ખરેખર તો આપણને કોઈને એ ખ્યાલ જ નથી કે ટ્રોલ કોને કહેવાય

0
431
Photo Courtesy: Google

લગભગ પાંચથી છ વર્ષ પહેલા Twitter સાથે સંબંધ બંધાયો અને પછી જેમજેમ એની અંદર-બહારની વિગતો સમજાવા લાગી એમએમ એના શબ્દભંડોળ વિષે પણ જ્ઞાનમાં વધારો થયો. Twitterના શબ્દભંડોળમાં એક અનોખો શબ્દ ખ્યાલમાં આવ્યો જે હતો ટ્રોલ ‘T-R-O-L-L’. આપણાથી વિરુદ્ધ રાજકીય, સામાજીક કે અન્ય માન્યતાઓથી વિરુદ્ધ મત જાહેર કરવા જઈએ એટલે પેલી ભણેલીગણેલી વ્યક્તિ એ સમયે પૂછતી “are you trolling me?”

ત્યારે થતું કે આ ટ્રોલ વળી કઈ બલાનું નામ છે? અને અચાનક આપણે એ કલબના સભ્ય કેવી રીતે બની ગયા? ગુગલ મહારાજ કાયમ હાથવગા હોય જ એટલે એમને પૂછ્યું કે. “મિત્ર What is the meaning of troll?” અને ગુગલ મહારાજે એની સિમ્પલ વ્યાખ્યા આ મુજબ કરી આપી… “Troll is a person who makes a deliberately offensive or provocative online posting with the aim of upsetting someone or eliciting an angry response from them.” અર્થાત “ટ્રોલ એક એવો વ્યક્તિ છે જે જાણીજોઈને અરુચિકર અથવાતો ઉશ્કેરીજનક લખાણ ઓનલાઈન પોસ્ટ કરે જેનો હેતુ કોઈકને પરેશાન કરવાનો અથવાતો તેમને ક્રોધપૂર્ણ જવાબ આપવા માટે મજબૂર કરવાનો હોય છે.”

આ વાત હતી પાંચથી છ વર્ષ જૂની.પરંતુ ત્યારબાદ જમાનો એટલો બધો બદલાઈ ગયો કે હવે ફ્ક્ત કોઈ વ્યક્તિની ટીકા જ નહીં પરંતુ તેની અણગમતી વાત કરીએ તો પણ તે આપણા પર ટ્રોલ હોવાનું લેબલ મારી દેતી હોય છે. તો ઘણીવાર કોઈ ચર્ચાનું પોતાને ગમતું પરિણામ લાવવું હોય તો પણ કોઈ વ્યક્તિને ટ્રોલ કહી દેવાનો આજકાલ રીવાજ પડી ગયો છે. ટૂંકમાં કહીએ તો આ અડધા દશકમાં ટ્રોલ એટલે શું તે સવાલનો આખેઆખો જવાબ જ બદલાઈ ગયો છે.

હવે હાલમાં થયેલા જ એક બનાવની વાત કરીએ. તન્વી અનસ સિદ્દીકીએ પોતાનો પાસપોર્ટ રિન્યુ કરાવવા જે હરકત કરી તેનાથી એક નિર્દોષ પાસપોર્ટ ઓફિસરને ભોગવવું પડ્યું અને તેમની ટ્રાન્સફર થઇ ગઈ. Twitter પર ભાજપ સમર્થકોએ પણ આ અન્યાય સામે બુમરાણ મચાવી. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને આ લોકોએ ભારપૂર્વક તન્વીના મામલામાં કાચું કપાયું હોવાનું કહ્યું. સુષ્મા સ્વરાજ એ સમયે વિદેશ હતા અને પરત આવ્યા ત્યારે તેમણે Tweet કરી અને કહ્યું કે,”હું તો વિદેશ હતી એટલે અહીં આવું બધું થઇ ગયું એની મને ખબર નહોતી. આ દિવસો દરમ્યાન મને ઘણા બધાની ફરિયાદો મળી છે અને એ તમામ Tweets હું લાઈક કરી રહી છું.”

દેશના વિદેશમંત્રીને જો પોતાની ગેરહાજરીમાં પોતાના ખાતામાં શું થાય છે તેની ખબર ન હોય તો એના જેવા બેજવાબદાર વ્યક્તિ બીજો કોઈજ ન હોઈ શકે. પ્લસ સુષ્મા સ્વરાજની એ Tweetમાં તેમનો અહમ ઘવાયો છે એવું સ્પષ્ટ દેખાતું હતું. એમણે વળી તન્વીના પાસપોર્ટ મામલે એમની ઘોર ટીકા કરનારાઓની Tweet અગાઉ કહ્યા મુજબ Like પણ કરી જેનાથી એમનો અહમ ઘવાયો છે એની પુષ્ટિ થઇ અને તેઓ કદાચ બદલાની ભાવનાથી એ યુઝર્સ વિરુદ્ધ કોઈ પગલું ભરે એવું પણ લાગ્યું.

