રાખવાનો આરોપ મૂક્યો હતો. વાત બપોર સુધીમાં એટલી હદે આગળ વધી ગઈ કે ખુદ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ જે હાલમાં વિદેશયાત્રાએ છે તેમને વચ્ચે પડવું પડ્યું અને સાંજ પડતા ખુલાસો થયો કે તન્વી અનસ સિદ્દીકીએ મિડિયા, પ્રજા સહીત સુષ્મા સ્વરાજને પણ ઉલ્લુ બનાવ્યા છે અને એ પણ માત્ર પોતાનો પાસપોર્ટ રિન્યુ કરાવવા માટે.

Photo Courtesy: ANI

સવારે એવા સમાચાર વહેતા થયા કે તન્વી અનસ સિદ્દીકી અને તેમના પતિ અનસ સિદ્દીકી જ્યારે તન્વીનો પાસપોર્ટ રિન્યુ કરાવવા લખનઉંની પાસપોર્ટ ઓફિસે ગયા ત્યારે પાસપોર્ટ ઓફિસર વિકાસ મિશ્રાએ તન્વીને એમ કહ્યું કે તેણે ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને નવું નામ ધારણ કર્યું હોવાથી પોતાના ડોક્યુમેન્ટ્સમાં નામ બદલવાની જવાબદારી તેની છે અને એમાં એ ખરી ન ઉતરતા હવે પતિ-પત્ની બંનેએ ફેરા ફરીને હિન્દુ ધર્મ અપનાવી લેવો જોઈએ અને તો જ તેની અરજી મંજૂર થશે.

લેફ્ટ અને લિબરલ મિડિયાને તો જાણેકે બગાસું ખાતા પતાસું પડ્યું. આ વિચારધારાનાં અસંખ્ય પત્રકારોએ Tweet ઉપર Tweet કરવા માંડી અને એવો આભાસ ઉભો કર્યો કે મોદીના ભારતમાં મુસ્લિમો પોતાના ધર્મનું પાલન કરવા માટે સુરક્ષિત નથી. તન્વી અનસ સિદ્દીકી એ પણ જ્યારે કાયમ આ પ્રકારે તકલીફમાં આવેલા નાગરિકની ત્વરિત મદદ કરતા ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને Tweet કરીને પોતાની પરેશાની જણાવી ત્યારે એક સેકન્ડ તો એવું લાગ્યું કે તે ખરેખર સાચું બોલી રહી છે અને તે તકલીફમાં છે.

કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે કેટલાક રાષ્ટ્રવાદી પત્રકારો વિકાસ મિશ્રાનો ઇન્ટરવ્યુ લઇ આવ્યા અને એમનું વર્ઝન ઉપરાંત એ સમયે તન્વીની સાથેજ પાસપોર્ટ રિન્યુ  કરાવવા લાઈનમાં ઉભા રહેલા અન્ય એક-બે જણાને મળી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઇ ગયું હતું. સુષ્મા સ્વરાજની લખનઉ પાસપોર્ટ ઓફિસને આ મામલે “ઘટતું કરવાની” સૂચનાનો અમલ થઇ ચૂક્યો હતો અને વિકાસ મિશ્રાને તાત્કાલિક અસરથી ગોરખપુર ટ્રાન્સફર કરી દેવાયા.

વિકાસ મિશ્રાએ તન્વી અનસ સિદ્દીકી અને તેના પતિ અનસ સિદ્દીકી દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને તો નકાર્યા જ પરંતુ તેમણે જે વાત કરી એ કોઇપણ સામાન્ય બુદ્ધિ ધરાવતા ભારતીયને સમજમાં આવી જાય તેવી હતી. વિકાસ મિશ્રાનું કહેવું એટલુંજ હતું કે જ્યારે નિકાહનામામાં તન્વીનું નામ શાઝીયા અનસ સિદ્દીકી હોય અને પાસપોર્ટ રિન્યુ કરાવવાના ફોર્મ પર તેણે તન્વી અનસ સિદ્દીકી જ લખ્યું હોય તો તેઓ કેવી રીતે તેની અરજી મંજૂર કરી શકે? તેમણે ફેરા ફરવાનો આરોપ પણ નકારી દીધો હતો.

વિકાસ મિશ્રાની દલીલ જ્યારે સામે આવી ત્યારે ઘોર મોદી દ્વેષીઓ પણ મેદાનમાં આવી ગયા અને તેમણે ગયા વર્ષે વડાપ્રધાને કરેલું એક નિવેદન જેમાં તેમણે કહ્યું હતું કે લગ્ન પછી મહિલાઓએ પાસપોર્ટમાં હવેથી પોતાની અટક બદલવાની જરૂર નથી તેની લીંક ધડાધડ શેર કરવા લાગ્યા. પરંતુ કાયમ જેમ બને છે એમ દ્વેષમાં ને દ્વેષમાં તેઓ એ ભૂલી ગયા કે અહીં માત્ર અટક જ નહીં પરંતુ આખેઆખું નામ બદલાઈ ગયું છે.

