…અને ભાજપ સમર્થકોએ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની ખબર લઇ નાખી

0
282
Photo Courtesy: indianexpress.com

તન્વી અનસ સિદ્દીકીનો ‘પાસપોર્ટ કાંડ’ હજી પણ ધમધમી રહ્યો છે. તન્વી અને તેના ટેકેદાર વામપંથી લિબરલ પત્રકારોએ એવો માહોલ ઉભો કર્યો હતો કે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ પણ ઉલ્લુ બની ગયા હતા અને તેમના કહેવાથી ઉચ્ચ અધિકારીઓએ લખનઉના પાસપોર્ટ ઓફિસર વિકાસ મિશ્રાની ગોરખપુર ટ્રાન્સફર કરી દીધી હતી. આ બધું બન્યું ત્યારે સુષ્મા સ્વરાજ ઇટાલી, ફ્રાન્સ, લક્ઝમબર્ગ, બેલ્જીયમ અને યુરોપિયન યુનિયનની મુલાકાતે હતા.

Photo Courtesy: indianexpress.com

સ્વદેશ પરત થયા બાદ ગઈકાલે સુષ્મા સ્વરાજે tweet કરીને માહિતી આપી હતી કે તેમની ગેરહાજરીમાં એટલેકે 17થી 23 જૂન દરમ્યાન તેમના મંત્રાલયમાં જે કાઈ પણ બન્યું તેનાથી તેઓ અજાણ છે, પરંતુ તેઓએ લોકોની ચિંતાની નોંધ લીધી છે અને આથી તેઓ કેટલીક tweets ને લાઈક કરીને તેને શેર કરવા માંગે છે. પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે સુષ્મા સ્વરાજને પોતે વિદેશ હોવાને લીધે ખરેખર તન્વી સિદ્દીકીના કિસ્સામાં જે બન્યું તેની ખબર ન હતી, પરંતુ હવે જ્યારે તેઓ ભારત પરત આવી ગયા છે ત્યારે આ આખોય મામલો શો છે તેની તપાસ કરશે.

હવે વિચાર કરો કે એક વિદેશમંત્રી દેશની બહાર જાય ત્યાર પછી એક અઠવાડિયું દેશમાં પોતાના મંત્રાલયમાં રોજેરોજ શું થાય છે તેની માહિતી પણ ન લે એવું બને ખરું? કોઈ કોર્પોરેટ કલ્ચરમાં કામ કરતો વ્યક્તિ પણ વિદેશ પ્રવાસે જાય ત્યારે સતત પોતાની ઓફિસમાં શું થતું હોય છે તેની માહિતી રોજેરોજ લેતો રહેતો હોય છે તો આ તો દેશના વિદેશ મંત્રાલય જેવું અતિશય મહત્ત્વનું ખાતું છે. તો શું સુષ્મા સ્વરાજ બધીજ જવાબદારી ઉચ્ચ અધિકારીઓ કે પછી એમના નાયબ મંત્રીઓના ભરોસે છોડીને જતા રહ્યા હતા? જો આવું ખરેખર બન્યું હોય તો એ ચિંતાનો વિષય છે.

Twitter પર એક્ટીવ રહેતા લાખો ભાજપ સમર્થકોએ પણ ગુસ્સા સાથે સુષ્મા સ્વરાજના આ પ્રકારના જવાબનો વિરોધ કર્યો અને તેમની જબરદસ્ત ટીકા પણ કરી. ઘણા બધા જાણીતા અને આદરપાત્ર Twitter handles દ્વારા સભ્ય પરંતુ આક્રોશિત ભાષામાં સુષ્મા સ્વરાજને આ મામલામાં એમને જે યોગ્ય લાગ્યું એ કહી દીધું. આ પાછળનું કારણ એક જ હતું કે તન્વી અનસ સિદ્દીકીએ સુષ્મા સ્વરાજને tweet કરીને પોતે હેરાન થઇ રહી છે એવી ફરિયાદ કર્યા બાદ જ વિકાસ મિશ્રાની બદલી કરવામાં આવી હતી અને ફટાફટ અન્ય કોઈજ કારણો ચકાસ્યા વગર તન્વીને પાસપોર્ટ રિન્યુ કરી આપવામાં આવ્યો હતો.