આથી ફરીથી ભાજપના સમર્થકોએ બૂમાબૂમ કરી અને ભલે પોતાના પ્રિય પક્ષના વરિષ્ઠ નેતા અને કેન્દ્ર સરકારમાં વિદેશમંત્રી હોય પરંતુ તેમણે સુષ્મા સ્વરાજના અભિમાની અભિગમની ખબર લઇ નાખી અને એમની કડકમાં કડક શબ્દોમાં ટીકા કરી. ભાજપ અને અન્ય પક્ષોના સમર્થકોમાં આ તાત્વીક ફરક છે કે તેઓ ભલભલા ચમરબંધીને પણ નથી છોડતા, વડાપ્રધાનને પણ નહીં જો તેમની ભૂલ હોય તો.

પરંતુ ભાજપ સમર્થકોની આ સાફબોઈને ભાજપના વિરોધીઓ જે સુષ્મા સ્વરાજના અત્યારસુધીના તેમણે કરેલા અદભુત કાર્યોની ક્રેડિટ આપવામાં પણ ઓસંખાઈ જતા હતા એમને અચાનક જ એવું લાગવા લાગ્યું કે ભાજપના સમર્થકોએ બિચારા સુષ્મા સ્વરાજને ટ્રોલ કર્યા છે. આવું એ લિબરલ અને વામપંથી પત્રકારોએ જાહેર કર્યું જે દિવસ-રાત Twitter પર પડ્યા એવમ્ પાથર્યા રહે છે. બસ એમનું જોઇને આપણા ગુજરાતી વરિષ્ઠ લિબરલ પત્રકારોએ પણ ગુજરાતીમાં પ્રચાર શરુ કર્યો કે “જુઓ જુઓ ભાજપના સમર્થકોએ પોતાના જ નેતાને ટ્રોલ અને એબ્યુઝ કર્યા.”

હવે આમાંથી તો ભાજપ ખુદ એક આખી ટ્રોલ સેના ચલાવે છે અને આ એ જ લોકો છે જે સ્વતંત્ર વિચાર ધરાવતા લોકોને કાયમ હેરાન કરતા હોય છે વગેરે વગેરે જેવી થિયરીઓ પણ એ લોકો બહાર લાવીને મુકવા લાગ્યા. ટૂંકમાં કહીએ તો ભાજપના સમર્થકોએ સુષ્મા સ્વરાજની દેખીતી ભૂલ બદલ એમનો કાન ખેંચ્યો જે કોઇપણ જાગૃત નાગરિકની ફરજ છે, વિરોધીઓએ તેને ટ્રોલ જેવું નામ આપીને છેવટે તો પોતાનો જ ફાયદો અંકે કરી લીધો.

હવે પરત થઈએ પેલી ટ્રોલ અંગેની વ્યાખ્યા પર. અહીં જે વ્યક્તિઓને ટ્રોલ કહીને બદનામ કરવાની કોશિશ થઇ રહી છે એમાંથી કોઈએ પણ પેલી ટ્રોલની વ્યાખ્યા અનુસાર સુષ્મા સ્વરાજ વિરુદ્ધ અરુચિકર કે ઉશ્કેરીજનક વાત કરી હતી? (ગામ હોય ત્યાં ઉકરડો તો હોય જ એટલે અમુક ટકા એવા લોકો હશે એવું માની પણ લઈએ) કે પછી એમણે સુષ્માજીને પરેશાન કરીને એમને ક્રોધપૂર્ણ જવાબ આપવા માટે મજબૂર કર્યા હતા ખરા? શું કોઈ મંત્રીને ફરજચૂક પર નુક્તેચીની કરવી એ ટ્રોલ કરવું હોય તો છેલ્લા ચાર-ચાર વર્ષથી આ જ લિબરલો અને વામપંથીઓ નરેન્દ્ર મોદી સરકારના સારા કાર્યોની પણ ચોવીસ કલાક જે ટીકાઓ કરે રાખે છે એપણ ટ્રોલીંગ જ કહેવાયને? તો એ બધા ટ્રોલ કહેવાય?

