ટીચર સાથે આપણા બાળકના સંબંધ કેવા હોવા જોઈએ, ક્યારેય વિચાર્યું છે?

0
371
Photo Courtesy: YouTube

તાજેતરમાં બરોડાની એક સ્કૂલમાં ધોરણ 10 નાં સ્ટુડન્ટએ ધોરણ 9 નાં સ્ટુડન્ટને એટલા માટે મારી નાખ્યો કારણ કે તે સ્કૂલની આબરૂ બગાડવા ઈચ્છતો હતો. સોર્સિસના કહ્યા મુજબ સ્કૂલ ટીચર એ હત્યા કરનાર સ્ટુડન્ટને ઠપકો આપ્યો હતો અને એ પણ એટલા માટે કારણ કે તેણે બીજાનું હોમવર્ક બતાવીને ટીચરને એમ કહ્યું કે તે તેનું પોતાનું હોમવર્ક છે.

Photo Courtesy: YouTube

ખરેખર? ક્યાં જઈ રહી છે જનરેશન? ટીચરને શું એટલો અધિકાર પણ નથી કે બાળક ગેરમાર્ગે દોરાતું હોય તો ઠપકો પણ ન આપી શકે? મારા વિચારો મુજબ, આ કિસ્સાએ પેરેન્ટીંગ ઉપર સીધેસીધા સવાલ ઉઠાવ્યા છે. થોડા સમય પહેલાં ગુડગાંવ (ગુરુગ્રામ) માં પણ આવો જ કિસ્સો બન્યો હતો. પ્રદ્યુમન કિસ્સાએ મીડિયા પ્લેટફોર્મને ઘણાં બીઝી રાખ્યા હતા.

આવા કિસ્સાઓ પ્રકાશમાં તો આવે છે અને ગુનેગારને સજા પણ મળે છે. પણ જરા વિચારો તો.. જેની હત્યા થઈ, તેનાં પેરેંટ્સની માનસિક હાલત શું હશે? અને જેણે હત્યા કરી, તેના પેરેંટ્સની બાકીની જીંદગી કેવી હશે? જન્મથી જ કોઈ ગુનેગાર નથી હોતું, સંજોગો તેને એમ કરવા માટે પ્રેરે છે, એવાં ફિલ્મી દુનિયામાં બોલાતાં વાક્યો બહુ ફેમસ છે. પણ જો કોઈને માત્ર ઠપકો આપવાથી, કોઈ ત્રીજી જ વ્યક્તિ પોતાની જીંદગી ખોઈ બેસે, તો તે વિચાર માંગી લે, તેવી ઘટના ખરી.

આજકાલ દરેક પેરેંટ્સ પ્રોટેક્ટીવ હોય છે. દરેકને પોતાનું બાળક સારામાં સારી સ્કૂલમાં ભણાવવું હોય છે. પણ શું આપણે આપણા બાળકોને ઓળખીએ છીએ? કોઈ કહેશે, એ તો સ્કૂલની લોકાલિટી એવી હશે, કોઈ કહેશે, બાળકનાં ઉછેરનો અભાવ. પણ એક હત્યા કરવા જેટલો જો ગુસ્સો બાળકને આવી જાય તો એનું શું કરવું? કોઈના ઉછેરના વાંકે, કોઈના સંજોગોને વાંકે, સ્વભાવને વાંકે કોઈ પોતાનું જીવન ગુમાવે, તે યોગ્ય નથી જ.

કદાચ દુનિયાની કોઈ પણ સ્કૂલોમાં બનેલા આવા બનાવો થોડા વર્ષો પછી ભૂલી જવાશે પણ જેણે જેણે જીવ ગુમાવ્યો છે, તેનાં પેરેંટ્સ ક્યારેય આ આઘાતમાંથી બહાર નહીં આવી શકે તેમ લાગે. બીજી એક મહત્વની વાત એ છે કે, ટીચર હંમેશા ખરાબ નથી હોતાં, તે પણ સ્વીકારવું જોઈએ. આપણા બાળકને આપણે પણ ઠપકો આપી જ દેતા હોઈએ છીએ તો ટીચર કેમ ન આપી શકે? હોમવર્ક ન કર્યું હોય, તોફાન કરતા હોય, ભણવા સિવાય બધે ધ્યાન હોય તો તેવા સંજોગોમાં બાળકોને ટીચરએ યોગ્ય શિક્ષણ આપવું જ પડે. તેમાં પેરેંટ્સએ આનાકાની કરાય જ નહીં. ટીચર સ્વસ્થ રહીને ત્યારે જ ભણાવી શકે જ્યારે સ્ટુડન્ટ્સ સ્વસ્થ હોય. બાકી ઘણાંથી ઘરમાં એક નથી સાચવાતું તો ટીચર સ્કૂલમાં 35-40 કેવી રીતે સાચવી શકે?

શિક્ષા માટે કહેવાય છે ને કે “સોટી વાગે ચમચમ વિદ્યા આવે રમઝમ.” હવે તો ટીચર તરીકે કામ કરતા લોકો હાથ ઉપાડતા ડરે છે. આપણે જ બાળકને શીખવાડી રાખ્યું હોય કે, “તને ટીચર મારે તો કહી દેજે. અમે છીએ”. તે બિલકુલ યોગ્ય નથી. હા, ઘણી વાર ટીચર પણ એવા હોય છે કે કારણ વગર ક્યાંકનો ગુસ્સો ક્યાંક કાઢતા હોય છે. પણ એવું ઓછું બને. એટલે બાળકને શિક્ષા અને શિક્ષક, બંને સાથે મૈત્રી કરાવવી જોઈએ.

આપણી આસપાસ જાગૃતિ ફેલાવવી એ આપણી સામાજિક ફરજ છે. કોને ખબર ક્યારે આપણી કઈ સલાહ કોની જીંદગી બચાવી લે?

અસ્તુ!!

eછાપું

તમને ગમશે: અને મારો દીકરો ક્રિકેટ કોચિંગ ક્લાસમાં ભરતી થયો ………

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here