ટેકાના ભાવો વધારીને સરકાર ખેડૂતો ની આવક બમણી કરી શકશે ખરી?

0
466
Photo Courtesy: indianexpress.com

તમને ખ્યાલ તો હશે જ, અને જો ન હોય તો જણાવી દઉં કે ભારત સરકારે આ વખત 2018-19ના બજેટમાં ખેતી અને ખેડૂતો પર વિશેષ ધ્યાન આપવાની જાહેરાત કરી હતી. તે અંતર્ગત નાણામંત્રી અરુણ જેટલીએ જાહેરાત કરી હતી કે ૨૦૨૨ સુધી ખેડૂતોની ઇન્કમ બેગણી કરવાનું હાલની NDA સરકારનું મિશન છે.

ઉપરાંત જો છેલ્લે થયેલી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’માં પણ આ વાતને વાગોળવામાં આવી હતી. આ મિશનના ભાગરૂપે સરકારે ગઈકાલે અમુક ચોક્કસ ખેતપેદાશો જેવી કે ડાંગર અને અન્ય ખરીફ પાકના મીનીમમ સપોર્ટીંગ પ્રાઈઝ (MSP) એટલે કે ન્યુનતમ ટેકાના ભાવમાં રૂપિયા 200 પ્રતિ ક્વિન્ટલનો વધારો કર્યો છે. એટલે જે ભાવ 1550 રૂપિયે ક્વિન્ટલ હતો તે વધીને અંદાજે 1750 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થશે.

Photo Courtesy: indianexpress.com

એક વાત અહી કરવા જેવો સવાલ એ છે કે ટેકાના ભાવોમાં અમુક ચોક્કસ લીમીટ કરતા વધારે વધારો કરીને ખેડૂતો ની આવક બમણી કરવાનો સરકારનો પ્રયત્ન વ્યાજબી છે કે નથી? તો એક વાત ખાસ જાણવા જેવી છે ભારતના અર્થતંત્ર અને એની ગતિવિધિઓની નોંધ વિશ્વ લેવલ પર લેવાય છે. કારણ કે લગભગ બે ત્રણ મહિના પહેલા USDA એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરના મીનીસ્ટર ટેડ.એ. મેક્કીન્નીએ કહ્યું હતું કે, “ટેકાના ભાવોમાં કરવામાં આવતો વધારો એ અમુક ચોક્કસ હદ પછી ખેડૂતોની આવક વધારવાના ઉપાય તરીકે કારગત નહિ નીવડે”.

આ વાત સાથે ઘણાખરા અંશે હું સંમત છું. કારણ કે જ્યારે દેશ ચલાવવાની વાત હોય ત્યારે અર્થતંત્રમાં પૈસા એ એક મોટું સાધન અને સંશાધન હોય છે. ઉપરાંત ભારતે વિવિધ પ્રોજેક્ટ્સ માટે બીલીયન્સ ઓફ ડોલર્સ વર્લ્ડ બેંક અને AIIB પાસેથી ઉધાર લીધેલા છે. જો આવા સમયે અમુક ચોક્કસ લીમીટ કરતા ટેકાના ભાવોમાં વધારો કરવામાં આવશે તો એની સીધી અસર સરકારી તિજોરી પર પડશે અને પછી બીજી બાજુ કદાચ મોંઘવારી વધવા પામે તો ખેડૂતો પાછા ઠેરના ઠેર આવીને ઉભા રહે.

તો આવા વખતે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા એક ખેડૂતપુત્ર તરીકે મેં જે જોયેલું છે તેની વાત કરું તો, સામાન્યરીતે મુખ્ય પ્રોબ્લેમ મને લાગે છે તે એ છે કે ગામડાના ખેડૂતો પાકની લણણી કર્યા બાદ એને તરત જ વેચવા માટે બંધાયેલા છે. જો તેઓ આમ ન કરે તો અનાજ બગડી જવાની સંભાવના રહેલી હોય છે. ઘણીવાર તો વચેટિયા વેપારીઓ છેક ખેતરમાં આવીને ત્યાંથી જ સીધું અનાજ ખરીદી લેતા હોય છે. મોટાભાગના ગામડાના ખેડૂતો, જે ટેકનોલોજી અને સરકારની ગતિવિધિઓથી અજાણ હોય છે એમની અજ્ઞાનતાનો લાભ આ વચેટિયા વેપારીઓ લઇ જતા હોય છે. ટેકાના ભાવ કરતા પણ ખાસા ઓછા ભાવે એમનું અનાજ ખરીદી લે છે, અને ખેડૂતો પણ પોતાને ત્યાં સંગ્રહ કરી રાખવાના બદલે અનાજ જેમ બને તેમ જલ્દી વેચવાનું ઉચિત સમજે છે.

વચેટિયા વેપારીઓ સ્માર્ટ રમત રમતા હોય છે. તેઓ જાણે છે કે એમની પાસે ભેગું થયેલું જથ્થાબંધ અનાજનો ભાવ અત્યારે સીઝનમાં તો વધારે નહીં જ મળે. કારણ કે ડીમાંડ સામે સપ્લાય ખુબ વધારે માત્રામાં હોવાથી અમુક લીમીટ કરતા ભાવો વધવાના નથી. એટલા માટે તેઓ સંગ્રહખોરી કરે છે અને જ્યારે બજારમાં એ અનાજની અછત સર્જાય ત્યારે ઊંચા ભાવે સંગ્રહ કરેલું અનાજ વેચવા કાઢે છે.