આમ, સુષ્મા સ્વરાજ પોતાની જવાબદારીથી માત્ર એમ કહીને ન છટકી શકે કે તેઓ વિદેશ પ્રવાસે હતા. અને જો ખરેખર એવું બન્યું હોય તો હવે તેમણે પોતાની ભૂલ સ્વીકારીને આ મામલાની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ કારણકે તન્વીની દલીલોમાં અસંખ્ય છીંડા હતા અને આ સમગ્ર મામલામાં તેની ભૂમિકા તીવ્ર શંકા ઉભી કરે તેવી હતી. સુષ્મા સ્વરાજ બીજો કોઈ નિર્ણય કરે કે ન કરે પરંતુ વિકાસ મિશ્રાની બદલી તેમણે તુરંત રોકી દેવી જોઈએ અને જ્યાં સુધી આ મામલાની તપાસનો કોઈ નિવેડો ન આવે ત્યાં સુધી તેમને લખનઉ પાસપોર્ટ ઓફિસમાં જ કાર્ય કરતા રહેવાની સૂચના આપવી જોઈએ.

ગઈકાલે સુષ્મા સ્વરાજની tweet બાદ ભાજપ સમર્થકોમાં જે ગુસ્સો ફેલાયો અને તેમણે જે પ્રકારના ઉગ્ર પ્રતિભાવો આપ્યો તેનાથી અચાનક જ વામપંથી લિબરલ પત્રકારો અને ટેકેદારો ગેલમાં આવી ગયા. આ તમામે સુષ્મા સ્વરાજને સંબોધીને કહ્યું કે ભાજપના ટેકેદારો અને જમણેરી લોકો આવા જ છે, જુઓ તેઓ અમને પણ કાયમ ટ્રોલ કરે રાખે છે, વગેરે…વગેરે. આ બધાને એમ હતું કે આમ કહીને અને સુષ્મા સ્વરાજ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરીને હિરો બની જશે.

પરંતુ આ લેફ્ટ લિબરલોને એ ખબર નથી કે ભાજપ અને અન્ય પક્ષોના ટેકેદારોમાં આ બેઝિક ફરક છે. ભાજપના સમર્થકો, અરે જેને તમે મોદી ભક્ત કરીને ઉતારી પાડો છો તેઓએ મોદીને પણ તેમની ભૂલો માટે છોડ્યા નથી તો સુષ્મા સ્વરાજ તો સ્વાભાવિકપણે તેમના ગુસ્સાનો શિકાર થઇ શકે તેમ છે. સુષ્મા સ્વરાજ પર જે ગુસ્સો ઉતારવામાં આવ્યો હતો એ તેમના દ્વારા કે તેમના મંત્રાલયના એક વિભાગ દ્વારા થયેલા સ્પષ્ટ અન્યાયના વિરોધરૂપે હતો નહીં કે સુષ્મા સ્વરાજની મશ્કરી કરવાનો કે એમને ઉતારી પાડવાનો જેને તમે ટ્રોલીંગ કહીને ઉતારી પાડો છો.

શું કોંગ્રેસના સોશિયલ મિડિયા ટેકેદારોમાં એટલી હિંમત છે કે તેઓ રાહુલ ગાંધીને પૂછી શકે કે જમ્મુ અને કાશ્મીર અંગે હાલમાં જ તેમના બે-બે સિનીયર નેતાઓ જેમાંથી એક તો રાજ્યસભામાં વિરોધપક્ષના નેતા છે એવા ગુલામ નબી આઝાદ અને સૈફુદ્દીન સોઝના બયાનો અંગે તેઓ શું મંતવ્ય ધરાવે છે? શું કોંગ્રેસના ટેકેદારોમાં એટલું કહેવાની હિંમત છે ખરી કે તેઓ રાહુલ ગાંધીને ભારત વિરોધી અને સેના વિરોધી બયાનો આપવા બદલ આ બંને નેતાઓને પક્ષમાંથી બહાર કાઢવાનું દબાણ કરી શકે? સ્વપ્નમાં પણ આવો વિચાર એમને ન આવી શકે એટલી હદે તેઓની ચમચાગીરીનું સ્તર પહોંચી ગયું છે.

એટલું યાદ રાખજો કે ભાજપના ફેન્સ ભલે સુષ્મા સ્વરાજ તો શું નરેન્દ્ર મોદીનો પણ તેમની ભૂલના સમયે કાન ખેંચી કાઢતા હોય પરંતુ મત તો ભાજપને જ આપશે, એટલે આ પ્રકારના બનાવો બને ત્યારે લેફ્ટ, લિબરલ, કોંગ્રેસ અને આપના સમર્થકોએ એમ બિલકુલ ન માનવું કે એમના મત વધી પડ્યા. ખરેખર કહીએ તો સાચા ફેનની વ્યાખ્યા પણ એ જ છે કે તે વખત આવે પોતાના આરાધ્યની ટીકા પણ કરી શકે અને તે પણ અતિશય કડવી ભાષામાં અને ભાજપના સમર્થકોએ ફરીવાર એ વ્યાખ્યા સાબિત કરી બતાવી છે.

eછાપું

તમને ગમશે: આપણા દેશમાં કામવાળા બહેન અને કામવાળા ભાઈનું મહાત્મય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here