તન્વી અનસ સિદ્દીકી જો ઇચ્છત તો પોતાના ઓરીજીનલ નામે એટલેકે તન્વી સેઠના નામે પાસપોર્ટ રિન્યુ કરી શકી હોત, પણ તેણે પોતાનું મૂળ નામ જાળવી રાખીને માત્ર પાછળ પતિનું નામ અને નવી મુસ્લિમ અટક નિકાહનામાની કોપી દેખાડીને જોડવી હતી તો દુનિયાની કોઇપણ ઓથોરીટી તેને મંજૂર ન કરત. અને જો આવું કરવામાં આવત તો તે ખતરનાક હોત કારણકે ભૂતકાળમાં ઘણા ગુનેગારોએ આ રીતે ખોટા નામે પાસપોર્ટ બનાવીને ઘણા દેશોમાં ગુનાઓ આચર્યા છે. હાલમાં પાકિસ્તાને પણ આ રીતે અલગ અલગ નામ ધરાવતા અમુક લોકોના વિસા નામંજૂર કર્યા હોવાની હકીકત સામે આવી છે.

વાત માત્ર દેખાય છે એટલી સરળ નથી. જો તન્વી અનસ સિદ્દીકી સાચી હતી તો તેણે આ પ્રકારે વંટોળ ઉભો કરવાની શી જરૂર હતી? શા માટે તેણે અને તેના પતિએ શરૂઆતમાં મુસ્લિમ કાર્ડ રમીને લોકોની સહાનુભૂતિ મેળવી અને બાદમાં જ્યારે કેટલાક પત્રકારોએ કડક પ્રશ્નો પૂછ્યા ત્યારે કેમ એમ કહ્યું કે તેમને મિશ્રાના વાત કરવાના ‘ટોન’ સાથે તકલીફ હતી નહીં કે તેમણે કથિતરૂપે ફેરા ફરવાની વાત કરી તેની સાથે?

આ સમગ્ર મામલાની ફળશ્રુતિ સ્પષ્ટ છે. એક દલીલ એવી કરી શકાય કે તન્વી અનસ સિદ્દીકી અને તેના પતિને ‘કશીક એવી ઉતાવળ જરૂર હતી’ જેથી તન્વીનો પાસપોર્ટ કોઇપણ તકલીફ પડ્યા વગર રિન્યુ થઇ જાય. બીજી દલીલ એ પણ થઇ શકાય કે આ દંપત્તિ અધિકારીઓથી કશુંક છુપાવી રહ્યા છે અને એટલેજ તન્વીએ નિકાહનામામાં જે નામ હતું તેનાથી અલગ નામ પાસપોર્ટ રિન્યુઅલ ફોર્મમાં ભર્યું.

આ આખાયે કિસ્સામાં કોઈનો ભોગ લેવાયો હોય તો તે છે અધિકારી વિકાસ મિશ્રાની કર્મઠતાનો. એમણે એક પ્રમાણિક અધિકારીએ જે કરવું જોઈએ એ બધુંજ કર્યું પરંતુ તેમ છતાં વિદેશમંત્રીની સૂચનાનો ઉતાવળે અમલ કરવા જતા તેમના ઉચ્ચ અધિકારીઓએ તેમને સાંભળ્યા વગર એકતરફી નિર્ણય લેતા તેમને ગોરખપુર ટ્રાન્સફર કરી દીધા. હવે જોવાનું એ રહેશે કે જ્યારે તન્વી અનસ સિદ્દીકી અને તેના પતિ ખુલ્લા પડી ગયા છે ત્યારે તેમના પર સરકાર શું કાર્યવાહી કરે છે અને વિકાસ મિશ્રાની ટ્રાન્સફર પરત લેવામાં આવે છે કે કેમ?

છેવટે એટલું જરૂર કહી શકાય કે ગઈકાલે સવારે મિડિયા જે રીતે એક ચિત્રણ કરી રહ્યું છે કે દેશમાં મુસલમાન સુરક્ષિત નથી તે સાંજ પડતા એવું સાબિત થઇ ચૂક્યું હતું કે દેશમાં હિન્દુઓને આસાનીથી બદનામ કરી શકાય છે અને એ પણ સફળતાની ગેરંટી સાથે.

eછાપું

તમને ગમશે: આપણી રોટી ક્યાં ક્યાં પહોંચી? કોરીએન્ડર ગાર્લિક કુલ્ચા કેવી રીતે બનાવાય?

1 COMMENT

  1. Stern actions warranted for misleading the foreign affairs minister. All the ministers/administrator must not be carried away for cheap publicity. Let the law/rules prevail.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here