હજીયે મેં જે ગામડા જોયેલા છે ત્યાં કોઇપણ ખેડૂત ‘ઈ-નામ’ (એટલે કે સરકાર દ્વારા ચાલુ કરાયેલ ઓનલાઈન નેશનલ અગ્રીકલ્ચરલ માર્કેટ) મારફતે પોતાનું અનાજ વેચતો નથી. ક્યાંક તો એને આ વિષે ખબર નથી અથવા તો ઓનલાઈનના ચક્કરમાં પડવા કરતા પોતાના ‘ભરોસાપાત્ર’ વચેટિયા વેપારીને અનાજ વેચી દેવામાં ભલાઈ સમજે છે. એક અંદાજ મુજબ માત્ર 6% ખેડૂતો જ પોતાની ખેતપેદાશો ટેકાના ભાવોએ વેચે છે, જ્યારે બાકીના ખેડૂતોની આવક વચેટિયા વેપારીઓ ખાઈ જતા હોય છે.

આ બધામાં એ કડી જે મિસિંગ છે એનું નામ છે ‘અવેરનેસ ડ્રાઈવ’.ચાલુ સરકાર જ નહીં, ભારતમાં અત્યાર સુધી જેટલી સરકારો આવી અને ગઈ એ બધી સરકારોએ ખેતી પર બેશક વધારે ધ્યાન આપ્યું જ છે એમાં કોઈ બેમત નથી. પરંતુ પોતે જેટલી યોજનાઓ બનાવે છે એ બધી યોજનાઓ શું છેવાડાના ગામડાના એક સામાન્ય ખેડૂત સુધી પહોચે છે? આ સવાલનો જવાબ ચાલુ સરકાર પાસે પણ નહીં હોય એની ગેરંટી!

ટેકાના ભાવો વધારવા કરતાં ‘સોઇલ હેલ્થ કાર્ડ યોજના’થી જમીનના પોષકતત્વોની ચકાસણીથી માંડીને ‘ઈ-નામ’ પર પોતાની ખેતપેદાશો સીધી જ સરકારને વેચવા સુધીની અને જો પાક નિષ્ફળ જાય તો ‘પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના’થી મળતા લાભો સુધીની તમામ યોજનાઓની જાણકારી પ્રત્યેક ગામના પ્રત્યેક ખેડૂતને પહોચે એવા પ્રયત્નો સરકાર તરફથી જો થાય તો મોટાભાગની ખેતી અને ખેડૂતને સંબંધિત સમસ્યાઓ ઉકેલી શકાય તેમ છે. ખાસ કરીને ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં તો આ વાત સરકારે ગંભીરતાથી લેવી જ જોઈએ.

તમામ યોજનાઓની માહિતી ગ્રામ્ય સ્તર સુધી પહોચાડવા માટે પંચાયત અહી અગત્યનો ભાગ ભજવે છે. આપણે ત્યાં સ્ટ્રકચરલ સુવિધાઓ તો ઘણી જ છે, પરંતુ એનું યોગ્ય અને અસરકારક રીતે સંચાલન અને દેખરેખ થવી જોઈએ તેનો અભાવ છે. સરકારે ખાસ યોજના જાગૃતિ માટે ‘ગ્રામસેવક’ કરીને એક પોસ્ટ બનાવી છે જેને સોંપાયેલું કામ જ આ છે કે તે સરકારની તમામ યોજનાઓ વિષે ગામના લોકોને સભા ભરીને જાગૃત કરાવે. પરંતુ મોટાભાગના ગામડાઓના લોકોને એ જ ખબર નથી હોતી કે પોતાના ગામનો ગ્રામસેવક કોણ છે?!

લોન માફ કરી દેવાથી કે પછી લોનના વ્યાજ માફ કરી દેવાથી જો ખેતીની પરિસ્થિતિ સુધરતી હોત તો અત્યાર સુધી સુધરી ચુકી હોત. પરંતુ એ બધી ‘ચુનાવી સ્ટ્રેટેજીઝ’થી ખેડૂતો ની આત્મહત્યાઓ રોકી શકાશે નહીં એ વાત સરકાર બરાબર જાણી લે.

આચમન :- “આજનો ખેડૂત વાતાવરણની વધતી જતી વિષમતા સામે સામી છાતીએ લડીને, ધરતી ફાડીને જ્યારે અનાજ પેદા કરતો હોય ત્યારે એના એ પ્રગાઢ પરિશ્રમને માટે યોગ્ય અને પુરતું વળતર મળી રહે તે માટે સરકારે સમજવું પડશે કે ‘માત્ર યોજનાઓ બનાવવાથી જ ખેતી સમૃદ્ધ થઇ જવાની નથી. પરંતુ એ યોજનાઓનો ગ્રાસ રૂટ સ્તર પર અમલ થવાથી તેમ થઇ શકશે”              

eછાપું 

તમને ગમશે: ટીકા – સ્વીકારવી એ ભૂલ કે પછી એને અવગણવી એ ભૂલ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here