બીજું સુષ્મા સ્વરાજે એમની ટીકા કરતી Tweetsથી પ્રભાવિત થઈને ક્રોધપૂર્ણ નહીં પરંતુ અભિમાનપૂર્ણ જવાબ આપ્યો હતો એટલે ટ્રોલ અંગેની આ વ્યાખ્યાનો બીજો ભાગ પણ અહીં ખોટો સાબિત થાય છે. ઉલટું સુષ્મા સ્વરાજના એ વલણથી અમુક ભાજપના સમર્થકોને જ સહન કરવાનું આવ્યું હતું કારણકે સુષ્માજીએ એમને આ ઘટના બાદ ઘણા ભાજપ સમર્થકોને Twitter પર બ્લોક કરી દીધા હતા.

આનો મતલબ એમ છે કે આપણને ખરેખર ટ્રોલ કરવું એટલે શું એની ખબર જ નથી. આપણી વાતને કોઈ નામંજૂર કરે તો આપણે તે વ્યક્તિને ટ્રોલ કહી દઈએ છીએ, કદાચ આપણને આ શબ્દ ફેશનેબલ લાગે છે એટલે એનો છૂટથી વપરાશ કરીએ છીએ? હાલમાંજ ફેસબુક પર એક પત્રકાર કમ કવિ મિત્રએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ કટાક્ષ કરતી પોસ્ટ મૂકી તો એના જવાબમાં એમની પોસ્ટ પર એક મિત્રએ કટાક્ષસભર કમેન્ટ કરી તો પેલા પત્રકાર કમ કવિ મિત્રએ એમને ટ્રોલ જાહેર કરી દીધા. આ બંદાની કટાક્ષસભર કમેન્ટ પણ તેઓ પચાવી ન શક્યા એટલે મારી ભાષાના નીચે ઉતરી ગયેલા સ્તરની ચિંતા કરીને એમણે મને અનફ્રેન્ડ કરી દીધો!

મતલબ સાફ છે જે લોકો પોતાના વિરોધીઓને અસહિષ્ણુ કહીને બદનામ કરે છે, ખરેખર તો એલોકો ખુદ અસહિષ્ણુતાના કીચડથી ખદબદે છે.

ટ્રોલ કરવાની પણ એક મજા છે, પરંતુ એ અસત્ય બોલતા વ્યક્તિને ખુલ્લો પાડવા માટે હોય તો જ અથવાતો નિર્દોષ ભાવનાથી કરવામાં આવે તો જ. હું પણ મારા સિલેક્ટેડ ટાર્ગેટ્સને Twitter પર ટ્રોલ કરતો હોઉં છું, પરંતુ ભાષાની મર્યાદા તેમજ એ વ્યક્તિના સ્વમાનની મર્યાદા ચૂક્યા વગર અને હળવી તેમજ કટાક્ષસભર ભાષામાં. તેમ છતાં મને Twitter પર ઘણા જાણીતા લિબરલો, પત્રકારો અને વામપંથીઓએ બ્લોક કર્યો છે. કદાચ હું એમની કક્ષાનો ટ્રોલ નહીં લાગ્યો હોઉં એવું બને.

ટૂંકમાં જેમ દરેક ચીજોમાં બને છે તેમ મારો ફાયદો હોય ત્યાં હું કોઇપણ વ્યાખ્યાને તોડી અને મરોડી નાખું તો ચાલે પણ તારે તો કાયમ કાયદામાં જ રહેવાનું અને જો તું એમ ન કરે તો તું ટ્રોલ એવી લિબરલ માનસિકતાએ ટ્રોલ એટલે શું તેની વ્યાખ્યા સમૂળગી બદલી નાખી છે.

આચારસંહિતા

ટ્રોલ અને દ્વેષીઓ તમને તમારા લક્ષ્યથી ભટકાવનારા વ્યક્તિઓ જ છે. જ્યારે તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી લ્યો છો ત્યારે ટ્રોલ એ દ્વેષીઓ માત્ર ભુલાઈ જ નથી જતા પરંતુ તેઓ દુનિયાના સહુથી મોટા મૂર્ખ પણ સાબિત થતા હોય છે.

કેલિન ગોવ, લેખિકા, સ્ક્રિન રાઈટર, પ્રોડ્યુસર, ડિરેક્ટર અને સ્પિકર

eછાપું

૨૯.૦૬.૨૦૧૮,ગુરુવાર

અમદાવાદ

તમને ગમશે: પેડમેન: ભારતની સ્ત્રીઓ ત્યારે જ આઝાદ ગણાશે જ્યારે …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here